લગ્નેતર સંબંધનું સાયંસ Bhupendrasinh Raol દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લગ્નેતર સંબંધનું સાયંસ

લગ્નેતર સંબંધનું સાયંસ

એક સર્વે મુજબ અમેરિકામાં ૨૦ થી ૪૦% પુરુષો અને ૨૦ થી ૨૫% સ્ત્રીઓ લગ્નેતર સંબંધો ધરાવે છે. ૪૨ બીજા એવા સમાજોમાં સર્વે કરતા આવા સંબંધો સામાન્ય જણાયા હતા. અરે! જ્યાં લગ્ન બહારના સંબંધો ને કારણે પથ્થર મારી મોતની સજા ફટકારવામાં આવે છે ત્યાં પણ લગ્ન સિવાયના સંબંધો મોતની પરવા કર્યા વગર સ્ત્રીઓ પણ બાંધે છે. આવા સમાજોમાં પુરુષોને છૂટ હોય છે. મનોગમસ ગણાતા પક્ષીઓ પણ વંશવેલા માટે ખાનગીમાં એક્સ્ટ્રા પેર બનાવતા હોય છે. લગભગ મોટાભાગના સ્તનધારી પ્રાણીઓ પોલીગમસ છે. Sexual betrayal is wide spread in nature. માટે હવે મનોગમી એક સામાજિક વ્યવસ્થા ગણવામાં આવે છે.

એન્થ્રોપોલોજીકલ અને અર્કીયોલોજીકલ પુરાવા બતાવે છે કે ઉત્ક્રાન્તિના ઇતિહાસમાં માનવજાત પોલીગમસ રહી છે. હવા, પાણી અને ખોરાકની જેમ વંશ આગળ વધારવો તે કુદરતે જિન્સમાં મૂકેલી વૃત્તિ છે. વંશ કઈ રીતે આગળ વધારવો તે માટે માનવ જાતને લાખો વર્ષના વિકાસના ક્રમમાં પોલીગમી મળી છે. પોલીગમીમાં બહુપત્ની, અને બહુપતિ બંને આવી જાય તે ભૂલતા નહિ. તિબેટ, લડાખ, નેપાળ, ભારતના અમુક વિસ્તારની ખાસ જાતિઓ, આફ્રિકાના મસાઈ વગેરેમાં બહુ પતિત્વ ચાલે છે. એક સ્ત્રી અનેક પતિ. ત્યાં તેવી બહુપતિ ધરાવતી સ્ત્રીઓને કોઈ વૈશ્યા સમજતું નથી. દ્રૌપદીને પાંચ પતિ હોવા છતાં સતી કહેવામાં આવે છે. ભારતમાં મોટાભાગે પોલીગમી સમાજ હતા. હમણાં ૧૦૦ કે ૫૦ વર્ષોથી મનોગમી પ્રચલિત થઈ છે. એકને પાલવવાનાં ફાંફાં હોય ત્યાં બેને કઈ રીતે પાલવવાની? મુખ્ય કારણ આ છે અને બીજું કારણ કાયદા. લગ્ન, ડિવોર્સ, પુનર્લગ્ન એ રીતે પોલીગમી ચાલુ જ છે. એક્સ્ટ્રા મેરીટલ પણ એકજાતની પોલીગમી જ થઈ.

વંશવેલો આગળ વધારવો, પણ મજબૂત વધારવો તે કુદરત ઇચ્છતી હોય છે. અને વંશ પેદા કર્યા પછી તેને જીવતો રાખવો પડે તો જ હેતુ સફળ થાય. માટે આખાયે પ્રાણી અથવા સજીવ જગતમાં બે નર એક માદા માટે હરીફાઈ કરતા હોય છે જે જીતે તે ભોગવે. માદા પણ જીતનારની રાહ જોતી હોય છે. જેની ઈમ્યુન(રોગ પ્રતિકાર શક્તિ) સિસ્ટિમ સારી હોય તેના દ્વારા આગળ વધેલો વંશ સારો હોય તે સ્વાભાવિક છે. ઈમ્યુન સિસ્ટમનાં જિન્સનું જૂથ દરેકમાં યુનિક હોય છે. તેવી રીતે તેની ગંધ પણ યુનિક હોય છે. જેમ ફિંગર પ્રિન્ટ લગભગ બધાની સરખી દેખાય છે પણ હોતી નથી. નિષ્ણાત તેને પકડી પાડે છે. અરે એક જ માનવીના બે અંગૂઠાની છાપ પણ સરખી હોતી નથી. કુદરતે દરેક માનવીને યુનિક બનાવ્યો છે. તેવી રીતે દરેક માનવની ગંધ સરખી લાગતી હોય, પણ સરખી હોતી નથી. સરખાપણું હોય સરખી ના હોય. જેટલી વિરુદ્ધ પ્રકારની ગંધ હોય, જેટલી ગંધ ડીફરન્ટ હોય તેટલી ઈમ્યુન સીસ્ટમ પણ ડીફરન્ટ હોય. બે ડીફરન્ટ ઈમ્યુન સીસ્ટમ ભેગી થઈને મેટિંગ કરીને વંશ પેદા કરે તેટલો ચાન્સ વંશને બચવાનો વધારે. નવા વંશ પાસે પણ જોરદાર ઈમ્યુન સીસ્ટમ ઊભી થવાની. નવી ગંધ પેદા થવાની. ગંધ એટલે ગંધ,ના સુગંધ ના દુર્ગંધ. આમ ચક્ર ચાલુ રહે તેવું કુદરત ઇચ્છતી હોય છે. બસ વિરુદ્ધ પ્રકારની ડીફરન્ટ ગંધ ક્યાંક સંપર્કમાં મળી જાય ઇવલૂશનરી ફોર્સમાં ખેંચાઈ જાઓ અને હાલની લગ્ન વ્યવસ્થા દ્વારા મનોગમી અસ્તિત્વમાં છે માટે કહેવાય બેવફાઈ. તે થયો લગ્નેતર સંબંધ. જે સ્ત્રીઓ પહેલા ટેવાયેલી હતી પોલીગમીથી તેમને એમના પતિ બેવફા લગતા નહોતા. બહુપતિત્વ ધરાવતા સમાજોમાં પતિદેવોને એમની પત્નીઓ બેવફા લાગતી નથી.

સ્ત્રીઓની પહેલી પસંદગી હાઈ સ્ટેટસ અને પુષ્કળ રીસોર્સીસ હોય છે, કારણ વંશને સારી રીતે ઉછેરી શકાય. સાથે સાથે સ્ટ્રોંગ જિન્સ પણ એટલાજ જરૂરી છે. એક બીજો ટીશર્ટ સર્વે પણ એવો છે કે કેટલાક પુરુષોને એકના એક ટીશર્ટ ત્રણ દિવસ પહેરી રાખવાનું જણાવેલું. પછી જુદી જુદી સ્ત્રીઓને આ બધા ટીશર્ટ સૂંઘીને મેટિંગ માટે કયો પુરુષ યોગ્ય છે તે જણાવવાનું સૂચવેલું. કોઈ સ્ત્રી એકબીજાને જાણતી નહોતી કે પુરુષોને પણ જાણતી નહોતી. છતાં દરેક સ્ત્રીએ હાઈ લેવલ ટેસ્ટાસ્ટેરોન મેલ હાર્મોન્સ ધરાવતા પુરુષને પસંદગી આપેલી. એટલે જ્યારે કોઈ સ્ત્રીને આવી હાઈ લેવલ ટેસ્ટાસ્ટેરોન ધરાવતા પુરુષની ગંધ આવી જાય અને ઈવલૂશનરી ફોર્સ આગળ લાચાર બની જાય તો થયો હાલનો કહેવાતો લગ્નેતર સંબંધ. તો આ થયું ગંધ સુગંધનું મહત્વ એક્સ્ટ્રા મેરીટલ સંબંધોમાં. પથ્થર મારી મારીને મોત મળવાનું છે તેવું જાણતી હોવા છતાં સ્ત્રીઓ ઇવલૂશનરી ફોર્સ આગળ લાચાર બની જતી હોય છે.

બીજા કારણોમાં અસલામતી અનુભવવી, અવહેલના, એડીક્સન, વાસ્તવિકતાથી દૂર ભાગવું અને સમાજથી ગૃપથી વખુટા પડી જવું એવા અનેક માનસિક કારણો લગ્નેતર સંબંધો તરફ દોરી જતા હોય છે. મૈ તુલસી તેરે આંગનકી પણ એક પ્રકારનો એક્સ્ટ્રા મેરીટલ સંબંધ જ કહેવાય. બીજો એક વરવો પ્રકાર પણ જોવા મળતો હોય છે, સમાજમાં બદનામ થઈ જવાનો ડર હોય ત્યારે લોકો ધર્મના ભાઈ બહેન બની એક્સ્ટ્રા મેરીટલ સંબંધો ચલાવતા હોય છે તેવું પણ જોયું છે, બધા આવું ના કરતા હોય તે પણ સાચું છે.

એક મહત્વનું કારણ બરોડા હાઈસ્કૂલ અલકાપુરીનાં એક શિક્ષક મિત્રે એમના સ્ટાફ રૂમમાં થયેલી ચર્ચા મુજબ જણાવેલું. કે પુરુષ એની જાતીયતાનો આવેગ સહન કરી શકતો નથી. અને એમની પત્નીઓને આ ખબર હોય છે. એટલે સ્ત્રીઓ એમના પતિદેવોને કોઈ કારણવશ સજા આપવી હોય તો રૂટિન સંસર્ગ એક યા બીજા બહાને કરવા દેતી નથી. સ્ત્રી પુરુષને મારી શકતી નથી, કે ઊઠબેસ કરાવી શકતી નથી. માટે એની પાસે આ મોટું શસ્ત્ર છે, સજા કરવાનું. સંસર્ગ કરવા દેવો નહિ, ક્યાં જવાના હતા? એમના કહેવા મુજબ આ યુનિવર્સલ રોગ છે. બહુ ખાનગી છે, નિતંબ દાઝ્યો કોને કહે? હવે ભૂખ્યો માણસ ઘેર ડબા ફંફોસે પણ કશું ના મળે તો બહાર ભજિયા ખાઈ આવે તેવું થયું.

વળી સુંદરતા, બુદ્ધિ અને બેવફાઈને અંદરોઅંદર સંબંધ હોય છે. શારીરિક આકર્ષક લોકો બુદ્ધિશાળી હોય છે. જીનેટીકલી હેલ્ધી લોકો એક તો વધારે સુંદર અને આકર્ષક હોય છે. વધારે બુદ્ધિશાળી હોય એટલે ધંધો પાણી નોકરી વગેરે વધુ સારી રીતે કરીને વધારે ધન કમાતા હોય. એમની પાસે વિપુલ ભંડારો હોય. જેની પાસે વિપુલ ભંડાર હોય તેની તરફ સુંદર સ્ત્રીઓ વધારે આકર્ષિત થવાની. આમ બંને જોડી વધારે સુંદર , વધારે આકર્ષક અને બુદ્ધિશાળી હોય તો સંતાનો વધારે સુંદર અને આકર્ષક અને બુદ્ધિશાળી પેદા થવાના જે વારસાગત છે. આ ચક્ર આગળ વધતું જાય તેમ ફીજીકલ આકર્ષકતા, બુદ્ધિ અને સુંદરતાનો સરવાળો નવી પેઢીમાં ગુણાકાર સાથે થાય.

ધ નેશનલ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ સ્ટડી(NCDS) ઇંગ્લૅન્ડ, વેલ્સ, સ્કોટલેંડમાં એક સર્વે કરવામાં આવેલો. ૭ થી ૧૧ વર્ષની વયના બાળકોને એમાં સમાવી લેવામાં આવેલા. એમાં માલૂમ પડ્યું હતું કે આકર્ષક બાળકો વધારે બુદ્ધિશાળી માલૂમ પડેલા હતા. આકર્ષક બાળકોનો IQ -૧૦૪.૨૩ અને અનાકર્ષક બાળકોનો IQ -૯૧.૮૧, તફાવત ૧૨.૪૨ હતો. જેમ શિક્ષણ સાથે બુદ્ધિનો સંબંધ હોય છે તેમ આકર્ષકતા સાથે પણ બુદ્ધિનો સંબંધ હોય છે. આવો જ પ્રાયોગિક સર્વે સ્ત્રી અને પુરુષોમાં પણ કરવામાં આવેલો. આકર્ષક સ્ત્રીઓનો IQ -૧૦૩.૬૪ અને અનાકર્ષક સ્ત્રીઓનો IQ -૯૨.૨૫. તફાવત ૧૧.૩૯. આકર્ષક પુરુષોનો IQ-૧૦૫.૦૦ અને અનાકર્ષક પુરુષોનો IQ-૯૧.૩૯ તફાવત ૧૩.૬૧.

જોકે આ બધી ઇવલૂશનરી સાયકોલોજીની થિયરી છે, એમાં તથ્ય જરૂર હોય છે. બીજું સુંદરતા અને આકર્ષકતાના માપદંડ જુદા જુદા હોય છે. ધોળી ચામડી એટલે સુંદર એવું માની ના લેવાય. જોકે ઉપરના સર્વેમાં ચામડીનો રંગ ગણવામાં આવ્યો ના હોય તે સ્વાભાવિક છે. ભારતમાં હજુ ધોળું એટલે સુંદર એવું મનાતું હોય છે પરદેશોમાં હવે ચામડીના રંગને કોઈ ગણતું નથી. રૂપની વ્યાખ્યા પણ દરેક જગ્યાએ જુદી જુદી હોય છે. સ્થળ અને કાળ પ્રમાણે બદલાતી જતી હોય છે. દક્ષિણ ભારતમાં અભિનેત્રીઓ તગડી હોય છે જ્યારે બોલીવુડની ૦ ફિગર.

હવે રૂપાળાં, આકર્ષક અને બુદ્ધિશાળી પુરુષ હોય એટલે કુદરતી રીતે સ્ત્રીઓ એમની પ્રત્યે વધારે આકર્ષિત થવાની. એટલે આ પુરુષો કહેવાતી વફાદારી આચરી શકતા નથી, એને ચીટીંગ કહી શકાય. એમની પત્નીના માપદંડ પ્રમાણે બેવફા અને ચીટીંગ કરતા જણાતાં હોય છે. કુદરતના નિયમ અને આપણે ઘડેલા નીતિનિયમો અલગ અલગ છે. ઇવલૂશનરી ફોર્સ નીતિ નિયમોને ગણતો નથી. જેમ કે ૯૦% પક્ષીઓ એકજ જોડી બનાવી સંતાનો પેદા હોય છે. પક્ષીઓ ખાસ પોલીગમસ હોતા નથી, મનોગમસ હોય છે. છતાં ૪૦% પક્ષીઓના બચ્ચાના પિતા જુદા હતા. એમની માતાએ કાયમ જે નર સાથે જોડી બનાવી હોય તે નરનાં નહોતા. જોકે આ નર હોશે હોશે પિતા તરીકેની ફરજ બજાવતો હોય છે. જીનેટીકલી આવું પુરવાર થયેલું છે. જ્યારે માનવજાત તો કુદરતી બહુગામી છે.

સ્ત્રીઓની સુંદરતા અને આકર્ષકતા સાથે બ્રેસ્ટ કપ સાઇઝ સંબંધ ધરાવતી હોય છે. એમાં પણ ઇવલૂશનરી ફોર્સ કામ કરી જાય છે. આવનાર બાળક માટે ખોરાકની વિપુલ સંભાવના અચેતન રૂપે જણાઈ આવે છે. એક સર્વે માટે જુદી જુદી કપ સાઈઝ સ્ત્રીઓ હાઈવે પર ઊભી રાખી લિફ્ટ માંગવા ઊભી રખાયેલી.

પુરુષવાહનચાલક- ૪૦ ઊભા રહ્યા ૨૬૮માંથી (Cup Size-A જોઈને)-૧૪.૯૨%થયા. ૪૬ ઊભા રહ્યાં ૨૫૬માંથી (Cup Size -B-જોઇને) -૧૭.૭૯% થયા. ૬0 ઊભા રહ્યાં ૨૫૦માંથી (Cup Size -C જોઇને)૨૪% થયા.

સ્ત્રીવાહનચાલક – ૧૨ ઊભા રહ્યા ૧૩૨માંથી(Cup Size-A જોઇને)-૯.૦૯% થયા. ૧૧ ઊભા રહ્યાં ૧૪૪માંથી (Cup Size -B જોઇને)-૭.૬૪% થયા. ૧૪ ઊભા રહ્યાં ૧૫૦માંથી (Cup Size -C જોઇને)-૯.૩૩% થયા.

ઉપરનો સર્વે શું જણાવે છે??? જેમ કપ સાઈઝ મોટી તેમ સ્ત્રી વધુ આકર્ષિત…

Dad or Cad?

પુરુષની પસંદગી વખતે સ્ત્રીઓ એનામાં શું ઇચ્છતી હશે? એનો જવાબ આશ્ચર્યજનક હોઈ શકે કોઈ સીધો ઉત્તર મળવો મુશ્કેલ છે. સામાન્યતઃ એવું કહેવાય છે કે પુરુષો સ્ત્રીની સુંદરતા પ્રત્યે વધુ ધ્યાન આપતા હોય છે અને સ્ત્રીઓ પુરુષના સામાજિક મોભા અને એની આર્થિક સ્થિતિ પ્રત્યે વધુ ધ્યાન આપતી હોય છે. મતલબ પૈસાવાળો અને સામાજિક રીતે મોભો ધરાવતો હોય તેવો પુરુષ પસંદ કરતી હોય છે. અને એમાં તથ્ય પણ છે. છતાં આ બાબત ગુંચવાડાભરી પણ એટલી જ છે. સંશોધકોને સ્ત્રી સેક્સુઅલ પાર્ટનર પસંદ કરે તે વખતે બે બાબતો મુખ્ય લક્ષમાં લેતી હોય છે તે ધ્યાનમાં આવી છે. એક તો આ રિલેશનશિપ શૉર્ટ-ટર્મ છે કે લૉન્ગ-ટર્મ અને બીજુ સ્ત્રી ગર્ભવતી થવા ઇચ્છે છે કે નહિ?

Parental Investment Theory મુજબ રિપ્રોડક્શન મતલબ સંતાન પેદા કરવા પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ માટે બહુ મોટી કિંમત માંગી લેતો પ્રોસેસ છે. એક તો નવ મહિના બાળકને પેટમાં રાખવું બહુ મોટી વાત છે. પુરુષને તો શું ? બેચાર મિનિટનો ખેલ છે પિતા બનવા માટે. બીજું પુરુષ પાસે અબજો સ્પર્મ હોય છે જ્યારે સ્ત્રી પાસે લિમિટેડ એગ્સ હોય છે, દર મહિને ફક્ત એક જ.. એટલે પાર્ટનર પસંદ કરવાનો આવે ત્યારે સ્ત્રી બહુ સિલેક્ટીવ બની જતી હોય છે. ભારતીય પારંપરિક લગ્નવ્યવસ્થા મુજબ પાર્ટનર પસંદ કરવાનું એના માથે હોતું નથી ત્યાં આ બધા રિસર્ચ કામના નથી. આપણા પૂર્વજો બહુ કઠોર પરિસ્થિતિમાં જીવતા હતા, ત્યારે સર્વાઇવલ અને રિપ્રોડક્શન બે મહત્વના ધ્યેય રહેતા. જીવતા રહો અને બાળકો પેદા કરો બે ધ્યેય મહત્વના.

સંખ્યાબંધ અભ્યાસ બતાવે છે menstrual cycle પ્રમાણે સ્ત્રીઓની પસંદ બદલાતી હોય છે. ફલદ્રુપતાની ટોચ પર હોય ત્યારે સ્ત્રી masculine અને સામાજિક રીતે આપખુદ પુરુષ પસંદ કરતી હોય છે જેને સાહિત્યની ભાષામાં “cads” કહેતા હોય છે, જેઓ ઝીણી આંખો, મજબૂત જડબા, પાતળા હોઠ ધરાવતા સેક્સી જણાતા પુરુષો હોય છે. આવા પુરુષો શોષણ પણ કરી શકે. Machiavellianism, psychopathy, and narcissism જેવા નક્ષત્રોના ઝૂમખા જેવા આ પુરુષો હોય છે. પણ આવા પુરુષો શૉર્ટ-ટર્મ રિલેશનશિપ માટે જ પસંદગી મેળવાતા જોવા મળ્યા હોય છે. જ્યારે less fertile phases વખતે સ્ત્રીઓ થોડા દયાળુ, થોડા સહ્રદયી જેને સાહિત્યની ભાષામાં “dads” કહેવાય તેવા હુંફાળા, વિશ્વાસુ પુરુષો પસંદ કરતી હોય છે. આવા પુરુષો લૉન્ગ-ટર્મ રિલેશનશિપ માટે વધુ યોગ્ય ગણાતા હોય છે.

Debra Zeifman અને Jennifer Ma નામની બે મનોવૈજ્ઞાનિકોએ એક રસપ્રદ અભ્યાસ કરેલો. આધુનિક જમાનામાં સ્ત્રીને બાળક મેળવવું હોય તો પુરુષ સાથે સંભોગ કરવો જ પડે તેવું ફરજિયાત નથી. Artificial insemination કૃત્રિમ શુક્રઆરોપણ દ્વારા પણ બાળક મેળવી શકાય છે. પશુપાલન કરતા મિત્રોને તો ખબર જ હશે કે આ પદ્ધતિ પશુઓ માટે જુની વાત થઈ ગઈ છે. પણ હવે સ્પર્મ ડૉનર દ્વારા સ્ત્રીઓ પણ બાળક મેળવી શકે છે. આમાં કોઈ પુરુષ સાથે રિલેશનશિપ રાખવાનો પણ સવાલ ઊભો થતો નથી. કે એ માટે કોઈ મહેનત કરવી પડે, કે કોઈ લાગણીભર્યા સંબંધો વિકસાવવા પડે. તો એવા સમયે સ્ત્રી કેવાં પુરુષને સ્પર્મ ડૉનર તરીકે પસંદ કરશે તે માટે ઉપરોક્ત બે મનોવૈજ્ઞાનિકોએ અભ્યાસ કરેલો.

પ્રથમ તો ભાગ લેનારી સ્ત્રીઓને પોતાનો એક “ideal man” નક્કી કરી લેવાનો હતો, જે એની હાઈટ, બૉડી ટાઇપ, વાળનો કલર, સ્કીન કલર, આકર્ષકતા, ઉંમર, ભણતર, એની આવક, જાતિ, ધર્મ, પોલિટિકલ વ્યુપોઈન્ટ વગેરે વગેરે દર્શાવતો હોય. બૉડી ટાઈપમાં એકવડા બાંધાનો(સ્લેન્ડર), ઍથ્લેટિક, સરેરાશ, થોડા જાડિયા એવું વર્ગીકરણ રાખવામાં આવેલું. ફિઝિકલ અપીલમાં બિલો ઍવરિજ, ઍવરિજ, અબવ ઍવરિજ, અને વેલ અબવ ઍવરિજ એવી કૅટિગરિ રાખવામાં આવેલી. બીજા ભાગમાં ૨૦ પ્રશ્નોના જવાબ આપવાનાં હતા. જેનાથી જવાબ આપનારી સ્ત્રીઓના મનમાં પુરુષની પસંદ બાબતે આકર્ષકતા વિષેના ખ્યાલના અંદાજ આવી જાય. આમાં નિષ્કર્ષ પર પહોચવાને માટે ચાર કૅટિગરિ હતી, ૧) good gene જે મજબૂત, ફિઝિકલ ફિટ, સેક્સી, અને ઇન્ટેલિજન્ટ પુરુષ સૂચવતા હોય, ૨) good resource જેમાં આવક સારી હોય, ભણેલા સ્નાતક, મહત્વાકાંક્ષી, સામાજિક મોભો, અને ઉંમરમાં મોટા હોય, ૩) good parenting જેમાં ઘર અને બાળકો પ્રત્યે ચાહના, બાળ ઉછેરમાં રસ ધરાવતા, સમજદાર, ઇમોશનલી સ્ટેબલ અને મેચ્યોર પુરુષો આવી જતા હોય, ૪) good partnering આમાં ખૂબ પ્રેમાળ, લૉયલ(વફાદાર), સંનિષ્ઠ, રોમૅન્ટિક, સમાધાનકારી સ્વભાવ ધરવતા પુરુષો આવી જાય.

તારણ એ નીકળ્યું કે સ્પર્મદાન લેવાનું હતું કોઈ લૉન્ગ-ટર્મ રિલેશન તો રાખવાના હતા નહિ તો સ્ત્રીઓએ good gene ઇન્ડિકેટ કરતા પુરુષ તરફ પહેલી પસંદગી ધરાવેલી. મતલબ ફ્યૂચર ચાઇલ્ડ માટે ફક્ત જિનેટિક કૉન્ટ્રિબ્યૂશન તરફ જ ધ્યાન રાખવાનું હોય તો સ્ત્રી પુરુષના ચારિત્ર્ય કરતા એની શારીરિક આકર્ષકતા તરફ વધુ ઢળતી હોય છે.

મારું સીમિત નિરીક્ષણ એવું કહે છે કે અમેરિકામાં સ્ત્રીઓ કાં તો બહુ નાની ઉંમરમાં માતા બની જતી હોય છે, કાં તો પછી બહુ મોટી ઉંમરે માતા બનવાનું પસંદ કરતી હોય છે. નાની ટીનેજર ઉંમરમાં વિચારશીલ બ્રેન બહુ કામમાં લેવાતું હોય નહિ ત્યારે બેસિક ઇવલૂશનરી ફોર્સ વડે પ્રેરાઈને નિર્ણય લેવાતા હોય ત્યારે બહુ નાની ઉંમરમાં માતા બનવાનું મન થાય ત્યારે Dad ને બદલે Cad હાથમાં આવી જવાની સંભાવના વધી જાય. જે ફિઝિકલી મજબૂત હોય, સેક્સી હોય, આપખુદ હોય. થોડા બેજવાબદાર પણ હોય. પછી રોજ જોડે રહેવાનું આવે ત્યારે કલેશ-કંકાસ વધી જાય. બીજું અહીં સ્ત્રી કમાતી ધમાતી છે પછી શું કામ વેઠે? પછી બ્રેક-અપ થઈ જવાનું. એમ અહીં સિન્ગલ મધર વધતી જાય છે. અથવા સ્ત્રીઓ એમની કારકિર્દી બનાવવા પાછળ મચી પડતી હોય ત્યારે સંતાન પેદા કરવા પોસાય નહિ. એમાં સ્થિર થાય પછી બાળકો પેદા કરવાનું વિચારાય.

ભારતમાં પણ બહુ નાની ઉંમરે પ્રેમમાં પડીને ભાગી જતી છોકરીઓના હાથમાં Dad ને બદલે Cad આવી જવાની સંભાવનાઓ વધી જાય તે સ્વાભાવિક છે. અરેન્જ મેરેજમાં સ્ત્રીઓને એમના લિમિટેડ એગ્સ માટે સારા જીન પસંદ કરવાની તક મળતી નથી તે પણ એટલું જ સત્ય છે.