એક બે દસકાનો પાડોશી સાવ પારકો થઈ ગયો :
રાતનો સમય હતો અને બહાર વરસાદ મન મૂકીને વરસી રહેલો. એના કડાકા – ભડાકા સાથે મારા ઘરમાં ચાલતી મહારાણા પ્રતાપ સીરીઅલના યુઘ્ઘનું કોમ્બીનેશન અદભુત હતું. હું લગભગ એના નશામાં ડૂબી ગયેલી, ઓતપ્રોત થઈ ગયેલી ત્યાં જ મારા કાનમાં ઝીણી ઝીણી વ્હીસલ વાગવા લાગી અને મારુ ‘સીરીઅલ ધ્યાન’ ભંગ થયું. માથાને હળવો ઝાટકો મારી જોયો. જગતના બહુ બધા ભ્રમની જેમ આ ‘વ્હીસલ’ પણ કદાચ મારો વહેમ હોઇ શકે ! પણ ના… એ હકીકત જ નીકળી. વરસાદની રીમઝીમ અને સીરીઅલની તલવારોની ઝમઝ્મ વચ્ચેથી રસ્તો કરીને મારા કાનને એ વ્હીસલનું અસલી કારણ જાણવાના રસ્તે લગાડ્યાં.
શોલે મૂવીનો એક અતિપ્રખ્યાત ડાયલોગ છે ને, ‘ સો જા બેટા, નહીં તો ગબ્બર આ જાયેગા.’ એ જ પ્રમાણે મારી શ્રવણશક્તિ માટે પણ અતિપ્રખ્યાત વાતો, કહાનીઓ છે,
‘શ.શ…ધીમેથી બોલ, એ તો દિવાલની આ પારની વાત પણ આસાનીથી સાંભળી જાય છે, એના કાનનો બહુ વિશ્વાસ ના કરવો. જોતી હોય કઈ બાજુ અને કાન કઈ બાજુ…બહુ ખતરનાક છે..વગેરે વગેરે..’’ આમ તો આ એક ગૌરવ લેવા જેવી વાત છે પણ એ જાહેર થઈ ગઈ છે એટલે મને પહેલાં લોકોની ખાનગી વાતો સાંભળી જવાનો પંચાતિયો રસ માણવા મળતો એ બંધ થઈ ગયો એનું દુઃખ થાય છે. પ્રસિધ્ધિ એની સાથે અનેકો તક્લીફો લેતી આવે એ આનું નામ !
વ્હીસલ સંભળાતી હતી, દિશા પકડાતી હતી પણ તકલીફ એ કે એ દિશામાં જોવા માટે મારે ઘરનું બારણું ખોલવું પડે અને બારણું ખોલીને દિશા શોધવામાં ‘ પકડાઈ જાય એ ચોર’ની જેમ આમાં ‘કોઇ જોઇ જાય એ પંચાતિયણ’ . પંચાત કરવામાં કોઇ મને જોઇ જાય તો મારી ‘પંચાતિયણ’ની છાપ વધુ ગહેરી થઈ જાય. કોઇ ના જોતું હોય એમ ગૂપચૂપ પંચાત કરવાની મજા જ અલગ હોય છે. વ્હીસલનો અવાજ વધુ ને વધુ તીવ્ર થતો જતો હતો હવે મારાથી એ અવાજ સહન નહતો થતો. અવાજ બહુ જાણીતો હતો પણ ખ્યાલ નહતો આવતો. સેન્સીટીવ કાનની આ મોટી તકલીફ !
ધીરેથી મેં બારણું ખોલ્યું ને દરવાજાની બહાર ડોકાચિયું કર્યું. બહાર કોઇ નહતું. વળતી પળે જ મેઁ મનને ટપાર્યું,’રે જીવ તું કંઇ કોઇનું ખૂન કરવા નથી જતો તો આમ સંકોચાય છે.’ અને મેં બહાદુરીથી ઘરનું બારણું ખોલીને બહારના પેસેજમાં આંટો માર્યો ને તરત મને ખ્યાલ આવી ગયો કે આ તો અમારી લિફ્ટનો અવાજ હતો જે અચાનક ખોટકાઈ ગયેલી અને અવાજ કરતી હતી. ઓફ્ફો, આ લિફ્ટ પણ. હમણાં જ તો એને રીપેર કરાવી છે ને પાછું શું થઈ ગયું ? આ બાજુવાળાને લિફટના દરવાજા જોરથી બંધ કરવાની બહુ ખરાબ ટેવ છે, વળી ચોથે માળવાળા રોહિણીબેનને ત્યાં પણ લિફટનો કેટલો બધો વપરાશ…હજુ તો મારું મગજ બંધ પડેલ લિફ્ટના યથાયોગ્ય કારણો શોધતું હતું ત્યાં તો ગ્રાઉંડ ફ્લોર પરથી લિફ્ટનો દરવાજો જોરજોરથી ખખડાવવામાં આવ્યો અને સાથે લિફ્ટની બખોલમાં મોઢું ઘુસાડીને એક ઓર્ડર તરતો મૂકાયો ,’ત્રીજોમાળ…લિફટ બંધ કરો’
‘લે આને તો ખબર જ નથી લાગતી કે લિફ્ટ બગડેલી છે અને લિફ્ટના બારણા ખખડાવીને ડબલ્યુ ડબલ્યુ એફનો રેસલર હોય એમ ‘ફેક’ જોર બતાવતો હતો. વળી એની ધારણાશક્તિ કાચી હતી અને લિફ્ટ ત્રીજા માળે નહતી એથી મેં એને પ્રત્યુત્તરમાં ‘ લિફ્ટ ત્રીજા માળે નથી’નો ટૂંકો ટચ જવાબ વાળ્યો ને પાડોશીધર્મ નિભાવી દીધો. રહસ્ય પરથી પડદો ઉચકાઈ ગયેલો અને મારી અતિજીજ્ઞાસા વ્રુત્તિ શાંત થઈ ગયેલી એથી ઘરમાં પાછા જવાનું જ હિતાવહ માન્યું.
એ પછી તો આખી રાત એ અવાજ ચાલુ જ રહ્યો. કોઇ લિફ્ટની સ્વીચ પણ બંધ નથી કરતું, લિફ્ટ રીપેર કરાવવા માટે લિફ્ટ્વાળાને ફોન પણ નથી કરતું… જેવા ટીપીકલ ટસલીયા વિધાનો અને દોષારોપણો સાથે લિફ્ટની આ હાલત બે દિવસ લાગલગાટ રહી. ત્રીજા દિવસે અચાનક જ લિફ્ટ ચાલુ થઈ ગઈ. કોઇએ લિફ્ટ્વાળાને પોતે ફોન કર્યો અને લિફ્ટ રીપેર કરાવી એ વાતનો જશ ના લેવાની ઇચ્છા સાથે કામ પૂર્ણ કરેલું. ડાબો હાથ દાન કરે અને જમણા હાથને પણ ખ્યાલ ના આવે જેવી મહાન કહેવત મને યાદ આવી ગઈ અને મનોમન એ મહાન માનવીને વંદન થઈ ગયા. બે દિવસ પછી અચાનક લિફ્ટ પાછી બંધ પડી પણ આ વખતે કોઇ તોફાની નવું સંશોધન કરી લાવ્યો કે,
‘લિફ્ટનો દરવાજો ખોલીને તમારે જે માળે જવું હોય એ માળનું બટન દબાવી અને લિફ્ટ બંધ કરી દો એટલે લિફ્ટ એ માળે જઈને ઉભી રહે.’ વન વે ટ્રાફિક – લિફ્ટ અંદરની બાજુથી જ ઓપરેટ થતી હતી. હવે તો નવી નવાઈના પર્સંગોની ઘટમાળ ચાલી. દર બે મીનીટે નીચેથી, ઉપરથી બૂમો સંભળાય,
‘ત્રીજે માળ..જરા લિફ્ટમાં ગ્રાઉંડ ફ્લોરનું બટન દબાવજો તો..ચોથે માળ જરા બીજા માળનું બટન દબાવજો તો..’
દર ફ્લોર પર આઠ ફ્લેટ..અને એ આઠેય ફ્લેટ વચ્ચે એક કોમન નેમ. જે માળ હોય એ બધાનું પેટ્નેમ ‘જે-તે માળવાળા !’ મતલબ પહેલા માળના આઠ ફ્લેટ્ના લોકોનું પેટનેમ ‘પહેલો માળ’.આવા અજબ – ગજબના પરાણેના સંયુકત સંપની વાતો સાથે બીજા બે દિવસો પસાર થયાં. મારા જેવા હેલ્થ કોંસિયસ લોકો,’ એ બહાને દાદરાની ચડ ઉતર થશે’, તો બીજાઓ ‘આપણે જ દરવખતે લિફ્ટવાળાને ફોન કરવાનો…નથી કરવો..બધા હેરાન થાય છે, જોવા તો દો કેટલું ચાલે છે આ બધું.’, તો અમુક કરકસરીયા ‘ આ બહાને લિફ્ટનો વપરાશ ઘટશે અને ‘મેંટેનન્સ’ ઓછું આવશે’ વિચારીને ‘ ગામનું કામ એ કોઇનું નહીં’ની વાત સાચી પાડી રહેલા. રોજ રોજ બૂમો પાડી પાડીને લિફ્ટ પોતાના માળે બોલાવાતી. દરેક જણે સ્વેચ્છાએ પાર્ટટાઇમ લિફ્ટમેનની સેવા આપવાનું સ્વીકારી લીધેલું.
સ્વેચ્છાની સેવાનું આયુષ્ય કેટલું?
હવે લોકો બૂમો સાંભળીને પણ નાસાંભળ્યું કરી દેતા હતાં. એમના નોકર છીએ કે એ બૂમો પાડે એટલે આપણે બધા કામ પડતા મૂકીને એમના માટે લિફ્ટના બટનો દબાવવા જવાના, મેં કાલે કેટલી બૂમો પાડેલી તો ય કોઇએ લિફ્ટ નીચે ના મોકલી..મારે તો દાદરા ચડીને જ ઉપર આવવું પડ્યું હવે મારે શું કામ બીજાઓની મદદ કરવી..?’ જેવા માણસોના સારપના કોચલામાંથી અતિકોમન સ્વભાવ બહાર આવવા લાગ્યાં. લોકોના પાડોશી સંબંધો તૂટવાના આરે આવીને ઉભા રહ્યાં.
સંદીપ ભાટીયાના ગીત
‘માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ ગયો ,એ જેવી તેવી વાત નથી’ ઉપરથી’
‘એક બે દસકાનો પાડોશી સાવ પારકો થઈ ગયો, એ જેવી તેવી વાત નથી’ જેવી પંક્તિ સૂઝી.
ઘરડાંઓ અને બચ્ચાઓની તક્લીફો જોઇને મારો અંતરાત્મા કકળવા લાગ્યો. આખરે બધી વાતો કોરાણે મૂકીને લોકોનો સંપ બરકરાર રહે એ હેતુથી મોબાઈલમાંથી ફોનનંબર શોધીને મેં લિફ્ટમેનને ફોન કરીને બોલાવી જ લીધો, જાતે ઉભા રહીને લિફ્ટ ચાલુ કરાવી અને છેલ્લે એને ધમકી પણ આપી કે જો હવે લિફ્ટ બંધ થઈને તો આ પછીનો કોંટ્રાક્ટ રીન્યુ જ નહી કરાવીએ. લિફ્ટમેન કશું જ બોલ્યા વગર મારી સામે એક રહસ્યમય સ્મિત રેલાવીને પોતાના ઓજારો સમેટીને ગ્રાઉંડ ફ્લોરનું બટન દબાવીને લિફ્ટમાં નીચે ઉતરી ગયો.
સ્નેહા પટેલ.