Sarkhamni Sneha Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Sarkhamni

સરખામણી

સરખામણી- માનવજાતિનો એક અતિપ્રાચીન રોગ. રોગ એથી કહું છું કે એમાં આપણું મગજ જેની સરખામણી કરીએ છીએ એ બે વ્યક્તિઓ વિશે ‘પૂર્વાગ્રહયુકત’ નામના બેકટેરીયાના સકંજામાં જબરદસ્ત રીતે સપડાયેલું હોય છે. દુનિયાનો દરેક માનવી બીજા માનવીથી તદ્દ્ન ભિન્ન અને નોખો છે પણ યેન-કેન-પ્રકારેણ એ વાત આપણે સ્વીકારી જ નથી શકતા. દરેક માનવીને ભગવાને એક સ્પેશિયલ કાર્ય સોંપેલું હોય છે, એને યથાયોગ્ય તાકાત – સમજ પણ આપેલ હોય છે.આ કારણથી એ કાર્ય જે-તે જવાબદાર વ્યક્તિ જેટલી સુંદર રીતે બીજું કોઇ જ વ્યક્તિ અજામ આપી શકે નહી. કામ તો એ વ્યક્તિ કરી જ લેવાનું છે કાં તો ઉપરવાળૉ એને સતત એ દિશા ચીંધી ચીંધીને કરાવશે જ. પણ સમાજ / આપણે બધા એ કામને એ વ્યક્તિની પોતાની કાબેલિયત પ્રમાણે નહી જોઇએ કે કોઇ ન્યાય નહી આપીએ. એ કાર્યની પૂર્ણાહુતિ સાથે જ આપણા મગજમાં એક બીજો વિચાર તરત જ ઉદભવે કે ‘આવું સર્જન તો આ પહેલાં પણ ક્યાંક જોયેલું છે!’ પછી તો મગજ એ સર્જન કે કાર્યને નિરખવાનું ભૂલીને એને પહેલાં ક્યાં જોયેલું એના વિચારોમાં ગુમ થઈ જાય..આપણી બધાની યાદશક્તિ આમ તો બહુ સારી નથી હોતી પણ આશ્ચર્યજનક રીતે આવી બધી વાતો એકાએક યાદ આવી જ જાય અને એ પણ ખરા સમયે જ ! મારા મતે તો આ હ્યુમન સાયકોલોજીનો સંશોધનનો વિષય થઈ પડે એટલી હદ સુધી સા્ચી અને અચરજવાળી વાત છે. ૧૦૦માંથી ૯૮% આ વાંચતા વાંચતા એમના માથા આપોઆપ હકારમાં ધુણાવી દેશે એની પાકકી ખાતરી.

યાદ આવી ગયા પછીનું કામ તો બહુ જ સરળ.

‘અરે, આમાં શું નવીન છે..આ તો પહેલાં પણ ફલાણા – ઢીંકણાએ કરી દીધેલું કામ છે. વળી આના કરતાં પણ વધુ સફાઈ – સફળતાપૂર્વક. કદાચ એના કામ પરથી જ આમને પ્રેરણા લીધી હોય અને આ કામ હાથમાં લીધું હોય એ વાત પણ નકારી ના શકાય.’

એ પછી તો એ કાર્ય જોવાનો અડધો રસ તો ત્યાં જ ખતમ થઈ જાય અને પછી શરુ થાય આપણો સરખામણીનો રોગ. એ સરખામણીના રોગમાં આપણે એટલા ફસાઈ ગયા હોઇએ છીએ કે આ નવીન કાર્ય છે, એને એક નવીન, એક વર્જીન દ્રષ્ટીથી પણ જોઇ શકાય એવો ખ્યાલ સુધ્ધાં આપણાં મગજમાં નથી આવતો. વનડેમાં વિરાટ કોહલીએ સૌથી ઝડપી ૩,૦૦૦ રન પૂરા કરવાનો રેકોર્ડ કર્યો – પાંચ સદીઓ ફટાફટ એના નામે નોંધાવી દીધી..અને તરત જ આપણે વિચારીશું, ‘અરે, આ તો અદ્દ્લ બીજો સચીન જ પાક્યો છે !’ અરે ભલા માણસ સચીન કરતાં પણ કદાચ વિરાટ કોહલી આગળ જશે તો તમે શું કહેશો..? તો પણ આપણી જોડે જવાબો થોકબંધ -રેડીમેડના હિસાબે જ હોય..અરે, એ વખતે તો વિરાટ ખાસો જૂનો થઈ ગયો હશે અને નવા નવા પ્લેયરો પણ આવી ગયા હશે એ વખતે એમને આપણે એમ કહીશું કે ,’વાહ- અદ્દ્લ બીજો વિરાટ જ પાક્યો છે ને આ તો.’

આ તો અસ્સ્લ ચંદ્રકાંત બક્ષી, કાજલ ઓઝા વૈદ્ય, અમ્રિતા પ્રીતમ, હરકિશન મહેતા, અશ્વીની ભટ્ટ..આ તો અદ્દ્લ બચ્ચનની કોપી .આ તો બીજો આમિરખાન..આ તો બીજો મોદી- આ તો બીજા ઇન્દિરા ગાંધી..ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ..આવા ગોખેલા -ભણેલા -સાંભળેલા સરખામણીના લિસ્ટમાં જ આપણે કાયમ જીવતા હોઇએ છીએ અને એના કારણે એ વ્યક્તિની બીજી અદભુત ‘એબીલીટી’ તો આપણા ધ્યાનમાં જ નથી આવતી. બની શકે એ તમે જેની જોડે સરખામણી કરી ભવિષ્યમાં એનાથી પણ વધુ ચડિયાતો બને – કાં તો એના એકાદ બે ગુણની સરખામણીના મોહમાં તમે એ વ્યક્તિને પેલા નામી – પ્રખ્યાત હસ્તી જોડે સરખાવવાની મહાન ભૂલ કરી બેઠા હો.

હજુ તો બાળક એનો પ્રથમ શ્વાસ આ દુનિયામાં શ્વસતું હોય અને આપણે એ માસૂમની પણ સરખામણી કરવા લાગીએ છીએ,

‘ અરે આ તો અદ્દ્લ એના બાપા જેવો જ લાગે છે ને કંઈ’

આટલું સાંભળતા જ બાળકની મમ્મીના પક્ષના જે પણ ઉભા હોય એમના મોઢા પડી જાય…તો ઘણી વાર આ તો અદદ્લ એની મમ્મી જેવો જ લાગે છે એમ કહેવાય તો સામે સાસરીમાંથી સણસણતો વિરોધનો સૂર પણ આલાપાઈ જાય..ઘણીવાર બાળક મા કે બાપ બેમાંથી એકેય જેવું ના લાગતું હોય, મા-બાપના વર્ણ કાળા હોય ને બાળક ગોરુ-ચિટ્ટુ…તો સરખામણી કોની જોડે કરવી એ અવઢવમાં કોઇ નવી શંકાનો ફણગો ફૂટી જાય…આપણું માનવમગજ બહુ વિચિત્ર હોય છે. બાળકના જન્મની ઉજવણી બાજુમાં અને કુટુંબોમાં મનદુઃખ – ખટરાગની સ્થિતી થઈને ઉભી રહે.

ઇશ્વરનું દરેકે દરેક સર્જન એના પોતામાં અદ્વિતીય – બેજોડ જ હોય છે, પણ આપણે આપણી સરખામણીની આદત છોડવા ક્યારેય તૈયાર નથી થતા. તૈયાર તો ઠીક એ બાબતે વિચાર સુધ્ધાં નથી કરતાં. માનવીઓની માનવી જોડેની સરખામણીની વાત નીકળી તો બીજી જ આપણી દેશ -વિદેશની ‘અમારે ત્યાં તો આમ ને તમારે તો ત્યાં તો તેમ’વાળી સરખામણીની વાત પણ યાદ આવી ગઈ.

આપણી, ભારતીયોની જ વાત કરું તો વિદેશ જઈને ત્યાંની ચકાચોંધ, કડકડતા ડોલર – પાઉન્ડની સ્મેલથી, એ દેશના નીતિનિયમો – શિસ્ત -કાયદાપાલન -ચોખ્ખાઈ-વાતાવરણ જોઇને ઘડીના છઠ્ઠા ભાગમાં અંજાઈ જઈએ છીએ. જોકે એ આકર્ષણનો પાયો તો ત્યાં જવાના હોઇએ એના વર્ષો પહેલાંથી જ મનમાં નખાઈ ગયેલો હોય, પછી તો બસ એ દેશની નજરે પડતી નાજોયેલી -માણેલી વસ્તુઓનું આકર્ષણ પાકી ઈંટૉ, સીમેન્ટનું કામ કરે છે. થોડો સમય જાય પછી એ આકર્ષણ જૂનું થવા લાગે છે. હકીકતનું ભાન થાય છે. પૈસા મેળવવા જતા ફેમિલીનું બોન્ડીંગ ગુમાવ્યું, આઝાદીથી જીવવા માટે સગાઓના પ્રેમની – સાદ મારતા ગમે ત્યારે પડખે આવીને ઉભી રહેવાની ઉષ્મા ગુમાવી-આનું લાંબુ લચક લિસ્ટ બનતું જાય છે. શું મેળવવા માટે શું ગુમાવવું પડ્યું એની સરખામણીઓ ચાલુ થવા લાગે છે, અને અંતે પોતે બહુ મોટા નુકશાનીના ખાડામાં ઉતરી ગયા હોય એવું અનુભવાય, ડીપ્રેશનના ઘેરા વાદળોની છાયા ઘેરી વળે છે. આના કરતાં તો આપણું ભારત સો દરજ્જે સારું અને પોતાના સંતાનોને સારા સંસ્કાર આપવા ઘણા પરિવારો બધું છોડીને પોતાના ફેમિલી સાથે વધુ સમય ગાળી શકવાની તીવ્ર ઝંખના લઈને ઇન્ડિયા પાછા આવી જાય છે.

તો ઇન્ડિયામાં જ રહેતા અને રાત દિવસ ફોરેનના સપના જોનારા લોકો અહીંની ગરમી, શ્વાસ રુંધી નાંખે એ હદની સામાજીકતા, પોતાની સ્કીલ પ્રમાણે પૈસા ના કમાઈ શકવાનો અફસોસ, ફોરેનના ડીઝાઈનર કપડાં – નાઈટકલ્બોની મોજમજાને ‘મીસ’ કરતા – કરતાં ‘અમે રહી ગયા’ના ભાવ સાથે ભારતમાં જ રહીને ભારતને ગાળો આપતા રહે છે. આટઆટલા લોકો સાથે સંબંધો સાચવ્યા પણ શું કામના..સંબંધો તો ખાલી નામના જ..આજના જમાનામાં તો બધા મતલબી જ છે જેવા ગાણા ગાઈ ગાઈને પોતાની હતાશા વ્યક્ત કરતા કરતા ફોરેન જવાની તકો શોધતા ફરે છે.

બેમાંથી એક પણ પક્ષ ખુશ કે સુખી નથી. તમે જ્યાં રહો છો એ ભૂમિને અનુસાર તમારે તમારી જાતને ઢાળવી પડે, એના ફાયદા સાથે ગેરફાયદા સ્વીકારવાની તૈયારી રાખવી પડે. ભારતનું સામાજીક માળખું – ઉષ્મા અને વિદેશના ડોલરીયા પ્રવાહનું મનગમતું કોમ્બીનેશન મેળવવાની ચાહ લઈને તમે કોલંબસની માફ્ક કોઇ નવો પ્રદેશ નથી શોધી શકવાના -કારણ..એવો કોઇ જ પ્રદેશ આ પ્રુથ્વી પર હયાત છે જ નહીં તો શોધશો ક્યાંથી ? જે ભૂમિ પર રહો છો એને માન આપો, એને એના સંપૂર્ણરુપે પ્રેમથી અપનાવવાની ઇચ્છા રાખો તો જ તમે શાંતિથી જીવી શકશો. બાકી તો આખી જીંદગી નિરર્થકની સરખામણીઓ કરીકરીને એની પાછળ ઉભા થતા અસંતોષોના પહાડ હેઠળ જ કચડાતા રહેશો.

સરખામણી નામનો રોગ આપણા સમાજમાંથી નાબૂદ થાય અને વ્યક્તિઓના વિવિધ પાસા આપણને જોવા મળી શકે એવી ઇચ્છાસહ અત્યારે વિરમુ છું.

-સ્નેહા પટેલ.