Ye Womaniya books and stories free download online pdf in Gujarati

યે વુમનિયા

‘ યે વુમનિયા’

ધારો કે કોઇ ક્વીઝ પ્રોગ્રામમાં એવો સવાલ પૂછાય કે ‘कितने प्रतिशत पुरुष ये मानते है कि….स्त्रीओ को समजना मुश्किल ही नही नामुमकीन है.??!’
અને એક ક્ષણના ય વિલંબ વગર ધડ કરતો જવાબ આવે…
૧૦૦%
वाह वाह…..सही जवाब..क्या बात.. क्या बात…तालियां तालियां.

ત્યારે સાલ્લુ લાગી આવે કે કેમ વારુ, તમને સ્ત્રીઓને સમજવામાં જ તકલિફ પડે છે? અર્થશાસ્ત્રનાં આટાપાટા તો ઉકેલી શકો છો ! ગણિતનાં કોયડાઓ સોલ્વ કરી શકો છો ! વિજ્ઞાનનાં રહસ્યો ઉઘાડી શકો છો ! તર્કશાસ્ત્રમાં પી.એચ.ડી. થઇ શકો છો ! અધ્યાત્મનાં શિખરો સર કરી શકો છો ! અને માત્ર સ્ત્રીઓ જ નથી સમજાતી તમને !

તમે તો એમ જ માનો છો ને કે

* સ્ત્રી એટલે પુરુષને પાંસળીમાંથી ઉત્પન્ન થયેલ મનુષ્ય પ્રાણી*
સ્ત્રી એટલે આદિપુરુષ આદમને લલચાવનાર પાત્ર.*
સ્ત્રી એટલે પુરુષનું ઉપેક્ષિત અને અપવિત્ર એવું ડાબુ અંગ.*
સ્ત્રી એટલે અબુધ-અબળા*
સ્ત્રી એટલે પઝલ*
સ્ત્રી એટલે પગની પાનીએ બુદ્ધિ ધરાવતું પાત્ર.
એન્ડ બ્લા…બ્લા..બ્લા..
આ બધુ તો સાંભળ્યુ જ હશે ખરું ને?પરંતુ આ સિવાય પણ સ્ત્રી કંઇક છે જે મારી, તમારી, આપણી આસપાસ જીવે છે. જરા સમય લઇને અવલોકન તો કરો યાર !! તો..પેશ-એ-ખિદમત હૈ..હજાર હાથવાળી…હજાર સ્વરુપા સ્ત્રીનું વિશ્વરુપ દર્શન..એક સ્ત્રીની કલમે.

સ્ત્રી એકસાથે પ્રાચિન અને અર્વાચિન યુગને જીવે છે.એ ૮૦ વરસનાં સાસુને , ૨૮ વરસનાં દિકરાને અને ૩ વરસનાં પૌત્રને એકસમયે ખુશ રાખી શકે છે.

સવારે ‘કરાગ્રે વસતે લક્ષ્મી’ બોલી હથેળીને નમસ્કાર કરનારી..એ જ હથેળી વડે બાળકોની પોટ્ટી સાફ કરે છે, સાસુમાના પૂજાનાં ફુલ ચૂંટે છે. પતિ માટે બ્રેડ પર બટર લગાવે છે અને વોટ્સએપ મેસેજનાં જવાબ આપતી જાય છે સવાર સવારમા !

અને..એને મજા આવે છે, કોઇ કંટાળો નથી, કોઇ ફરિયાદ નથી કારણકે એ બચપણથી આ બધું જોતી , શીખતી આવી છે. તમને ખબર છે સ્ત્રીનો સૌથી મોટો ગુણ ક્યો છે? અનુકૂળ થવાનો..એ અનુકૂળ થઇ શકે છે માણસો સાથે, સમય સાથે, સંજોગો સાથે, દેશ-કાળ સાથે. અને આગળ વધતી જાય છે બિલકુલ નદીની જેમ ! એ તમામ મોરચે એકસાથે લડી શકે છે અને જીતી શકે છે.ચાલો જોઇએ..એ શું શું કરી શકે છે !

* એ પતિ બહારગામ હોય ત્યારે એકલી ગેલેરીમાં બેસી આબિદા પરવીનની ગઝલો સાંભ ળતા સાંભળતા રાતની એકલતા એન્જોય કરી શકે છે*
એ ‘કરવા ચોથ’નું વ્રત કરે છે અને એ દિવસે મિત્રો સાથે વોટ્સએપ મેસેજીસ-ક્લીપીંગ્સ શેર નથી કરતી ,,ઉપવાસ યુ નો !
* એ વિષ્ણુ સહસ્ત્રનામની જેમ જ કડકડાટ ગાળો બોલી શકે છે.
* એ મેરેજ-ડે ભૂલી શકે છે. અને અત્યંત બીઝી શેડ્યુઅલ વચ્ચેથી પાંચ મીનીટનો સમય કાઢી હબ્બીને ‘એન્જોય યોર ડે’ કહીને વીશ કરી શકે છે.
* એ બ્રેસ્ટ-કેન્સરની સર્જરી પછી પણ ફેશનેબલ વસ્ત્રો પહેરી કીટી પાર્ટીઝ અને શોપીગ મોલમાં વટ્ટથી ફરી શકે છે.
* એ ફીગરની/ કરીયરની જાળવણી માટે નિઃસંતાન રહી શકે છે, અથવા બાળક દત્તક લઇ શકે છે.*
એ વિશ્વસુંદરી હોવા છતાં પ્રેગનન્સીમાં ઢમઢોલ કાયા સાથે ફોટોશૂટ કરાવી શકે છે,બાળકનાં ઉછેર માટે કારકીર્દીનાં સુવર્ણકાળ સમા વર્ષો ‘બગાડી’ શકે છે.*
એ પોતાના સંતાનના ભરણ-પોષણ માટે ક્યારેક સરોગેટ મધર બની શકે છે,તો ક્યારેક દેહનો વેપાર કરી શકે છે..*
એ અનેક અધૂરપથી, અભાવોથી પીડાતી હોવા છતાં હસતા મોઢે જીવતી રહે છે..અને ક્યારેક એકાદ ખભ્ભો રડવા માટે શોધી લે છે.
* એ ‘દિલ ચાહતા હૈ’ ની ડીમ્પલની જેમ, ‘ચીનીકમ’ની તબ્બુની જેમ, ‘નિઃશબ્દ’ની જીયાખાનની જેમ ઉંમરના ઉખાણા ઉકેલ્યા વગર પ્રેમમાં પડી શકે છે.
* એ રાતે દારુડિયા ધણીનો માર ખાઇને સવારે મોઢામાં ગુટખા દબાવતીક…ઘરઘરનાં વાસણ- કપડા કરવા નિકળી પડે છે.
* એ લેસ્બિયન હોઇ શકે છે, એને ‘ગર્લફ્રેન્ડ’ હોઇ શકે છે, એવી જ રીતે એને નોર્મલ સ્ત્રી-પુરુષ મિત્રો પણ હોઇ શકે છે.
* એ નાત-જાત-ધર્મ-આવક જોયા વગર ભાગીને લગ્ન કરી શકે છે અને એ જ પાત્ર બેવફાઇ કરે ત્યારે એનાં નામ પર ચોકડી મૂકી શકે છે.
* એ મા-બાપના શબને ખભ્ભો આપી શકે છે, અગ્નિદાહ આપી શકે છે, તર્પણ કરી શકે છે.અને એ જ રીતે પિતાની મિલ્કતમાં હિસ્સો લેવા ભાઇઓ સામે કોર્ટકેસ પણ કરી શકે છે.
* એ નખની જાળવણી માટે ઘરકામ જાતે નથી કરતી પણ ‘વોટ’ આપ્યા પછી એ કાળો ડાઘ ગર્વથી, મુગ્ધતાથી મહિનાઓ સુધી ચાહી શકે છે.
* એ કોઇપણ ઉંમરે છૂટાછેડા લઇને કુતરા-બિલાડા પાળીને એકલી રહી શકે છે.
* એ અવકાશમા જાય છે અને હરિદ્વાર પણ જાય છે*
એ ડીપ્રેશનમાંથી સાજી થવા સાળિંગપુર હનુમાન પણ જાય છે અને મનોચિકિત્સક પાસે પણ જાય છે.
* એ કુંડળીમાં કે હસ્તરેખાઓમાં માનતી નથી પણ સંતાન પરીક્ષા આપવા જાય ત્યારે ગાયત્રીમંત્રની માળા કરે છે.
* એ જે નજાકતથી સ્માર્ટફોન હેન્ડલ કરે છે એ જ નજાકતથી નવજાત શિશુને માલિશ કરી શકે છે.
* એ સતિસાવિત્રી જેવો દેખાવ રચીને છિનાળા પણ કરી શકે છે અને અનેક પુરુષો વચ્ચે રહીને પોતાની જાતને અણિશુદ્ધ પણ રાખી શકે છે.
* એ ‘હાઇ-વે’ની આલિયા ભટ્ટની જેમ પોતાના કીડનેપરનાં પ્રેમમાં પડી શકે છે*
એ ‘ક્વીન’ની કંગના રનાવતની જેમ તૂટી ગયેલા સંબંધ પર આંસૂ સારવાને બદલે ફોરીન ટ્રીપ પર જઇ શકે છે.*
એ સાટાપદ્ધતિથી પરણાવાય છે ત્યારે સાસરેથી મા-બાપને ફોન કરી શકે છે કે ‘મારી ભાભીને સાચવજો, તો જ હું સુખી રહી શકીશ’*
એને લંચ-બોક્ષ, ટીફીન-બોક્ષનાં સમય સાચવવાનાં હોય છે, એને આર્ટીકલની ડેડલાઇનને પહોંચી વળવાનું હોય છે, એને પણ પોતાના ક્ષેત્રમાં હરિફાઇનો સામનો કરવાનો હોય છે અને સાહેબ…તેથી જ એને પણ સ્ટ્રેસ હોઇ શકે છે. પણ કમનસીબે તેને કોઇ પત્ની કે પટાવાળો નથી હોતો. તેથી જ જગતભરનાં તમામ ઘરોનાં ટોઇલેટો એ ઘરની સ્ત્રીનાં આંસૂનાં સાક્ષી હોય છે.
* એ શું શું નથી કરી શકતી? તરણસ્પર્ધાઓ જીતી શકે છે, પર્વતારોહક બની શકે છે, પુરાતત્વવિદ બની શકે છે, બસ-રીક્ષા-ટ્રક ચલાવી શકે છે, ચંબલની ખીણો ધ્રુજાવી શકે છે, અંધારી આલમને રમાડી શકે છે, વડાપ્રધાન બની શકે છે, વડાપ્રધાન બન્યા વગર પણ દેશ ચલાવી શકે છે.

મિત્રો..આ બધી સ્ત્રીઓ કંઇ કાલ્પનિક વાર્તાની નાયિકાઓ નથી. પણ આ જ પ્રુથ્વિ ગ્રહની રહેવાસી છે. આપણી આસપાસ જ રહેતી સ્ત્રીઓની વાત છે. સ્ત્રીઓ માટે જો પ્રેમ હોય, સન્માન હોય તો એને વિશાળ હ્રદયે મૂલવવાની કોશીશ કરજો.

એક વાત કહું ? તમે માનો છો એટલી અઘરી નથી હોતી સ્ત્રીઓ.! મનથી બાળક જેવી, જરાક બુદ્ધુ ,વધુ પડતી લાગણીશીલ, ઉતાવળી, ગર્વિષ્ટ અને જીદ્દી હોવાથી ઉખાણા જેવી લાગે. પણ હકીકતે એ કાચના વાસણ જેવી છે જરાક સંભાળથી સાચવો તો વારી-ઓવારી જાય તમારા પર..સાચ્ચેક..

અને મને આશ્ચર્ય એ વાતનું રહ્યા કરે કે મોટામોટા બીઝનેસ એમ્પાયર સંભાળનારો, તર્ક-બુદ્ધિ-જ્ઞાનથી હરિફોને હંફાવનારો,આંખના પલકારે માણસને ઢાળી દેતો, જગત જમાદાર બની વિશ્વને મુઠ્ઠીમાં રાખનારો પુરુષ કેમ એક સ્ત્રીને નહી સમજી શકતો હોય ભલા? !!

—પારુલ ખખ્ખર(
ડીસ્ક્લેઇમર : આ મારા પોતાના તારણો છે તેથી કોઇએ બંધબેસતી પાઘડી/ઓઢણી ઓઢવી નહી.)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED