નિરીશ્વરવાદ વિષે ચિંતન-મનન Bhupendrasinh Raol દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિરીશ્વરવાદ વિષે ચિંતન-મનન

નિરીશ્વરવાદ વિષે ચિંતન-મનન

મિત્રો તમને ખબર નહિ હોય એક સમયે મતલબ; પ્રાચીન ભારતમાં આસ્તિક અને નાસ્તિકની વ્યાખ્યા જુદી હતી. નિરીશ્વરવાદી એટલે નાસ્તિક એવું નહોતું. તો આસ્તિક એટલે ઈશ્વરવાદી જ હોય તેવું પણ નહોતું. ભલે તમે નિરીશ્વરવાદી હો, પણ વેદોમાં માનતા હોવ તો આસ્તિક કહેવાતા. વેદોમાં ના માને તેને નાસ્તિક કહેવાતો. અમુક એવા પણ હતા જે વેદોમાં પણ નહોતા માનતા અને ભગવાનમાં પણ નહોતા માનતા. અત્યારે સામાન્યતઃ આસ્તિક એટલે ભગવાનમાં, ધર્મમાં પૂજાપાઠ વગેરેમાં માનતો હોય તેને આસ્તિક કહેવામાં આવે છે. જ્યારે નાસ્તિક એટલે ભગવાનમાં, ધર્મમાં પૂજાપાઠમાં ના માનતા હોય. ચાલો જરા વિસ્તારથી સમજાવું.

આસ્તિક નિરીશ્વરવાદ: આસ્તિક નાસ્તિકની વ્યાખ્યા આજે બદલાઈ ગઈ છે. આસ્તિક એટલે ભગવાનમાં માનતો અને નાસ્તિક એટલે ભગવાનમાં માનતો ના હોય. પણ ખરેખર પ્રાચીન ભારતમાં આવી વ્યાખ્યા નહોતી. પ્રાચીન ભારતમાં આસ્તિક એટલે વેદોમાં માનવાવાળા, અને નાસ્તિક એટલે વેદોમાં નહિ માનવાવાળા. આમ Atheism એટલે નિરીશ્વરવાદ આસ્તિક પણ હતો અને નાસ્તિક પણ હતો. ઈશ્વરમાં નહિ માનવાવાળો એક વર્ગ વેદોને માનતો હતો જે આસ્તિક ગણાતો. વેદોમાં વિશ્વાસ ના હોય અને ઈશ્વરમાં માનતા ના હોય તેવો નાસ્તિક વર્ગ પણ હતો.

નિરીશ્વરવાદ હિન્દુઇઝમમાં માન્ય હતો. તે સમયના નિરીશ્વરવાદી ભારતીયો હિન્દુધર્મને જીવન જીવવાનો એક તરીકો એક પધ્ધતિ એક રસ્તો સમજતા હતા. આ લોકો માટે હિન્દુઈઝમ “Way of life” હતો ધર્મ નહિ. એમની લાઇફ સ્ટાઇલ બીજા થીઇસ્ટ લોકો જેવી જ હતી, ખાલી આ લોકો ભગવાનનું અસ્તિત્વ સ્વીકારતા નહિ. હિંદુ ટ્રેડિશન અને વેલ્યુઝ મુજબ જ જીવતા.

ટેકનીકલી હિંદુ ફિલોસોફી મુજબ વેદોને આધારભૂત માનતા હોય, વેદોની સત્તા સ્વીકાર્ય હોય, વેદના પ્રમાણ માન્ય ગણાતા હોય તેને આસ્તિક કહેવાતા પછી ભલે ભગવાનમાં માનતા હોય કે ના માનતા હોય. એનો મતલબ એ થાય કે ભગવાનમાં નહિ માનવું તે વેદ આધારિત હતું. ધીમે ધીમે વેદો ભગવાનના પર્યાય થઈ ગયા, વેદોનો અસ્વીકાર ભગવાનનો અસ્વીકાર થઈ ગયો જેથી આસ્તિક એટલે ભગવાનમાં માનતો અને નાસ્તિક એટલે ભગવાનમાં નહિ માનતો એવું થઈ ગયું. પણ આ બહુ પાછળથી બન્યું હોવું જોઈએ. વેદો કોઈ એક જણાએ લખેલા નથી. આમ ભગવાનમાં નહિ માનનારા અને ભગવાનમાં માનનારા બંને વેદોમાં માન્ય હતા તેવું જ થયું ને? તો એ હિસાબે વેદો હાલના ઝનૂની ધાર્મિકો કરતા વધુ રેશનલ હતા.

હિંદુ તત્વજ્ઞાનની છ આસ્તિક સ્કૂલ એટલે કે છ વિચારધારાઓમાની એક સાંખ્ય ઈશ્વરના અસ્તિત્વમાં માનતી જ નહોતી. પૂર્વ મીમાંસા પણ ભગવાનમાં માનતી નહોતી. મીમાંસાના બે ભાગ પાડીએ તો સાત સ્કૂલ થઈ જાય. ૧) સાંખ્ય, ૨) યોગ, ૩) ન્યાય, ૪) વૈશેષિક, ૫) પૂર્વ મીમાંસા, ૬) ઉત્તર મીમાંસા, ૭) વેદાંત ( અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈત, દ્વૈતાદ્વૈત, અચિંત્ય ભેદા અભેદ). વેદાન્તમાં જુદા જુદા આચાર્યોએ એમની ફિલોસોફી પ્રમાણે ભાગ પડેલા છે. તંત્રને ઉમેરીયે તો આઠમી વિચારધારા ગણી શકાય. આમાંની કેટલીક ભગવાનમાં માને અને કેટલીક ના માને. સાંખ્ય અને મીમાંસા દ્વૈતમાં માને છે, પ્રકૃતિ અને પુરુષમાં માને છે ત્યાં ઈશ્વર માટે કોઈ જગ્યા નથી.

નાસ્તિક નિરીશ્વરવાદ: ભારતની ત્રણ વિચારધારાઓ નાસ્તિક ગણાતી જે વેદોમાં માનતો નહોતી, ૧) જૈન, ૨) બુદ્ધ, ૩) ચાર્વાક. આ ત્રણે વિચારધારાઓ ભગવાનમાં નહોતી માનતી માટે નહિ પણ વેદોમાં વિશ્વાસ નહોતી રાખતી માટે નાસ્તિક કહેવાતી હતી. બુદ્ધ અને મહાવીર તો સમકાલીન હતા. ચાર્વાક પણ તે સમયમાં જ થઈ ગયા હોવા જોઈએ. ૧૪મી સદી પછી આ એક નિરીશ્વરવાદી સ્કૂલનો નાશ થઈ ગયો. ધર્મકીર્તી નામના ૭ સદીમાં થઈ ગયેલા એક બૌદ્ધિષ્ટ ફિલોસોફર ચાર્વાકથી બહુ પ્રભાવિત હતા. એમણે એક ગ્રંથમાં લખ્યું છે

वेद प्रामाण्यं कस्य चित् कर्तृवादः स्नाने धर्मेच्छा जातिवादाव लेपः|

संतापारंभः पापहानाय चेति ध्वस्तप्रज्ञानां पञ्च लिङगानि जाड्ये | |

વેદોને પ્રમાણભૂત માનવા, સૃષ્ટિના સર્જનહારમાં માનવું, પુણ્ય મેળવવા પવિત્ર જળમાં સ્નાન કરવું, ઊંચી જાત બદલ ગર્વ કરવો, ગુરુએ સૂચવેલ કે સ્વયં સ્વીકૃત શિક્ષા ભોગવવી આ પાંચ માનસિક કે બુદ્ધિ સ્વસ્થતા ગુમાવી ચૂક્યાની નિશાની છે. ઉપરના શ્લોકનો આશરે આવો ભાવાર્થ હોવો જોઈએ.

જૈન અને બુદ્ધ શ્રમણ પરમ્પરા હતી, કોઈ સુખોપભોગવાદમાં માનતી નહોતી. આ બધા પણ ભગવાનમાં માનતા નહોતા. જોકે આ બંને પરમ્પરાઓ પુનર્જન્મ, કર્મ ,પાપ પુણ્ય, સ્વર્ગ, નરક, લોક પરલોક જેવી માન્યતાઓમાં માનતી હતી, એટલે આજના અર્થમાં ખરેખર નાસ્તિક ગણવા મુશ્કેલ છે.

University of California, Berkeley થી જુલાઈ-ઓગસ્ટ ૨૦૦૬માં એક મેન્ગેઝીનમાં નોબલ પ્રાઇઝ વિનર ડૉ. અમર્ત્ય સેનનો ઈન્ટરવ્યું પબ્લીશ થયેલો. એમાં એમણે કહેલું કે લોકો માને છે કે ભારત સ્પિરિચ્યુઅલ અને રિલિજિયન ઓરીએન્ટેડ દેશ માત્ર છે. પણ હકીકતમાં બીજી કોઈ પણ શાસ્ત્રીય ભાષા કરતા નિરીશ્વરવાદી સાહિત્ય સંસ્કૃતમાં સૌથી વધુ પ્રમાણમાં છે. ૧૪મી સદીના માધવ આચાર્ય નામના એક ફિલોસોફરે એક ગ્રેટ પુસ્તક લખ્યું છે તેનું નામ છે “સર્વદર્શનસંગ્રહ”, એમાં એમણે ભારતની તમામ વિચારધારાઓ વિષે પૂરતી માહિતી આપી છે. એનું પ્રથમ પ્રકરણ છે “નિરીશ્વરવાદ” ઉપર.

અત્યારે આસ્તિકતામાં કોઈ મહત્વનું પાત્ર હોય તો તે ભગવાન છે. ચાલો ભગવાન વિષે મારું મંતવ્ય જણાવું.

હે! ‘ભગ’વાન

ऐश्वर्यस्य समग्रस्य धर्मस्य यशसः श्रियः|

ज्ञान वैराग्योश्चैव षण्णां भग इतिङ्ग्ना||

સંપૂર્ણ ઐશ્વર્ય, ધર્મ, યશ, જ્ઞાન તથા વૈરાગ્ય– આ છનું નામ ‘ભગ’ કહેવાય; આ છ જેમાં હોય તેને ‘ભગવાન’ કહેવાય. ઉપરનો શ્લોક વિષ્ણુ પુરાણનો છે.

એક તો સંપૂર્ણ ઐશ્વર્યવાન હોય. મતલબ પુષ્કળ રીસોર્સીસ હોય. ખૂબ સંપત્તિ હોય કોઈ કમી ના હોય. ઐશ્વર્ય શબ્દ ઉપરથી જ ઈશ્વર શબ્દ આવ્યો છે. મતલબ ભગવાન ગરીબ ના હોય. ધર્મ એટલે જે ફરજ પૂરી રીતે બજાવતો હોય. યશ એટલે આબરુવાન હોય. આબરૂ સારી ક્યારે હોય? સારો સ્વભાવ અને લોકોને મદદગાર થતો હોય ત્યારે યશ પ્રાપ્ત થાય. જ્ઞાની હોય. આટલું બધું હોય છતાં અભિમાન કે આસક્તિ ના હોય તેને ભગવાન કહેવાય.

ઓશો કહેતા કે ‘ભગ’એટલે યોની, જે યોની દ્વારા જગતમાં પ્રવેશ મેળવતા હોય તે બધા ભગવાન. મતલબ બધા મેમલીયન પ્રાણીઓ ભગવાન? ઈંડા દ્વારા જન્મ લેતા પ્રાણીઓએ શું ગુનો કર્યો? ઉપરનો શ્લોક વિષ્ણુ પુરાણનો છે. મતલબ ભગવાનની આ માનવીય વ્યાખ્યા છે. આપણે શું ભગવાનને અદ્રશ્ય તો નથી બનાવી દીધો ને? આપણને જે શક્તિ સમજાતી નથી તેને ભગવાન માનીએ છીએ. જે નિયમો કુદરતના સમજાતા નથી તેને ભગવાન માનીને ડરતા રહીએ છીએ. ડરમાંથી ભગવાન પેદા કરીએ છીએ. અજ્ઞાત ભવિષ્યનો ડર આપણને ખૂબ સતાવતો હોય છે. સર્વાઈવ થવા માટે અજ્ઞાત ભવિષ્ય હંમેશા ચિંતાતુર કરતું હોય છે. એટલાં માટે કોઈ અદ્રશ્ય શક્તિ હંમેશા સહાય કરે તેવી અભ્યર્થના રાખતા હોઈએ છીએ.

દોરડાને સાપ સમજી કૂદી જવું તે ફોલ્સ પોજીટીવ એરર છે. એવી ભૂલ વારંવાર થાય તો ચાલે પણ સાપને દોરડું સમજી પકડી લેવાની ભૂલ ફોલ્સ નેગેટિવ એરર કરવાની ભૂલ એકવાર કરી તો ગયા જીવથી. નિર્જીવ દોરડાને જીવંત સાપ સમજી લેવાની વૃત્તિ અને માનસિકતાએ ભગવાનને જન્મ આપ્યો છે. એટલે જે લોકો વધારે પડતા જ્ઞાની છે, દોરડામાં દોરડું અને સાપમાં સાપ દેખાય તેવા સક્ષમ એવા અતિજ્ઞાની પુરુષોએ જ નિર્ભયતાનાં વચનો આપ્યા છે. અભય શીખવવા મહેનત કરી છે. પણ આવા અતિ સક્ષમ પુરુષો કેટલા? બસ તો માનવ સહજ ડરનો ઉપયોગ કરી ફોલ્સ પોજીટીવ એરર કરતા સામાન્ય જનમાનસને ડરાવી વધારે ને વધારે ડરાવી કેટલાં આળસુ ઠગ એમનો વગર મહેનતનો ધંધો ચલાવે રાખે તેનું નામ કહેવાતો ભારતીય સાધુ સમાજ, જીવતા પ્રગટ બ્રહ્મો, દાદાઓ, બાપુઓ, સંતો મહારાજ્શ્રીઓ, બાવાશ્રીઓ અને મહંતો.

કૃષ્ણ કદાચ ઉપરની માનવીય વ્યાખ્યામાં આવરી લેવાય તેવા ભગવાન હતા. પણ આપણે એમને અદ્રશ્ય ભગવાન બનાવી ચમત્કારની મદદની આશા રાખીએ છીએ હજુ પણ. હવે જે એક ભૂતકાળ બની ગયા છે. એટલે સામાન્ય જન ભગવાનને માનતો રહેવાનો તે સ્વાભાવિક છે અને ઠગોનો ધંધો ચાલતો રહેવાનો તે પણ એટલુજ સ્વાભાવિક છે. એટલે જે ઐશ્વર્યવાન હોય, સંપત્તિવાન હોય જે બીજાને મદદ કરી સર્વાઈવ થવામાં સાથ આપતો હોય તેને લોકો સ્વાભાવિક ભગવાન સમજી લેતા હોય છે. માટે આ દેશમાં રાજાઓને ભગવાન માનવાનું સહજ હતું. કારણ રાજાઓ પ્રજા માટે તકલીફમાં ભગવાન જેવા હતા. પ્રાચીન સમયમાં રાજા પ્રજા માટે બધું હતી. પ્રજાના સુખ દુખ રાજાના સુખ દુખ હતા. કૃષ્ણ આવા જ એક રાજા હતા. રામ પણ આવાજ એક રાજા હતા. રામ જુઓ દ્વંદ્વથી ભરેલા હતા. માનવીય ગુણોથી પણ ભરેલા હતા. એક બાજુ શબરીના બોર ખાધા અને બીજી બાજુ બ્રાહ્મણોના કહેવાથી શૂદ્ર શમ્બુકને મારી નાખ્યો. એક બાજુ પત્નીને પારાવાર પ્રેમ કરતા હતા અને ધોબીના કહેવાથી ત્યાગ કરી નાખ્યો. રામને બહુ પ્રચલિત અને ભગવાન બનાવી દેવામાં પિતાશ્રીઓનો બહુ મોટો હાથ છે. જેથી સંતાનો ઉપર મનમાંની કરી શકાય. રામને ભગવાન બનાવી દેવામાં પતિદેવોનો પણ બહુ મોટો હાથ છે જેથી પત્નીઓ ઉપર મનમાંની કરી શકાય.

ચીનમાં પણ રાજાઓ પવિત્ર અને ભગવાન ગણાતા હતા. હજુ આજે પણ જુઓને બ્રિટન હજુ પણ રાજવંશને ક્યાં છોડે છે? લગભગ દરેક જગ્યાએ રાજાઓ કે લીડર્સ ભગવાન જેવા ગણાતા હોય છે. કારણ ફોલ્સ પોજીટીવ એરર કરતા રહેનારી, દોરડાને સાપ સમજતા રહેનારી સામાન્ય પ્રજા માટે આવા નેતાઓ, રાજાઓ અને હવે ગુરુઓ ભગવાન હોય છે. જે એમને સધિયારો આપતા હોય છે. એટલે જ્યારે કેટલાં મહાપુરુષો જેઓ રજ્જુને રજ્જુ અને સાપને સાપ તરીકે ઓળખી લેવામાં સક્ષમ થઈ જતા હોય છે તેઓ ભગવાનનો ઇનકાર કરી દેતા હોય છે. તેઓને ફોલ્સ પોજીટીવ એરર કરવાની હવે જરૂર રહી નથી. હવે તેઓને ડરવાનું કોઈ કારણ નથી. જેઓ અભયના વરદાન પામી ચૂક્યા છે તેવા કોઈ બુદ્ધ અને મહાવીર ઈશ્વરને નકારી કાઢતા હોય છે. કોઈ ઉપનિષદના ઋષિને ખબર છે આ મનોવિજ્ઞાન, તેઓ અભયની વાતો કરતા હોય છે. એવા કોઈ રાજા શ્રી કૃષ્ણ જેવા જાતે જ કહી દેતા હોય છે કે હું જ ભગવાન છું.

જાતે પોતાને ભગવાન કહી દેવું એના જેવો બીજો કયો મોટો ઈશ્વરનો ઇનકાર હોય? અહમ્ બ્રહ્માસ્મિ કહેનારા બીજા તમામ ભગવાનોનો ઇનકાર કરી દેતા હોય છે. મહાવીર આત્મા એજ પરમાત્મા કહેતા.

ભગવાન એ કમજોર ભક્તોના ભેજાની કાલ્પનિક પેદાશ છે મક્કમ મનવાળા યોગીઓની નહિ. યોગમાં તો પોતાના અહંકારને એટલો ઊંચે લઈ જતા હોય છે અને એક કક્ષાએ પોતાને જ બ્રહ્મ જાહેર કરી દેતા હોય છે. એટલે જે પ્રજા કમજોર અને નિર્બળ હોય તેને ભગવાનની જરૂર વધારે પડવાની. જુઓ ભારત જેટલા ભગવાનો બીજે ક્યાંય છે ખરા? એકાદ ભગવાન સહુ રાખતા હોય છે બાકી પોતાના બળ ઉપર મુસ્તાક. જેમ જેમ પ્રજા કમજોર પડતી જાય છે તેમ તેમ ભગવાનોની સંખ્યા વધતી જતી હોય છે. લેભાગુઓ જાતે ભગવાન બની બેસતા હોય છે અને કમજોર લોક એમને ભગવાન માની પણ લેતી હોય છે. વિચારો ભારતમાં પણ જે કોમ પ્રમાણમાં સ્વભાવથી ડરપોક છે તેમના ગુરુઓ તેમનું ખૂબ શોષણ કરતા હોય છે તેમની સ્ત્રીઓનું પણ જાતીય શોષણ વધારે થતું હોય છે ગુરુઓ દ્વારા. અને જે કોમો જરા આક્રમક છે તેમનું શોષણ એમના ગુરુઓ દ્વારા ઓછું થતું હોય છે, એમાં પણ એમની સ્ત્રીઓનું જાતીય શોષણ કરવાની હિંમત ગુરુ પણ ના કરે. વ્રજવાસીઓ અહીં ગુજરાત આવે છે શોષણ કરવા. અને એવી કોમને પકડે છે જે સ્વભાવથીજ ડરપોક છે. આ ડરપોકો એમની સ્ત્રીઓ પણ ધરી દેતા હોય છે.

સૌથી વધુ સંતો અને ભક્તો મોગલોના સમયમાં થયા. આર્તનાદો કરતા હે ભગવાન હવે બચાવો. લડવાની તાકાત ગુમાવી બેઠેલી પ્રજા બીજું કરે પણ શું? પણ ભગવાન કોઈ વ્યક્તિ તો છે નહિ તે આવે અને બચાવે. પછી સ્વાભાવિક શું થવાનું? એક ભગવાન તો આવતા નથી તો બીજાને બોલાવો. બીજો આવતો નથી તો ત્રીજાને બોલાવો. એમ ભગવાનો બદલાયે જવાના. સમયે સમયે ભગવાન બદલાઈ જતા હોય છે. એકની આસ્થા બીજા ઉપર ઢાળી દેવાતી હોય છે. રામ નથી આવતા તો કૃષ્ણને બોલાવો. પછી નવા ફૂટી નીકળેલા ભગવાનને બોલાવો. સંતોષી માતા હવે નથી આવતા તો હવે દશામાને બોલાવો. ૨૫ કે ૩૦ વર્ષ પહેલા અમેરિકા આવેલાને દશામાં કોણ છે,ખબર નથી. ગણપતિ કાયમ હાજર જ છે. પહેલા ખાલી મહારાષ્ટ્રમાં જ ગણપતિનાં જાહેર ઉત્સવ થતા અને ગુજરાતમાં વડોદરામાં. હવે બધે થવા લાગ્યા છે. પહેલા રથયાત્રા અમદાવાદમાં જ નીકળતી હવે ઘણી બધી જગ્યા નીકળે છે.

હનુમાનજીના સરઘસ એમની જયંતી વખતે ક્યારેય જોયા નહોતા હવે તે પણ શરુ થઈ ગયું. પ્રજા જેમ જેમ કમજોર પડતી જાય છે તેમ તેમ બધું વધતું જવાનું. હવે દરેકની આસ્થા સાંઈબાબા ઉપર ઢળી ગઈ છે. પહેલા સાઈબાબાને આટલું બધું કોઈ પૂછતું નહોતું. એક મુસ્લિમ ફકીર એમને તો મંદિર હોય કે મસ્જિદ જ્યાં જગ્યા મળી ત્યાં રહી પડ્યા. તે સમયના હિંદુ સંતો એમને માનતા પણ નહોતા. હિન્દુઓનો દંભ જુઓ સાંઈબાબા માંસ ખાતા હતા તે એક વિવાદ છે જ, આજે માંસાહાર વિરુદ્ધ જીવ કાઢી નાખનારા દમ્ભીઓની આસ્થા સાંઈબાબા બની ચૂક્યા છે. એક વકીલ મિત્ર જેસલમેર ગયા હતા. ત્યાં જૈન મંદિરમાં વિદેશી લોકોને પ્રવેશ નથી. કેમ કે વિદેશીઓ માંસાહારી હોય છે, જૈનોનો દંભ જુઓ પાલીતાણામાં માંસાહારી દલાઈ લામાને બોલાવેલા. ધીમે ધીમે સાઈબાબાનું પુર ઓસરતા જવાનું છે તે નક્કી છે, એમની જગ્યા બીજો કોઈ ભગવાન લેશે. માનસિકતા તો એની જે રહેવાની ને?

જેમ જેમ ઉંમર વધતી જાય તેમ માનવ કમજોર પડતો જતો હોય છે તેમ તેમ એને ભગવાનની જરૂર વધારે પડતી જતી હોય છે. યુવાનીમાં ભગવાન બહુ જામતો નથી. જે પ્રજાના યુવાનો ભગવાનમાં બહુ માનતા થઈ જાય અને ટીલા ટપકાં કરી ફરતા થઈ જાય તો સમજવું યુવાનોમાં બહુ દમ રહ્યો નથી. યુવાની મરવા પડી છે. યુવાની કમજોર પડી ગઈ છે. તે દેશનું ભવિષ્ય ધૂંધળું રહેવાનું. આવા યુવાનો કોઈ ક્રાંતિ કરી શકે નહિ. મેં વર્ષોથી લેખકોને વાંચ્યા છે, જે લેખકો યુવાનીમાં દમદાર લખતા કોઈની સાડીબાર ના રાખતા હવે એમનામાં બાપુઓનો આત્મા પ્રવેશતો જતો હોય છે. વૃદ્ધોને ભગવાન વધારે દેખાવાનો. કારણ હવે બીજું કરવા જેવું પણ બચ્યું નથી. નિર્બળ બની ચૂક્યા હોય છે, શારીરિક તાકાત પણ ઓછી થઈ ગઈ હોય છે. તો પછી બોલાવો ભગવાનને.

ભ્રષ્ટાચારથી ત્રસ્ત પ્રજાને જુઓ અણ્ણા હજારેમાં કેવો ભગવાન દેખાઈ ગયો? આજે અણ્ણા હજારે પાસે બહુ મોટો ચાન્સ છે ભગવાન બની જવાનો. ચીન અને ભારત સૌથી જૂની સંસ્કૃતિઓ. બંનેની માનસિકતા લગભગ એક જેવી. બંને સાવ આળસુ પ્રજા ધરાવતા દેશો. ચીન તો સાવ અફીણી કહેવાતું. બંને માટે રાજાઓ ભગવાન, બંને માટે વસ્તી વધારો મોટો જીવલેણ પ્રશ્ન. પણ ચીનમાં માઓ આવ્યા. રીલીજન ઈઝ પોઈઝનનું સૂત્ર આપ્યું. ઊંઘતી પ્રજાને બેઠી કરી દીધી. ભલે એમનો સામ્યવાદ સફળ ના થયો પણ પ્રજાની બદલાયેલી માનસિકતા અને ખંખેરી નાખેલી આળસ આજે એની પ્રગતિનું કારણ બની ગઈ છે. આટલી બધી વસ્તી છતાં જુઓ એની પ્રગતિથી અમેરિકાને પણ મહાત કરી રહ્યું છે. જ્યારે ભારતમાં હંમેશા વૃદ્ધ નેતાગીરી જ આવે છે જે ભગવાનની આશા રાખતી રહેવાની.

એક તો ભગવાન ખૂબ સંપત્તિવાન હોવો જોઈએ, જેથી બીજાને મદદ કરી શકે. વૈરાગ્યની ભાવનાવાળો હોવો જોઈએ જેથી મદદ કરતા હિસાબ ના ગણે. પછી યશ તો એને મળવાનો જ છે. ખાસ તો ભગવાન માનવ હોય તે જરૂરનું છે. કારણ કાલ્પનિક ભગવાન કોઈ રીયલ મદદ કરવાનો નથી. અને આવો કોઈ ભગવાન ના મળે તો જાતે જ ભગવાન બની બેસો ને? અહમ્ બ્રહ્માસ્મિ. ભગવાન કદી કોઈનું શોષણ કરે ખરો??

આસ્તિકોના ‘અ’ કારમાં નાસ્તિકોના ‘ન’ કારમાં

ઉત્તરાખંડ કેદારનાથમાં કાળો કેર વર્તાઈ ગયો. હજારો યાત્રીઓ ફસાઈ ગયા અને હજારો મૃત્યુ પણ પામ્યા. કુદરત કુદરતનું કામ કરતી હોય છે. એની વચમાં આસ્તિક આવે કે નાસ્તિક બધાને અસર થઈ જતી હોય છે. સુનામી આવે ત્યારે આસ્તિક નાસ્તિક બધા સાથે જ તણાઈ જતા હોય છે. તમે આસ્તિક છો કે નાસ્તિક કુદરતને કશો ફરક પડતો નથી. કહેવાતા નાસ્તિકો ખુશ થવા લાગ્યા કે લે ભગવાનને મળવા ગયો હતો, લે લેતો જા.. એક ભાઈએ ફેસબુકમા રહેલા ગુજરાતી લેખક મંડળમાં ભગવાન તો ઠીક એની માંને ગાળો દેતી કવિતા લખીને મૂકી દીધી.

આસ્તિક તો ઈરેશનલ થિંકિંગ કરતા હોય છે તે તો સમજાય તેવું છે, પણ કહેવાતા નાસ્તિકો પણ ઈરેશનલ થિંકિંગ કરતા હોય છે. જો ભગવાન છે જ નહીં તો તમે ગાળો કોને દો છો ? ભગવાનને માનનારા અને ભગવાનને ભાંડનારા બંને મનમાં ભગવાન છે તે સીધું સાદું લોજિક છે. જે નથી એને ગાળ દેવાનો કોઈ અર્થ ખરો ? વળી પાછી એની માંને ગાળ દેવાનો મતલબ ભગવાન કોઈ વ્યક્તિ પણ બની ગયો. વળી કોઈએ વિરોધ ઉઠાવ્યો કે માતાને શું કામ? માંને બદલે પિતા શબ્દ વાપરવાનો હતો. મતલબ ભગવાનના પિતાને ગાળ દેવી જોઇતી હતી. સ્ત્રીઓનું શોષણ સમાજ સદીઓથી કરતો આવ્યો છે તો હવે પિતાને ગાળ દો.. ભગવાનના પિતાને ગાળ દો કે માતાને ગાળ દો કે ભગવાનને ભજો દરેક વખતે ઈશ્વરનો સ્વીકાર તો છે જ.

કેદારનાથ ટ્રેજેડી બચાવ કાર્યના ફૂટેજ હું ટીવી ઉપર જોતો હતો. એક પત્રકાર આર્મીના હેલિકૉપ્ટરમાં બેઠો હતો સામે કોઈ નાનો છોકરો અને કોઈ વૃદ્ધ વડીલ બેઠાં હતા. પત્રકાર પેલાં છોકરા સામે માઇક ધરીને રાબેતા મુજબ પૂછતો હોય છે કે ‘કૈસા લગ રહા હૈ?’ આપણા મૂરખ પત્રકારો ગમે તેવી પરિસ્થિતિ હોય ‘કૈસા લગ રહા હૈ?’ પહેલું જ પૂછી લેતા હોય છે. પેલો છોકરો બે હાથ જોડી લગભગ રડવા જેવો ‘હે ભગવાનજી આપકો થેંકયૂ બોલના ચાહતા હું આપને મુજે બચા લીયા’, પછી લાગે છે કે કંઈક અધુરુ છે તો કહે છે આર્મીવાલો કો થેંકયૂ બોલના ચાહતા હું. મને થયું બાળક છે જીંદગીમાં જે જોયું હોય તે જ બોલવાનો છે. પણ સવાલ એ છે કે તને એકલાંને બચાવી લીધો તું થેંકયૂ કહે છે અને બીજા હજારો મરી ગયા શું કહેતા હશે ? ભાઈ તું કોઈ સ્પેશલ વ્યક્તિ છે કે ભગવાનનો સંબંધી છે કે તને બચાવ્યો અને જે મરી ગયા તે ભગવાનના દુશ્મન હતાં ? કે અળખામણા હતાં ? બચી ગયેલા ભગવાનનો પાડ માનતા હોય છે તો મરી ગયા એમાં ભગવાન જવાબદાર ? આવી યાત્રાઓમાં લોકો બીજા કુટુંબીઓ સાથે જતા હોય છે, એમાંથી એક બચી જાય અને બીજો મરી જાય તો શું માનવાનું ? ‘ભગવાનનો પાડ માનો કે હું બચી ગયો અને મારી સાથે આવેલા મારા વાઈફ (ભાઇ-કાકા-મામા-ફોઈ-પિતા-માતા) મરી ગયા.’ હસવા જેવું લાગે છે ને?

તમે હરવા ફરવા જાઓ કે પર્વતારોહણ કરવા જાઓ એમાં ફરક હોય છે. ચોમાસામાં વિષમ વાતાવરણ થવાનું હોય તો આપણે ફરવા જતા નથી. અહીં અમે વેધર ખરાબ હોય સહેજ વરસાદ હોય તો પણ બહાર ફરવા જતા નથી ઘરમાં ભરાઈ રહેતા હોઈએ છીએ. પર્વતારોહકો પૂરતી તૈયારી કરીને જતા હોય છે અને હવામાન સમાચારો સાથે સંપર્કમાં રહેતા હોય છે. ધાર્મિક ઘેલછા કોઈ તૈયારી કરવા રહેતી નથી. એમના માટે ચોક્કસ દિવસનું મહત્વ હોય છે. વળી પાછાં લાખોની સંખ્યામાં ઊમટી પડતા હોય છે. આવી ગરબડ થાય તો લાખોને રેસ્ક્યૂ કરવા સરકાર માટે પણ મુશ્કેલી છે. ચાલવા અસમર્થ હોય એવા વૃદ્ધો પણ પુણ્ય કમાવા કે પરલોક સુધારવા આવી દુર્ગમ જગ્યાઓએ પહોચી જતા હોય છે. પછી આર્મીના માથે પડતા હોય છે.

ભગવાન સર્વવ્યાપી હોય, તો ઘરમાં ક્યાં નથી હોતો? મૂળ આપણું લોજિક જ ખોટું છે. આપણે ભગવાન વિષે દિશાવિહિન છિયે. એક બાજુ કહીએ છીએ કે ભગવાન બધે જ છે અને મંદિરમાં દોટો મૂકીયે છીએ. એક બાજુ કહીએ છીએ ભગવાન સર્વમાં છે અને કોઈ સ્પેશલ ગુરુ ઘંટાલના ચરણોમાં લોટી પડીએ છીએ. એક બાજુ કહીએ છીએ તે જગતનો નાથ છે અને મંદિરોમાં ધનના ઢગલા કરી દઈએ છીએ. જગતના નાથને આપણા પૈસાની શું જરૂર ? એક બાજુ કહીએ છીએ ભગવાન તો એક જ છે પણ દરેકના ભગવાન જુદા જુદા છે. એમાંય મારો સાચો અને તારો ખોટો. હું વૈષ્ણવ એટલે કપડાં સિવાય તેવું પણ બોલાય નહી કેમ કે સિવાય શબ્દમાં શિવ-શંકર નમઃશિવાય નો ધ્વનિ વર્તાય છે.

એક બાજુ કર્મના નિયમને આધીન કહીંયે છીએ તો પછી ભગવાન આગળ કરગરો કે પ્રસાદ ધરાવો શું ફરક પડવાનો? તમે ગમે તેટલાં કાલાવાલા કરશો કરમ ને આધીન હશો તો તે કશું કરવાનો નથી. અને કાલાવાલા કરવાથી કશું કરે તો તે પક્ષપાતી ગણાય. હોય તો પક્ષપાત કરે ખરો? પક્ષપાત કરે તો ભગવાન કહેવાય ખરો? અને હોય તો એને ભક્તો સાથે ડીલિંગ કરવા વચમાં બ્રોકર જોઈએ ખરા?

મૂલતઃ માનવ સમૂહમાં રહેવા ઈવોલ્વ થયેલો છે અને સમૂહનો એક નેતા હોય છે, નેતાને ખુશ રાખવો પડતો હોય છે, નેતા સાથે ડાઇરેક્ટ ડીલિંગ કરવું અઘરૂ તો વચમાં એક વચેટિયો જોઈએ જે સમૂહના વડા સામે આપણી વાત રજું કરે, ઘરમાં પિતા કડક હોય તો કોઈ માગણી માતા દ્વારા કરાતી હોય છે. નેતાને ખુશામત કરી રીઝવી શકાય છે, નેતાને ભેટસોગાદ આપીયે તો ખુશ રહે તો કામ થઈ જાય કે પહેલા આપણું સાંભળે. નેતા સમૂહનું રક્ષણ કરતો હોય છે તો એ કામ કરીને કમાવાની ઝંઝટમાંથી મુક્ત રહેતો હોય છે આપણા પૈસે લીલાલહેર કરતો હોય છે. નેતા સમયે સમયે બદલાઈ જતા હોય છે.

સેઇમ થિંગ આપણો ભગવાન વિષે કૉન્સેપ્ટ આવો જ છે. ભલે પુસ્તકોમાં બહુ આદર્શ કૉન્સેપ્ટ ઊભા કરીએ આચરણમાં આપણે જે કરતાં હોઈએ તેવું જ ભગવાન વિષે કરતાં હોઈએ છીએ. આપણા રાજાઓ, નેતાઓ અને ભગવાનમાં કોઈ ફરક નથી. એટલે તો કૃષ્ણ અને રામ જેવા રાજાઓ ને ભગવાન બનાવી બેઠાં છીએ. આમ આપણી કરણી અને કથની જુદી પડી જાય છે. કહીંયે જુદું કરીયે જુદું. માટે આપણે કહીંયે ભગવાન સર્વવ્યાપી છે પણ એ તો કોઈ ઊંચી જગ્યાએ બેઠો છે માટે એને મળવા દોટો મૂકવી પડે છે. આપણે કહીએ સર્વમાં છે પણ એની આગળ આપણી વાત રજૂ કરવા બ્રોકર શોધીએ છીએ, કહીએ જગતનો નાથ છે પણ માનીએ છીએ કે જગન્નાથના હાથ ખાલી છે. ભગવાન માટે બધા સરખાં એવું કહીએ ખરા પણ માનતા નથી. માટે આપણે એને પ્રસાદ ધરાવીએ છીએ, કાલાવાલા કરીએ છીએ કે મારુ ટેન્ડર પાસ કરજે બીજાનું ના કરતો. બીજો વળી એનું ટેન્ડર પાસ કરાવવા વળી એના ભગવાનને કરગરતો હોય. નેતા બદલાઈ જતા હોય છે તેમ ભગવાન પણ બદલાઈ જતા હોય છે. હવે બ્રહ્મા, વિષ્ણું ઓછા પૂજાય છે, રામ-કૃષ્ણ જોઈએ તેવું કામ આપતા નથી સાંઈબાબા શરૂ કરો.

ઘણીવાર રાજાને હટાવી મંત્રી કે સેનાપતિ પોતે રાજા બની જતો હોય છે. ભોંસલે રાજાઓને બાજુ પર રાખી પેશ્વા-મંત્રી રાજા બની ગયેલા. રાજાના એક સમયના પ્યૂન રાજા બની જતા હોય છે. બાપને હટાવી દીકરો પરાણે રાજા બની જતો હોય છે. રાજાનો ભાઈ બળવાન હોય તો બીજે વસીને નવું રાજ્ય વસાવતો હોય છે. ભગવાન હોય, ધર્મ હોય કે સંપ્રદાય હોય આજ સિનારિઓ ચાલતો હોય છે. ક્યાંક રામને બદલે હનુમાન વધુ પૂજાતા હોય છે. ખંડીયા રાજાઓનો એક ચક્રવર્તી રાજા હોય છે તેમ દેવાધિદેવ દેવ હોય છે.

દરેક માનવ સમૂહના પોતપોતાના અલગ નિયમો કાયદા હોય છે. તેમ ભલે એક જ ધર્મના હોય પણ અલગ અલગ સંપ્રદાયના નિયમો માન્યતાઓ અલગ અલગ હોય છે. બધા એકબીજાના દુશ્મનો. શિયા સુન્ની એકબીજાના દુશ્મન. એક જ સ્વામિનારાયણ ધર્મ કહેવાય પણ કાલુપુરવાળા કે વડતાલવાળા બાપ્સવાળાને ગાળો દેતા હશે. કારણ આચાર્યોને બાજુ પર રાખી સેવકો હવે ભગવાન બની ગયા છે. કૅથલિક અને પ્રોટેસ્ટન્ટનો ઝગડો વર્ષો જુનો છે.

શાંતિથી વિચારો સમજો ભગવાન વિષે, ધરમ વિષે આપણે ભલે ઉચ્ચ ફિલૉસફી કે મહાન આદર્શ દર્શાવતી વાતો કરીએ કે શાસ્ત્રો રચીએ પણ આપણા સામાજિક ઢાંચા પ્રમાણે જ ભગવાનની ધારણાનું અને ધર્મનું નિયમન થતું હોય છે. અહીં આપણી કથની અને કરણી વચ્ચે આભ જમીનનો ફરક પડી જાય છે. એટલે ધર્મની સૌથી વધુ વાતો કરનારા નૈતિક રીતે સૌથી વધુ અધાર્મિક દેખાતા હોય છે. જય શ્રી કૃષ્ણ અને જય જિનેન્દ્ર કહ્યા વગર ઘરની બહાર પગ ના મૂકનારા સૌથી વધુ આર્થિક કૌભાંડ કરતા હોય છે.

એક પૌરાણિક વાર્તા- એકવાર ભગવાન વિષ્ણુ બપોરની નૅપ લેતા હતા. બે દ્વારપાલ ચોકી કરતા હતા. એવામાં એક બ્રહ્મચારી ઋષિ ભગવાનને મળવા આવ્યા. અપૉઈન્ટમેન્ટ વગર આવેલા એટલે દ્વારપાલે રોક્યા. બ્રહ્મચર્યનું ફ્રસ્ટ્રેશન ગુસ્સો બહુ આપે. સીધો શ્રાપ આપી દીધો મૃત્યુલોકમાં બદલી કરાવી નાખીશ. ભગવાન જાગ્યા. દ્વારપાલ કરગરી પડ્યા પણ હવે બદલી તો કરવી જ પડશે. મુખ્યમંત્રીને ધારાસભ્યના કહેવાથી સંનિષ્ઠ અધિકારીની બદલી કરવી પડતી હોય છે. દ્વારપાલોએ કહ્યું અમે તો ફરજ બજાવી છે. પણ આ દેશમાં ફરજ બજાવો તો ઇનામને બદલે સજા મળવાનું આજનું નથી. કિરણ બેદીના એક પી.એસ.આઈ એ નો-પાર્કિંગમાં મૂકેલી કાર ખેંચાવી લીધી હતી. કાર ઈંદીરા ગાંધીની નીકળી. વાત આવી કે પી.એસ.આઈ ને સસ્પેન્ડ કરો. કિરણ બેદીએ કહ્યું એણે ફરજ બજાવી છે. એને સસ્પેન્ડ ના કરાય તો ઉપરી અધિકારીઓએ કિરણ બેદીની જ બદલી કરી નાખી, દિલ્હી થી ગોવા..

દ્વારપાલ બહુ કરગર્યા તો તોડ કાઢ્યો કે પ્રેમ ભાવે ભજશો તો સાત જનમ (જનમટીપ) બદલી કાયમ રહેશે. અને વેરભાવે ભજશો તો ત્રણ જનમ બહુ થઈ ગયા. આ શ્રાપ અને આશીર્વાદ ભારતમાં ઇમોશનલ અત્યાચાર કરવાના બે મુખ્ય સાધન હતા. આશીર્વાદની લાલચ અને શ્રાપની બીક બહુ લોકોને પીડતી. બન્ને દ્વારપાલનો પહેલો જનમ હીરણાક્ષ અને હીરણ્યકશ્યપુ, બીજો જનમ રાવણ અને કુંભકર્ણ અને ત્રીજો હું માનું છું કંસ અને શિશુપાલ…પછી આ ભક્તો પાછાં વિષ્ણુધામ દ્વારપાલ તરીકે રિટર્ન..

મૂળ વાત એ છે કે આપણે વાતો ગમે તેટલી ડાહી ડાહી કરીએ ભગવાન વિષે ઉચ્ચ આદર્શો અને ફિલૉસફી ફાડંફાડ કરીએ આપણો ભગવાન આપણા જેવો જ હોય છે. ધર્મોની સારી સારી વાતો પુસ્તકોમાં જ શોભાયમાન હોય છે અમલમાં નહિ.

એક ધનસુખભાઈ ભગવાનમાં માનતા નહોતા. મંદિરમાં જતા તો મૂર્તિ આગળ અવળા ફરીને ઊભા રહેતા. જો તમે ભગવાનમાં માનતા જ ના હોવ તો પહેલું મંદિરમાં જવાની જરૂર શું? અને ભૂલમાં જઈ ચડ્યા તો અવળા ફરીને ઊભા રહેવાની જરૂર શું? કોઈ છે નહિ તો કોની સામે અવળા ફરીને ઊભા રહો છો? તમારૂ કામ ના થયુ તમે નારાજ છો માટે ભગવાનમાં માનતા નથી કામ થયુ હોત તો તમે માનતા જ હોત.

મૂળ ભગવાનને ગાળો દઈને ગદ્ય કે પદ્ય રચાતા હોય છે તેમાં ભગવાન તો અધ્યાહાર હોય છે, એક બહાનું હોય છે. એમાં એક વર્ગનો બીજા વર્ગ સામેનો આક્રોશ જ ભરેલો હોય છે.

કૃષ્ણ આજે હોત તો કહેત; “હું સર્વવ્યાપી છું, આસ્તિકોના ‘અ’ કારમાં નાસ્તિકોના ‘ન’ કારમાં.”

ઉત્તરાખંડમાં મચેલી તબાહીમાં ફસાયેલા, મરેલા, બચેલા યાત્રાળુઓની ગાથામાં ત્યાં રહેતા સ્થાનિક લોકોને તો આપણે ભૂલી જ ગયા. ત્યાં વસેલા એક નાના ગામડાની સ્કૂલના ૨૭ બાળકો એક સામટાં અદ્રશ્ય થઈ ગયા હતા. જેઓ પાપ-પુણ્યના મર્મ કદી જાણતા નહોતા, આસ્તિક-નાસ્તિક શબ્દો એમના પલ્લે હજુ પડ્યા નહોતા, ધર્મ અને ભગવાનની વ્યાખ્યાઓ કરવાની હજુ બાકી હતી તેવા એ નાના નિર્દોષ ભૂલકાઓને યાદ કરીને ચાલો આપણે વધારે નહી તો બે અશ્રુ જરૂર વહાવીએ. સાથે સાથે આર્મીના જવાનોએ કરેલી કપરી કામગીરીને બિરદાવીએ.

ધર્મોના સ્થાને નાસ્તિકતા.

નિરીશ્વરવાદ હવે ફેલાવા માંડ્યો છે. ચાર્વાક પછી બુદ્ધ મહાવીર નિરીશ્વરવાદી હતા. પણ બુદ્ધને એમના ભક્તોએ ઈશ્વર બનાવી દીધા. એવું મહાવીરને જૈનોએ ભગવાન મહાવીર બનાવી દીધા. બંને સમકાલીન હતા. નાનકડા બિહારમાં ફર્યા કરતા હતા. લગભગ બિહાર બહાર ગયા નથી. એટલું બધું ફરતા, વિહાર કરતા કે વિહારમાંથી તે પ્રદેશનું નામ બિહાર થઈ ગયું. બંને એકબીજાને કદી મળેલા નહિ. દસ દસ હજાર શિષ્યોના ટોળા સાથે ફરતા પણ કદી એકબીજાને મળેલા નહિ, છે ને અચરજની વાત? જરૂર લાગી નહિ હોય કે પછી મારું સત્ય જ સત્ય એવું હશે?

અગાઉ મેં લખેલું છે કે ભગવાનની કલ્પના ભયમાંથી પેદા થઈ છે. જીવનની અનિશ્ચિતતા ભગવાન તરફ દોરી જતી હોય છે. ભયભીત મનોદશા ભગવાનને પોકારો કરતી હોય છે. નિઃસહાયતા ભગવાનને માનવા પ્રેરતી હોય છે કે કોઈ આવે ને બચાવે. ફોલ્સ પોજીટીવ એરર વિષે આપણે જાણી ચૂક્યા છીએ. ધર્મ એ વારંવાર ફોલ્સ પોજીટીવ એરર કરતા રહેવાનું પરિણામ છે. પણ જ્યાં સલામતી હોય, નિઃસહાયતા ઓછી થતી જાય, જ્યાં કુદરતના પરિબળોની વૈજ્ઞાનિક સમજ વધતી જાય ત્યાં પછી ફોલ્સ પોજીટીવ એરર કરીને ભગવાનને માનવાનું, ધર્મોને માનવાનું ઓછું થતું જતું હોય છે તે હકીકત છે.

નિરીશ્વરવાદ હવે સામાજિક રીતે સ્વતંત્ર અને આર્થિક રીતે ખૂબ સુખી હોય તેવા દેશોમાં વધુ ફેલાવા લાગ્યો છે. ખાસ કરીને યુરોપમાં વધુ ફેલાવા લાગ્યો છે. અંડરડેવલોપ કન્ટ્રી જ્યાં વિકાસની ગતિ ધીમી હોય જ્યાં આર્થિક રીતે હજુ ગરીબી હોય ત્યાં નાસ્તિકવાદ જેવું છે નહિ. એવા દેશોમાં હજુ ધર્મો અને ભગવાનની બોલબાલા હજુ ચાલું છે અને રહેવાની પણ ખરી. નાસ્તિકવાદ આધુનિક સમાજની ઘટના ગણાય. બુદ્ધ અને મહાવીર નાસ્તિક હતા, પણ સમાજ તૈયાર નહોતો, એમને જ ઈશ્વર બનાવીને બેસી ગયો. ૨૫૦૦ વર્ષ પહેલા કદાચ ભારતનો સમાજ સુખી હશે, પણ કુદરતના ભય પમાડતા પરિબળ વિષે વૈજ્ઞાનિક સમજ થોડી હોય? કે વીજળી કેમ પડે છે કે દુષ્કાળ કેમ પડે છે કે વાવાઝોડા કે મહામારી કેમ ફેલાય છે?

એક નવો સ્ટડી બતાવે છે કે સબ સહારન આફ્રિકન દેશોમાં નિરીશ્વરવાદ જરાપણ નથી. ત્યાં લોકો જેતે ધર્મો અને એમના જે ભગવાન હોય તેને માને જ છે. અતિવિકસિત દેશોમાં ભગવાનને માનવાનું ઓછું થયું છે. ધર્મોમાં વિશ્વાસ રાખવાનું ઓછું થયું છે, સ્વીડનમાં ૬૪ % નાસ્તિક, ડેન્માર્ક ૪૮%, ફ્રાંસ ૪૪%, જર્મની ૪૨% નાસ્તિકો ધરાવે છે. અને એની સરખામણીએ સબ સહારન દેશોમાં ૧% થી પણ ઓછા લોકો નાસ્તિક છે. ટૂંકમાં નાસ્તિકોની સંખ્યા અતિવિકસિત દેશોમાં વધવા લાગી છે.

આશરે ૮૦ વર્ષોથી એન્થ્રોપોલોજીસ્ટ વિચાર્યા કરતા હતા કે કેમ આર્થિક રીતે સક્ષમ દેશોમાં અને જ્યાં એજ્યુકેશનનું પ્રમાણ ઊંચું છે ત્યાં નાસ્તિકતાનું પ્રમાણ વધતું જાય છે? Anthropologist James Fraser કહે છે કે કુદરતના પરિબળો વિષે વૈજ્ઞાનિક ભવિષ્ય કથન, જેવા કે વરસાદ, બરફ વર્ષા, વાવાઝોડા, હરિકેન, ટોર્નેડો વગેરેની આગાહીને લીધે કુદરતના ભય પમાડતા અને નુકશાન કરતા પરિબળોની સમજ વધતી જતા, જીવન વિષે અનિશ્ચિતતા ઘટતી જતી હોય છે. એનો ભય ઘટતો જતો હોય છે. એટલે જ્યાં એજ્યુકેશનનું પ્રમાણ ખૂબ ઊંચું છે ત્યાં નાસ્તિકવાદ વધતો જાય છે. Atheism અને intelligence વચ્ચે ગહેરો સંબંધ છે. સામાજિક અને આર્થિક રીતે સ્વતંત્ર અને કૉલેજ એજ્યુકેશન ધરાવતા યુરોપનાં લોકોમાં હવે નાસ્તિકવાદ વધતો જાય છે.

જીવનની અનિશ્ચિતતા અને જીવવામાં પડતી મુશ્કેલીઓનાં મલમ, ઉપશામક લેપ અથવા હરકોઈ ઉપાય, શામક ઉપાય તરીકે લોકો ધર્મ અને ભગવાન તરફ વળી જતા હોય છે. એનાથી મનને શાંત પાડવું, દિલને સહારો આપવો કે હૂંફ આપવી એ જ કામ હોય છે. એટલે સુખી દેશોમાં સોશિયલ વેલફેર બહુ સારું મળતું હોય, તંદુરસ્તી સારી હોય, મેડિકલ સારવાર સારી મળતી હોય કે જુવાનીમાં રોગોના લીધે મરવાનું બહુ થાય નહિ, તેવા દેશોમાં હવે ભગવાનની કે ધર્મોની જરૂર એક હૂંફ કે દીલાસારૂપે રહેતી હોતી નથી. જ્યાં ચેપી રોગોનું એકદમ વધુ ચલણ હોય ત્યાં હજુ ભગવાનને લોકો બહુ માનતા હોય છે તેવું એક નવા અભ્યાસ દરમ્યાન જાણવા મળ્યું છે.

Nigel Barber (Ph. D.) એમના ૧૩૭ દેશોના અભ્યાસ પરથી જણાવે છે કે અતિવિકસિત આર્થિક અને આવક જ્યાં લગભગ બધાની સરખી છે તેવા અને જાય ટૅક્સનું પ્રમાણ ઊંચું છે તેવા દેશોમાં નિરીશ્વરવાદ વધુ ફેલાતો જાય છે. કોમ્યુનીસ્ટ દેશોમાં નિરીશ્વરવાદ વધુ છે, મુસ્લિમ દેશોમાં નિરીશ્વરવાદ ગુનો ગણાય છે. જે દેશો ખેતી પ્રધાન છે અને જ્યાં ખેતરોમાં કામ કરવા વિશાળ કુટુંબ હોય તો ખૂબ સરળતાથી માનવસંખ્યા ઉપલબ્ધ થઈ શકે ત્યાં ધર્મોનું જોર વધુ હોય છે. નાના કુટુંબ અને બાળકો ઓછા હોય તેવા કુટુંબ વ્યવસ્થા ધરાવતા દેશોમાં નાસ્તિકતા વધુ ફેલાતી જાય છે. ખેતરોમાં જ્યાં લોકો ખૂબ કામ કરતા હોય છે તેવા દેશોમાં નાસ્તિકતાનું પ્રમાણ બહુ ઓછું નહિવત્ હોય છે. અત્યંત આધુનિક સમાજોમાં લોકોને જ્યારે માનસિક, મનોવૈજ્ઞાનિક તકલીફો પડે છે ત્યારે એવા લોકો ધર્મોનો સહારો લેતા નથી, પણ કોઈ મનોવૈજ્ઞાનિક કે સાઇકીયાટ્રીસ્ટ કે ડોક્ટર્સની સલાહ લેતા હોય છે. એટલે નાનું કુટુંબ, સરકારની સારી સહાયતા અને સલામતીની ખાતરી, સારી આવક, સારું ઊંચું ભણતર, આધુનિક વિજ્ઞાન, Psychotropic medicines and electronic entertainment આ બધું નિરીશ્વરવાદ તરફ દોરી જાય છે.

ભારતમાં હવે ખ્યાલ આવી જશે કે ધર્મોનું પ્રમાણ કેમ વધુ છે, સંપ્રદાયો કેમ વધતા જાય છે? જીવનની કોઈ સલામતી અહીં નથી. કોઈ પણ સરકાર હોય કોઈ સલામતી આપી શકતી નથી. ભણતર વધતું જાય છે, પણ વૈજ્ઞાનિક સમજ કે અભિગમ વધતો નથી. આર્થિક રીતે દેશ હજુ પછાત છે, કરોડો ગરીબો હજુ બે ટંક ભોજન પ્રાપ્ત કરતા હશે કે કેમ? ભગવાન કોઈને ભૂખ્યા સુવાડતો નથી તે પુરાણ કથા સાવ ખોટી છે. લાખો લોકો રાત્રે ભૂખ્યા સૂઈ જતા હોય છે. અમેરિકામાં ભૂખ્યા સૂઈ જાય છે તો ભારતની ક્યાં વાત કરવાની? ભણેલાને સમજાવાય, ભણેલા અભણને કેમનો સમજાવાય? ઉંઘતાને જગાડાય, જાગતા નિંદ્રાધીનને કઈ રીતે જગાડાય?

એટલે હાલ ભારતમાં સાધુ, બાવાઓ અને પાખંડી ગુરુઓએ નજીકના ભવિષ્યમાં ચિંતા કરવા જેવી નથી.

કરમ કોઈ સજા નથી, ચારિત્ર્ય ઘડતરની કૂંચી છે.

કર્મ કે કરમ બહુ વિવાદાસ્પદ વિષય છે. મને લગભગ ૨૫ વર્ષથી નિયમિતપણે કિડની સ્ટોન થાય છે અને નીકળી જાય છે. બાવીસેક વર્ષનો હતો અને એપેન્ડીક્ષનું ઓપરેશન કરાવેલું, હમણાં બે વર્ષ પહેલા હર્નીયાનું ઓપરેશન પણ કરાવ્યું. મારા પોતાના જ દાખલા આપું છું. મારા વાઈફને ૨૬ વર્ષના હતા ને એક કિડની ફેઇલ થઈ જવાથી ૨૦ વર્ષ પહેલા તે કિડની રીમુવ કરવી પડેલી. બે વર્ષ પહેલા બીજી કિડની પણ કહે કે મેં એકલાં હાથે ૨૦ વર્ષ કામ કર્યું હવે નહિ કરું કહીને ધરણા પર બેસી ગઈ, સત્યાગ્રહ પર ઉતરી ગઈ હહાહાહાહાહાહા . મેં કહ્યું નો પ્રૉબ્લેમ આપણે ડાયાલિસીસ કરાવીશું. જો કે બે વર્ષમાં તો બીજી કિડની પણ અહીંની ઉત્તમોત્તમ વ્યવસ્થાને લીધે મળી ગઈ. એટલે વર્ષોથી કરમ તો ભોગવવા પડે તેવું સગા સંબંધીઓ પાસેથી સાંભળીએ છીએ. તમે મિત્રો પણ કોઈને કોઈ આવી તકલીફોમાંથી પસાર થતા જ હશો ને આવું સાંભળતા જ હશો. મતલબ આપણા હિંદુઓમાં કરમ એટલે એક જાતનું પનિશમૅન્ટ. કોઈ ખરાબ કામ કર્યું હશે તેની સજા રૂપે, એક બાહ્ય ન્યાય રૂપે આજે બીમારીઓ આવે છે, અને એવા કર્મ કે જે મને યાદ પણ નથી. એક નાનું બાળક બીમાર પડે છે તે ક્યાં કોઈ કર્મ કરવા ગયું હતું? તો કહેશે ગયા જન્મના કર્મ. પણ ગયો જનમ હતો કે નહિ તે પણ એક હાઈપો જ છે કોઈ સાબિતી કે પુરાવા છે જ નહિ. આવી સમજ એક બહુ મોટું તૂત છે.

કર્મ કોઈ આપણા ભૂતકાળના કૃત્યોની સજા નથી કર્મ એ તો આપણા ચારિત્ર્યનાં ઘડતર માટેની મહત્વની ચાવી છે.

આજના ન્યુરોલોજિસ્ટનાં ખુબ જ પ્રિય એવા ભગવાન બુદ્ધ શું કહે છે અને શું શીખવે છે? બુદ્ધ તમારા કર્મ પાછળના જે તે સમયના હેતુ ને જોવાનું કહે છે. કર્મનો સંસ્કૃતમાં સીધો સાદો અર્થ થાય કૃત્ય કે આચરણ કે ઍક્શન. પણ બુદ્ધ શું કહેવાના? બુદ્ધ કહેવાના હેતુ.

આપણે કોઈ પ્રતિજ્ઞા લેવી હોય તો મન, વચન અને કર્મ એમ ત્રણ શબ્દો વાપરીએ છીએ. આમાં શરીર, વચન મતલબ ભાષા અને મન મતલબ વિચારો કે બુદ્ધિ ત્રણે સંલગ્ન થઈ જાય. કૃત્ય પાછળ શારીરિક ક્રિયા, ભાષા અને વિચારો તો હોય છે. આમાં બુદ્ધના કહેવા પ્રમાણે ઍક્શન મતલબ આચરણ કે કૃત્ય પાછળ બે વસ્તુ હોય છે એક તો ઉઘાડી વર્તણૂક(bare behaviour) અને તે વર્તણૂક પાછળનો હેતુ. આમ સીધી વર્તણૂક નહિ પણ તે વર્તણૂક કે આચરણ પાછળનો હેતુ બુદ્ધના હિસાબે કર્મ છે અને તે કર્મ તમારા ચારિત્ર્યનાં ઘડતરની કૂંચી છે.

દાખલા તરીકે શારીરિક કૃત્ય તરીકે એક ડૉ સર્જન અને એક ચોર બંને હાથમાં છરી લેતા હોય છે. આ હાથમાં છરી લેવી bare behavior છે, પણ સર્જન છરી ફેરવે છે કોઈને બચાવવા અને ચોર છરી બતાવે છે કોઈને લૂટી લેવા. બંનેના આશય જુદા છે. હવે તમે કોઈને બૂમ પાડો કે ઉભો રહેજે, અહીં ભાષાકીય વહેવાર થયો તે બેર બિહેવ્યર છે પણ તેની પાછળના હેતુ જુદા હોઈ શકે. કે ભાઈ ઉભો રહેજે આગળ વધીશ નહિ આગળ ખાડો છે તું પડી જઈશ અથવા ભાઈ ઉભો રહેજે તારા ખીસામાં જે હોય તે મને આપી દે, મને લૂંટ ચલાવવા દે.. આવું જ વિચારોનું પણ છે. હું વિચારું કે ભિખારીને ભીખ આપવી નાં જોઈએ તે બેર બિહેવ્યર છે પણ આ વિચાર કે ભિખારીને ભીખ આપવી નાં જોઈએ તે પાછળ બે જાતના હેતુ હોઈ શકે. એક હેતુ એવો હોય કે ભિખારીને ભીખ આપવી નાં જોઈએ તેને કોઈ કામ કરતા શીખવવું જોઈએ જેથી ભવિષ્યમાં ભીખ માંગવાની ટેવ છૂટે કામ કરે ને સુખી થાય. આમ આ વિચાર પાછળ દયા કે કરુણા રહેલી છે. હવે ભિખારીને ભીખ નાં આપવી તેની પાછળ બીજો ઇરાદો એવો પણ હોય કે છો સાલો ભૂખે મરતો. અહીં ક્રોધ છે તો ક્રૂરતા પણ આવી ગઈ.

બુદ્ધના હિસાબે કર્મ પાછળ છ જાતના પ્રેરકબળ હોય છે. સદ્વર્તન અથવા સદભાવ, દયા અથવા કરુણા, ઉદારતા, દુર્ભાવ અથવા ક્રોધ, ક્રૂરતા અને લોભ અથવા તૃષ્ણા. કર્મ પાછળ રહેલા પહેલા ત્રણ હેતુ પોતાને અને બીજાને પણ નુકશાન કારક હોતા નથી અને પરિણામે દુઃખ દેતા નથી. જ્યારે બીજા ત્રણ બધાને નુકસાનકારક હોવાથી દુઃખદાયી હોય છે. આમ એક ડૉક્ટર સર્જન સદભાવના સાથે હાથમાં છરી લેતો હોય છે તેમાં દર્દીને બચાવવાનો હેતુ હોય છે તેની પાછળ કરુણા અને ઉદારતા પણ સમાયેલી છે. જ્યારે એક ચોર હાથમાં ક્રોધ અને દુર્ભાવ સાથે છરી લેતો હોય છે તેની પાછળ કોઈને લૂંટી લેવાનો હેતુ હોય છે તેમાં ક્રૂરતા અને લોભ પણ સમાયેલો હોય છે. આમ તમે બૂમ પાડીને કોઈને ઉભો રાખો તેમાં આવું જ વિશ્લેષણ કરી શકો છો. તેવી જ રીતે તમે કોઈને ભીખ નાં આપવી જોઈએ તે વિચાર પાછળ સદભાવ, દયા, ઉદારતા, ક્રોધ, ક્રૂરતા અને લોભ પણ છુપાયેલા હોઈ શકે છે.

હવે તમે સમજી શકો છો કે ધર્મોની નિંદા પાછળ કે સામાજિક અને ધાર્મિક પાખંડો ની નિંદા પાછળ અને એવા લેખો લખવા પાછળ મારો શું હેતુ હોય છે ?

હવે જો તમારા કર્મ પાછળ કોઈને નુકસાન નાં કરે તેવા હેતુઓ જેવી કે ઉદારતા, સદભાવ અને કરુણા વરસતી હોય તો આ કર્મો તમારા પ્રેમાળ, સમજદાર, કાળજી રાખનાર તરીકેના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. એક સરસ ઉમદા વર્તણૂકનું બીજ વવાઈ જાય જે ભવિષ્યમાં વૃક્ષ બનીને મહોરી ઊઠે. સારા કર્મો એક આદત બની જતી હોય છે. વારંવાર તમે આવા કર્મો કરવા પ્રેરાતા હોવ છો. તમારું વલણ જ લાંબે ગાળે બદલાઈ જતું હોય છે. આપણા કર્મો પાછળનો હેતુ જો બધાને નુકસાનકારક એવા ક્રોધ, ક્રૂરતા અને લોભ જ હોય અને વારંવાર તેવું કરવા પ્રેરાતા હોઈએ તો આપણું આચરણ કાયમ માટે એવું બનતા વાર લાગે નહિ.

આપણી ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ સદભાવ, કરુણા અને ઉદાત્તતા ભરેલી હોય તો તે આપણને દયાળુ, કરુણામય અને ઉદાર વ્યક્તિમાં પરિવર્તિત કરી નાખશે. આવી જ રીતે આપણે ક્રોધી, ક્રૂર અને લોભિયા પણ બની શકીએ. અહીં માઈન્ડફુલનેસ ધ્યાન ખુબ મદદરૂપ થઈ શકે છે. આપણી ક્રિયાપ્રતિક્રિયા મેમલ બ્રેન ઓટમેટિક આદતવશ આપતું હોય છે. ત્યાં ધ્યાનને લીધે આપણે આપણી પ્રતિક્રિયાઓ પ્રત્યે વધુને વધુ જાગરૂક બની શકીએ છીએ. અને વધુ ને વધુ પોજીટીવ બનતા જઈ શકીએ છીએ. આપણે આદતવશ આચરણ કરવાને બદલે આપણા કર્મો પાછળ રહેલા હેતુને ઓળખી શકીએ છીએ તો આદતને બદલી પણ શકીએ. મૂળ સવાલ છે આપણું વલણ બદલવાનો.

હવે ઇવલૂશનરી સાયકોલોજી ને ધ્યાનમાં લઈએ તો માનવી સમૂહમાં રહેવા ઉત્ક્રાંતિ પામેલો છે તે હકીકત છે. આપણા પોતાના ભલા સાથે સમૂહનું ભલું પણ ઇચ્છવું પડતું હોય છે. કારણ સમૂહ કહો કે સમાજ કહો સમાજના ફાયદામાં જ આપણો ફાયદો છે. હવે કોઈને નુકશાન થાય નહિ તેવો હેતુ કાયમ રાખીએ અને કર્મ કરીએ તો સમૂહનાં સભ્યોને કોઈ વાંધો હોય ખરો? સમૂહના ભલા માટે સમૂહની ગાડી બરોબર ચાલે તે માટે સમૂહે થોડા નિયમ જે તે સમય અને સંજોગોને ધ્યાનમાં રાખી બનાવ્યા હોય છે, કોઈને નુકશાન થાય તેવા હેતુ લઈને કર્મ કરીએ તો પેલો નારાજ તો થવાનો જ છે. અને એવા કર્મને લીધે સમૂહ વડે અપાતી સજા પણ ભોગવવી પડે તો બધા દુખી થવાના. નુકશાન આપનાર અને પામનાર બધા દુખી થવાના. લાંબા ગાળે આપણો પોતાનો સમૂહ આખો આપણાથી નારાજ રહે તો કોને ફાયદો? સામાજિક અસ્વીકાર તો મેમલ બ્રેન માટે બહુ મોટી દુઃખદાયક સજા છે. પરંતુ સમાજ પણ ઘણીવાર સમયના તકાજાને ઓળખતો હોતો નથી અને જડસુ બની પરમ્પરાગત નિયમો જકડી રાખતો હોય ત્યારે સમાજના ભવિષ્યના ફાયદા માટે નિયમો તોડવા પડતા હોય છે. ત્યારે ગાંધી અને દયાનંદ જેવા સજા પામી જીવ ગુમાવતા હોય છે પણ તેમના આ કર્મ પાછળ ડૉક્ટર સર્જનની છરી હોય છે ચોરનું ચાકુ નહિ.

હવે હું બીમાર પડું છું કારણ હું આ શરીરમાં છું અથવા આ શરીર છું અને તેના અલગ નિયમો છે. શરીર બીમાર પડે છે તેના અનેક કારણો હોય છે. શરીર ઈજા પણ પામતું હોય છે અને ઘરડું પણ થતું હોય છે. હમણાં નેપાળમાં ધરતીકંપ આવ્યો ત્રણચાર હજાર માણસો મરી ગયા હશે. એમાં નાના બાળકો પણ છે જ. બધા સામટાં કરમ કરવા ગયા હશે? વચમાં હિમાચલ પ્રદેશમાં ૨૬ છોકરાં સામટાં ડૂબી ગયા તો આ ૨૬ છોકરા સામટાં કોઈનું મર્ડર કરવા ગયા હશે? એમની ભૂલ કે એમના શિક્ષકોની ભૂલ કે અજાણી નદીમાં આમ તરવા નાં પડાય તેવું કોઈએ શીખવ્યું નહિ. પ્રકૃતિ નાં ક્રૂર છે નાં દયાળુ. એના નિયમ તોડો તો તે કોઈની ય દયા રાખે નહિ. પરમાત્માને પરમ કૃપાળુ કહેનારાઓને મોઢે આ જબરદસ્ત તમાચો છે કે ૨૬ નાના ભૂલકા એકસાથે તણાઈ ગયા. એટલે હું કહું છું જો તમે પરમાત્માને માનો તો એને ખરા અર્થમાં માનો કે તે નાં ક્રૂર છે નાં દયાળુ.

આજે તમે બીમાર પડો છો તે કોઈ તમારા કરમની સજા નથી શરીરનો ધરમ જ છે. બુદ્ધના હિસાબે સારા કર્મ જીવન ઘડતર, ચારિત્ર્ય ઘડતરની ચાવી છે. સારા કરમ આપણને હકારાત્મક લાગણીઓ સાથે જીવવાનું શીખવે છે જેથી આપણે હમેશાં આનંદિત રહી શકીએ. કારણ ખરાબ કરમ તમને અને આખા સમાજને હાનિકારક છે અને તે બ્રેનમાં સ્ટ્રેસ કેમિકલ્સ છોડતા હોવાથી તમને કાયમી હાની કરી શકે છે.

હું આસ્તિક છું કે નાસ્તિક? લ્યો તમે જ નક્કી કરો…

જો હું મારી જાતને નાસ્તિક કહીશ તો અમુક મિત્રો કહેશે ખોટી વાત છે. તમને તો તમારી જાતમાં ખૂબ વિશ્વાસ છે, શ્રદ્ધા છે માટે આસ્તિક કહેવાઓ. હવે આસ્તિક કહીશ તો અમુક મિત્રો કહેશે ખોટી વાત છે તમને ક્યાં ઈશ્વરમાં શ્રદ્ધા છે? કે તમે ક્યાં નિસર્ગાતીત(સૂપર્સ્ટિશન) વસ્તુઓમાં માનો છો? એટલે તમે નાસ્તિક કહેવાઓ. હવે વિવેકાનંદ કહેતા કે જેને પોતાનામાં શ્રદ્ધા નથી તે નાસ્તિક કહેવાય. તો પછી હું આસ્તિક થયો કે નહિ? ઘણા કહેશે જે ઈશ્વરમાં નથી માનતો તે નાસ્તિક કહેવાય અને માને તે આસ્તિક. હવે મને પોતાનામાં શ્રદ્ધા છે અને ઈશ્વરમાં નથી તો પછી મને શું કહેવો? આસ્તિક અને નાસ્તિક બંને? પ્રાચીન સમયમાં ભારતમાં જે વેદોને ના માને તે નાસ્તિક કહેવાતો. હવે વેદોમાં માનતા હોય પણ સાંખ્યના કપિલ મુનિ જેવા ઈશ્વરમાં નહોતા માનતા છતાં તે આસ્તિક કહેવાતા. એટલે તે સમયમાં ઈશ્વરમાં માનો કે ના માનો તેનો કોઈ ફરક નહોતો પડતો ખાલી વેદોમાં માનતા હોવા જોઈએ તે આસ્તિક કહેવાતા. વાંચનાર પણ ગોટે ચડી ગયા ને ?

આમ તો હું કોઈને કહેવા જતો નથી કે હું આસ્તિક છું કે નાસ્તિક છું પણ આપણે અંધશ્રદ્ધામાં ના માનતા હોઈએ એટલે તરત મિત્રોને લાગે કે આ તો નાસ્તિક છે. એવા તો કેટલાય મિત્રો હશે કે જેઓ અંધશ્રદ્ધાળુ અમુક બાબતોમાં હોતા નથી છતાં ઈશ્વરમાં માનતા હોય છે. પણ જનરલી તમે અંધવિશ્વાસુ ના હોવ, પૂજાપાઠ વગેરેમાં માનતા ના હોવ એટલે તરત મિત્રોને લાગશે કે આતો નાસ્તિક છે. થોડી બુદ્ધિ કે તર્ક વડે વાત કરો તો પણ ભારતમાં તો લાગે કે આ નાસ્તિક છે. બુદ્ધિ અને તર્ક વાપરવો અહીં ગાળ જેવું છે. ઘણા મિત્રોને એવું થતું હોય છે કે તમને કોઈ ફરિયાદ હશે એટલે ઈશ્વરમાં નહિ માનતા હોવ. ઘણા તો તરત પૂછી પણ લે કે તમારી સાથે એવું શું બન્યું કે તમે નાસ્તિક(પ્રચલિત અર્થમાં) બની ગયા? એ પૂછનાર મિત્રના મોઢા ઉપર તે સમયે એવા ભાવ હતા કે હું ઈશ્વરનો અળખામણો હોઈશ અને મને કોઈ ભૂલની સજા કરી હશે અને તેઓ પોતે ઈશ્વરના વહાલા. ત્યારે મને હસવું આવે અને કહેવાનું મન થાય કે ભાઈ કશું બન્યું નથી માટે નથી માનતો.

એક મિત્રે સહૃદયી તો માની લીધું કે હું ફરિયાદ કરતો કરતો નાસ્તિક બની ગયો હોઈશ. એમાં એમનો વાંક નથી. કોની આગળ ફરિયાદ કરવાની? કોઈ વ્યક્તિ આગળ ફરિયાદ કરો, સમસ્ત આગળ કઈ રીતે ફરિયાદ કરી શકો? સમસ્ત તો સમસ્તનું હોય, સર્વનું હોય ત્યાં ફરિયાદ કોની કરવાની? પણ તમે નાસ્તિક કેમ બની ગયા તેવું પૂછનાર અમુક વ્યક્તિઓ પોતે એક સ્ટેપ ઊંચા ઉભા હોય અને ભગવાનને ખૂબ વહાલો હોય તેવા ભાવ સાથે પૂછતા હોય છે. અને સામેવાળો નાસ્તિક જાણે કોઈ હીન વ્યક્તિ હોય ગુનેગાર ભગવાનને હાથે સજા પામેલો હશે માટે ફરિયાદ સ્વરૂપે નાસ્તિક બન્યો હશે તેમ માનતા હોય છે. જો કે ઘણા લોકો તે રીતે નાસ્તિક બન્યા પણ હોય છે. એમનું ધાર્યું ના થયું હોય કે ઘરમાં એવા દુઃખદ બનાવો બન્યા હોય તેમાં ઈશ્વર પ્રત્યેની આસ્થા ડગી હોય.

હવે ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાથી પોતાનું કામ થઈ જાય છે તેવું માનવાવાળા અને કામ નહિ થવાથી તેનામાં નહિ માનનારા બંનેની બ્રેન સર્કિટ સરખીજ કહેવાય. બંનેની માનસિકતા સરખી જ કહેવાય. કારણ બંનેના અચેતનમાં ઈશ્વર તો છે જ. એકનું કામ થાય છે અને બીજાનું નથી થતું. એટલે કામ તો કોઈ કરે છે. ભલે દેખાતો નથી પણ કોઈ વ્યક્તિ(ભગવાન) છે જે વહાલાદવલાની નીતિ અપનાવી રહ્યો છે. એટલે વહાલા હોય તે ભજે છે અને દવલા હોય તે ગાળો દેતા હોય છે. એક ધનસુખભાઈ હતા તે મંદિરમાં જતા અને મૂર્તિ આગળ અવળા ફરીને ઉભા રહેતા. મતલબ અવળા ફરીને ઉભા રહેવા કારણરૂપ કોઈ છે તો ખરું જ. સામે કોઈ હોય જ નહિ તો અવળા ફરી ઉભા રહેવાનો શું અર્થ? અને આવા બોગસ નાસ્તિકોને લીધે જે જેન્યુઈન નાસ્તિકો છે તેમને લોકો ઓળખી શકતા નથી.

હવે બીમારી કોના ઘેર નથી આવતી? દરેકના ઘરના કોઈ ને કોઈ સભ્યને જીવલેણ બીમારીઓ તો આવતી જ હોય છે. હું અહીં ડાયાલિસીસ સેન્ટર ઉપર જાઉં છું વાઈફને મૂકવા તો આખા સેન્ટરમાં મારા એકલાં વાઈફ આવતા હોય એવું નથી પણ આખુ સેન્ટર ભરેલું હોય છે. દરેકના ઘેર સારા પ્રસંગો આવતા હોય તેમ ખરાબ પણ આવતા જ હોય છે. આ તો જીવનના એક ભાગરૂપ છે. તો મારા ઘેર કોઈ બીમાર પડે કે કોઈ મરી જાય કે ખરાબ પ્રસંગ આવે તો એવું ભોગવનાર હું એકલો તો હોતો નથી. દરેકના ઘેર આવું બનતું જ હોય છે એમાં મારે ઈશ્વર હોય તો એને શું કામ દોષ દેવો? જે કાઈ મારે ભોગવવાનું આવે તેમાં મારા સમય, સંજોગો, વાતાવરણ, ખાનપાન, વારસાગત જિન્સ વગેરે વગેરે જવાબદાર હોય એમાં ભગવાનનો શું દોષ? મારી ભૂલો હશે તો જવાબદારી મારી હોય માટે હું કદી ક્યાંય ફરિયાદ કરતો નથી. ફરિયાદ કરવાનું કોઈ કારણ જ હોતું નથી. અને કરું તો કોની સામે કરું? જે દેખાતો નથી એની સામે? માટે મને ફરિયાદ કરવા કોઈ કારણ જડતું નથી તેમ પ્રાર્થના કરવા માટે પણ કોઈ કારણ જડતું નથી માટે હું કદી પ્રાર્થના પણ કરતો નથી કે મને ઉગારો કે બચાવો. અને હું પ્રાર્થના કરીશ તો કોઈ ફરક ક્યાં પડવાનો છે? લાખો લોકો પ્રાર્થના કરતા હોય છે છતાં બીમાર પડતા જ હોય છે અને મરતાં પણ હોય જ છે.

પ્રાર્થના ક્યાં હોય? જ્યાં ફરિયાદ હોય ત્યાં પ્રાર્થના હોય. અથવા ભવિષ્યમાં ફરિયાદ ના કરવી પડે તેના આયોજન રૂપે પ્રાર્થના હોય. હવે મારે ના ફરિયાદ કરવી હોય, ના પ્રાર્થના કરવી હોય તો ઈશ્વરની શું જરૂર? ઘણાને પ્રાર્થનામાં પ્રચંડ શક્તિ દેખાતી હોય છે. એ શક્તિ તમારી જ હોય છે બીજે કશાથી આવતી નથી. કારણ તમને પ્લસીબોની આદત પડી ગઈ છે. પ્રાર્થના એક ડ્રગ જેવી છે તેના વગર ટાંટિયા ચાલે નહિ. અફીણનો અમલ કરનારને અનુભવ હોય છે કે અમલ ઊતરી જાય ત્યારે એક ડગલું ચાલવાની શક્તિ રહેતી નથી. થોડું અફીણ પેટમાં ગયું કે બાપુ મિલ્ખાસિંઘ બની દોટ મૂકવાનો. ચાલો મહંમદ ગઝની બંદગી કરશે હે અલ્લાહ મને સોમનાથ પર જીત મેળવવાની શક્તિ આપજે અને હિંદુઓ કહેશે હે સોમનાથ દાદા ત્રીજું નેત્ર ખોલી યવનને ભસ્મ કરી દેજો. હવે સમસ્ત કોની પ્રાર્થના સાંભળશે? કોઈની નહિ. જેનામાં તાકાત હશે તે જીતશે. એટલે નબળા કાયર કમજોર હિન્દુઓની પ્રાર્થના સાંભળવાને બદલે મહાદેવે ગઝનીના મહેલના ત્રણ પગથીયે ચણાઈ જવાનું પસંદ કર્યું.

ફરિયાદ રૂપે કે મદદ માટે પ્રાર્થના કરો મતલબ તમે કુદરતના નિયમોમાં દખલ કરો છો. તમે કુદરતના નિયમોમાં માનતા નથી, તેમાં તમને વિશ્વાસ નથી. કુદરતને એના નિયમો તોડવા માટે વિનંતી કરો છો. કુદરત એના નિયમો ફક્ત તમારા માટે તોડે એના માટે વિનંતી અને પ્રસાદરૂપે લાંચ પણ આપો છો. તમારું કામ થાય છે તે કુદરતના નિયમ આધીન થતું હોય છે પણ તમને લાગે છે તમારી પ્રાર્થના સાંભળી. અને કામ નથી થતું ત્યારે પણ કુદરતના નિયમ આધીન નથી થતું. લાખો લોકો એક્સિડન્ટમાં બચી જતા હોય છે તેમ લાખો લોકો મરી પણ જતા હોય છે. હવે જે મરી જતા હશે તે શું પ્રાર્થના નહિ કરતા હોય?

કેદારનાથ ભગવાનને મળવા ગયેલા હજારો મરી ગયા અને હજારો સમયસર મદદ મળતા બચી પણ ગયા. બચી ગયેલાને ભગવાને બચાવ્યા તો મરી ગયા તેમને ભગવાને જ મારી નાખ્યા ને? કુદરત કુદરતનું કામ કરે છે તેના માટે પ્રાર્થના કરનાર અને નહિ કરનાર સરખો જ છે. બચાવે તો ભગવાનની કૃપા અને ના બચાવે તો નસીબ અને કર્મનો દોષ. સગવડીયા બહાના શોધવામાં આપણે માહેર છીએ. ભગવાનમાં માનવું બહુ સરળ છે, સહેલું છે, એમાં કોઈ બુદ્ધિની કે હિંમતની જરૂર નથી હોતી. પણ ભગવાનમાં માન્યા વગર જીવવું એમાં દિલ અને દિમાગની ઠંડી તાકાત જોઈએ. ભગવાનમાં માનીને જીવનાર માટે ભગવાન એક બહુ મોટો સહારો છે. એવા સહારા વગર જીવવા માટે દ્રઢ મનોબળ જોઈએ કારણ જે પણ કરીએ અને ભોગવીએ તેની તમામ જવાબદારી જાતે ઉઠાવવાની હોય છે. કહેવાતા આસ્તીકોની જેમ બધું ભગવાનને માથે નસીબને માથે થોપવાનું હોતું નથી.

તો મિત્રો હવે હું આસ્તિક છું કે નાસ્તિક તે નક્કી કરવાનું તમારા માથે નાખીને; કેટલાક જાણીતા નિરીશ્વરવાદીઓના નામ નીચે લખું છું તે વાંચવાનું ભૂલતા નહિ.

૧) કપિલ મુનિ - સાંખ્ય ફિલોસોફીના પ્રણેતા.

૨) કુમારિલ ભટ્ટ – મીમાંસા ફિલોસોફર

૩) બુદ્ધ.

૪) મહાવીર,

૫) અજીત કેશકમ્બલી- બુદ્ધ-મહાવીરના સમકાલીન ફિલોસોફર

૬) ચાર્વાક

૭) શહીદ ભગતસિંહ, ૮) વીર સાવરકર, ૯) જવાહરલાલ નહેરુ, ૧૦) અમર્ત્ય સેન- નોબલ પ્રાઇઝ વિનર, ૧૧) જોહ્ન અબ્રાહમ-એક્ટર, ૧૨) અમોલ પાલેકર-એક્ટર, ૧૩) કમલહાસન- એક્ટર, ૧૪) અનુરાગ કશ્યપ- ફિલ્મ ડાયરેક્ટર, ૧૫) અશોક બાજપેઈ-હિન્દી કવિ, ૧૬) જાવેદ અખ્તર- રાઈટર-કવિ-શાયર, ૧૭) બાબા આમ્ટે, ૧૮) ભાઈચંગ ભૂટિયા-ફૂટબોલ ખેલાડી, ૧૯) ખુશવંતસિંઘ-પત્રકાર, ૨૦) રામમનોહર લોહિયા, ૨૧) સલમાન રશદી- લેખક, ૨૨) રામગોપાલ વર્મા- ફિલ્મી ડાયરેક્ટર, ૨૩) સત્યજીત રે ૨૪) શ્રીરામ લાગુ-એક્ટર, ૨૫) નરેન્દ્ર દાભોલકર-મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના સ્થાપક જેમનું મર્ડર થયું. ૨૬) ગોવિંદ પાનસરે- એમનું પણ અસ્તિકોએ મર્ડર કર્યું છે. ૨૭) એમ.એમ. કુલ્બુર્ગી- લેખક તેમનું પણ મર્ડર કરવામાં આવ્યું છે, ૨૮) નંદિતા દાસ-અભિનેત્રી, ૨૯) ગુજરાતમાં રેશનાલીઝમનાં મજબૂત સ્તંભ હતા એવા દિવંગત શ્રી રમણ પાઠક-લેખક, ૩૦) અને છેલ્લે મારું નામ લખી શકું રાઓલ ભૂપેન્દ્રસિંહ-લેખક, કોલમ રાઈટર.

એવું ના સમજી લેતા કે ભારતમાં આટલાં જ નિરીશ્વરવાદીઓ હશે. હજારો જાણ્યા-અજાણ્યા લોકો હશે જે ઈશ્વરમાં નહિ માનતા હોય પણ આપણે એમના નામ જાણતા નથી અને અમુક જાણીએ છીએ પણ એમને પૂછ્યા વગર અહિ જાહેરમાં લખાય નહિ. કારણ જીવનું જોખમ છે આ દેશમાં. કરુણતા એ છે કે જે દેશમાં નિરીશ્વરવાદ વેદો માન્ય હતો, જે દેશે આખી દુનિયાને નિરીશ્વરવાદ શીખવ્યો છે તેની સમજ આપી છે તે દેશમાં હવે કહેવાતા ધર્મ ઠેકેદારો નિરીશ્વરવાદીનું ખૂન કરતા અચકાતા નથી.