'દ્રશ્યમ ૩: ધ કન્ક્લુઝન'
-રાકેશ ઠક્કર
શું ‘દ્રશ્યમ 3 ના અમુક દ્રશ્યોમાં જયદીપનો અજય સામે વિજય થયો છે?
જ્યારે પણ કોઈ મોટી ફ્રેન્ચાઈઝીની ત્રીજી કડી આવે ત્યારે દર્શકોના મનમાં ડર અને ઉત્સાહ બંને સાથે હોય છે કે શું આ વખતે પણ એ જ જાદુ જોવા મળશે કે પછી કહાની પતી ગઈ હશે? એ પ્રશ્નનો જવાબ અત્યારે તો એવો છે કે કહાનીનો અંત લાવી દેવામાં આવ્યો છે. આ ફિલ્મ માત્ર એક મૂવી નથી, પણ દર્શકોના મગજ સાથે રમાતી એક શાનદાર ચેસની ગેમ છે.
ફિલ્મની શરૂઆત ભૂતપૂર્વ IG મીરા દેશમુખ (તબ્બુ)થી થાય છે, જે તેમના પુત્ર સમીરના મૃત્યુના શોકમાં ડૂબેલા છે અને હતાશામાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે. તેમની આવી સ્થિતિ જોઈને પતિ મહેશ દેશમુખ (રજત કપૂર) કેસ ફરીથી ખોલવાની માંગ કરે છે,. જેનાથી ક્રાઈમ બ્રાન્ચના SP રાજવીર સિંહ તોમર (જયદીપ અહલાવત) નો ધમાકેદાર થાય છે. રાજવીર પોતાની સરખામણી ન્યાય અને દંડના દેવતા 'શનિ' સાથે કરે છે, તેઓ વિજય સાલગાંવકર (અજય દેવગન) અને તેમના પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ફરી એકવાર તેઓ પોલીસ તપાસ અને કોર્ટની કાર્યવાહીના ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે. આ વખતે પોલીસ પાસે વિજયના જૂઠાણાનો પર્દાફાશ કરવા માટે નવા પુરાવા અને સાક્ષીઓ ઉપલબ્ધ છે. તેમને ઈન્દ્રજીત શેટ્ટી (પ્રકાશ રાજ) નો સાથ મળ્યો છે. તે એક એવા વકીલ છે જે ક્યારેય કોઈ કેસ હાર્યા નથી. અગાઉના પ્રશ્ન ‘2જી ઓક્ટોબરે શું થયું હતું?’ બાદ હવે ફિલ્મ પણ 2 ઓક્ટોબર, 2026 ના રોજ આવી છે પણ નવું રહસ્ય એ છે કે ‘23મી જુલાઈએ શું થયું હતું?’ તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.
ફિલ્મ શરૂઆતની માત્ર ત્રણ જ મિનિટમાં પાછલા બંને ભાગની યાદ અપાવી દે છે. આ વખતે સેમનું ભૂત ફરી એકવાર જમીન ફાડીને બહાર આવી ગયું છે! કથામાં નવો વળાંક ત્યારે આવે છે જ્યારે જયદીપ અહલાવતની એન્ટ્રી થાય છે. શરૂઆતમાં ફિલ્મ થોડી ધીમી ચાલે છે, જાણે કે મેકર્સ દર્શકોની સબૂરીની પરીક્ષા લઈ રહ્યા હોય. થોડી વાર માટે એવું લાગે કે યાર વાર્તા થોડો વધુ સમય લઈ રહી છે. પરંતુ જમીન પર સસ્પેન્સનો પાયો ધીમે-ધીમે મજબૂત થતો જાય છે. ખાસ કરીને ઇન્ટરવલ બ્લોકમાં જ્યારે જયદીપ અહલાવત સીધો વિજય સલગાંવકરના ઘરના દરવાજા પર ટકરાય છે એ દ્રશ્યમાં જે ટેન્શન બિલ્ડ-અપ થાય છે તે રૂંવાડા ઊભા કરી દેનારું છે. એક તરફ વિજયની લાચારી પર દયા આવે અને બીજી તરફ જયદીપની ખતરનાક પકડ પર ગુસ્સો પણ આવે. આ બેવડા ઇમોશન જ અસલી મજા છે!
અભિનયની વાત કરીએ તો અજય દેવગણ પોતાના જાણીતા, શાંત અને ગંભીર અંદાજમાં એકદમ પરફેક્ટ લાગે છે. તેમણે આ ‘વિજય’ ને અમર બનાવી દીધો છે. ફિલ્મના પહેલા ભાગમાં અજયની સ્ક્રીન પ્રેઝન્સ થોડી ઓછી લાગે છે અને પોલીસ અધિકારી જ વધુ પ્રભાવિત કરે છે, પણ વિજયની માત્ર આંખોનું મૌન જ આખી બાજી પલટી નાખવા માટે પૂરતું છે. વિજયના પાત્રની એ સાદગી, આંખોની એ હાસ્યમય ચાલાકી અને પરિવારને બચાવવા માટેની પાગલપંતી અજયે કમાલની રીતે ભજવી છે. પરંતુ આખી ફિલ્મની અસલી જાન છે જયદીપ અહલાવત! કેટલાક દ્રશ્યોમાં તો તે અજય દેવગણ પર પણ ભારે પડતા દેખાય છે. જયદીપે એવું દમદાર પાત્ર ભજવ્યું છે કે અક્ષય ખન્ના પણ તેના ધુમાડામાં ઉડી જાય છે!
તબ્બુ અને અજયની જોડી તો હંમેશાં કમાલ કરે જ છે. આપણે ફાલતુમાં શાહરૂખ ખાન અને કાજોલની જોડીને હાઈપ આપીએ છીએ પણ અસલી નંબર વન ફિલ્મી કપલ તો તબ્બુ અને અજય દેવગણ છે! તેમની જોડીની અભિનય ક્ષમતા એટલી શાનદાર છે કે તેઓ ક્યારેક રોમાન્સ તો ક્યારેક ગંભીર માહોલ અથવા કબ્રસ્તાન જેવા દ્રશ્યોને પણ ખૂબ જ પ્રભાવશાળી રીતે સ્ક્રીન પર જીવંત કરી દે છે. આ વખતે ગાયતોન્ડેનું પાત્ર એકદમ અલગ જ રંગ લઈને આવે છે. ગંભીર માહોલમાં પણ તેની હાજરી હસાવી દે છે, છતાં કથાનકને જકડી રાખવામાં તે પૂરેપૂરો સાથ આપે છે. આ ફિલ્મ કોઈ વન-મેન શો નથી. એક પરફેક્ટ ટીમ સિનેમા છે, જ્યાં દરેક નાનો-મોટો ચહેરો પોતાના રોલથી કહાનીમાં નવા ટ્વિસ્ટ લાવે છે. આ વખતે સ્ટોરી ડાર્ક સાઇકોલોજીકલ ઇમોશન્સને બદલે સીધી જ એક હાઇ-વોલ્ટેજ સસ્પેન્સ થ્રિલર પર ફોકસ કરે છે. સારી વાત એ છે કે વાર્તા પર ગીતોનો બોજ નથી. અમર મોહિલેનું પાર્શ્વ સંગીત એક મુખ્ય વિશેષતા બની રહે છે.
ફિલ્મનો બીજો ભાગ અસલી ગેમ રમે છે. જ્યારે કહાની કોર્ટરૂમ ડ્રામામાં બદલાય છે ત્યારે દરેક સીન ચેસની ચાલ જેવો લાગે છે. તમને લાગશે કે આ વખતે રાજા ગયો ભાઈ! પરંતુ ફિલ્મની છેલ્લી 30 મિનિટમાં ડિરેક્ટરે જે માઇન્ડ બ્લોઇંગ ટ્વિસ્ટ પીરસ્યો છે, તે તમારા મગજના તમામ તાર હલાવી નાખશે. અજય દેવગણે સાબિત કરી દીધું છે કે મોટી બ્લોકબસ્ટર બનાવવા માટે રૂ. 1000 કરોડના બજેટ કે સિક્સ પેક્સની નહીં પણ દર્શકોના મગજ સાથે રમવાની બેજોડ કળાની જરૂર પડે છે.
દ્રશ્યમ ફ્રેન્ચાઈઝીની સૌથી મોટી તાકાત હંમેશાં તેનો ક્લાઇમેક્સ રહ્યો છે. આ વખતે પણ દર્શકોની હાલત 'ભેજાં ફ્રાય' જેવી થઈ જાય છે! ભલે ખબર હોય કે અંતમાં વિજય જ જીતવાનો છે, છતાંય પોલીસ ઇન્વેસ્ટિગેશન, વકીલોની દલીલો અને પુરાવાઓની હેરફેર જોઈને દર્શકો સ્ક્રીન પરથી નજર હટાવી શકતા નથી. નિર્દેશક અભિષેક પાઠકની આ હિન્દી ફિલ્મ તેની ઓરિજિનલ મલયાલમ ફિલ્મથી તદ્દન અલગ છે. ટાઇટલ સરખું હોવા છતાં રીમેક નથી પણ એક નવો જ અવતાર છે! બોલિવૂડમાં થ્રિલર શૈલીમાં નવો ઇતિહાસ રચવા માટે અજય દેવગણનો માત્ર એક જ ચહેરો કાફી છે. બંદૂક કે ચાકુ વગર માત્ર મગજની તાકાતથી પોલીસને નચાવવી એ જ આ ફિલ્મની યુનિક યુએસપી (USP) છે. અંદાજે અઢાર વર્ષ પછી પણ આ કહાનીનો જાદુ જરાય ફિક્કો પડ્યો નથી. સસ્પેન્સ, થ્રિલ અને મગજની કસરત કરાવતી ફિલ્મોના શોખીન હોય તો પરિવાર સાથે આ મૂવી જોવા જેવી છે.