હેવાન Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હેવાન

હેવાન
રાકેશ ઠક્કર

પ્રિયદર્શનના નિર્દેશનમાં બનેલી અને અક્ષય કુમાર તથા સૈફ અલી ખાનની જોડીને 18 વર્ષ પછી ફરી એકવાર પડદા પર લાવતી ફિલ્મ 'હેવાન' ને લઈને પ્રેક્ષકો અને વિવેચકો તરફથી ખાસ પ્રતિસાદ મળી મળી શક્યો નથી. આ ફિલ્મ વર્ષ 2016 ની મલયાલમ સુપરહિટ ફિલ્મ 'ઓપમ' ની અધિકૃત હિન્દી રિમેક છે. મલયાલમમાં મોહનલાલે ભજવેલી મુખ્ય ભૂમિકા અહીં સૈફ અલી ખાને નિભાવી છે, જ્યારે અક્ષય કુમાર એક ક્રૂર અને ડાર્ક વિલનના નેગેટિવ રોલમાં જોવા મળે છે. જોકે, બોક્સ ઓફિસ પર આ બહુચર્ચિત જોડી પણ મોટો ચમત્કાર સર્જી શકી નથી. રૂ.130 કરોડની ફિલ્મ પહેલા અઠવાડિયે માત્ર રૂ.10 કરોડ જ મેળવી શકી છે. ફિલ્મને લઈને શરૂઆતમાં જે હાઇપ ઊભી થવી જોઈતી હતી તે બની શકી નથી, જેનું મુખ્ય કારણ એ છે કે અસલ મલયાલમ ફિલ્મ હિન્દી ડબિંગ સાથે યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર પહેલેથી જ ઉપલબ્ધ છે. વિવેચકોના નકારાત્મક પ્રતિભાવો પછી તો આ ફિલ્મને બોક્સ ઓફિસ પર કોઈ ખાસ સહારો મળી રહ્યો નથી.
 
ફિલ્મ 'હેવાન' નો મૂળ વિચાર અને તેનો કોન્સેપ્ટ સસ્પેન્સ-થ્રિલરની દ્રષ્ટિએ ખૂબ જ દમદાર છે. એક દ્રષ્ટિહીન વ્યક્તિ, જેની પાસે સાંભળવાની અને સૂંઘવાની તીવ્ર સંવેદનાત્મક શક્તિઓ છે, તે પોતાના આશ્રયદાતા અને નિવૃત્ત જજ (બોમન ઈરાની) ની પુત્રીને એક ઘાતકી કાતિલથી બચાવવા માટે લડે છે. એક અંધ વ્યક્તિ અને એક ખતરનાક વિલન વચ્ચેની આ બિલાડી-ઉંદર જેવી રમત વાર્તામાં સસ્પેન્સ જાળવી રાખે છે.

ફિલ્મનો બીજો ભાગ અને ખાસ કરીને તેનો કલાઈમેક્સ સસ્પેન્સ અને થ્રિલથી ભરપૂર છે, જ્યાં વાર્તામાં ચોક્કસ પ્રકારનો તણાવ ઊભો થાય છે. પ્રિયદર્શને ફિલ્મના કલાઈમેક્સ સીન અને ડાર્ક વાતાવરણને કેમેરા ફ્રેમિંગ અને લાઈટિંગ દ્વારા સરસ રીતે શૂટ કર્યા છે. તે સિવાય ફિલ્મની સહાયક સ્ટારકાસ્ટ જેમ કે બોમન ઈરાની, શારિબ હાશ્મી અને દિવંગત અભિનેતા અસરાનીનું અભિનય પ્રદાન સન્માનજનક રહ્યું છે.
 
બીજી તરફ ફિલ્મના નકારાત્મક પાસાઓની લાંબી યાદી છે, જે આ થ્રિલર અનુભવને કંટાળાજનક બનાવે છે. સૌથી નબળું પાસું ફિલ્મનો 165 મિનિટનો લાંબો રન-ટાઇમ છે. અસલ ફિલ્મ 2 કલાકની જ હતી પરંતુ હિન્દીમાં પ્રથમ ભાગ બિનજરૂરી રીતે ખેંચવામાં આવ્યો છે. કથા ખુબ જ ધીમી ગતિએ આગળ વધે છે અને વાર્તા સેટ કરવામાં જ ઘણો સમય બગડી જાય છે. પ્રિયદર્શને પોતાની શૈલી મુજબ બિનજરૂરી કલાકારો અને કોમેડી ટ્રેક્સ ઉમેર્યા છે, જે ગંભીર થ્રિલરના મૂળ મૂડને તોડે છે. પ્રીતમના સંગીતમાં બનેલા ત્રણ ગીતો બિલકુલ બિનજરૂરી અને સસ્પેન્સના પ્રવાહમાં અવરોધરૂપ લાગે છે. વાર્તામાં ઘણી જગ્યાએ લોજિક અને સ્ક્રીનપ્લેની ક્ષતિઓ સ્પષ્ટ દેખાય છે. દ્રષ્ટિહીન વ્યક્તિ તરીકે સૈફના પાત્રને અતિશય સુપરહીરો જેવો પાવરફુલ બનાવી દેવાયો છે, જે વાસ્તવિકતાથી દૂર લાગે છે.
 
અભિનય અને પાત્રાલેખનની દ્રષ્ટિએ અક્ષય કુમાર અને સૈફ અલી ખાને પોતાની રીતે પ્રયાસો કર્યા છે, પરંતુ લેખનની મર્યાદાઓને કારણે પરિણામ મિશ્ર મળ્યું છે. અક્ષય કુમારે આ ફિલ્મમાં 'પરશુરામ' નામના એક કઠોર, બદલાની આગમાં બળતા અને કોઈ જ નૈતિકતા વગરના ક્રૂર વિલનનો રોલ પસંદ કર્યો છે. હિન્દી સિનેમાના ટોચના સુપરસ્ટાર દ્વારા આવો નેગેટિવ રોલ સ્વીકારવો એ એક સાહસિક પગલું ચોક્કસ છે, પરંતુ અક્ષયને જે સ્ક્રીન ટાઇમ મળ્યો છે તે ખૂબ ઓછો છે. તેને એક મોટા વધારેલો કેમિયો જેવો રોલ આપ્યો હોવાનો અહેસાસ થાય છે. અક્ષયનો લૂક અને ટેટૂવાળો અવતાર ડરામણો ચોક્કસ લાગે છે, પરંતુ તેનું પાત્ર કાગળ પર વધારે ઊંડું લખાયું નથી, જેથી તે પ્રેક્ષકોના મનમાં કાયમી ખૌફ પેદા કરી શકતો નથી.
 
સૈફ અલી ખાને અંધ મેનેજર 'શ્યામ' નો મુખ્ય રોલ નિભાવ્યો છે. સૈફનો અભિનય ભાવનાત્મક દ્રશ્યોમાં ખૂબ જ સંયમિત અને પ્રભાવશાળી છે, અને તે પોતાની જવાબદારીઓ પ્રત્યે પ્રામાણિક દેખાય છે. પરંતુ દ્રષ્ટિહીન વ્યક્તિ તરીકેની તેની બોડી લેંગ્વેજ આખી ફિલ્મમાં એકસરખી જળવાતી નથી. ક્યાંક ક્યાંક તે આંધળો હોવા છતાં આસાનીથી તમામ વસ્તુઓ અને દિશાઓ પકડી લે છે, જે પ્રેક્ષકોને થોડું અણછાજતું લાગે છે. સાથે જ તેને જે રીતે લડાઈ અને એક્શન દ્રશ્યોમાં સુપરહીરોની જેમ દુશ્મનોને ધોઈ નાખતો બતાવ્યો છે તે વાસ્તવિક લાગતું નથી. અક્ષય અને સૈફની 18 વર્ષ પછીની આ કેમિસ્ટ્રી કાગળ પર તો મજેદાર લાગતી હતી પરંતુ નબળા નિર્દેશન અને સ્ક્રીનપ્લેના કારણે આ જોડીનો યોગ્ય ઉપયોગ થઈ શક્યો નથી.
 

એકંદરે 'હેવાન' એક એવી ફિલ્મ છે જે કાગળ પર ઉત્તમ થ્રિલર બનવાની ક્ષમતા ધરાવતી હતી પરંતુ મોટા પડદા પર તે એક મિશ્ર અનુભવ બનીને રહી જાય છે. પ્રિયદર્શન તેમની કોમેડી ફિલ્મો માટે જાણીતા છે. પરંતુ થ્રિલર ઝોનરમાં તેમની આ પકડ અસલ ફિલ્મ 'ઓપમ' જેટલી મજબૂત રાખી શક્યા નથી. જો ફિલ્મને યોગ્ય એડિટિંગ કરીને દોઢથી બે કલાકની ટૂંકી અને ચુસ્ત રાખવામાં આવી હોત તથા બિનજરૂરી ગીતો અને કોમેડી સીન્સ કાઢી નાખવામાં આવ્યા હોત તો એક શાનદાર સાયકોલોજીકલ થ્રિલર બની શકી હોત. 

જે લોકોએ અસલ ફિલ્મ નથી જોઈ અને અક્ષય-સૈફના ચાહકો છે, તેમના માટે આ ફિલ્મ એક વખત પોતાના જોખમે જોઈ શકાય તેવી થ્રિલર છે. જે લોકોએ અસલ 'ઓપમ' જોઈ લીધી છે, તેમના માટે આ ફિલ્મમાં નવું કે આશ્ચર્યચકિત કરે તેવું કશું જ નથી. નિર્માતા- નિર્દેશકોએ સમજવું પડશે કે આજનો પ્રેક્ષક માત્ર સ્ટાર પાવર જોઈને થિયેટર સુધી નથી આવતો. તેથી 'મિર્ઝાપુર' જેવા મનોરંજક પાવરપેક્ડ કન્ટેન્ટ અને 'હનુમાન અંશ' જેવા ભાવનાત્મક ડ્રામા સામે 'હેવાન' જેવી ધીમી અને જૂની ફોર્મ્યુલા પર બનેલી રિમેક ટકી શકી નથી.