ટોક્સિક Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટોક્સિક

ટોક્સિક
-રાકેશ ઠક્કર
 
       ફિલ્મ ‘ટોક્સિક’ (2026) ની સરખામણી ‘આદિપુરુષ’માં ઓમ રાઉતે જે પ્રભાસ સાથે કર્યું હતું તેની સાથે કરવામાં આવી છે. મતલબ કે મોટા કલાકારનો પૂરો ગેરઉપયોગ થયો છે. ‘ટોક્સિક’ માં એના નામ પ્રમાણે અનેક ખરાબી છે, પણ સૌથી સારી વાત એ છે કે લગભગ સાડા ચાર વર્ષના લાંબા સમયગાળા પછી સ્ક્રીન પર પુનરાગમન કરી રહેલા અભિનેતા યશનો આ પ્રભાવ અદભુત છે.
 
       સમગ્ર ફિલ્મને તેમણે પોતાના એકલાના દમ પર ખેંચવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. તેમનો આક્રોશ, શૈલી, એક્શન અને અંતિમ ભાગમાં પિતા અને પુત્રના સંબંધોમાં દર્શાવાયેલી માનસિક પીડાનો અભિનય અત્યંત પ્રશંસનીય છે. ફિલ્મના જે એક-બે હકારાત્મક પાસા છે એમાં એક યશ જ છે. અને સમીક્ષકોએ 5 સ્ટારમાંથી જે દોઢ-બે સ્ટાર આપ્યા છે એમાં એક યશને કારણે છે. ફિલ્મનો ક્લાઇમેક્સ સીન અને તેના અંતમાં આવતો સસ્પેન્સ ટ્વિસ્ટ આખી ફિલ્મની લાઈમલાઈટ ચોરી લે છે.
 
       ફિલ્મની લંબાઈ જેટલી જ લાંબી યાદી એના નકારાત્મક પાસાઓની છે. 3 કલાક 14 મિનિટની લંબાઈ ખૂબ વધારે લાગે છે. ફિલ્મ જોવી એ યશના ચાહકો માટે પણ કસોટી જેવી છે. યશના ચાહકો માટે આ ફિલ્મ જોવી એ હૃદયતોડનારો અનુભવ બની શકે છે. જો ફિલ્મ 2.5 કલાકની હોત તો વધુ યોગ્ય રહ્યું હોત. ફિલ્મનો પહેલો ભાગ પોણા બે કલાકનો છે અને ખૂબ જ ધીમો ચાલે છે. વાર્તા દર્શકોને પકડી રાખવામાં નિષ્ફળ રહે છે.
 
      ફિલ્મની સૌથી મોટી ખામી તેનું એડિટિંગ છે. ફિલ્મને ઇન્સ્ટાગ્રામ રીલ્સની જેમ એડિટ કરવામાં આવી છે, જ્યાં દર 5 સેકન્ડે સીન બદલાઈ જાય છે કોઈ સીન કે ડાયલોગ પૂરો થાય તે પહેલાં જ સીન કટ થઈ જાય છે, જેથી પ્રેક્ષકો કોઈ પણ ભાવનાત્મક દ્રશ્ય સાથે જોડાઈ શકતા નથી. નિર્દેશક ગીતુ મોહનદાસે 3 કલાકમાં એટલી બધી બાબતો અને આઈડિયાઝ ઠાંસી ઠાંસીને ભરવાનો પ્રયત્ન કર્યો છે કે પરિણામ શૂન્ય આવ્યું છે.
 
       ઘણા એક્શન સીન્સ ખૂબ જ જુના શૈલીના અને ફેક લાગે છે. ગોળી ક્યાંક ચાલે છે અને હવામાં કોઈ બીજું ઉડે છે, જેમાં કોઈ લોજિક નથી. બાળપણની ગરીબી, ખરાબ ભૂતકાળ અને ત્યારબાદ ગલત રસ્તો પસંદ કરવો એ વાર્તા ‘KGF’ અને અન્ય ગેંગસ્ટર ફિલ્મો જેવી જ લાગે છે. વાર્તામાં કોઈ જરૂરિયાત ન હોવા છતાં ફેક ઇન્ટિમેટ સીન્સ અને અડલ્ટ કન્ટેન્ટ બળજબરીથી ઉમેરવામાં આવ્યું છે, જે દર્શકોને અસહજ કરે છે. કેટલાક એક્શન સીન્સ (જેમ કે ટ્રેલરમાં બતાવાયેલ ફાઈટ સીન) મુખ્ય વાર્તા સાથે જોડાયેલા લાગતા નથી, માત્ર પબ્લિસિટી માટે મુકાયા હોય તેવા લાગે છે.
 
       ફિલ્મ મૂળ કન્નડ અને અંગ્રેજીમાં શૂટ થઈ હોવાથી હિન્દી ડબિંગમાં કલાકારોના હોઠના હલનચલન સાથે ડાયલોગ્સ મેચ થતા નથી. અને દરેક પાત્ર ખૂબ જ ધીમે ધીમે બોલતા નજરે પડે છે. ઘણી જગ્યાએ યશનો અવાજ એટલો જોરથી ડબ કરાયો છે કે તેમના ચહેરાના હાવભાવ સાથે બંધબેસતો નથી. ઓછું હતું તો યશ એક્શન કરવા કરતાં સંવાદ વધુ બોલે છે.
 
      યશ સિવાયના અન્ય પાત્રો સરખી રીતે સ્થાપિત થતા નથી, જેથી પ્રેક્ષકો તેમની સાથે ઈમોશનલી કનેક્ટ થઈ શકતા નથી. નયનતારા અને યશ વચ્ચેના ભાઈ-બહેન કે વાર્તાના કનેક્શન અને બોન્ડિંગે ફિલ્મની થોડી ઇજ્જત બચાવી લીધી છે. કિયારા અડવાણીના પાત્રનું લેખન કાગળ પર સારું હતું, પરંતુ તેના રોલ અને કેરેક્ટર ડેવલપમેન્ટ પર ધ્યાન આપવાના બદલે કેમેરા ગલત રીતે શૂટ કરવામાં આવ્યો છે. તો વાર્તામાંથી હુમા કુરેશી અને રૂક્મિણીના પાત્રો હટાવી દેવામાં આવે તો પણ ફિલ્મ પર કોઈ ફરક પડતો નથી. તેમના પાત્રો વેડફાઇ ગયા છે. રવિ બસરૂરનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક આખી ફિલ્મમાંથી ગાયબ હોય તેવું લાગે છે. ગીતો પણ એકદમ એવરેજ છે અને એડિટિંગના લીધે યાદ રહી શકે તેમ નથી. 'તબાહી તબાહી' ગીત ફિલ્મમાં પછી આવ્યું, દર્શકોના મગજમાં પહેલાં જ વાગી ગયું હતું!

       યશની ‘ટોક્સિક’ દર્શકોની મધ્યમ અપેક્ષાઓ પર પણ પાણી ફેરવી દે છે. વિઝ્યુઅલ શૈલી અને મોટા બજેટની ભવ્યતા હોવા છતાં નબળી વાર્તા અને દિશાહીન નિર્દેશનને કારણે આ એક ભવ્ય પણ નિષ્ફળ પ્રયાસ બનીને રહી જાય છે. ફિલ્મની મજાક ‘આદિપુરુષ’ ની જેમ જ થઈ રહી છે. યશના કટ્ટર પ્રશંસક હોવ અને માત્ર તેમની સ્ટાઈલ અને દમદાર સ્ક્રીન પ્રેઝન્સ જોવા માંગતા હોવ તો જ આ ફિલ્મ એકવાર જોઈ શકાય છે, પરંતુ જો એક અર્થપૂર્ણ વાર્તા અને પારિવારિક મનોરંજનની અપેક્ષા રાખતા હોવ તો આ ફિલ્મથી દૂર રહેવું જ વધુ યોગ્ય રહેશે.