🪔🪞 પ્રકરણ ૩૦: દ્વારકાની યાદો અને આનંદનગરમાં પાવન 'લાલાના હિંડોળા'!
દૈનિક ચબરાકિયાં:
"ભગવાન પ્રત્યેની ભક્તિ સ્થળ કે ઘર બદલાવાથી નથી બદલાતી! જ્યાં શ્રદ્ધા, પ્રેમ અને પડોશીઓનો સાથ હોય, ત્યાં જ દ્વારકા અને વ્રજભૂમિ આપોઆપ પ્રગટ થઈ જાય છે!"
શ્રાવણ મહિનાની એક રળિયામણી અને પાવન સવારે સોસાયટીના ગાર્ડનમાં સવારની મોર્નિંગ વૉક ચાલી રહી હતી.
સિનિયર સિટિઝન ગ્રુપના વડા માણેક લાલ, રૂસ્તમ દારૂવાલા, મનોહર જોશી અને અવધેશ શર્મા ગાર્ડનના ટ્રેક પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં જ એમની નજર વડના વૃક્ષ નીચે બેઠેલા સોસાયટીના નવા રહીશ દ્વારકાથી આવેલા ભટ્ટ પરિવાર પર પડી.
ભટ્ટજી અને એમના પત્ની શાંતિથી બેઠા હતા, પણ એમના ચહેરા પર એક અનોખી ઉદાસી અને વિરહનો ભાવ હતો. તેઓ આપસમાં કાઈંક ઘેરી ચર્ચા કરી રહ્યા હતા.
માણેક લાલે લાકડી ટેકવીને રૂસ્તમજીને કહ્યું, "અરે રૂસ્તમજી, જરા જુઓ તો! ભટ્ટજીનો પરિવાર કેમ આજે આટલો દુઃખી ને શાંત બેઠો છે? ચાલો, હાલચાલ પૂછવાના બહાને વાત કરીએ."
વડીલોની મંડળી ભટ્ટજી પાસે પહોંચી. માણેક લાલે હાથ જોડીને કહ્યું, "જય શ્રી કૃષ્ણ ભટ્ટજી! કેમ આજે સવાર-સવારમાં ઉદાસ બેઠા છો? અમદાવાદની આ હવા તમને માફક નથી આવી કે શું?"
ભટ્ટજીએ ઊંડો નિસાસો નાખીને કહ્યું, "અરે માણેકકાકા! વાત એમ છે કે અમને સનાતન પવિત્ર ભૂમિ દ્વારકાની બહુ યાદ આવે છે. દર વર્ષે શ્રાવણ માસમાં અમે દ્વારકાધીશના મંદિરે હોઈએ. શ્રાવણના આખા મહિનામાં દરરોજ ઠાકોરજી અમારા લાલા ના ભાત-ભાતના મનોરમ હિંડોળા દર્શનનો જે આહલાદક આનંદ મળતો, એની યાદ સતાવે છે!"
ભટ્ટજીના પત્નીએ પણ ભીની આંખે ઉમેર્યું, "હા ભાઈ ! આ મોટા શહેરમાં આવીને ફ્લેટોની ચાર દીવાલોમાં પૂરાઈ ગયા. હવે અહીં લાલાના હિંડોળા ક્યાં જોવા મળશે? આ શ્રાવણમાં અમારા લાલાને ઝુલાવવાનો લહાવો નહીં મળે એ વિચારીને જ મન ભારે થઈ ગયું છે."
ભટ્ટજી પરિવારની આ શ્રદ્ધા અને વિરહ જોઈને માણેક લાલનું દિલ દ્રવી ઊઠ્યું. એમને તરત જ એક સુંદર વિચાર આવ્યો!
બપોરે બે વાગ્યે માણેક લાલના કહેવાથી સોસાયટીના ક્લબ હાઉસમાં એક ઈમરજન્સી બેઠક ભરાઈ. જેમાં સિનિયર સિટિઝન ગ્રુપ, વસંતી બા, ભાવના બા, કિટ્ટી પાર્ટીની લેડીઝ ટીમ અને યુવાનો પણ ભેગા થયા.
માણેક લાલે ભટ્ટજીની ઉદાસીની વાત રજૂ કરી અને એક ભવ્ય પ્રસ્તાવ મૂક્યો, "મિત્રો! જો ભટ્ટજી દ્વારકા ન જઈ શકે, તો શું આપણે આપણા આનંદનગરમાં જ દ્વારકાનો આ પાવન મહોત્સવ ન ઊભો કરી શકીએ? આ શ્રાવણ માસમાં આપણી સોસાયટીના ક્લબ હાઉસમાં રોજેરોજ લાલાના અનોખા હિંડોળા દર્શનનું આયોજન કરીશું!"
આ પ્રસ્તાવ સાંભળીને જાગૃતિ પટેલ, સોનાલીબેન અને આખી કિટ્ટી પાર્ટી ખુશીથી ઉછળી પડી!
હર્ષિલ મહેતા અને હિતેશ પટેલે જાહેરાત કરી, "આ ઉત્સવનું સંપૂર્ણ આધ્યાત્મિક સંચાલન અને માર્ગદર્શન ભટ્ટજી કરશે, ઇવેન્ટ મેનેજમેન્ટ મનોજ શર્મા હિંડોળા બનાવાનું આયોજન કરશે
અને સોસાયટીના તમામ મેમ્બર્સ અને બાળકો એમને મદદરૂપ થશે!"
આ વાત સાંભળીને ભટ્ટજી અને એમના પત્નીની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા.
ભટ્ટજીએ હરખાઈને હિંડોળા મહોત્સવનું શાસ્ત્રોક્ત માર્ગદર્શન આપવાનું શરુ કર્યું. ભટ્ટ પરિવાર ના સાસુ વહુ એ રોજેરોજના હિંડોળાનું શાનદાર આયોજન ઘડી કાઢ્યું:
સોસાયટીના યુવાનો અને બાળકો ઝૂલો બાંધવામાં, રોશની કરવામાં અને ક્લબ હાઉસ શણગારવામાં લાગી ગયા.
ભટ્ટજીએ માણેક લાલ અને સોસાયટીના રહીશોનો આભાર માનતાં કહ્યું, "આજે મને લાગ્યું કે મારો લાલો દ્વારકાથી સીધો મારી સાથે આનંદનગરમાં જ આવી ગયો છે!" આખા શ્રાવણ માસમાં હિંડોળા દર્શનના આયોજન ની ભક્તિમય મોજ અને હર્ષોલ્લાસનો નવો જ રંગ જામી ગયો.
📝 માણેક લાલની ડાયરી (પ્રકરણનો અંત):
"ઈશ્વર કોઈ પથ્થર કે ચોક્કસ મૂર્તિમાં નથી, એ તો ભક્તના ભાવમાં અને પડોશીઓના પ્રેમમાં વસે છે! ભટ્ટજીની આસ્થાને જ્યારે આનંદનગરની એકતાનો સાથ મળ્યો, ત્યારે આપણું ક્લબ હાઉસ જ સાક્ષાત 'દ્વારકાધીશનું પ્રાગણ' બની ગયું. સંબંધો અને સંસ્કૃતિને જીવંત રાખવાનો આ જ તો સાચો રસ્તો છે. આનંદનગરનો આ શ્રાવણ માસ ખરા અર્થમાં પાવન બની ગયો!"