આનંદનગર : પ્રકરણ ૩ Rupen Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આનંદનગર : પ્રકરણ ૩

પ્રકરણ ૩: આનંદ ગેંગનું અનોખું સ્વાગત

દૈનિક ચબરાકિયાં:
"ઈંટ-સિમેન્ટથી તો ફ્લેટ બને છે સાહેબ, પણ ઘરમાં પ્રવેશતાં જ જો પડોશીઓ મોં મીઠું કરાવે, તો એ જ ફ્લેટ 'ઘર' બની જાય છે! નવા સંબંધોનું સ્વાગત કરવા માટે મોટા દિલ જોઈએ, મોટી બેંક બેલેન્સ નહીં!"

સાંજના પાંચ વાગ્યા હતા. આકાશમાં આછો સોનેરી તડકો પથરાયેલો હતો અને સોસાયટીના ગાર્ડનમાં બાળકોની રોજની જેમ ગુપ્ત બેઠક ભરાઈ હતી.
વિવાને ચારેય તરફ નજર ફેરવી, જાણે કોઈ મોટું ગુપ્ત મિશન પાર પાડવાનું હોય. "બધા આવી ગયા?"
"હા..."
રુદ્ર (ટીનીયો) આગળ આવ્યો અને આંખ મચકોડીને બોલ્યો, "તો હવે પ્લાન સાંભળો."
બધા ઉત્સુક થઈને તેની આસપાસ ગોળ થઈને બેઠા.
"જુઓ ભાઈ, નવા પડોશીનું સ્વાગત તો આખા મકાનના લોકો મીઠાઈ આપીને કરે છે... પણ આનંદ ગેંગનું સ્વાગત આખી જિંદગી યાદ રહે એવું હોવું જોઈએ."
આરવ હસ્યો અને બોલ્યો, "ફરી કંઈક મોટો ધમાલ કરવાનો છે ને? ગઈકાલે પેલો ફટાકડો ફોડ્યો હતો એમ?"
"ધમાલ નહીં... સરપ્રાઇઝ!" રુદ્રે સુધારો કર્યો.
મીરાએ કૂતૂહલથી પૂછ્યું, "પણ કરવાનું શું?"
રુદ્રે ધીમેથી અવાજ નીચો કરીને કહ્યું, "દરેક જણ પોતપોતાના ઘરમાંથી એક નાનકડી ભેટ લાવશે."
"ભેટ?"
"હા... પણ બજારમાંથી ખરીદેલી નવી નહીં."
"તો?"
"જે વસ્તુ આપણને પોતપોતાની સૌથી વધુ ગમે છે અને દિલની નજીક છે એ!"
કાવ્યા તરત જ ઉત્સાહમાં આવીને બોલી, "હું મમ્મીએ બનાવેલી હોમમેડ ચોકલેટ કૂકીઝ લાવીશ."
આરવે પોતાના બેટ પર હાથ ફેરવતાં કહ્યું, "હું મારો સીઝનનો નવો-નક્કોર ક્રિકેટ બોલ આપીશ."
અયાને ગાર્ડનના કુંડા તરફ જોતાં કહ્યું, "હું મારા કુંડામાંથી એક સુંદર નાનો તુલસીનો છોડ લાવીશ."
મિશ્રી પોતાની બેગમાંથી પુસ્તક કાઢતાં બોલી, "હું મારી સૌથી મનપસંદ પંચતંત્રની સ્ટોરીબુક આપીશ."
બધાએ પોતપોતાની દિલથી જોડાયેલી ભેટો નક્કી કરી લીધી.
વિવાન બોલ્યો, "અને હા, એક મોટું 'ઓફિશિયલ વેલકમ કાર્ડ' પણ બનાવવાનું છે."
"હું ડ્રોઇંગ દોરીશ!" કિયારાએ કલર પેન્સિલ બતાવતાં ઉત્સાહથી કહ્યું.
"હું એમાં વોટર કલર કરીશ," એલિનાએ હાથ ઊંચો કર્યો.
"અને અક્ષરો હું લખીશ," મિશ્રીએ પેન સંભાળી.
થોડી જ વારમાં ગાર્ડનના બેંચ પર આખું ગ્રીટિંગ કાર્ડ તૈયાર થઈ ગયું! મોટા અને રંગબેરંગી અક્ષરોમાં લખેલું હતું: 'આનંદનગર પરિવારમાં તમારું હાર્દિક સ્વાગત છે!' અને નીચે આનંદ ગેંગના દરેક સભ્યના હસ્તાક્ષર હતા.
સાંજના બરાબર છ વાગતા જ આખી 'આનંદ ગેંગ' બી-૨૦૩ના દરવાજા આગળ લાઈનસર પહોંચી ગઈ. વિવાને ધીમેથી ડોરબેલ વગાડી.
*ટિંગ-ટોંગ!*
થોડી જ વારમાં દરવાજો ખુલ્યો. સામે નવા રહેવાસી આદિત્ય વ્યાસ અને તેમની પત્ની મોનીકા વ્યાસ ઊભાં હતાં. દરવાજા બહાર આટલા બધા બાળકોને જોઈને બંને આશ્ચર્યચકિત થઈ ગયાં.
વિવાન આગળ આવ્યો અને ગંભીરતાનો નાટક કરતાં બોલ્યો, "અંકલ... અમે આનંદનગરની સત્તાવાર 'આનંદ ગેંગ' છીએ."
રુદ્ર ખડખડાટ હસીને બોલ્યો, "અને આ આપનું સોસાયટી તરફથી ઓફિશિયલ વેલકમ!"
બધા બાળકોએ એકસાથે મોટું કાર્ડ, ચોકલેટ કૂકીઝ, ક્રિકેટ બોલ, છોડ અને પુસ્તક આગળ ધરી દીધા. આદિત્યભાઈની આંખોમાં આ અણધારી ખુશી જોઈને ચમક આવી ગઈ. "અરે... વાહ! આ બધું અમારા માટે?"
"હા!" કાવ્યાએ મીઠું સ્મિત આપતાં કહ્યું, "કારણ કે આનંદનગરમાં નવા લોકો નથી આવતા..."
"...અહીં તો એક નવો પરિવાર ઉમેરાય છે!" આરવે વાક્ય પૂરું કર્યું.
આદિત્યભાઈ થોડી ક્ષણો માટે નિઃશબ્દ થઈ ગયા. એક અજાણ્યા શહેરમાં આટલો હૂંફાળો આવકાર મળશે એવી એમણે ક્યારેય કલ્પના નહોતી કરી. મોનીકાબેને ભાવુક થઈને કહ્યું, "આ નવા શહેરમાં આજે પહેલીવાર એવું લાગ્યું કે અમે એકલા નથી, પણ અમારો પોતાનો મોટો પરિવાર સાથે છે."
એટલામાં અંદરના રૂમમાંથી એક છોકરી બહાર આવી. એની ઉંમર લગભગ પંદર વર્ષની હશે. આંખોમાં આત્મવિશ્વાસ, ટૂંકા વાળ અને ચહેરા પર હળવું આકર્ષક સ્મિત હતું.
"હાય... હું અન્વી."
બધા બાળકો એકબીજાના ચહેરા જોવા લાગ્યા. રુદ્ર ધીમેથી વિવાનના કાનમાં બોલ્યો, "લે ભાઈ, હવે આનંદ ગેંગમાં એક નવો મેમ્બર ઉમેરાશે!"
અન્વીએ ચબરાકિયાં મારતાં કહ્યું, "જો તમારી ગૅંગમાં મને એડમિશન મળે તો!"
આ સાંભળીને બધા બાળકો ખડખડાટ હસી પડ્યા.
એટલામાં જ કામવાળી શાંતાબેન કચરાની ડોલ લઈને ત્યાંથી પસાર થતાં હતાં. આટલી ભીડ જોઈને ઊભા રહી ગયા, "અરે વાહ! આખી સોસાયટીની મીટિંગ આજે બી-૨૦૩ના દરવાજે જ ભરાઈ છે કે શું?"
રુદ્ર બોલ્યો, "શાંતાબેન... તમે કામ બાજુ પર મૂકો અને અંદર આવો!"
શાંતાબેન હસીને બોલ્યા, "હું તો બસ પાંચ મિનિટ જોવા ઊભી રહી હતી બાપુ!"
આદિત્યભાઈએ વિનમ્રતાથી કહ્યું, "અરે અંદર આવો અંદર... ચા-નાસ્તો કરીને જ જજો."
શાંતાબેન તરત બોલ્યા, "અરે ઈ વાત તો મને બહુ ગમી! ચા ના ન પડાય!" અને આખી ગૅંગ ફાટી પડી.
થોડી જ વારમાં ગેટ પરથી સેક્રેટરી હિતેશ પટેલ, જાગૃતિબેન, હર્ષિલ મહેતા, અંજુબેન, નિત્ય પૂજા કરનારા મનોહર જોષી, નિવૃત્ત એન્જિનિયર રૂસ્તમ દારૂવાલા અને વકીલ ઇમરાન ખાન પણ નવા પડોશીને મળવા બી-૨૦૩માં આવી પહોંચ્યા.
જે ઘર બે કલાક પહેલાં શાંત અને અજાણ્યું લાગતું હતું, તે બી-૨૦૩ના ફ્લેટમાં જ પ્રથમ દિવસે હાસ્ય, ગરમાગરમ ચા, ઓળખાણ અને વાતોનો મોટો મેળો જામી ગયો હતો.
આનંદનગરમાં હવે માત્ર એક ફ્લેટ ભરાયો નહોતો, પણ એક નવો પરિવાર દિલથી જોડાઈ ગયો હતો... અને આનંદનગરની ડાયરીમાં હાસ્ય અને પ્રેમની એક નવી વાર્તા લખાઈ ચૂકી હતી!

📝 માણેક લાલની ડાયરી (પ્રકરણનો અંત):
"આજના જમાનામાં લોકો ફ્લેટના દરવાજા બંધ કરીને જીવતા થઈ ગયા છે. પડોશીના ઘરમાં શું ચાલે છે એની ખબર નથી હોતી, પણ આનંદનગરનો આ જ તો જાદુ છે! અહીં બાળકો આપણને શીખવે છે કે સ્વાગત કરવા માટે મોંઘી ગિફ્ટોની જરૂર નથી હોતી, બસ એક સાચું સ્મિત અને થોડો સમય જ કાફી છે. નવો પરિવાર આવ્યો છે, હવે ચાની કિટલી પર નવી વાતો જામશે!"