આવારાપન 2
-રાકેશ ઠક્કર
૨૦૦૭ની સાલમાં રિલીઝ થયેલી ફિલ્મ 'આવારાપન' જ્યારે બોક્સ ઓફિસ પર આવી ત્યારે તે ટિકિટ વિન્ડો પર કંઈ ખાસ કમાલ કરી શકી નહોતી પરંતુ સમય જતાં તે સિનેપ્રેમીઓ માટે એક કલ્ટ ક્લાસિક ફિલ્મ બની ગઈ. ઓગસ્ટ ૨૦૨૬માં આ ક્ષેત્રે એક અનોખો ચમત્કાર જોવા મળ્યો જ્યારે ૧૯ વર્ષ બાદ બનેલી આ જ ફિલ્મની સીક્વલ 'આવારાપન 2' એડવાન્સ બુકિંગના ક્ષેત્રમાં જ પાર્ટ 1 ના ટોટલ લાઈફટાઈમ કલેક્શનને આંબી ગઈ. એટલું જ નહીં ‘સૈયારા’ થી વધુ ઓપનિંગ મેળવી ગઈ છે. આ વાત માત્ર બોક્સ ઓફિસના કમાણીના આંકડાઓની નથી, ખરી વાત ૧૯ વર્ષ બાદ દર્શકોને મળેલા ધીરજના મીઠા ફળની અને શિવમ પંડિતના પાત્ર સાથે જોડાયેલા અવિભાજ્ય ભાવાત્મક જોડાણની છે.
'આવારાપન ૨' ની વાર્તા ત્યાંથી જ આગળ વધે છે જ્યાં પ્રથમ ભાગ પૂરો થયો હતો. આ સીક્વલમાં દર્શાવવામાં આવ્યું છે કે શિવમ પંડિત કોઈ કેવળ પ્રેમમાં હારેલો આશિક નથી, પણ એક ચાલતી-ફરતી મોત બનીને પડદા પર ઉતરે છે. ઇમરાનને એક લોકપ્રિય અવતારમાં રજૂ કરવામાં આવ્યો છે. આવા પાત્રમાં તેને જોવાની ખૂબ માંગ હતી, પરંતુ તેણે ઘણા સમયથી આ પ્રકારનો રોલ કર્યો નથી. તેથી, લોકો અને તેના ચાહકોને ખૂબ જ આનંદ થશે. ઇમરાન હાશમી એ પોતાની આખી કારકિર્દીમાં આનાથી વધુ 'માસી' અને આક્રમક કેરેક્ટર ક્યારેય ભજવ્યું નથી. બોલિવૂડ અને દર્શકોએ ઇમરાન હાશમીની વાસ્તવિક અભિનય ક્ષમતાને ઓળખવામાં ભૂલ કરી છે. શિવમ પંડિતના પાત્રમાં રહેલો ખાલીપો, તેનો અપરાધભાવ, ગંભીરતા અને અંદરનું તોફાન ઇમરાને તેની આંખો અને બોડી લેંગ્વેજથી ખૂબ જ ઊંડાણપૂર્વક રજૂ કર્યા છે. તે એક એવો હીરો બને છે જે માત્ર વિલનને મારવા માટે નહીં પણ બીજાની આઝાદી માટે પોતાના જીવનું બલિદાન આપવાની ક્ષમતા ધરાવે છે. દર ૧૫-૨૦ મિનિટે આવતા ફિલ્મના હાઈ-ઓક્ટેન અને રો-એક્શન સીન્સ તો કોરિયન સિનેમાના વિઝ્યુઅલ અને મારકાટ લેવલને સીધી ટક્કર આપે છે. અંડરવર્લ્ડ ગૅંગસ્ટર્સ, ડ્રગ્સ, માનવ તસ્કરી જેવા ગંભીર અને ડાર્ક મુદ્દાઓ પર આધારિત હોવા છતાં ફિલ્મમાં કોઈ બોલ્ડ કે એડલ્ટ સીન્સ નથી, જેથી આ હિંસક સિનેમા હોવા છતાં તેને પરિવાર સાથે જોઈ શકાય છે.
ફિલ્મનું સ્ક્રીનપ્લે ખૂબ જ ચાલાકીપૂર્વક ફ્લેશબેક સીન્સનો ઉપયોગ કરીને જૂના નોસ્ટાલ્જિયાને જીવંત રાખે છે. પ્રથમ ભાગમાં શિવમ પંડિતની નીરસ અને દર્દથી ભરેલી સ્થિતિ દર્શાવવામાં આવી છે, પરંતુ વાર્તા આગળ વધતાં જ સહાયક પાત્રાલેખન અને ટ્વિસ્ટ ફિલ્મમાં ઉત્તેજના લાવે છે. ખાસ કરીને ટીઝર અને ટ્રેલરમાં છુપાવી રાખવામાં આવેલું દિશા પાટનીનું પાત્ર માત્ર શો-પીસ નથી પરંતુ વાર્તામાં મોટો ધમાકો કરે છે. તે જ રીતે નવો ચાહેરો જે ફિલ્મમાં ગૅંગસ્ટર કેરેક્ટર તરીકે આવે છે, તેનું પાગલપન અને અનિશ્ચિતતા પ્રેક્ષકોને એક પળ માટે પણ સ્ક્રીન પરથી નજર હટાવવા દેતી નથી.
આ ફિલ્મનું સૌથી મજબૂત પાસું તેનું મ્યુઝિક અને ઓડિયો-વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન છે. જેના નિર્દેશકનું સંગીતમાં અદભુત વિઝન હોય તેની ફિલ્મોનું ઈમોશન પણ એટલું જ સોલિડ બનતું હોય છે. કોઈપણ ઇમરાન હાશમીની ફિલ્મ તેના સંગીત વગર અધૂરી ગણાય. 'આવારાપન 2' નું સંગીત એવું છે જેને માત્ર સાંભળવામાં નથી આવતું પણ અનુભવવામાં આવે છે. થિયેટરમાં ગીતોનો પ્લેસમેન્ટ વાર્તાના આવેગ અને ઈમોશન્સને ખૂબ જ ઊંડાણપૂર્વક જોડે છે. થિયેટરની અંદર સાંભળવા મળતા ગીતો સીધા જ દર્શકના હૃદય પર ચોટ કરે છે. જે લોકોને પ્રથમ ભાગની વાર્તા યાદ છે, તેમને આ ફિલ્મ વધારે તીવ્રતાથી સ્પર્શશે. સિનેમેટોગ્રાફી અને ગ્રાફિકલ ક્વોલિટી વિદેશી સિનેમાની હરોળમાં બેસે તેવી ટોપ-ક્લાસ છે. ઈમરાન હાશમી ની ગ્રાન્ડ એન્ટ્રી અને ઈમોશનલ ક્લાઈમેક્સ સીન સોશિયલ મીડિયાથી લઈને પ્રેક્ષકોના દિલ સુધી આગ લગાવી દે તેવા દમદાર છે.
ફિલ્મમાં અમુક નાની-મોટી ખામીઓ પણ સ્પષ્ટપણે વર્તાય છે. પ્રથમ ભાગની સરખામણીએ આ બીજા ભાગમાં ડાયલોગ રાઈટિંગ એટલું યાદગાર કે કેચી નથી. કેટલીક જગ્યાએ સીન જેટલો ભવ્ય બની શકતો હતો તે ડાયલોગ્સના હળવાશને કારણે એટલો ગંભીર બની શકતો નથી. વધુમાં, શરૂઆતની દમદાર સ્પીડ અને ક્લાઈમેક્સના દિમાગ બ્લાસ્ટ કરી દે તેવા અંતની વચ્ચે ફિલ્મનો મધ્ય ભાગ રબરની જેમ થોડો ખેંચાતો અનુભવાય છે.
આ બધી જ મર્યાદાઓ છતાં શાનદાર એક્ટિંગ, ગ્રીપી માહોલ, ઉત્કૃષ્ટ એક્શન અને જૂની ફીલિંગ્સ બદલ આ ફિલ્મને ૫ માંથી ૪ સ્ટારનું રેટિંગ સરળતાથી આપી શકાય. આજની પેઢીને આ ફિલ્મ જોઈને ખબર પડશે કે ૨૦૦૦થી ૨૦૧૦ના દાયકામાં બોલિવૂડ કેવા પ્રકારનું ઈમોશનલ અને રો-સિનેમા બનાવતું હતું. જે લોકો સિનેમા સાથે ભાવનાત્મક રીતે જોડાય છે તેમના માટે આ ફિલ્મ એક અદભુત અનુભવ છે.