લાલો 2 - પ્રકરણ 20 Kamejaliya Dipak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાલો 2 - પ્રકરણ 20

"આ એ જ દાનવ છે જેના વિશે હમણાં કાલકેય વાત કરી રહ્યો હતો." 

"એનો અર્થ એ થયો કે આપણે પાતાળ લોકના સૌથી ભયાનક રાક્ષસનો સામનો કરવાનો છે.." 

"અહીંના એ અંધકારથી ભરેલા એ દાનવને ગુફાનો દરવાજો ખોલવા માટે મજબૂર કરવાનો છે..!" શ્યામના ચહેરા ઉપરથી તો તેની બધી ઉત્સુકતા ફુરર થઈ ગઈ હતી.

શ્યામના ચહેરા ઉપરનો ડર ભગવાને ભાંપી લીધો હતો એટલે તેઓ બોલ્યા,
"અરે..! એટલું બધું ડરવાની જરૂર નથી. કોઈપણ શક્તિ જેટલી ભયાનક હોય તેની કમજોરી પણ એટલી જ મોટી હોય છે. આપણે તેની કમજોરીનો ફાયદો ઉપાડવાનો છે.."

"મને એ રાક્ષસ વિશે કંઈક કહોને પ્રભુ..!" શ્યામ ધીમા અવાજમાં બોલ્યો. તેના ચહેરા ઉપર હજુ પણ ડર હતો.

“તે તમારી દુનિયાના વિંછી જેવો દેખાય છે, પરંતુ કદમાં વિશાળ છે. તેના શરીરનો મધ્યભાગ ખૂબ ઊંચો અને બખ્તર જેવો મજબૂત છે. આગળની બાજુએ તેના બે વિશાળ આંકડા છે." 

"એક આંકડામાં ભાલા જેવી ધારદાર અણી છે અને બીજા આંકડામાં એ અણી સમાઈ જાય એવો ઊંડો ખાડો છે. એ બંને આંકડાઓની પકડ એટલી શક્તિશાળી છે કે પથ્થર પણ ચૂરચૂર થઈ જાય.”  

“તમારી દુનિયાના વિંછીને પાછળના ભાગે એક જ ડંખ હોય છે… પરંતુ અરિષ્ટાસુરને પાછળ છ ડંખ છે. દરેક ડંખમાં એટલું ઘાતક ઝેર છે કે જો તે પથ્થર પર પડે, તો પથ્થર પણ પીઘળી જાય.”  

“અને સૌથી ભયંકર વાત…” ભગવાન થોડા ગંભીર બન્યા.  

“તે અહીથી આગળ જમણી બાજુની સૌથી નીચેની ગુફામાં જમીનની અંદર રહે છે. તેની સંવેદના એટલી પ્રચંડ છે કે જમીન પર નાનો કંકર પણ પડે તો તે તરત જ જાણી જાય. પછી પોતાના આંકડાઓ વડે સામેની વસ્તુનો કચ્ચરઘાણ કાઢી નાખે.”  

“એટલે…” ભગવાને શ્યામની આંખોમાં જોઈને કહ્યું,

“તું તેની ગુફામાં પગ પણ મૂકી શકતો નથી.”
આટલું સાંભળતાં જ શ્યામના મનમાં નિરાશા છવાઈ ગઈ.  

અરિષ્ટાસુર વિશે સાંભળ્યા પછી તેને લાગવા લાગ્યું કે કદાચ આ વખતે તેઓ અર્ધાંગાસુરને મુક્ત નહીં કરાવી શકે…કદાચ અર્ધાંગાસૂર હવે ક્યારેય આઝાદ નહિ થઇ શકે.

થોડીવાર સુધી શ્યામ એકદમ શાંત રહી ગયો.

તેના મનમાં એક જ વાત ફરી રહી હતી — “આવા રાક્ષસને હરાવવો તો દૂર, તેની નજીક પહોંચવું પણ અશક્ય છે.”

ભગવાન શ્રી કૃષ્ણ તેની સામે જોઈને સહેજ હસ્યા.
“શું થયું લાલભાઈ..? હવે ડર લાગી રહ્યો છે..?”

“ડર તો નથી લાગતો પ્રભુ…” શ્યામે ખોટી બહાદુરી બતાવતાં કહ્યું, “પણ આ વખતે સામે કોઈ જાદુગર કે સૈનિક નથી. આ તો જાણે મોતનું બીજું સ્વરૂપ છે. આને હરાવવો તો લગભગ ઈમ્પોસિબલ છે..”

ભગવાને તેના ખભા પર હાથ રાખ્યો અને પ્રેમથી બોલ્યા,
“મોતથી ડરનાર માણસ ક્યારેય જીવનનો સાચો અર્થ સમજી શકતો નથી મિત્ર. અને યાદ રાખ… દરેક શક્તિશાળી દુશ્મનની કોઈને કોઈ નબળાઈ જરૂર હોય છે. બસ, તેને શોધવાની સમજ હોવી જોઈએ.”

“પરંતુ પ્રભુ, તેની ગુફામાં પગ મૂકતાં જ જો તે હુમલો કરી દેશે તો આપણે અંદર જઈશું કેવી રીતે..?” શ્યામે ચિંતિત અવાજમાં પૂછ્યું.

ભગવાન થોડું મલકાયા.
“એટલે જ તો તારે બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. આ યુદ્ધ બળનું નથી… સમજણનું છે, અને તારે સમજણથી કામ લેવાનું છે..કેમ કે આરિષ્ટાસુરની ગુફામાં તેની સાથે લડવા માટે તારે જવાનું છે..”

શ્યામને પણ હવે ખરેખર ડર લાગી રહ્યો હતો. 

તેના મનમાં એક પછી એક અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા — “શું અમે અર્ધાંગાસૂરને બચાવી શકીશું..? અને જો બચાવી પણ લઈએ… તો શું જીવતા પાછા ફરી શકીશું..?”

આ વિચારો તેની હિંમત ધીમે ધીમે તોડી રહ્યા હતા.
ભગવાન શ્રી કૃષ્ણ કદાચ તેના મનની સ્થિતિ સમજી ગયા હતા. 

તેઓ ધીમેથી શ્યામની નજીક આવ્યા, તેના બંને હાથ પોતાના હાથમાં લીધા અને તેની આંખોમાં જોઈને પ્રેમથી બોલ્યા,

“ચિંતા ન કર લાલભાઈ… બધું બરાબર જ થવાનું છે. હું હંમેશા તારી સાથે જ છું. તારે બસ હિંમત રાખીને તારું કાર્ય કરવાનું છે.”

ભગવાનના શબ્દોથી શ્યામને અચાનક કુરુક્ષેત્રનું મહાભારત યાદ આવી ગયું. 

ફરક ફક્ત એટલો જ હતો કે ત્યાં યુદ્ધ સૈનિકો વચ્ચે હતું… 

અને અહીં એક એવો રાક્ષસ સામે હતો, જેનું નામ સાંભળતાં જ શરીરમાં કંપારી ફરી વળે.

થોડી હિંમત ભેગી કરીને શ્યામે ભગવાનને પૂછ્યું,
“પ્રભુ, તેની એટલી બધી શક્તિઓ વિશે તો તમે કહ્યું… પણ તેની કોઈ ખામી નથી શું..?”

ભગવાન સહેજ મલકાયા.
“ખામીઓ છે… અને એ જ ખામીઓ આપણું સૌથી મોટું હથિયાર બનશે.”

ત્યારબાદ તેઓ અરિષ્ટાસુરની સૌથી મોટી નબળાઈઓ વિશે કહેવા લાગ્યા —

૧) અરિષ્ટાસુરને આંખો કે કાન નથી...
તે જોઈ કે સાંભળી શકતો નથી. તે ફક્ત જમીનમાં થતા કંપન દ્વારા જ પોતાના શિકારની હાજરી અનુભવે છે.

૨) તેના આગળના બંને ભયંકર આંકડાઓ જ્યાંથી શરૂ થાય છે, એના મૂળ વચ્ચેની જગ્યા તેના શરીરનો એકમાત્ર એવો ભાગ છે, જ્યાં તેના ડંખ કે આંકડા પહોંચી શકતા નથી.

૩)જયારે અરિષ્ટાસુર પોતાના શિકારને મારવામાં વ્યસ્ત હોય છે, ત્યારે તેનું ધ્યાન તેના જાદુ પરથી હટી જાય છે. એ સમયે તેણે બનાવેલા જાદુઈ આવરણો કમજોર પડી જાય છે. એટલે એ સમય દરમિયાન કોઈ વ્યક્તિ તેની અંદર કે બહાર જઈ શકે છે.

અરિષ્ટાસુરની ખામીઓ સાંભળ્યા પછી શ્યામના મનમાં આશાની એક નાની કિરણ જાગી. 
કદાચ… 
હવે અર્ધાંગાસૂરને બચાવવું અશક્ય નહોતું.

તેણે થોડીવાર વિચાર કરીને ભગવાનને કહ્યું,
“ઓકે… તો પ્લાન એવો છે કે હું અરિષ્ટાસુરને મારી પાછળ વ્યસ્ત રાખું… અને એ દરમિયાન તમે અર્ધાંગાસૂરને કેદમાંથી મુક્ત કરાવો. બરાબર ને પ્રભુ..?”

“એકદમ બરાબર.”

ભગવાને હસતાં હસતાં તેની પીઠ થપથપાવી.
પરંતુ તરત જ તેઓ ગંભીર થઈ ગયા.

“પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજે શ્યામ… જો અરિષ્ટાસુર થોડા સમય માટે પણ તારો પીછો છોડીને પોતાના જાદુ પર ધ્યાન આપશે, અને એ સમયે હું અર્ધાંગાસૂરની ગુફાની અંદર હોઈશ… તો હું પણ ત્યાં જ ફસાઈ જઈશ."

"પછી અમને બંનેને કોઈ બહાર નહીં કાઢી શકે.”

શ્યામના ચહેરા પર ફરી ગંભીરતા છવાઈ ગઈ.

“એટલે તારે તેને એક ક્ષણ માટે પણ ફ્રી થવા દેવાનો નથી.” ભગવાને ધીમા શબ્દોમાં પણ મક્કમ અવાજે કહ્યું.

શ્યામે હકારમાં માથું હલાવ્યું.

હવે બધું સમજી ગયા પછી શ્યામ અરિષ્ટાસુરની ગુફા તરફ આગળ વધવા લાગ્યો. પરંતુ ભગવાને તેને રોક્યો.

“શ્યામ… અહીં હું તારી બહુ મદદ કરી શકીશ નહીં. પરંતુ આ બે વસ્તુઓ તને જરૂર કામ લાગશે.”

એમ કહી ભગવાને શ્યામ તરફ હાથ લાંબો કર્યો. તેમના હાથમાં અચાનક એક થેલી જેવી વસ્તુ પ્રકટ થઈ.

શ્યામે તે બેગ ખોલી તો અંદરથી એક અદભુત તલવાર અને તેને વીંટાળીને રાખેલી એક અજાણી રજાઈ જેવી વસ્તુ બહાર આવી.

તેણે તલવાર હાથમાં લીધી તો અચાનક તે સુવર્ણ પ્રકાશમાં ચમકી ઉઠી. તલવાર આશ્ચર્યજનક રીતે ખૂબ હલકી હતી, પરંતુ તેની ધાર એટલી તીખી હતી કે જાણે હવામાંથી કોઈ સૂક્ષ્મ વસ્તુને પણ કાપી નાખે.

રજાઈ જોઈને તે મૂંઝાઈ ગયો.

ભગવાન તેની સામે જોઈને સમજાવવા લાગ્યા,

“અરિષ્ટાસુરના શરીરનો ઉપરનો ભાગ અત્યંત મજબૂત છે. સામાન્ય હથિયાર તો શું, દેવતાઓના ઘણા શસ્ત્રો પણ તેને ભેદી શકતા નથી." 

"પરંતુ આ તલવાર જાદુઈ છે. એ જ એક એવું હથિયાર છે જે તેના શરીરને કાપી શકે છે.”

પછી તેમણે પેલી રજાઈ હાથમાં લીધી.

“અને આ… સામાન્ય રજાઈ નથી. તેની ઉપર બેસીને કે ઊભા રહીને તું હવામાં ઉડી શકીશ. એટલે તારે તેની ગુફાની જમીન પર પગ મૂકવાની જરૂર નહીં પડે.”

શ્યામ આશ્ચર્યથી બંને વસ્તુઓ જોતો રહ્યો.




ક્રમશઃ

Dr Dipak kamejaliya 
"શિલ્પી"