લાલો 2 - પ્રકરણ 16 Kamejaliya Dipak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાલો 2 - પ્રકરણ 16

થોડા સમય પછી તેઓ એક વિશાળ ગુફા પાસે આવી પહોંચ્યા.

તે ગુફાનું પ્રવેશદ્વાર કોઈ વિશાળ સાપના ખુલ્લા મોઢા જેવું બનાવેલું હતું.

બંને બાજુ ભયંકર રાક્ષસોની વિશાળ મૂર્તિઓ ઉભી હતી.

અને ત્યાં અચાનક જ…

એક નાનકડો પરંતુ અત્યંત ભયાનક રાક્ષસ તેમની સામે પ્રગટ થયો.

તેના શરીરની બંને બાજુ ચહેરા હતા.

એક આગળ… અને એક પાછળ.

તે બંને દિશામાં દોડી શકતો હતો.

તેના ચારેય હાથમાં તલવારો હતી.

દૂરથી જોતા એવું લાગતું હતું જાણે બે ટિંગુ રાક્ષસોને એકબીજાની પીઠ સાથે જોડી દીધા હોય.

પરંતુ ભગવાન શ્રી કૃષ્ણને જોઈને તે તરત જ નમી ગયો.

તેણે પ્રણામ કરીને ગુફાનો વિશાળ દરવાજો ખોલી આપ્યો.

અને પછી…

શ્યામ અને ભગવાન કોઈ પણ રોકટોક વગર પાતાળની અંદર પ્રવેશી ગયા.

ગુફાની અંદર પ્રવેશતા જ એકદમ ઠંડી હવા શ્યામના ચહેરા સાથે અથડાઈ. 

બહાર લાલ આકાશ અને વીજળીઓની ગર્જનાથી ભરેલું જે ભયાનક વાતાવરણ હતું, તેની સામે ગુફાની અંદર એક અજીબ પ્રકારની શાંતિ હતી. 

પરંતુ એ શાંતિમાં પણ જાણે કોઈ ભય છુપાયેલો હોય એવું શ્યામને સતત લાગતું રહેતું.

દીવાલો પર કાળા રંગના ચમકતા પથ્થરો જડેલા હતા, જે પોતે જ સહેજ અજવાળું ફેલાવતા હતા. 

ગુફાની જમીન પર લાંબા લાંબા સાપ જેવા નિશાન હતા, જાણે અહીંથી કોઈ વિશાળ પ્રાણી પસાર થયું હોય. 

શ્યામ ધીમે ધીમે ભગવાન શ્રી કૃષ્ણની પાછળ ચાલતો હતો.

અચાનક જ દૂરથી કોઈ ભારે શ્વાસ લેવાનો અવાજ આવવા લાગ્યો.
“હ્હ્હ્હ્હ….. હ્હ્હ્હ્હ…..”

શ્યામનું હૃદય જોરથી ધડકવા લાગ્યું.
“પ્રભુ… આ અવાજ કોનો છે..?” શ્યામે ધીમા અવાજે પૂછ્યું.

ભગવાને તેની સામે જોયું અને શાંત અવાજમાં બોલ્યા, 

“ડરતો નહીં શ્યામ, આ પાતાળલોક છે. અહીં ઘણી એવી વસ્તુઓ છે જે પૃથ્વી પરના માણસોએ ક્યારેય જોઈ નથી.”

થોડું આગળ વધ્યા પછી અચાનક ગુફા પૂરી થઈ અને તેઓ એક વિશાળ ભૂગર્ભ નગરી સામે ઉભા હતા.

શ્યામ આંખો ફાડી ફાડીને જોતો રહી ગયો.
આખું શહેર જમીનની અંદર હોવા છતાં અજવાળાથી ઝગમગી રહ્યું હતું. 

આકાશની જગ્યાએ ઉપર અગ્નિ જેવા લાલ પથ્થરો તરતા હતા, જે આખી નગરીને પ્રકાશ આપતા હતા. 

દરેક ઘરો કાળા અને સુવર્ણ રંગના પથ્થરોમાંથી બનાવેલા હતા. 

રસ્તાઓ પર વિશાળ નાગો ફરી રહ્યા હતા. 

કેટલાક મનુષ્ય જેવા દેખાતા હતા પણ તેમની આંખો સર્પ જેવી હતી. 

ક્યાંક દૈત્ય જેવા ઊંચા માણસો ઉભા હતા, તો ક્યાંક અડધા જાનવર અને અડધા મનુષ્ય જેવા જીવ દેખાતા હતા.

શ્યામને સમજાઈ ગયું કે આ ખરેખર પાતાળલોક જ હતો.

તે આશ્ચર્યથી બધું જ જોઈ રહ્યો હતો ત્યાં અચાનક એક જોરદાર ગર્જના સંભળાઈ.
“ધડાઆઆઆમ્મ્મ્મ….!!!!”

જમીન ધ્રુજી ઉઠી.

આસપાસ ઉભેલા નાગો અને દૈત્યો તરત જ રસ્તા પરથી હટી ગયા. 

બધા એક જ દિશામાં જોવા લાગ્યા.

શ્યામે પણ એ બાજુ નજર કરી…

અને જે દ્રશ્ય તેણે જોયું એ જોઈને તેનું લોહી જામી ગયું.

દૂરથી એક વિશાળ કાળો રથ તેમની તરફ આવી રહ્યો હતો. તે રથને ઘોડા નહીં પરંતુ વિશાળ અગ્નિ ઉગળતા અજગરો ખેંચી રહ્યા હતા. 

રથ ઉપર કાળા બખ્તરમાં એક ભયાનક યોદ્ધા બેઠો હતો. તેની આંખોમાંથી લાલ અગ્નિ નીકળતો હતો અને હાથમાં વિશાળ ભાલો હતો.

રથ તેમની સામે આવીને ઉભો રહ્યો.
એ યોદ્ધાની નજર સીધી શ્યામ પર પડી.
થોડી ક્ષણ સુધી તે શ્યામને જોતો રહ્યો… 

અને પછી અચાનક જ રથમાંથી નીચે ઉતરીને ભગવાન શ્રી કૃષ્ણ સામે નમન કરવા લાગ્યો.

“પ્રણામ દેવકીનંદન…!”

શ્યામ એકદમ ચોંકી ગયો.
એટલો ભયાનક દેખાતો યોદ્ધા ભગવાન સામે બાળકની જેમ નમન કરી રહ્યો હતો.

ભગવાને સહેજ મલકીને કહ્યું, “ઉઠો કાલકેય, અમારે પાતાળલોકમાં એક ખાસ કાર્ય માટે આવવું પડ્યું છે.”

“આપ આદેશ કરો પ્રભુ,” એ યોદ્ધાએ માથું નમાવીને કહ્યું.

ભગવાને મારી તરફ આંગળી ચીંધી.
“આ શ્યામ છે. સ્વર્ગની શોધમાં મારી સાથે છે.”

એ સાંભળીને કાલકેય નામનો પેલો ભયાનક યોદ્ધા શ્યામની સામે આવ્યો. તેની ઊંચાઈ લગભગ દસ ફૂટ જેટલી હશે. 

તેની આંખોમાં એવી આગ હતી કે શ્યામ સીધું તેની સામે જોઈ પણ શકતો નહોતો.

પરંતુ અચાનક જ તેણે શ્યામ સામે જોઈને કહ્યું...
“તો… આ એ મનુષ્ય છે… જેના વિશે પાતાળલોકની ભવિષ્યવાણીમાં લખાયું છે…?”

શ્યામના ચહેરા પર એકદમ ગૂંચવણ છવાઈ ગઈ.
“ભવિષ્યવાણી…?” તેણે આશ્ચર્યથી ભગવાન શ્રી કૃષ્ણ સામે જોયું.

ભગવાન થોડું મલક્યા… પરંતુ આ વખતે તેમના ચહેરા પર રહસ્ય વધુ હતું.

“પાતાળલોકમાં ઘણી એવી વાતો છે લાલભાઈ… જે સમય પહેલાં જણાવી દેવી યોગ્ય નથી.”

કાલકેય હજુ પણ શ્યામને ખૂબ ગંભીરતાથી જોતો હતો. તેની અગ્નિ જેવી આંખોમાં અચાનક જ ઉત્સુકતા અને સાવચેતી બંને દેખાઈ રહી હતી.

“પ્રભુ,” કાલકેય ધીમેથી બોલ્યો, “જો આ એ જ મનુષ્ય છે… તો પછી સમય બહુ ઓછો બચ્યો છે.”

શ્યામનું હૃદય ફરી જોરથી ધબકવા લાગ્યું.

“અરે ભાઈ, કોઈ મને પણ કહેશે કે ચાલી શું રહ્યું છે…?” તે ગભરાટ અને ગુસ્સા વચ્ચે બોલી પડ્યો.

ભગવાન શ્રી કૃષ્ણ હસવા લાગ્યા.

“શાંત થા મિત્ર. તું જ્યાં જાય છે ત્યાં રહસ્યો પોતાની જાતે જ ખુલતા જાય છે.”

કાલકેયે પોતાનો વિશાળ ભાલો જમીન પર ટેકવ્યો.

ધડામ્મ્મ…!

જમીન ફરી ધ્રુજી ઊઠી.

આસપાસ ઉભેલા નાગો અને દૈત્યો તરત જ માથું નમાવીને ઉભા રહી ગયા.

“પ્રભુ,” કાલકેય બોલ્યો, જો આપ ‘તે જગ્યાએ’ જવા માંગતા હોવ… તો સાવધાન રહેજો. છેલ્લા કેટલાક દિવસોથી પાતાળલોકમાં અજીબ ઘટનાઓ બની રહી છે.”

ભગવાનની આંખોમાં ગંભીરતા આવી ગઈ.

“કઈ પ્રકારની ઘટનાઓ?”

કાલકેય થોડો નજીક આવ્યો અને ધીમા અવાજે બોલ્યો....

“મૃત આત્માઓ ગાયબ થઈ રહી છે…”

શ્યામના શરીરમાં કંપારી ફરી ગઈ.

“શું મતલબ…?”

“પાતાળલોકમાં જે આત્માઓ હજારો વર્ષોથી બંધ હતી… તેઓ અચાનક અદૃશ્ય થવા લાગી છે. જાણે કોઈ અત્યંત શક્તિશાળી સત્તા તેમને ખેંચીને ક્યાંક લઈ જઈ રહી હોય.”

ભગવાન હવે સંપૂર્ણ શાંત થઈ ગયા હતા.

પરંતુ શ્યામે નોંધ્યું…

તેમની આંખોમાં પહેલી વાર થોડી ચિંતા દેખાઈ હતી.

“અને સૌથી ભયાનક વાત…” કાલકેય આગળ બોલ્યો,

“આ બધું શરૂ થયું ત્યારથી પાતાળલોકના સૌથી નીચેના દ્વાર… ‘અંધતમ દ્વાર’… ધીમે ધીમે ખુલી રહ્યા છે.”

એ નામ સાંભળતા જ આસપાસ ઉભેલા ઘણા નાગો અને દૈત્યોના ચહેરા પર ડર છવાઈ ગયો.

એક વૃદ્ધ નાગ તો તરત જ કોઈ મંત્ર બોલવા લાગ્યો.

શ્યામે ધીમેથી ભગવાનને પૂછ્યું...

“પ્રભુ… આ અંધતમ દ્વાર શું છે?”

ભગવાને થોડો ઊંડો શ્વાસ લીધો.

“બ્રહ્માંડની કેટલીક શક્તિઓ એવી હોય છે મિત્ર… જેને ક્યારેય મુક્ત ન કરવી જોઈએ.”

“અને એ દ્વારની પાછળ…?”

 ભગવાને સીધો જવાબ ના આપ્યો.

પરંતુ કાલકેયનો અવાજ ધીમે ધીમે કંપવા લાગ્યો....

“ત્યાં… ‘અનંત અંધકાર’ વસે છે. ત્યાં આરિષ્ટાસૂર વસે છે..તેની ગુફાના દરવાજા ઘણા સમયથી કમજોર પડી રહ્યા છે. જો તે આઝાદ થઈ જશે તો અનેક આત્માઓનું ભક્ષણ કરી જશે.”

"કાલકેય, તમારે હવે એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે અમે આવી ગયા છીએ. હવે અમુક સમયમાં આ બધું એકદમ શાંત થઈ જશે." ભગવાને એકદમ શાંતિથી જવાબ આપ્યો.

કાલકેયની રજા લઈને ભગવાન શ્રી કૃષ્ણ અને શ્યામ આગળ વધ્યા. કાલકેયના આદેશથી હવે તેમને ક્યાંય રોકટોક થતી નહોતી.

આગળ વધતાં તેઓએ જોયું કે આસપાસની જમીન અજાણી રીતે ચમકી રહી હતી. 

સમગ્ર ભૂમિ પીળા રંગની હતી .... પિત્તવર્ણ જેવી. કદાચ એટલે જ આ સ્થાનને પાતાળ કહેવામાં આવતું હશે. 

જ્યાં ત્યાં રક્તના લીસોટા પડેલા હતા અને સડી ગયેલા માંસ જેવી દુર્ગંધ હવામાં ફેલાઈ રહી હતી. 

એ ગંધ નાકથી પસાર થઈને જાણે આખા શરીરમાં અરેરાટી પેદા કરતી હતી. 

દરેક દિશામાં કોઈ અજીબ નકારાત્મક ઊર્જા પ્રસરી રહી હોય એવું લાગતું હતું.

ઘણો સમય ચાલ્યા પછી તેઓ એક અત્યંત અંધકારમય વિસ્તારમાં આવી પહોંચ્યા. 

અચાનક જ દુર્ગંધ વધુ ભયાનક બની ગઈ. શ્યામને લાગ્યું કે કદાચ હવે તે બેભાન થઈ જશે.

ત્યાં જ દૂરથી કોઈના ભારે શ્વાસ લેવાનો અવાજ સંભળાયો.
“હ્હ્હ્હ્હ… હ્હ્હ્હ્હ…”

શ્યામના શરીરમાં ડર ફરી વળ્યો.



ક્રમશઃ

Dr Dipak kamejaliya 
"શિલ્પી"