શું સાચે જ ગુરુપૂર્ણિમા? Tr Mrs Snehal Rajan Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શું સાચે જ ગુરુપૂર્ણિમા?

લેખ:- શું સાચે જ ગુરુપૂર્ણિમા?

લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની




ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરઃ ।

ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ॥



કેટલો સરસ શ્લોક છે! કેટલી સુંદર રીતે ગુરુનું મહત્ત્વ સમજાવ્યું છે! ગુરુપૂર્ણિમાનાં દિવસે લગભગ બધી શૈક્ષણિક સંસ્થાઓમાં ગુરુવંદના કાર્યક્રમ કદાચ આ શ્લોક બોલીને જ શરુ થતો હશે. ત્યારબાદ કાર્યક્રમનો દોરીસંચાર કરનાર ઉદ્દધોષક (એન્કરિંગ કરનાર વ્યક્તિ) એને મળેલ સ્ક્રિપ્ટને આધારે આ શ્લોક તેમજ જીવનમાં ગુરુનું શું મહત્ત્વ છે એનાં વિશે ઘણું બધું કહી જશે. અંતે તમામ શ્રોતાઓનો આભાર વ્યકત કરી બેસી જશે, અને એને મને કે કમને તાળીઓનાં ગડગડાટથી વધાવી લેવામાં આવશે.


પરંતુ મારો પ્રશ્ન એ છે કે, "શું આ જ છે ગુરુપૂર્ણિમા? શું એક દિવસ બધાં શિક્ષકોને ભેગાં કરી એમને માટે સારું સારું બોલી, એમને એક ભેટ આપી પોતાનો અહોભાવ વ્યક્ત કરી દીધો એટલે પોતાનું શિષ્ય દાયિત્વ પૂર્ણ થઈ જાય છે? યાદ કરો શ્રીકૃષ્ણ ભગવાનનાં આશ્રમ છોડતી વખતે ગુરુમાતા તરફથી માંગવામાં આવેલ દક્ષિણાને! નાનપણમાં પાણીમાં ગરકાવ થઈ ગયેલાં પોતાનાં પુત્રને આ ગુરુમાતાએ શિષ્ય પાસે ગુરુદક્ષિણામાં માંગ્યો."


આજે જ્યારે વિદ્યાર્થી અને એનાં માતા પિતા શિક્ષકોને એલફેલ બોલીને જાય છે, ક્યાંક તો શિક્ષકોને તમાચો મારતાં પણ વિદ્યાર્થી કે વાલી ખચકાટ નથી અનુભવતાં ત્યારે શું ગુરુપૂર્ણિમાની ઉજવણી સાર્થક નીવડી શકે? એક જમાનામાં એવું કહેવાતું કે, 'સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ધમધમ.' આ સોટી એટલે શિક્ષકની સોટી. અમુક અપવાદોને બાદ કરતાં મોટા ભાગના શિક્ષકો કે જેઓ ખરા અર્થમાં શિક્ષકો છે એઓ વિદ્યાર્થી ઉપર હાથ એને સુધારવા માટે જ ઉપાડશે.


જો પોતાનાં વિદ્યાર્થીને યોગ્ય કારણોસર સજા કરવા બદલ શિક્ષકે વિદ્યાર્થી અને એનાં વાલીની માફી માંગવી પડે તો ચોક્કસથી આ શિક્ષણ વ્યવસ્થાનું ઘોર અપમાન છે. હવે આ જ બાળક ગુરુપૂર્ણિમાને દિવસે શિક્ષકને પગે લાગી આશિર્વાદ મેળવવાનો ઢોંગ કરે એ ક્યાંનું ગુરુ સન્માન છે? બાળકની તો ખબર નથી, પણ એ શિક્ષક ક્યારેય મનથી આ બાળકને આશિર્વાદ નહીં આપી શકે. પરંતુ શિક્ષકોનો સ્વભાવ છે કે એ ક્યારેય પોતાનાં વિદ્યાર્થીનું ખરાબ ઈચ્છી શકતાં નથી. આથી જ ભલે આશિર્વાદ મનથી ન આપે, પણ એ બાળકનું ખરાબ થાય એવું આ શિક્ષક ક્યારેય નહીં ઈચ્છે.


વિદ્યાર્થીને શાળામાં આવતાં મોડું થાય અને શિક્ષક એને શાળામાં દાખલ થવા ન દેતાં ઘરે પાછા મોકલી આપે છે. થોડી જ વારમાં આ વિદ્યાર્થીનાં ઘરેથી એનાં વાલી શાળામાં આવીને શિક્ષક સાથે બાળકની સામે જ લડે છે અને ગમે તેમ બોલે છે. હવે વિચારો કે જે વાલીમાં જ સંસ્કાર અને સભ્યતા નથી એ વાલીએ પોતાનાં બાળકને સભ્યતા ક્યાંથી શીખવી હોય? અને એ બાળક કે જેની સામે એનાં વાલી શિક્ષક સાથે લડીને ગયા એ બાળકને આ શિક્ષક પ્રત્યે આદર હોઈ શકે? કદાપિ નહીં. એને તો હવે ફાવીતું મળી ગયું. 'હું મને ફાવે તેમ વર્તન કરીશ. શિક્ષક કશું બોલશે તો મમ્મી પપ્પા છે જ! શિક્ષકને ગમે તેમ બોલી જશે અને મારો જ પક્ષ લેશે.' હવે આ બાળક વધુ ઉદ્ધત બને છે. અને ગુરુપૂર્ણિમાનાં દિવસે આ શિક્ષક સહિત તમામ શિક્ષકોને પગે લાગી આશિર્વાદ માંગે છે. શું શિક્ષકને ઈચ્છા થશે આ બાળકને પોતાનાં પગે પડવા દેવાની મંજુરી આપવાની? તો આ ગુરુપૂર્ણિમાનાં દિવસે વિદ્યાર્થીઓ દ્વારા થતાં દેખાડાનો શો અર્થ?


જે સાચો વિદ્યાર્થી છે એ તો હજારોની ભીડમાં પણ અલગ જ તરી આવે છે. એને ક્યારેય એવું યાદ નથી કરાવવું પડતું કે એણે વર્ગમાં કેવી રીતે બેસવાનું છે. એને એ ખૂબ જ સારી રીતે ખબર હોય છે કે એની સામે જે ઉભા છે એ એનાં શિક્ષક છે. એની સાથે કેટલી સભ્યતાથી વર્તન કરવું એને સારી રીતે ખબર હોય છે. આવા વિદ્યાર્થીઓ કદાચ ગુરુપૂર્ણિમાને દિવસે શિક્ષકને ન મળી શકે તો પણ કોઈ વાંધો ન આવે. કારણકે આ વિદ્યાર્થી માટે તો દરેક દિવસ ગુરુપૂર્ણિમા જ છે. આવા વિદ્યાર્થી માઈલો દૂર રહીને પણ પોતાનાં શિક્ષકનાં સદાય સંપર્કમાં રહે છે. પોતાનાં જીવનમાં આવતી ગૂંચવણનો ઉકેલ પોતાનાં શિક્ષક પાસે માંગતા નાનમ અનુભવતાં નથી. 


ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવી એમાં કંઈ જ ખોટુ નથી, પણ જે બાળકે સતત શિક્ષકોની અવહેલના કરી હોય અને સતત શિક્ષકોને અપમાનિત કર્યા હોય એવા બાળકને ક્યારેય સ્ટેજ પર બોલાવી શિક્ષકનું સન્માન કરવાની તક ન આપવી જોઈએ. 



નોંધ:- મારા અંગત વિચારો છે. અને સ્વ અનુભવને આધારે લખ્યાં છે. કોઈને પસંદ ન પડે તો બીજી વાર મારા કોઈ લેખ ન વાંચે. મને વાંધો નથી. પરંતુ ફાલતુ કૉમેન્ટ કરીને લેખનું અપમાન કરશો નહીં.



આભાર.

સ્નેહલ જાની.

(એક શિક્ષિકા)