સ્ક્રોલ ડાઉન Rupen Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ક્રોલ ડાઉન

સ્ક્રોલ ડાઉન
ડિજિટલ દુનિયામાં ખોવાયેલ માણસની વાર્તા

ટેબલ લેમ્પનો પીળો પ્રકાશ લેપટોપની સ્ક્રીન પર પડીને અડધો ઓગળી જતો હતો. રાતના અઢી વાગ્યા હતા. અયાન ખુરશી પર બેઠો હતો—બેઠો હતો કે બસ ત્યાં ગોઠવાઈ ગયો હતો, એ કહેવું અઘરું હતું.
તેણે સ્માર્ટફોન હાથમાં લીધો. અંગૂઠો સ્ક્રીન પર આપોઆપ ફરવા લાગ્યો. રીલ્સ, શોર્ટ્સ, ટ્વીટ્સ, ફોટોઝ... એક પછી એક ક્ષણ તેની આંખો સામેથી ફેંકાઈ રહી હતી. દરેક ક્ષણ એક સેકન્ડ માટે એનું ધ્યાન ખેંચતી અને પછી ક્યાંક અંધારામાં વિલીન થઈ જતી. તેને લાગ્યું કે આ સ્ક્રીન નહીં, પણ તેનું પોતાનું જીવન છે—જે બસ આમ જ નીચેની તરફ 'સ્ક્રોલ' થઈ રહ્યું છે.
અચાનક સ્માર્ટફોન પર લાલ અક્ષરે એક પૉપ-અપ મેસેજ ચમક્યો: 'Daily Screen Time Limit Reached: 6 Hours.'
અયાન ચોંક્યો. તેને લાગ્યું કે તે હજુ હમણાં જ તો બેઠો હતો. માંડ અડધો-પોણો કલાક થયો હશે. ઘડિયાળ તરફ જોયું તો રાતના ત્રણ વાગ્યા હતા. તેના જીવનના અમૂલ્ય છ કલાક એક નાનકડી, ચોરસ સ્ક્રીનની અંદર ઓગળી ગયા હતા. ડિજિટલ પિક્સલ્સના આ પૂરમાં સમય જાણે વહી નથી રહ્યો, પણ તેની ખોપરીની અંદર કોઈ ખાડામાં અટકીને સડી રહ્યો હતો. અંગૂઠો સ્ક્રીન પર આપોઆપ ફરતો હતો—રીલ્સ, શોર્ટ્સ, ટ્વીટ્સ... દરેક નવી રીલ સાથે સ્ક્રીનનો બ્રાઈટનેસ તેના ચહેરા પર બદલાતો હતો, પણ તેની આંખોની શૂન્યતા એ જ રહી. તેને લાગ્યું કે તેનું જીવન પણ બસ આમ જ નીચેની તરફ 'સ્ક્રોલ' થઈ રહ્યું છે, જ્યાં કંઈ પણ કાયમી નથી.
ગઈકાલે જ કાવ્યાએ ફોન પર કહ્યું હતું, "અયાન, આપણે સાથે છીએ ખરા, પણ આપણી વચ્ચે કોઈ સંવાદ નથી રહ્યો."
અયાન ત્યારે પણ ચૂપ રહ્યો હતો અને અત્યારે પણ રૂમમાં એ જ ચુપકીદી ગર્જતી હતી. સંબંધો હવે વોટ્સએપના 'બ્લુ ટિક' જેવા થઈ ગયા હતા—જોઈ લીધા, પણ જવાબ આપવાની કોઈ ઉર્જા નહોતી.
સામેની દીવાલ પર લટકતી ઘડિયાળનો 'ટિક-ટિક' અવાજ અયાનને હથોડા જેવો લાગતો હતો. સમય વહી રહ્યો હતો, પણ એ વહેણ અખંડ નહોતું. બધું કટકા-કટકા હતું. બાળપણની એ બપોર જ્યારે તે પતંગ પાછળ દોડતો હતો... એન્જિનિયરિંગના ક્લાસરૂમની બેન્ચ... કાવ્યાનો પહેલો સ્પર્શ... અને અત્યારની આ ગૂંગળામણ. બધી ક્ષણો જાણે કાચના ટુકડાની જેમ તેના મગજમાં વેરવિખેર પડી હતી. એ બધી ભેગી થઈને કોઈ આખી તસવીર કેમ નહોતી બનાવતી?
આ ભ્રમણા વચ્ચે અચાનક ટેબલ પર પડેલા જૂના આલ્બમ પર તેની નજર ગઈ. સાંજે જ કબાટ સાફ કરતી વખતે એ બહાર નીકળ્યો હતો. અયાને ફોન મૂકી આલ્બમ ખોલ્યું. અંદરથી એક જૂનો, પીળો પડી ગયેલો ફોટોગ્રાફ નીચે પડ્યો.
ફોટો તેના સાત વર્ષની ઉંમરનો હતો. આબુ જવા માટે એ લોકો સ્ટેશન પર ઊભા હતા. એ ઘટના અયાનની નજર સામે આબેહૂબ થઈ ગઈ. ટ્રેન આવવાની તૈયારી હતી, લોકોની ભારે ભીડ હતી. પિતાનો મોટો, ખરબચડો હાથ અયાનની નાનકડી હથેળીને ચુસ્તપણે પકડીને ઊભો હતો. ટ્રેનના હોર્ન અને લોકોના ઘોંઘાટ વચ્ચે પણ એ 'પકડ'માં એક અદ્ભુત બ્રહ્માંડ જેવી સુરક્ષા હતી. પિતાએ ત્યારે વાંકા વળીને એના કાનમાં કહ્યું હતું:"અયાન, ભીડ બહુ છે. જો મારો હાથ છોડ્યો, તો આખી જિંદગી ખોવાયેલો રહીશ."
અયાને અંધારામાં પોતાની એ જ હથેળી તરફ જોયું. પિતાને ગુમાવ્યે દસ વર્ષ થઈ ગયા હતા. એ મજબૂત પકડ ક્યારનીય છૂટી ગઈ હતી. ટ્રેન તો આવી અને જતી પણ રહી, પણ પોતે એ જ પ્લેટફોર્મ પર અધવચ્ચે ક્યાંક ખોવાઈ ગયો હતો. સમયની આ ભીડમાં પિતાનો એ સુરક્ષિત સ્પર્શ ક્યાં ગુમ થઈ ગયો?
પાન પલટાયું. બીજો એક અસ્પષ્ટ ફોટો આવ્યો—યુનિવર્સિટીના કેમ્પસનો. નીલા હસી રહી હતી. નીલા—જે તેના જીવનમાં વસંતની જેમ આવી હતી. એ સાંજ અયાનને યાદ આવી જ્યારે બંને સાબરમતી નદીના કિનારે બેઠા હતા. નીલાએ ધ્રૂજતા હાથે અયાનની હથેળી પકડી હતી. એ સ્પર્શમાં એક આજીજી હતી, એક સવાલ હતો. નીલાએ પૂછ્યું હતું:"અયાન, આપણું અસ્તિત્વ પણ આ રેતીના નામ જેવું જ ભૂંસાઈ જશે? તું ક્યારેય મારો હાથ નહીં છોડે ને?"
પણ અયાન ત્યારે કરિયર, સક્સેસ અને સોશિયલ સ્ટેટસના આભાસી સપનાઓની પાછળ દોડવામાં એટલો વ્યસ્ત હતો કે તેનો હાથ ધીમેથી નીલાની પકડમાંથી સરકી ગયો. એ સંવાદહીનતા વધતી ગઈ અને સમય બંનેને જુદા રસ્તે ખેંચી ગયો.
તેણે અત્યારે કુતૂહલવશ ફોન ઉઠાવ્યો અને ઇન્સ્ટાગ્રામ પર નીલાનું પ્રોફાઈલ સર્ચ કર્યું. સ્ક્રીન પર તેની લાઈફ ફિલ્ટર્સ સાથે ચમકતી હતી. 'મૅરિડ', 'ટ્રાવેલ ડાયરીઝ', 'બ્લેસ્ડ' જેવા હૅશટેગ સાથેના ફોટોઝ હતા. અયાનની નજર સામે એ જ સાબરમતીના કિનારા વાળી નીલા તરી આવી. ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીઝ જોતા હોવા છતાં, બંને વચ્ચે અફાટ અજાણપણું હતું. સોશિયલ મીડિયાએ દુનિયા આખીને જોડી દીધી હતી, પણ ભીતરના માણસને સાવ એકલો અને અટૂલો પાડી દીધો હતો. લાઈક્સ અને કોમેન્ટ્સના આ જંગલમાં સાચો સંવાદ ક્યાંક ફેંકાઈ ગયો હતો.
ઘડિયાળમાં ત્રણના ટકોરા પડ્યા. આ અવાજે અયાનને આજના દિવસની વાસ્તવિકતામાં લાવી દીધો. આજે બપોરે ઓફિસમાં મેનેજરે તેને બોલાવ્યો હતો. આજના આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓટોમેશનના યુગમાં ઓફિસના ક્યુબિકલ્સ સ્મશાન જેવા શાંત ભાસતા હતા.
મેનેજરે સ્ક્રીન પર એક લાલ ગ્રાફ બતાવતા ઠંડા અવાજે કહ્યું હતું:"અયાન, આ મહિને તારો પર્ફોર્મન્સ ગ્રાફ નીચે ગયો છે. વી ડોન્ટ નીડ ઈમોશન્સ, વી નીડ નંબર્સ."
વિદાય લેતી વખતે મેનેજરે ઔપચારિકતા ખાતર પણ હાથ ન મિલાવ્યો—માત્ર કીબોર્ડ પર આંગળીઓ ચલાવતા રહ્યા. એ કોર્પોરેટ દુનિયામાં કોઈના હાથમાં હૂંફ નહોતી, માત્ર આંકડાઓની ઠંડક હતી. અયાન એ આધુનિક કાચની કેબિનમાં બેઠો બેઠો પોતાના જ અસ્તિત્વને ઓગળતું જોઈ રહ્યો હતો. ડિજિટલ દુનિયામાં તે માત્ર એક એમ્પ્લોયી આઈડી (ID) હતો, એક કોર્પોરેટ આંકડો. માણસ હોવાની આખી પ્રક્રિયા જ ત્યાંથી ગાયબ થઈ ગઈ હતી.
અયાન ઊભો થયો અને ગેલેરીમાં ગયો. બહાર ૨૦૨૬નું હાઈટેક શહેર સૂતું હતું. મહાનગરની ગગનચુંબી ઈમારતો લાલ-પીળી લાઈટોથી ઝળહળતી હતી. રસ્તા પર છૂટીછવાઈ ગાડીઓ સાપની જેમ સરકતી હતી. આ કરોડોની વસ્તીવાળા શહેરમાં, જ્યાં લાખો લોકો ઓનલાઈન હતા, દરેક માણસ પોતાના જ એકાંતની જેલમાં કેદ હતો.
તેણે ગેલેરીની રેલિંગ પકડી. રાતનો ઠંડો પવન તેની આંગળીઓ વચ્ચેથી પસાર થઈ ગયો. સમય પણ આ પવન જેવો જ હતો, પકડવા જતાં રેતીની જેમ સરી જતો હતો. બાળપણની એ સ્ટેશનની ભીડ, નીલા સાથેની એ સાંજ, ઇન્સ્ટાગ્રામની એ આભાસી દુનિયા અને ઓફિસની એ ઠંડી કેબિન—આ બધું શું હતું? આ બધી વિખરાયેલી અને ફેંકાઈ ગયેલી ક્ષણો જ તો હતી. આ બધી ક્ષણો તૂટીને ભેગી કેમ નહોતી થતી? કોઈ આખી વાર્તા કેમ નહોતી બનતી?
અચાનક તેના ફોનમાં વધુ એક નોટિફિકેશન ધ્રુજ્યું. કોઈકે મોડી રાતે રીલ શેર કરી હતી, જેના પર લખાણ હતું: *Are you lonely? Scroll for motivation!'
અયાનના ચહેરા પર એક પીડાદાયક હાસ્ય આવી ગયું. સ્ક્રીન પર બધા જ સુખી હતા, પણ ભીતરની આ શૂન્યતાનો કોઈ સ્ક્રોલ-અપ કે સ્ક્રોલ-ડાઉન ઈલાજ નહોતો. તેણે ધ્રૂજતા હાથે ફોન ઉપાડ્યો. પાવર બટનને જોરથી દબાવી રાખ્યું. સ્ક્રીન પર વિકલ્પો આવ્યા.
જીવનમાં પહેલી વાર તેણે ફોન સ્વિચ ઑફ કર્યો...
રૂમમાં ઘોર અંધારું છવાઈ ગયું. લેપટોપની સ્ક્રીન બ્લેન્ક થઈ ગઈ હતી. તેણે આલ્બમ બંધ કર્યું. સ્ક્રીન તો સાવ અંધારી થઈ ગઈ હતી, પણ અયાને પલંગ પર આડા થઈને જેવી આંખો બંધ કરી, તેની બંધ આંખોની પાછળ—ચિત્તના અંધારા ગર્ભમાં—હજુય હજારો અધૂરી રીલ્સ, પિક્સલ્સ અને ફેંકાઈ ગયેલી ક્ષણોનું અવિરત સ્ક્રોલિંગ ચાલતું હતું... જે બંધ થવાનું નામ નહોતું લેતું. માણસ બહારથી ભલે સ્વિચ ઓફ થઈ જાય, અંદર ચાલતો આભાસી કોલાહલ ક્યાં વિખરાય?