દિવાળી એટલે Rupen Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિવાળી એટલે

દિવાળી એટલે

દિવાળી એ પ્રકાશનો ઉત્સવ છે .દિવાળી હર્ષોઉલ્લાસ અને મસ્તી નો તહેવાર છે . દિવાળી એ અસત્ય પર સત્યની જીતનો ઉત્સવ છે .શ્રી રામે રાવણ પર વિજય મેળવ્યો તેના માનમાં પણ અયોધ્યામાં દિવાળી ઉજવાઈ હતી .

સ્કંદપુરાણ મુજબ દેવી શક્તિએ ભગવાન શિવનું અડધુ અંગ મેળવવા માટે ૨૧ દિવસનું વ્રત કર્યું હતું તેનું ફળ તેમને દિવાળીના દિવસે મળ્યું હતું .

આધુનિક મોંઘવારી ભર્યા યુગમાં દિવાળી એટલે દરેક વર્ગ , સમુદાય અને સમાજ અલગ મહત્વ ધરાવે છે .

દિવાળી એટલે ગૃહિણીઓ માટે પસ્તીવાળી અને સફાઈ . વર્ષ દરમ્યાન ભેગી થયેલી નકામી ,જગ્યા રોકતી વસ્તુઓ ભંગારમાં , પસ્તીમાં આપવાની મોસમ . દિવાળી એટલે ધાબે ગાદલા તપાડવા, ડબ્બા – પીપડા સાફ કરવા, માળીયા – સ્ટોર રૂમ – કબાટ સાફ કરી સરસ ગોઠવણ કરવાની મોસમ .નવી વસ્તુઓ ખરીદી ઘરની શોભા વધારવાની મોસમ.

દિવાળી એટલે ખાવાના શોખીનો માટે નાસ્તાવાળી . ગૃહિણીઓ હોંશે હોંશે ડબ્બા ભરીને, મન મૂકીને તથા મોંઘવારીને ખાલી કરેલા માળીયે મૂકીને મઠીયા, સુવાળી, સક્કરપારા, ફરસીપૂરી, ફુલવડી, ચવાણું, ભાખરવડી, ગાંઠિયા, ઘુઘરા, ગાંઠિયા, ચોળાફળી, કચોરી, ટમટમ, ચકરી જેવા ચટાકેદાર નાસ્તા બનાવે . નવા વર્ષે આવનાર મહેમાનો નાસ્તાની મજા માણે અને છેલ્લે મહેમાનો આવવાનું પૂર ઓસરે ત્યારે શ્રીમાનના પેટ પર મોંઘા નાસ્તા પુરા કરવાની ભારે જવાબદારી આવી પડે . ભલેને શ્રીમાનના ગળાની અને પેટની સિસ્ટમ ખોરવાઈ જાય પણ મોંઘવારીમાં મોંઘો નાસ્તો પુરો કરવો જ પડે .

દિવાળી એટલે ફરવાના શોખીનો માટે ફરવાવાળી . ફરવા માટે જોઈએ તો ગુજરાતીઓ જ નહિ પણ માત્ર ને માત્ર ગુજરાતીઓ જ શોખીન , નવરા અને સમૃદ્ધ છે . રાજસ્થાન , દિલ્લી , સિમલા , કુલુમનાલી , કાશ્મીર , સિક્કીમ , મહારાષ્ટ્ર , ગોવા , ઉંટી , કેરલ કે વિશ્વભરમાં ગમે ત્યાં જાવ ગુજરાતી સન્નારી અને સજ્જનો જોવા મળી જ જશે .પર્યટન સ્થળે વેપારીઓ પણ ગુજરાતીઓને વસ્તુઓ વેચવાની કે પહેરવાની ( વધુ કહી ઓછા કરવાની ) ઈસ્ટાઈલ શીખી ગયા છે . દિવાળી પર અમુક લોકો માટે ફરવા જવું શોખ તો કેટલાક માટે સ્ટેટસ સિમ્બોલ તો કેટલાક ની મજબુરી પણ હોય છે . ગુજરાતીઓ દિવાળી પર ફરવા ગમેત્યાં જાય પણ નાસ્તો , છુંદો , અથાણું , આથેલા મરચાં તો ઘરેથી જ લઇ જઇ મજા લે. ગુજરાતીઓ ફરવામાં બધુ ચલાવી લે પણ ખાવાપીવા માં સહેજ પણ ના ચલાવે . પેરીસમાં પણ પાત્રા ખાવાવાળા શોખીન ગુજરાતીઓ છે

દિવાળી એટલે યુવાનો, બાળકો માટે વેકેશનવાળી અને ફટાકડાવાળી . દિવાળી આવે એટલે બધા હાશકારો અનુભવે . નવરાત્રીનો થાક અને પરીક્ષાનો ત્રાસ દૂર કરવા જ દિવાળી આવે પણ સાથે દિવાળી હોમવર્ક વેકેશનની મજાની પથારી થોડી ફેરવી નાંખે . દિવાળી વેકેશનમાં મોડા ઉઠવાનું, થોડું રખડવાનું, વધુ ખાવાનું, થોડું ઘરકામ અને રાતે ફટાકડા ફોડવાનું કામ ક્રમબદ્ધ અને નિયમબદ્ધ બની જાય .

દિવાળી એટલે કંદોઈઓ, ફરસાણવાળા, કલરવાળા , કપડાવાળામાટે કમાવવાવાળી . વરસાદમાં ભલેને ડેમ ના છલકાય પણ આ વેપારીઓના ગલ્લા દિવાળીમાં જરૂર છલકાય છે . વેપારીઓ મોંઘવારીના મથાળા હેઠળ મોંઘી વસ્તુઓ લાલચુ ગ્રાહકોને પહેરાવામાં દિવાળી ધર્મ માને છે . ઘણા ( બધા નહિ ) વેપારીઓ મહિનાઓથી ભેગો કરેલો ખરાબ , ડુપ્લીકેટ , સિન્થેટીક માવો દિવાળીની મીઠાઈઓમાં ઠાલવી ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજ ખાલી કરી નિરાંત અનુભવે છે . મીઠાઇ ખાવાવાળાઓએ જરાક વિચારવું પડે કે દિવાળીના માવા માટે દુધાળા પશુઓ સ્પેશ્યલ કેશમાં વધુ દૂધ આપતાં નથી . રોજ જેટલું દૂધ ઉત્પાદન થાય તેમાંથી મોટો હિસ્સો પીવામાં વપરાઈ જાય છે અને વધે તેમાંથી દૂધની બનાવટો બને છે તો દિવાળીના માવા માટે વધારનું દૂધ કયા ખેતરમાં કે કંપનીમાં બને છે . ફરસાણવાળા પણ ઘણા ( બધા નહિ ) વેપારીઓ મોંઘવારી ઓથા હેઠળ સસ્તા તેલમાં ફરસાણ બનાવી માનવંતા ગ્રાહકોના પેટની અને ગળાની દશા ફેરવવામાં થોડીએ કસર બાકી નથી રાખતાં . કલરના વેપારીઓ , કારીગરો ગ્રાહકોના ઘરને રંગીન બનાવીને પોતાનો ગલ્લો ચમકદાર બનાવી દે છે .કલરના વેપારીઓનો વર્ષભરનો માલનો ભરાવો દિવાળીના પાવન પર્વ પર સાફ થઇ જાય છે .કપડાના વેપારી સેલના પાટીયા નીચે જુનો માલ ગ્રાહકો ને હોંશેહોંશે પધરાવી દેવામાં પુણ્ય માને છે અને લાલચી ને અધીરયા ગ્રાહકો જુની ફેશન કે ડિફેકટીવ માલ ખરીદી સસ્તું ખરીદવાનો આનંદ દિવાળી પર લેતા હોય છે

દિવાળી એટલે ભેળસેળવાળી . દિવાળી વખતે મીઠાઈમાં પણ સિન્થેટીક મીઠાઈ મોટા પાયે વેચાય છે .દિવાળીમાં સિન્થેટીક દૂધ ,માવા , ડુપ્લિકેટ ઘી , સેકરીન વાળી મીઠાઈથી લોકો બીમાર થવાનું પસંદ કરે છે .લોકો દિવાળીમાં મીઠું ઝેર પ્રેમથી ખાય છે . બધી મીઠાઈ ડુપ્લિકેટ જ નથી હોતી પણ મોટા ભાગની હોય છે .રોજ લાખો લીટર દૂધ ગાય, ભેંસ જેવા દૂધાળા પ્રાણીઓ આપે છે જે લાખો લોકો તેનો પીવામાં કે અન્ય રીતે વપરાશ કરી નાંખે છે .આ લાખો લીટરમાંથી બહુ ઓછુ દૂધ વધે છે , તો દિવાળીમાં મીઠાઈ માટે વધારાનું દૂધ ક્યાંથી આવે છે તે જાણવું અને સમજવું જોઈએ . મીઠાઈ સાથે ઘણા નમકીન પણ પામોલીન તેલમાં બનાવામાં આવે છે . જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક માટે છે . નકલી દૂધ બનાવવા માટે યુરિયા, શેમ્પુ ,કોસ્ટીક સોડા, કેમિકલ નો ઉપયોગ થાય છે . આ સિન્થેટિક દૂધની મીઠાઈથી પાચનતંત્ર ખરાબ થઇ જવાની બીમારી થઇ શકે છે .

દિવાળી એટલે જવેલર્સના વેપારીઓ માટે સોનાવાળી ધનતેરસ અને પુષ્પ નક્ષત્ર ના નામે સોનુ વેચવાની મોસમ દિવાળી પર ભરપુર ખીલી ઉઠે છે. દરવર્ષે ભણેલાગણેલા ને આર્થિક રીતે સંપન્ન ગ્રાહકો ના મનમાં ઠસાવી જ દીધુ છે કે ધનતેરસ પર સોનુ ખરીદવું એ પુણ્ય નું કામ છે . જવેલર્સ પુણ્ય નો રસ્તો બતાવી પોતે સોનું વેચી ધંધો કરી લેવાના માસ્ટર હોય છે . તેમાંય ડિસ્કાઉન્ટ ના નામે જવેલર્સ અવનવા ગતકડાં લાવી ગ્રાહકોને ઉલ્લુ બનાવામાં પાછળ વળીને પણ જોતા નથી

દિવાળી એટલે થોડા ( બહુ જ થોડા ) કર્મચારીઓ માટે મલાઇવાળી . દિવાળી આવે એટલે આ થોડા સરકારી બાબુડીયાઓને સરકારી બોનસ અને વર્ષભરનો હિસાબ ચુકવણીની મોસમ . વર્ષભર જે કર્મચારીઓ પોતાના પૈસે શીંગ ખાવાની પસંદ નથી કરતા તેઓ પારકા પૈસે કાજુ,કિસમીસ, બદામ જેવા ડ્રાયફ્રુટ ના બટુકા બોલાવી મોજ કરે છે . પ્રાઇવેટ કોર્પોરેટ કર્મચારીઓ માટે પણ દિવાળી ઇંન્કરીમેન્ટવાળી ને બોનસવાળી . કંપનીઓ આખા વર્ષના કર્મચારીઓના કામકાજ અને કંપનીના ગ્રોથ ને ધ્યાનમાં રાખીને કર્મચારીઓને બોનસ , પેકેજ આપી ખુશ કરી દેતા હોય છે

દિવાળી એટલે પ્રદુષણવાળી .દિવાળી પર ધ્વની પ્રદુષણ અને વાયુ પ્રદુષણ ની સમસ્યા વધતી જવા પામી છે .દિવાળીમાં સલ્ફર ડાયોકસાઈડ નું પ્રમાણ વધી જવાથી વાતાવરણ દુષિત થઇ જાય છે . ધ્વનીનું માન્ય ધોરણ દિવસમાં લગભગ ૫૦ ડેસીબલ અને રાતે ૪૫ ડેસીબલ હોવું જોઈએ પણ દિવાળીમાં આ ધોરણ ૮૦ થી ૧૦૦ ડેસીબલ સુધી પહોંચી જાય છે . પોટેશિયમ નાયટ્રેટ, સલ્ફર અને કાર્બન મિશ્રિત વાળા ફટાકડા બજારમાં ધૂમ વેચાય છે .વધુ અવાજવાળા ફટાકડાથી કાને બહેરાશ પણ આવી શકે છે . મોટા ફટાકડામાંથી નીકળતા ધુમાડાથી શ્વાસની તકલીફ વાળી બીમાર દમ વગેરે પણ થવાની સંભાવના છે .

દિવાળી એટલે પસ્તીવાળી, નાસ્તાવાળી, ફરવાવાળી, વેકેશનવાળી, ફટાકડાવાળી, કમાવવાવાળી, બોનસવાળી ,મલાઈવાળી ,પ્રદુષણવાળી, ભેળસેળવાળી આપ પણ રાહ શેની જુઓ છો . તમારાવાળી દિવાળી પસંદ કરી મનાવો દિવાળી