કૉકટેલ 2
-રાકેશ ઠક્કર
જ્યારે કોઈ ક્લાસિક ફિલ્મના નામે સિક્વલ કે સ્પિરિચ્યુઅલ સિક્વલ આવે છે ત્યારે દર્શકો થિયેટરના હોલમાં માત્ર એક નવી વાર્તા જોવા નથી જતા પરંતુ પોતાની જૂની યાદો અને અપેક્ષાઓનું એક મોટું પોટલું લઈને જાય છે. નિર્માતા માટે આ એક સલામત રમત હોઈ શકે છે. કારણ કે ટાઈટલના કારણે ફિલ્મને શરૂઆતી હાઈપ અને બોક્સ ઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ તો મળી જાય છે. પરંતુ અસલી કસોટી ત્યારે થાય છે જ્યારે થિયેટરના અંધારામાં સ્ક્રીન પર નવો દસકો અને જૂની યાદો સામસામે આવીને ઊભા રહે છે. આવું જ કંઈક ફિલ્મ ‘કૉકટેલ 2’ (2026) સાથે પણ જોવા મળી રહ્યું છે.
બોક્સ ઓફિસ પર તો આંકડાનો મોટો ધડાકો થયો છે પણ દર્શકોના દિલમાં સરખામણીનો સિલસિલો એટલી જ ઝડપથી શરૂ થઈ ગયો છે. ૨૦૧૨માં આવેલી સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયના પેન્ટીની યાદગાર ફિલ્મ ‘કૉકટેલ’ ની સિક્વલ એવી ‘કૉકટેલ ૨’ રજૂ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર સુનામી લઈને આવી છે. શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદાનાની આ ફિલ્મે ટ્રેડ પંડિતોની તમામ ગણતરીઓ ખોટી સાબિત કરી છે. બોક્સ ઓફિસની વાત સાથે અસલી સવાલ એ છે કે શું આ ફિલ્મ માત્ર કમાણીના આંકડામાં જ જોરદાર છે કે પછી થિયેટરમાં દર્શકોના દિલ જીતવામાં પણ એટલી જ દમદાર છે? તો એનો જવાબ મેળવવા માટે રંગીન કૉકટેલનો અસલી સ્વાદ માણવો પડશે.
ફિલ્મની વાર્તા આજના ફાસ્ટ-ફોરવર્ડ જમાનાના પ્રેમ, લિવ-ઇન રિલેશનશિપ, શંકા અને ૨૦થી ૩૦ વર્ષના યુવાનોની બદલાતી લાઈફસ્ટાઈલની આસપાસ વણાયેલી છે. જૂની ‘કૉકટેલ’ જોઈ હશે તો તરત જ સમજાઈ જશે કે આ વાર્તા લગભગ એ જ પ્લોટ અને માળખાને ફોલો કરે છે. જ્યાં દીપિકાવાળો બોલ્ડ અને બિન્દાસ રોલ અહીં કૃતિએ ભજવ્યો છે, જ્યારે ડાયનાનું માસૂમ અને દેશી પાત્ર રશ્મિકાના ભાગે આવ્યું છે. સૈફની જેમ જ બિચારો શાહિદ કપૂર બે હસીનાઓની વચ્ચે અટવાઈ પડે છે. ફિલ્મનો પહેલો ભાગ એટલો તો મનોરંજક અને રંગીન છે કે સ્ક્રીન પરથી નજર હટાવવાનું મન નહીં થાય. ઇટાલીની સુંદર વાદીઓ અને ખાસ કરીને સિસિલીના અદભુત લોકેશન્સ, લાજવાબ કેમેરા વર્ક અને વિઝ્યુઅલ્સ જોઈને કોઈપણ સામાન્ય માણસને પોતાનો પાસપોર્ટ કઢાવીને ઇટાલીની ટિકિટ બુક કરાવી લેવાનું મન થઈ જશે!
અરિજિત સિંહના અવાજમાં ગીતો થિયેટરમાં ગજબનો માહોલ બનાવે છે. બેકગ્રાઉન્ડમાં વાગતી મ્યુઝિક બીટ્સ ફિલ્મને એટલી ફાસ્ટ સ્પીડ આપે છે કે સવા બે કલાકની આ ફિલ્મ ક્યાંય પણ ધીમી નથી પડતી. પરંતુ બીજો ભાગ શરૂ થતાની સાથે જ ફિલ્મનો આખો મિજાજ બદલાઈ જાય છે. જે ફિલ્મ ફન, ટ્રાવેલ અને એડવેન્ચરના મૂડમાં હવામાં ઉડતી હતી તે ગંભીર ચર્ચાઓ, ઇમોશન્સ અને સંબંધોના જટિલ તાણાવાણામાં ગરકાવ થઈ જાય છે.
પહેલા ભાગમાં જે આખું ફોકસ કૃતિ પર હતું તે બીજા ભાગમાં રશ્મિકા તરફ વળે છે. પણ રશ્મિકાના પાત્રનું નબળું લેખન, તેના દક્ષિણ ભારતીય હિન્દી ઉચ્ચાર સાથે બીજા ભાગની ધીમી ગતિની ટીકા થઈ રહી છે. રશ્મિકાના ફેન્સ કદાચ આ ફિલ્મ જોઈને થોડા નારાજ થઈ શકે છે. કારણ કે વાર્તામાં તેનું પાત્ર ક્યાંક-ક્યાંક બહુ સ્ટુપિડ અને થોડું નકારાત્મક હોય તેવું લાગે છે. નિર્દેશક હોમી અડાજનિયાએ વાર્તાને એવી રીતે રજૂ કરી છે કે કોના માટે સહાનુભૂતિ રાખવી અને કોને વિલન ગણવો એની મૂંઝવણ ઊભી થાય છે. ફિલ્મમાં આજના જમાનાના અટપટા વિષયો જેવા કે ચીટિંગ, લવ અફેર અને શારીરિક સંબંધને બહુ જ પરિપકવ અને સરસ રીતે સંભાળવામાં આવ્યા છે. ફિલ્મ ક્યાંક હસાવે છે પણ કોમેડીનો ડોઝ થોડો વધારે હોવો જોઈતો હતો. એમાં ડબલ મિનિંગ સંવાદો અને બોલ્ડ વિષયો છે, જે કદાચ પરિવાર સાથે જોવામાં થોડી અજીબ સ્થિતિ પેદા કરી શકે છે.
‘કૉકટેલ ૨’ માત્ર શરીરથી જ નહીં મગજથી પણ 18+ હોય તેવા યુવાનો માટે બનેલું એક રંગીન અને સુંદર સિનેમા છે. ફિલ્મનો ક્લાઇમેક્સ બહુ જ દિલચસ્પ છે. કૃતિ આખી ફિલ્મમાં છવાઈ જાય છે અને પોતાની ગ્લેમરસ અદાથી વાહવાહ લૂંટી જાય છે. તેણે પોતાના કરિયરનો સૌથી ગ્લેમરસ અને બોલ્ડ રોલ બહુ જ આત્મવિશ્વાસ સાથે ભજવ્યો છે. તેની હાજરી અને ઉર્જા ફિલ્મને એક અલગ સ્તર પર લઈ જાય છે. શાહિદ કપૂરે હંમેશની જેમ બહુ જ ક્યુટ અને પરિપકવ અભિનય આપ્યો છે. છેલ્લે આવતો સરપ્રાઈઝ ટ્વીસ્ટ શાહિદના ફેન્સના દિલ ખુશ કરી દેશે. અને અડધે સુધી નબળું લાગતું તેનું પાત્ર છેલ્લે સૌથી શ્રેષ્ઠ બનીને ઉભરી આવે છે.