ચતુર બનો
આપણા જીવનમાં ઘણા બધા લોકો આવતા હશે અને જીવનપથ દરમ્યાન ઘણા લોકો હજુ આવશે. આપણા જીવનમાં આવતા લોકોને આપણે મુખ્યત્વે બે રીતે જોતા હોઈએ છીએ, એક સીધા લોકો કે જેનું જીવન એકદમ સરળ હોય છે અને સીધી રીતે કોઈ પણ કપટ વગર જીવતા હોય છે અને બીજા એવા લોકો હોય છે જે ચતુર અને ચાલાક હોય છે. આવા લોકો બીજા સાથે કઈ કરે તો પણ કરનારને ખબર પડતી નથી અને ચતુરાઈથી એનું જીવન જીવતા હોય છે. આપણે લોકો આવા ચતુર લોકોથી દૂર ભાગતા હોઈએ છીએ અને આપણે કહેતા હોઈએ છીએ કે સાંભળતા હોઈએ છીએ કે “જીવન સીધા બનીને જીવો, સીધા બનશો તો જ પ્રભુને ગમશો!” પરંતુ મારો અહીંયા બધાને સવાલ છે કે આપણે ખરેખર આજની દુનિયામાં સીધા બનીને જીવવું જોઈએ કે ચતુર ચાલાક બનીને જીવવું જોઈએ?
સીધા લોકોને આપણે ભોળા લોકો પણ કહીએ છીએ. આવા લોકોનું સમાજ ભલે બહારથી સન્માન કરતું હોય પરંતુ અંદરથી આવા સીધા લોકોને ભોળા લોકો માનવામાં આવે છે અને આવા ભોળા લોકોને 'એતો ભોળો છે એને શું ખબર પડે’ એ રીતે જોવામાં આવે છે. આવા સીધા અને ભોળા લોકોનો બીજા લોકો ફાયદો પણ લઈ જતા હોય છે. જે લોકો ભોળા કે સીધા હોય છે એ લોકોને દર્દ વધારે મળતું હોય છે અને એની સાથે રમત વધારે રમાતી હોય છે માટે આપણો ફાયદો કે લાભ કોઈ ઉઠાવે નહીં એટલે આજની દુનિયામાં સીધા બનવાની જગ્યાએ ચાલાક અને ચતુર બનવું વધારે હિતાવહ છે.
જો તમે ભોળા બનશો તો લોકો તમારો ફાયદો લેશે, તમારો લાભ ઉઠાવશે અને મહેનત તમે કરતા રહેશો અને ફળ બીજા લઈ જશે! અને જો તમે ચતુર અને ચાલાક હશો તો લોકો તમારાથી દૂર રહેશે, તમારી સાથે કઈ કરતા પહેલા હજારવાર વિચારશે. અત્યારના જમાનામાં ચતુરાઈ એક જરૂરિયાત બની ગઈ છે. તમે ચતુરાઈથી જીવશો તો જ તમે સફળતાથી જીવી શકશો અને એ આજના સમયની માંગ પણ છે
સીધાા લોકો એટલા સરળ હોય છે કે આ લોકો એના જીવનની બધી વાતો, એની કમજોરી, એનું સારું પાસું કે ખરાબ પાસું બીજા લોકોને કહી દેતા હોય છે. આજના જમાનામાં લોકો તમારા જીવનની નબળી બાજુ તરત પકડી લેતા હોય છે અને એ નબળી બાજુ પકડી ફાયદો ઉઠાવી લેતા હોય છે અને તમને પાછળ રાખવા એનો ઉપયોગ કરતા હોય છે, એનો ઉપયોગ એક હથિયાર તરીકે કરતા હોય છે. સામે ચાલક લોકો ક્યારેય આવું કરતા નથી. ચતુર લોકો જરૂર હોય એટલું જ બહાર કહેતા હોય છે અને સમય સાથે પરિસ્થિતિને પારખીને વર્તન કરતા હોય છે. આવા લોકોના મનમાં શું ચાલતું હોય છે એ બીજાને ખબર પડતી નથી.
આજની દુનિયાને તમે કેટલા સાચા અને સરળ છો એનાથી કઈ ફરક પડતો નથી. આજનો જમાનો સાચા અને સરળનો નથી. તમે જેટલા સાચા અને સરળ બનશો એટલા જ લોકો તમારા પગ ખેંચશે અને તમને પાછળ રાખવાનો પ્રયત્ન કરશે. તમે સરળ બનો સાથે બીજા સાથે ચતુરાઈથી વર્તો જેથી લોકો તમારો ફાયદો લઈ શકે નહીં. તમારા જીવનમાં બનતી બધી વાતો બીજાને ના કહો અને જો તમે અંદરથી સ્વભાવગત નબળાઈ અનુભવતા હો તો પણ બહારથી મજબૂત દેખાવાનો પ્રયત્ન કરો. તમારી અંદર ગમે તેટલું તોફાન ચાલતું હોય એ બહારના લોકોને ખબર પડવી જોઈએ નહીં. તમે બહારથી જેટલા મજબૂત દેખાશો એટલું જ તમને સન્માન મળશે.
તમે જોતા હશો કે આપણી આજુબાજુ જેટલા નેતાઓ છે કે સફળ લોકો છે એ લોકો દિમાગ અને શબ્દોથી બીજા લોકો સાથે રમતા હોય છે. એના શબ્દોમાં, બોલવામાં ગજબનો કંટ્રોલ હોઈ છે. ક્યાં શું બોલવું, કેટલું બોલવું અને કેવું બોલવું એ આ લોકો જાણતા હોય છે. જો તમે ગમે ત્યાં ગમે તેવું બોલશો તો લોકો તમારી વાતને ગંભીરતાથી લેશે નહીં, તમારી વાતને હાસ્યમાં ઉડાવી દેશે અને તમને પણ ગંભીરતાથી લેવાનું બંધ કરી દેશે. આની જગ્યાએ પરિસ્થિતિને જોઈને બોલશો અને જોખી જોખીને બોલશો તો લોકો તમને ચાલાક સમજશે અને લોકો તમારું સન્માન કરશે અને તમને પૂછશે.
સરળ અને સીધા લોકો બીજાથી તરત અંજાઈ જતા હોય છે. બીજાથી અંજાવું કઈ ખોટું નથી પરંતુ દરેક વ્યક્તિથી અંજાઈ જવું એ ખોટું છે. આપણે જ્યારે બીજાથી અંજાઈ જઈએ છીએ ત્યારે એના પ્રભાવમાં આવી જઈએ છીએ. જ્યારે આપણે બીજાના પ્રભાવમાં આવી જઈએ છીએ ત્યારે લોકો આપણને રસ્તાની બાજુમાં રહેલી ફૂટપાટ સમજી લે છે અને આપણો ઉપયોગ એ રીતે કરતા થઈ જાય છે. મેં આગળ કહ્યું એ પ્રમાણે આજના જમાનાને કે લોકોને તમારી સરળતાથી કે તમારા સાચા હોવાથી કઈ ફરક પડતો નથી. તમે જેના પ્રભાવમાં આવશો એ તમારો ઉપયોગ કરીને બાજુમાં હડસેલી દેશે. ચતુર લોકો આવું ક્યારેય નહીં કરે. એ લોકોને પહેલા ઓળખશે, પારખશે અને પછી એનાથી અંજાશે અથવા એની નજીક જશે. તમારું સન્માન તમારાથી જ ચાલુ થાય છે બીજાથી અંજાઈને જો તમે પોતાની જાતને નીચી ગણવા લાગશો તો લોકો તમારો ફાયદો ઉઠાવીને જતા રહેશે તો પણ તમને ખબર નહીં પડે.
જ્યારે લોકો સરળ અને સીધા બને છે ત્યારે આવા લોકોને સમાજ ટોણાં બહુ મારતો હોય છે. ટોણાં મારનારને ખબર હોઈ છે કે સરળ અને સીધા લોકોને ટોણાં મારવાથી કઈ ફરક પડવાનો નથી અને સીધા લોકો પણ એનો કઈ જવાબ આપતા નથી. કદાચ તમે સીધા હશો અને વાતને હળવાશથી લેતા હશો પરંતુ તમારી ઉપરના ટોણા બીજા લોકો પણ સાંભળતા હોઈ છે. જ્યારે બીજા લોકો ટોણા સાંભળતા હોય છે ત્યારે એ લોકો એને તમારી જેમ લેતા હોતા નથી! બીજા લોકો તમને અલગ રીતે જોવા લાગે છે અને તમારી રિસ્પેક્ટ એની નજરમાં ઓછી થાય છે. કદાચ તમે ત્યારે કઈ જવાબ આપી શકો નહીં તો કઈ નહીં પરંતુ સમય આવ્યે જવાબ આપો. જો તમે બીજાના ટોણા સાંભળતા રહેશો તો લોકો એને તમારી નબળાઈ સમજશે. માટે નબળા બનવા કરતા એનો જવાબ આપી તમારી મજબૂત છાપ પાડી ચતુરાઈ પૂર્વક વર્તો.
એક વાતનું ધ્યાન રાખજો આ દુનિયામાં મતલબથી બીજો કોઈ મોટો સગો નથી. તમારી સાથે જોડાયેલા લોકો કોઈને કોઈ મતલબથી જ જોડાયેલા હશે. આ દુનિયામાં કઈ ફ્રીનું હોતું નથી. ફ્રીની સ્કીમ પાછળ કંઈને કઈ છુપાયેલું હોય જ છે. સીધા અને સરળ લોકોનું આ મતલબી લોકો આસાનીથી ફાયદો ઉઠાવીને ચાલ્યા જાય છે. જ્યાં સુધી લોકોને જરૂર હોય છે ત્યાં સુધી તમારી સાથે મીઠી મીઠી વાતો કરતા હોય છે અને જ્યારે એનો મતલબ પૂરો થઈ જાય છે ત્યારે તમને એવી રીતે છોડી દેશે કે તમે એના માટે કઈ છો કે હતા. આવું સરળ લોકો સાથે વધારે થાય છે. તમારો ફાયદો ઉઠાવનારને ખબર હોઈ છે કે તમે એકદમ સીધા છો તમે સામે કઈ બોલી શકવાના નથી, જ્યારે ચતુર લોકો સાથે આવું થતું નથી કારણ કે એ આવું એની સાથે થવા દેતા નથી.
તમે સીધા છો કે સરળ છો તો એનો એ મતલબ નથી કે લોકો તમને છોડી દેશે, એટલું યાદ રાખજો સીધું લાકડું પહેલા કપાઈ છે. વાંકાચૂકા લાકડાંની સામે કોઈ જોતું પણ નથી. દુનિયા તમારી સરળતા કે સચ્ચાઈ જોવાની નથી પરંતુ તમે સામે કેટલા ચતુરાઈથી વર્તો છો એ જોવે છે. લોકો હંમેશા પહેલા બીજાને દબાવવાની કોશિશ કરે છે, ઓછા આંકવાની કોશિશ કરે છે પરંતુ જો તમે સામે મજબૂતાઈથી ઊભા રહેશો તો લોકો તમને સન્માનની નજરથી જોવા લાગશે અને તમારું સન્માન કરવા લાગશે. તમારી જિંદગી તમારા હાથમાં લો, તમારે જે પણ કરવું હોય એ તમારી રીતે અને ચતુરાઈથી કરો. ચતુર લોકો જમણા હાથથી કરતા હોય એ ડાબા હાથને પણ ખબર પડવા દેતા નથી. દિલથી વિચારવાનું છોડી એમાં તમારા દિમાગને પણ વચ્ચે લાવો. જે લોકો દિલથી વિચારે છે એ લોકોનો ફાયદો બીજા લોકો લઈ જતા હોય છે.
અસ્તુ.