બીજાથી અંજાઈ જવું Hitesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બીજાથી અંજાઈ જવું

તમે કોઈનાથી તરત અંજાઈ જાવ છો?

આપણે રોટલી બનાવવી હોય ત્યારે ઘવના લોટને લઈએ છીએ, આપણે ક્યારેય સીધા ઘવના ડૂંડાંનો ઉપયોગ કરી શકતા નથી કે સીધા ઘવ ઉપયોગ કરી શકતા નથી. આજ રીતે આપણે કોઈ ફળ ખાઈએ છીએ ત્યારે એના બીજ કે એની છાલ કાઢીને ખાતા હોઈએ છીએ. મારો કહેવાનો મતલબ એવો છે કે આપણે જે વસ્તુની જરૂર છે એનો જ ઉપયોગ કરીએ છીએ બાકી આપણે ફેકી દઈએ છીએ. ખાલી મનુષ્ય જ નહીં પરંતુ પ્રાણી જગતનો નિયમ છે કે જે વસ્તુની જે રીતે જરૂર છે એ રીતે જ એનો ઉપયોગ થાય છે.

આપણા જીવનમાં પણ આજ નિયમ લાગુ પડે છે. આપણા જીવનમાં પણ આપણે બધું જ વાપરી શકતા નથી એમ આપણા જીવનમાં કોઈ પણ વ્યક્તિ આવે છે એનાથી આપણે પ્રભાવિત થઈ જતા હોઈએ છીએ એના બધા જ વિચારો કે વર્તન આપણા જીવનમાં લેવા જેવા હોતા નથી. આ જગતમાં કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ હોતો નથી, પછી ભલે એ કોઈ મહાપુરુષ હોય કે પછી કોઈ સેલિબ્રિટી હોય કે કોઈ સામાન્ય માનવી હોય! આ બધામાં કોઈને કોઈ અવગૂણ કે ખામી હોય જ છે. અને સાથે આ દુનિયામાં જ્યાં મનુષ્ય જાતિ છે ત્યાં સ્વાર્થ રહેવાનો જ. મનુષ્ય ગમે તેટલો મહાન થઈ જાય, એના વિચારો મહાન થઈ જાય કે એની પાસે સાત પેઢી સુધી ખૂટે એટલું ધન આવી જાય તેમ છતાં એનામાંથી સ્વાર્થવૃતિ જતી નથી.

આપણે કોઈ મહાપુરુષ કે સાધુ કે કોઈ સેલિબ્રિટીને જોઈએ છીએ કે એના વિચારો સાંભળીએ છીએ ત્યારે એનાથી તરત અંજાય જઈએ છીએ અને આપણે તરત એને ફોલો કરવા લાગીએ છીએ. આપણે આ બધું કરવામાં પણ આપણા માપદંડ કે નિયમો બનાવવા જોઈએ. આપણે કોઈથી અંજાય જઈએ છીએ ત્યારે એના બધા જ વિચારો કે એનું બધું જ વર્તન તમારા જીવનમાં લેવા જેવું હોતું નથી, માટે કોઈ પણનું અનુકરણ એટલે કે ફોલો કરતા પહેલા તમારે એક ફિલ્ટર લગાવવું જોઈએ! તમારા જીવનમાં જેટલું જરૂરી છે એટલું જ એમાંથી તમારે લેવું જોઈએ બાકીનું ફળની છાલની જેમ ફેંકી દેવું જોઈએ.

આ દુનિયામાં કોઈ કોઈનું ભલું કરવા માટે નથી. મનુષ્ય ગમે તેટલો મહાન થઈ જાય ગમે તેટલો પૂજનીય થઈ જાય પરંતુ છેલ્લે જીવતો તો એના માટે જ હોય છે. એટલે જ તો મોટા મોટા અને ભવ્ય આશ્રમો બંધાય છે અને ખૂબ બધા ચેલાઓ કે શિષ્યો રખાય છે. તમારે તમારા માટે જે કામનું છે એની સાથે જ તમારે નિસ્બત રાખવી જોઈએ. બધું જ તમે લઈને ચાલ્યા કરશો તો અને આંધળું અનુકરણ કરવા લાગશો તો તમારું જીવન પાટે ચડવાને બદલે ગૂંચવાય જશે. મોટા મોટા આશ્રમો પાછળ કોઈની ને કોઈની સ્વાર્થવૃતિ જ હોય છે. આશ્રમો પણ એટલા મોટા બનાવાય છે એને ખૂબ ભવ્ય બનાવાય છે કારણ કે આ લોકો જાણતા હોય છે કે સામાન્ય મનુષ્ય ઝાકઝમાળ જોઈને તરત અંજાય જતો હોય છે.

આપણે મનથી એવું માની લઈએ છીએ કે જેના વિચારો સારા હોય છે એનું વર્તન પણ સારું હોય જ છે અને એનો વ્યવહાર પણ સારો હોય જ છે. પરંતુ એવું નથી હોતું. ઘણા લોકો એવા હોય છે કે જે અંદર કંઈક અલગ જીવન જીવતા હોય છે અને બહાર કઈક અલગ જીવન જીવતા હોય છે. બહારના એના વિચારો અને વર્તન અલગ હોય છે અને અંદરથી એ કંઈક અલગ હોય છે. માટે કોઈ પણ વ્યક્તિથી અંજાય જાવ એ પહેલા એને જાણો, એના વિચારોને જાણો અને જો તમને તમારે યોગ્ય એ લાગે તો એમાંથી તમને જે કામનું હોય એને જ ગ્રહણ કરો બાકીનું બાજુમાં મૂકી આગળ વધો.

આપણે બધા જ આપણા વિચારો પ્રમાણે આપણું જીવન જીવતા હોઈએ છીએ અને એ રીતે જીવન વ્યવહારો આગળ ચલાવતા હોય છીએ. આપણા જીવનમાં જે રીતે સ્વાર્થ, આપણું કર્તવ્ય કે આપણા વ્યવહારો આવે છે એવું બધું આપણે જેનાથી અંજાય ગયા હોઈએ છીએ કે જેના વિચારોથી આપણું જીવન પ્રભાવિત થયું હોય છે એના જીવનમાં પણ આવતું હોય છે. એ વ્યક્તિ કોઈ અલગ ગ્રહથી આવતો હોતો નથી, તમે જે રીતે જીવન જીવો છો એ રીતે જ એનું જીવન હોઈ છે. હા કદાચ એના જીવનમાં તમારાથી વધારે કીર્તિ લખાયેલી હશે કે તમારાથી વધારે પૈસો લખાયેલો હશે પરંતુ તમે જે રીતે જીવો છો એવું જ જીવન એનું હશે. જો તમારા જીવન જેવું જ એનું જીવન હોઈ તો એ પહેલા એના જીવન વિશે વિચારશે અને એના જીવનને કેન્દ્રમાં રાખીને એ માણસ અંદરથી જીવતો હશે માટે એ માણસ તમને પ્રભાવિત કરતા પહેલા એનો સ્વાર્થ એ પહેલા જોતો હશે અને એના સ્વાર્થ પ્રમાણે એ એના વિચારો તમારી સમક્ષ રજૂ કરતો હશે. અહીંયા જ તમારે ચેતવાની જરૂર છે.

ફળ ખાતા પહેલા તમારે એની છાલ અલગ કરવાની છે આ નિયમ ફક્ત તમે કોઈને ફોલો કરો છો એના માટે નહીં પરંતુ તમારી જિંદગી સાથે સંકળાયેલા તમારા નજીકના માટે પણ લાગુ પડે છે, પછી ભલે તમારા એ માતા પિતા હોય, ભાઈ બહેન હોય કે કોઈ સાગો હોય કે પછી તમારો ખાસ મિત્ર હોઈ! તમારી સાથે સંકળાયેલા લોકો પણ પહેલા એનું જોશે પછી તમારું વિચારશે. આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે સાંભળતા હોઈએ છીએ કે “યાર જતું કરીને ચાલ તો જ સંબધ રહેશે, સંબધમાં જતું કરવું પડે!” આ જતું કરવું એટલે શું? આ જતું કરવું એટલે કોઈ પરિસ્થિતિ માટે સમાધાન કરવું એ નહીં પરંતુ તમે જતું કરીને સામેવાળાનો સ્વાર્થ અને ઇગો પંપાળો એ છે. જીવનમાં ડગલે ને પગલે સમાધાન કરવું પડે એની ના નહીં પરંતુ નજીકના સંબંધોમાં જો તમારે આવું કરવું પડે તો ધ્યાન રાખજો કે ક્યાંક ત્યાં સ્વાર્થવૃતિ વચ્ચે આવી છે.

આપણે આજુબાજુ જોતા હશું કે અમુક લોકો સુગંધ ફેલાવતા હોય છે, જ્યાં જાય ત્યાં સારું વાતાવરણ ઊભું કરતા હોય છે. આવા લોકો ઘણા ઓછા ફેમસ હશે પરંતુ અમુક લોકો એટલા ટોક્ષીક હોય છે કે જ્યાં જાય ત્યાં વાતાવરણને પણ ખરાબ કરી નાખતા હશે. આવા લોકો લોકોમાં સારા એવા લોકપ્રિય હોય છે કારણ કે આવા લોકો પાસે બીજા લોકોને પ્રભાવિત કરવાની અદભૂત કળા હોય છે. આપણે પણ આવા લોકોથી તરત અંજાય જતા હોઈએ છીએ. તમારે આવા લોકોને ઓળખાતા શીખવું પડશે, જો એવું નહીં કરો તો તમારું જીવન પણ પ્રદૂષિત થઈ જશે.

દોસ્તો તમારે બીજામાંથી કેટલું અને કેવું લેવું એ તમારા હાથમાં છે. આ દુનિયા ખૂબ વિશાળ છે અને આ વિશાળ દુનિયામાં અવનવા અને પચરંગી મનુષ્ય રહે છે. આવા પચરંગી મનુષ્યમાંથી તમારે કેવો મનુષ્ય પસંદ કરવાનો અને એમાંથી કેટલું લેવાનું એ તમારે નક્કી કરવાનું છે. તમારે ખેતરમાં ઊભેલા ઘવમાંથી સીધી રોટલી બનાવવી છે કે પછી એના લોટમાંથી રોટલી મનાવવી છે એ તમારે નક્કી કરવાનું છે.

અસ્તુ.