તમારી સવાર કોઈ ચોરી તો નથી લેતું ને?
આપણામાં એક કહેવત છે, જેની સવાર સારી જાય એનો દિવસ સારો જાય છે. તમે મોડા ઉઠતા હોવ અને કોઈ દિવસ વહેલા ઉઠીને બહાર ડોકિયું કરો છો ત્યારે તમને કંઈક અલગ લાગે છે અને મનને તાજગી લાગે છે. સવાર સવારમાં તમે કોઈ સુંદર દ્રશ્ય જોવો છો ત્યારે પણ મન પ્રફુલ્લિત થઈ જાય છે અને સવારની શરૂવાત સારી અને પોઝિટિવ થાય છે, પરંતુ સવાલ એ છે કે ખરેખર આપણી સાથે આવું થાય છે? ખરેખર આપણી સવાર આપણે ઇચ્છીએ છીએ એવી જ છે? શું આપણી સવારની શરુવાર આપણા હાથમાં છે? કે બીજાના હાથમાં છે? આજના જમાનામાં આપણી સવારની શરૂવાત કોઈ બીજા જ કરે છે. આપણે ઊઠીને સીધા મોબાઈલના સ્ક્રીન તરફ ભાગીએ છીએ, એના નોટિફિકશન તમને એની તરફ ખેંચે છે અને તમને જલ્દી હોય છે કે હું બધાની પહેલા બીજાને ગુડ મોર્નિંગના મેસેજ મોકલી દવ.
જે માણસની સવાર એના હાથમાં હોતી નથી એ માણસનો દિવસ પણ એના હાથમાં હોતો નથી અને ધીરે ધીરે એની જિંદગી પણ એના હાથમાંથી જતી રહે છે. તમે જ્યારે સવાર સવારમાં મોબાઈલના સ્ક્રીનથી શરુવાર કરો છો ત્યારે તમે એ જાણવાનો પ્રયત્ન કરો છો કે તમને સવાર સવારમાં કોણે કોણે મેસેજ કર્યા છે કે કોણે શું મોકલ્યું છે! આમાં તમારું મન અટવાય છે અને તમારા મનમાં નેગેટિવ ભાવના આવે છે, “એણે મને કેમ મેસેજ કર્યો નહીં હોય? એણે પેલાને કર્યો હશે અને મને નહીં કર્યો હોય? એણે મારો મેસેજ જોયો નથી! એ આવું કેમ કરતો કે કરતી હશે? એને જોવો કે જોવી પડશે!” આવા વિચારો તમારા મન ઉપર સવાર થઈ જાય છે અને આવા વિચારો તમારા મન ઉપર કબજો જમાવી દે છે જેથી તમે સવાર સવારમાં સારું વિચારી શકતા નથી.
સવારે જ્યારે આપણે ઊઠીએ છીએ ત્યારે શરૂઆતમાં આપણું મન એકદમ ખાલી હોય છે અને એકદમ તાજુમાજુ એટલે કે ફ્રેશ હોય છે. આજ થોડો સમય એવો હોય છે જેમાં આપણે આપણા મનમાં જે વાવીએ છીએ એ આખો દિવસ આપણને આપે છે, પરંતુ આપણે આપણા દિવસની શરૂઆતનો આ થોડો સમય બીજાની ચિંતામાં, બીજાના વિચારોમાં અને ફાલતુ વાતોમાં કે જે કોઈ કામની નથી કે જેથી આપણા જીવનમાં કોઈ ફેર પડવાનો નથી એમાં વ્યતીત કરી દેતા હોઈએ છીએ. આવી નાની નાની બાબતો આપણા મન ઉપર ખૂબ ખરાબ અસર પાડે છે. આવી બાબતોથી મન ભારી રહે છે, તણાવમાં રહે છે અને દિવસ આખો એમાં જ અટવાયેલું રહે છે. આનાથી તમારા કામ ઉપર પણ અસર થાય છે, તમે બરાબર એમાં ફોકસ કરી શકતા નથી અને છેલ્લે તમારી નિર્ણય શક્તિ પણ પ્રભાવિત થાય છે.
આપણે ઘણીવાર કહેતા હોઈએ છે કે આજના દીવાની શરૂવાત જ ખરાબ થઈ છે! હકીકતમાં દિવસની શરૂવાત આપણા હાથમાં છે. આપણી સવારની શરૂવાત સારી થઈ નથી એટલે દિવસની શરૂવાત સારી થઈ નથી એવું આપણને લાગે છે અને જેથી આજનો દિવસ જ ખરાબ છે એવું પણ લાગે છે. તમે તમારી આંખ ખોલો છો ત્યારથી જ બીજાના ચક્કરમાં પડી જાવ છો જે તમને શાંતિથી જીવવા દેતો નથી. આનાથી તમે જિંદગીની દોડમાં પાછળ રહી જાવ છો. તમે જે રીતે દિવસની શરૂવાત કરો છો એ રીતે તમારું મસ્તિષ્ક કામ કરે છે. જો તમે દિવસની શરૂવાત પોઝિટિવ કરો છો તો તમારું મસ્તિષ્ક પણ એ રીતે વિચારશે અને જો તમે તમારા દિવસની શરૂવાતમાં જ તમારા મનમાં નેગેટિવિટી ભરીને ચાલો છો તો પાછો તમારો દિવસ પણ એવો જ રહેવાનો છે.
તમે સવારમાં ઉઠીને જો બીજાની નજરે દિવસની શરૂવાત કરો છો ત્યારે બીજા એટલે કે દુનિયા તમારા દિવસની શરૂવાત કરે છે, જ્યારે દુનિયા તમારા દિવસની શરૂવાત કરે છે ત્યારે એ દિવસ તમારા હાથમાં રહેતો નથી. જ્યારે દિવસ તમારા હાથમાં રહેતો નથી ત્યારે તમે બીજાના કંટ્રોલમાં જતા રહો છો અને તમારું જીવન તમારા હાથમાં રહેતું નથી. આનાથી ઊલટું જો તમે સવારની શરૂવાત તમારી રીતે કરશો તો તમે તમારી રીતે વિચારી શકશો અને તમારા નિર્ણયો તમારી રીતે લઈ શકશો જે તમારા હિતમાં જ તમે લેશો અને તમને જે રીતે સારા લાગશે એ રીતે જ લેશો, જેથી તમારા જીવન ઉપર તમારા જ લીધેલા નિર્ણયોનો પ્રભાવ હશે જે હંમેશા તમને આગળ જ લઈ જશે. દુનિયા હંમેશા એવી ઇચ્છા રાખતી હોય છે કે તમે પાછળ રહો, તમારામાં ગૂંચવાઈને રહો, તમે સારા નિર્ણયો લઈ ના શકો અને તમે હંમેશા પાછળ રહો. તમારે આ બધાંમાંથી નીકળવાનું છે, જે તમારા હાથમાં જ છે.
સવાર સવારમાં આપણું મગજ એક કોરા ખેતર જેવું હોય છે. એમાં આપણે સવાર સવારમાં જે વાવીએ છીએ એવું આપણને દિવસ દરમ્યાન મળે છે. જો એમાં આપણે સવાર સવારમાં પોઝિટિવ વાતો નાખીશું તો દિવસ આખો પોઝિટિવ જશે, એમાં આપણે આપણા સ્વતંત્ર વિચારો નાખીશું તો આપણે આખો દિવસ સ્વતંત્ર રીતે વિચારી શકીશું અને સ્વતંત્ર નિર્ણય લઈ શકીશું. તમારું મન સવાર સવારમાં સાચી દિશામાં જતું હશે તો એ વ્યવસ્થિત રીતે કામ કરશે જેથી તમારો દિવસ પણ વ્યવસ્થિત જશે અને જો તમે આ બધાથી ઊંધું કરશો તો તમારું મન પણ એ રીતે વર્તશે અને તમારો દિવસ પણ એ રીતે જશે.
આપણે આપણા દિવસની શરૂવાત એવી રીતે કરીએ છીએ કે ઘણીવાર આપણને લાગે છે કે બસ આ દિવસ નીકળી જાય તો સારું. આપણા દિવસની શરૂવાત જ એવી થઈ હોય છે કે આખો દિવસ બોજ લાગે છે. તમારો દિવસ તમને બનાવે છે કે તમને તોડે છે પરંતુ આપણી સવાર જ એક એવી છે જે દિવસને બનાવે છે પણ આપણે આપણી સવાર જ બીજાની ગુલામીમાં વેડફી નાખીએ છીએ. આપણી સવારને જ બીજાની ગુલામીમાં બાંધી દઈએ છીએ. તમારી આજુ બાજુ એવા ઘણા લોકો હશે જે ખૂબ મહેનત કરતા હશે, જે ખૂબ હોશિયાર હશે પરંતુ અટકેલા હશે. આવા લોકો પોતાના દિવસની શરૂવાત દુનિયાથી કરતા હોય છે પોતાની રીતે નહીં! જ્યારે તમે દુનિયાની નજરથી દિવસની શરૂવાત કરો છો ત્યારે તમે દુનિયાની નજરથી જ વિચારો છો અને નિર્ણય પણ એ રીતે લો છો જે તમને ક્યાંક ને ક્યાંક અટકાવે છે. તમે જ્યારે બીજાની નજરે જિંદગીને જુવો છો ત્યારે આવું થાય છે. તમારી નજરે જિંદગીને જોવાનો પ્રયત્ન કરો, જો તમે આવું કરશો તો જ તમને તમારી જિંદગી સમજાશે અને તમારા પ્રોબ્લેમને તમે સારી રીતે ઓળખી શકશો. જે દિવસથી તમે સવારમાં ઉઠીને ફક્ત તમારા વિશે વિચારવાનું ચાલુ કરશો તે દિવસથી તમારી જિંદગીમાં બદલાવ આવવાનું ચાલુ થઈ જશે પરંતુ એના માટે તમારે શરૂવાત કરવી પડશે.
દોસ્તો સવારની શરૂઆતથી થોડી મિનિટો જ આપણે આપણા હાથમાં લેવાની છે. આ શરૂઆતની થોડી મિનિટો જ આપણા જીવનની અનમોલ મિનિટો છે એને આપણે વેડફવાની નથી. આ થોડી મિનિટો જ તમારી જિંદગી બદલવાની તાકાત રાખે છે, તમારું વ્યક્તિત્વ બદલવાની તાકાત રાખે છે. શરૂઆતની આ થોડી મિનિટોમાં તમારે નક્કી કરવાનું છે કે તમે સમય સાથે લડવા માગો છો કે સમય તમારા માટે રસ્તો કરી આપે એવું ઈચ્છો છો.
મોટાભાગના લોકો જીવનમાં સફળ એટલા માટે થતા નથી કારણ કે એનું દિમાગ સવાર સવારમાં જ એના વિરૂધ્ધ કામ કરવાનું ચાલુ કરી દે છે. આવા લોકો જ્યારે ઉઠે છે ત્યારે જિંદગીની એવી દોડમાં દોડવા લાગે છે કે જેની દિશા એણે નક્કી કરેલી હોતી નથી પરંતુ બીજાએ નક્કી કરી હોય છે. સવારની પહેલી કલાક જ નક્કી કરે છે કે તમે તમારી ઉપર રાજ કરશો કે ગુલામી! સવાર જ નક્કી કરે છે કે આપણે આપણા મન ઉપર રાજ કરીશું કે એના કહ્યા પ્રમાણે નાચીશું! આથી જ ઘણા લોકો ઓછી મહેનતે સારું પરિણામ લાવે છે અને ઘણા લોકો એની જિંદગીમાં વેઠિયું કરતા હોય છે છતાં કઈ મેળવી શકતા નથી.
સવારની શરૂવાત તમારી શક્તિ પ્રમાણે અને તમારી ઓળખ પ્રમાણે કરો. સવારની શરૂવાત તમારા હાથમાં રહે એ રીતે કરો. જીવનમાં બદલાવ દેખાડો કરવાથી કે શોર કરવાથી નથી આવતો પરંતુ શાંતિથી ચૂપચાપ તમારા પોતાના માટે કઈ કરવાથી આવે છે. બીજાના વિચારે તમે ચાલશો તો ત્યાંના ત્યાં જ રહી જશો પરંતુ જ્યારે તમે તમારી રીતે ચાલશો તો તમને રસ્તો શોધતા તમારી રીતે આવડી જશે.
અસ્તુ.
આવજો……………….. જય શ્રી કૃષ્ણ…..