અપડેટેડ રહો.
મિત્રો આજનો જમાનો કંઈક અલગ છે. આજે કઈ નવું છે એ આવતી કાલે જૂનું થઈ જાય છે અથવા તો આપણને જૂનું લાગવા લાગે છે. દુનિયા રોજેરોજ બદલાઈ રહી છે અને એમાંય જ્યારથી દુનિયા એક ગ્લોબલ વિલેજ બની ગઈ છે અને જ્યારથી આપણે સોશિયલ મીડિયામાં ડોકિયું કર્યું છે ત્યારથી દિવસે દિવસે આપણે પોતાને અપડેટ રાખવા પડે છે, જો આવું ના કરીએ તો સાલું આપણે પાછળ રહી ગયા હોઈએ એવું લાગે છે. આ બધું ડિજિટલ ક્રાંતિ થયા પછી તો વધારે લાગે છે અને આ હરીફાઈના જમાનામાં તમને અને મને એ લગાડવામાં પણ આવે છે.
આ દુનિયામાં કોઈ પણ ખૂણે કઈ નવું બને છે એ હવે ખબર તરત પડવા લાગી છે. થોડીવાર પહેલાના સમાચાર હવે તરત વાસી થઈ જાય છે. પહેલા આપણે ફક્ત આપણી આજુબાજુવાળાને જોઈને જીવતા હતા અને એની સાથે આપણી સરખામણી કરતા હતા પરંતુ જ્યારથી સોશિયલ મીડિયામાં આપણે ઘૂસ્યા છીએ ત્યારથી હવે આપણી સરખામણી આપણે ક્યારેય કોઈને જોયો નથી એની સાથે કરતા થઈ ગયા છીએ જેથી જો આપણે હર સમયે અપડેટેડ ના રહીએ તો પાછળ રહી ગયાની લાગણી મનમાં થાય છે.
અત્યારે કોઈ એક ક્ષેત્રમાં નહીં પરંતુ દરેકે દરેક ક્ષેત્રમાં સતત કઈ ને કઈ નવું આવતું રહે છે, કઈ ને કઈ સતત બદલાતું રહે છે. પહેલા આપણે એવું કહેતા કે ડોક્ટરોએ અને કોમ્પ્યુટરના વ્યવસાયિકોએ સતત અપડેટ રહેવું પડે છે કારણ કે એનો પ્રોફેશન એવો છે પરંતુ અત્યારે દરેક ક્ષેત્રમાં આવું થઈ ગયું છે. નવી નવી ટેક્નોલોજી આવી રહી છે, આપણી જીવવાની રીત બદલાઈ રહી છે અને સાથે આપણી જિંદગી પણ બદલાઈ રહી છે. આવા સંજોગોમાં જો આપણે સતત આપણી જાતને અપડેટેડ ના રાખીએ તો પાછળ જ રહી જઈએ.
જે રીતે આપણે અપડેટ થઈ રહ્યા છીએ એમ આપણા વર્તનમાં પણ ફેરફાર આવતો ગયો છે. પહેલા આપણે બીજામાં વધારે ચંચુપાત કરતા હતા, બીજો શું કરે છે, એને ત્યાં શું થયું છે અને એણે કેટલી પ્રગતિ કરી છે! સાથે આપણા કામ સિવાય જે કામનું ના હોય એમાં પણ આપણે રસ લેતા હતા પરંતુ જેમ આપણે અપડેટ થયા છીએ એમ આપણી ઉપર કામનું ભારણ વધ્યું છે અને આપણી માનસિકતા એવી થઈ ગઈ છે કે 'એ જે કરે તે મારે શું?' આને લીધે આપણે આપણા કામ પૂરતું જ મતલબ રાખીએ છીએ. આ કઈ ખોટું નથી પરંતુ આને લીધે એકલતા વધી છે.
પહેલા લોકો એકબીજામાં રસ લેતા ત્યારે એકબીજા સાથે સંવાદ કરી લેતા જેથી એના મનમાં જે પણ લાગણી આવતી એ શેર થઈ જતી હતી અને સાથે એમાં કઈ ખૂટતું તો મળી જતું હતું પરંતુ અત્યારે આપણી બદલાતી માનસિકતાને કારણે આપણે અંતર્મુખી થઈ ગયા છીએ, આપણે જલદી કોઈ સામે ખુલી શકતા નથી જેને કારણે આપણે આપણી અંદરનું બીજા સામે વ્યક્ત કરી શકતા નથી જેના કારણે આપણે બીજા લોકો સાથે સહેલાઈથી મિક્સ થઈ શકતા નથી . આપણે બીજા બધા માટે અપડેટેડ રહીએ છીએ પરંતુ આમાં હજુ આપણે અપડેટ થયા નથી.
અપડેટેડ રહેવાના ફાયદા પણ છે. આપણે એટલા અપડેટેડ થઈ ગયા છીએ કે હવે આપણે કઈ પણ તરત સ્વીકારી શકતા નથી. પહેલા રસ્તા વચ્ચે કોઈ પથ્થર પડેલો દેખાતો ત્યારે ચૂપચાપ એની બાજુમાંથી ખસી જતા અથવા એને ઉપાડીને બાજુમાં મૂકી દેતા પરંતુ અત્યારે રસ્તા વચ્ચે એ જ પથ્થર દેખાય છે ત્યારે આપણું મન અનાયાસે સવાલ કરે છે કે ‘ આ અહીંયા આવ્યો કેમ હશે? આને અહીંયા મૂક્યો કોણે હશે?' આપણને સવાલો કરવાની આદત થઈ ગઈ છે. આ આદત પણ ખોટી નથી. સવાલો કરવાની આદત આપણી અંદરની અંધશ્રદ્ધા ભગાડે છે.
આપણો દેશ યુવાનોનો દેશ છે. યુવાનોનો દેશ એટલે જ્યાં યુવાન લોકોની સંખ્યા વધારે હોય એ. એમાંય અત્યારે ઝેન ઝી નો જમાનો છે. આ પેઢી સોશિયલ મીડિયા સાથે મોટી થઈ છે. આ પેઢીને પોતાના ક્ષેત્રમાં સતત અપડેટ રહેવું ગમે છે જેથી આ પેઢીને મહેનત કરવી પણ ગમે છે. તમે જ્યારે સતત પોતાને અપડેટ રાખવા માંગો છો ત્યારે તમે સ્વયંમ એના માટે મહેનત કરવા પ્રેરાવ છો અને એના માટે તમે મહેનત કરવા લાગો છો. જો તમારું મન સતત અપડેટેડ રહેવા માંગતું હોય તો એનો મતલબ એવો થયો કે તમે સતત મહેનત કરવા માંગો છો. સતત અપડેટેડ રહેવું મતલબ સતત મહેનત કરવી!
પોતાનું વજુદ એટલે કે અસ્તિત્વ ટકાવવા પણ પોતાની જાતને અપડેટેડ રાખવી જોઈએ. અહીંયા પણ પેલા ડાર્વિંગનો નિયમ લાગુ પડે છે. તમારે તમારી આજુબાજુ, તમારા દેશમાં અને આ જગતમાં શું શું ચાલુ રહ્યું છે એ જાણવા સતત અપડેટ રહેવું જોઈએ. જો તમે આવું નહીં કરો તો તમે બીજાથી પાછળ રહી જશો અને જો તમે બીજાથી પાછળ રહી જશો તો લોકો તમને સિરિયસલી લેશે નહીં. જો આવું તમારી સાથે થશે તો તમે સમાજમાં અને તમારી આજુબાજુ પાછળ રહી જશો. આપણે ઘણા લોકોને કોઈ ક્ષેત્ર વિશે પૂછીએ તો એ કહેશે કે “મને આમાં રસ નથી એટલે ખબર નથી!” ભલે તમને રસ નથી પરંતુ તમને કોઈ પણ ક્ષેત્રની ઉપર ઉપરથી જાણકારી તો હોવી જ જોઈએ.
ઘણા લોકો કહેતા હોય છે, “વધારે જાણીને શું કામનું છે કારણ વગરનું મગજ ઉપર ભાર આપવો!” મિત્રો કોઈ પણ જાણકારી ક્યારેય મગજ ઉપર ભાર જેવી હોતી નથી અને આપણા મગજની રચના જ એવીરીતે થઈ હોય છે કે કોઈ પણ જાણકારી આપણા મગજને ભાર આપતી નથી એ મગજના કોઈ ખૂણે પડી રહે છે અને જ્યારે એનું કામ આવે છે ત્યારે બહાર આવે છે. બીજા ઘણા લોકો એવા હોય છે કે પોતાની જાતને કોઈ એક જગ્યાએ ઊભા રાખી દે છે એટલે કે પોતાની જાતને અપડેટેડ રાખવા માંગતા નથી હોતા મનથી માની લે છે કે 'મારાથી નહીં થાય!' દોસ્તો સંશોધન એવું કહે છે કે તમે જ્યારે મનથી એવું માની લો છો કે કઈ નહીં થાય ત્યારે ખરેખર કઈ થતું નથી પરંતુ જો તમે કઈ પણ માટે થોડો પ્રયત્ન કરો છો તો એ અઘરું નથી, ધીરે ધીરે એમાં રસ પડવા લાગે છે.
દોસ્તો એટલું યાદ રાખજો, આપણે મેળવેલી જાણકારી કે જ્ઞાન ક્યારેય નકામું હોતું નથી એ કોઈને કોઈ સ્વરૂપે ક્યારેય ને ક્યારેય કામ આવે જ છે. સતત અપડેટેડ રહેવાનો અર્થ માત્ર નવી માહિતી મેળવવી નથી, પણ પોતાને સમય મુજબ બદલવો પણ છે. નવી સ્કિલ્સ શીખવી, નવી ટેક્નોલોજી સમજવી, અને નવા વિચારોને સ્વીકારવા તૈયાર રહેવું.
અપડેટેડ રહેવું માત્ર એક પસંદગી નથી, પણ આજના સમયમાં એક જરૂરિયાત બની ગયું છે. જીવનના દરેક ક્ષેત્રમાં બદલાવ એટલી ઝડપથી આવી રહ્યો છે કે જો આપણે નવી માહિતી અને નવી રીતો શીખતા ન રહીએ, તો આપણે ધીમે ધીમે પાછળ રહી જઈએ છીએ.
અપડેટેડ રહેવાનો અર્થ છે કે આપણે પોતાના વિચારોને પણ સમય સાથે સુધારતા રહીએ. ઘણા લોકો જૂની માન્યતાઓમાં અટવાઈ જાય છે, પરંતુ વિકાસ માટે ખુલ્લા મનથી નવી વસ્તુઓ સ્વીકારવી ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણે નવી માહિતી મેળવીએ છીએ, ત્યારે આપણો દ્રષ્ટિકોણ વિસ્તૃત બને છે અને આપણે વધુ સારી રીતે નિર્ણય લઈ શકીએ છીએ.
એક મહત્વની વાત એ છે કે અપડેટેડ રહેવા માટે મોટી મોટી વસ્તુઓ કરવાની જરૂર નથી. નાના નાના પગલાં પણ ઘણો ફેરફાર લાવી શકે છે રોજ થોડું વાંચવું, કંઈક નવું શીખવું, નવા લોકો સાથે વાતચીત કરવી, અથવા નવી ટેક્નોલોજીનો ઉપયોગ શીખવો.
અંતમાં યાદ રાખો,
“જે વ્યક્તિ શીખવાનું બંધ કરે છે, તે આગળ વધવાનું બંધ કરે છે.” અને “સતત અપડેટેડ રહેવું એટલે જીવનમાં સતત આગળ વધવું એકમાત્ર રસ્તો.”
અસ્તુ.