લોટાનો ગોટાળો
અસ્થિ ની અસ્થિર સફર
લેખક 😀 રૂપેન પટેલ
ગામમાં દાદા (છોટાલાલ) એટલે આખી રંગીન મિજાજની હવેલી! ઉંમર ભલે ૮૫ વર્ષની હતી, પણ શોખ ૨૫ વર્ષના નવયુવાન જેવા. આંખે લાલ ચશ્મા, માથામાં સુગંધિત તેલ, અને રેડિયો પર હંમેશાં વાગતું હોય—"બાબુજી ધીરે ચલના..."! દાદાનો એક જ નિયમ હતો: "જીવો ત્યાં સુધી જલસા કરો!"
દાદાની અંતિમ ઈચ્છા એવી હતી કે મરતાં પહેલાં હરિદ્વાર જઈને ગંગાજીમાં એક મસ્ત ડૂબકી મારવી છે, અને ઘાટ પર બેસીને ભજન સાંભળવા છે. પણ વિધિની વક્રતા તો જુઓ, દાદા ગંગાજી પહોંચે તે પહેલાં જ ખાટલામાં જ ગુજરી ગયા! ડૂબકી મારવાની ઈચ્છા અધૂરી રહી ગઈ.
ગામના ચોતરે બેઠેલા વડીલોએ રમણ કાકાને સલાહ આપી:
"રમણિયા, તારા બાપુ જીવતા-જીવ ગંગાજીમાં ડૂબકી ન મારી શક્યા. હવે જો એમના આત્માને શાંતિ આપવી હોય, તો એમના અસ્થિ લઈને હરિદ્વાર જા અને ગંગાજીમાં એવા પધરાવજે કે દાદાની અંતિમ ઈચ્છા પૂરી થાય!"
બસ, પછી શું? ગેરજવાબદાર રમણ કાકા અને એમના ત્રણ નાલાયક ભત્રીજા—ચિન્ટુ, પિન્ટુ, અને મિન્ટુ, દાદાનો અસ્થિ કળશ લઈને ભારે મનથી (અને હરિદ્વારમાં ફરવાના ભારે પ્લાન સાથે) ટ્રેનમાં ઉપડ્યા. અને અહીંથી શરૂ થઈ અસલી કમઠાણ!
હરિદ્વાર જવાની આગલી રાતે રમણ કાકા: (ભત્રીજાઓ સામે આંખો કાઢીને) "જોજો હો નાલાયકો! દાદા આખી જિંદગી રંગીન રહ્યા છે. આ થેલો બહુ કિંમતી છે. એમાં દાદાના અસ્થિ નાં લોટા સાથે મેં દાદાના મનગમતા લાલ ચશ્મા અને એમનો જૂનો રેડિયો પણ મૂક્યો છે, જેથી ગંગાજીમાં એમને કંટાળો ન આવે! બધો સામાન ચેક કરીને ભરી લેજો, કઈં ભુલાય નહીં."
વ્હેલી સવારે ગામવાળા એ દાદાના અસ્થિ વિસર્જન માટે આ ચારેય જણાને હરિદ્વાર જવા ટ્રેનમાં રવાના કર્યા.
ચારે જણાને જવાબદારીના નામે મીંડું. કાકાએ અસ્થિનો લોટો એક મસ્ત મજાની થેલીમાં પેક કરીને બીજા સામાન સાથે રાખ્યો હતો.
ટ્રેનમાં બેસતાં જ કાકાએ ભત્રીજાઓને સૂચના આપી: "જોજો હો, દાદા આપણી સાથે છે, લોટાને સાચવજો!"
ચિન્ટુ: (મોબાઈલમાં ગેમ રમતા) અરે કાકા, તમે ચિંતા શું કામ કરો છો? દાદા આપણી પાસે જ સેફ છે.
(રાત પડે છે. ટ્રેન સ્પીડમાં દોડી રહી છે. ચારેય જણા ગરમાગરમ પૂરી-શાક ખાઈને એવા ઘસઘસાટ ઊંઘી ગયા કે ટ્રેનના હોર્નનો અવાજ પણ ના સંભળાયો. મધરાતે એક સ્ટેશને કોઈ શાતિર ચોર ચડ્યો. એણે જોયું કે ચાર જણા ઊંઘે છે અને નીચે એક મસ્ત લાલ ચમકતો થેલો પડ્યો છે. ચોરને લાગ્યું કે આમાં નક્કી સોના-ચાંદીના દાગીના કે રોકડા રૂપિયા હશે! ચોરે ધીમે રહીને થેલો સરકાવ્યો અને ટ્રેનમાંથી ગાયબ થઈ ગયો.)
(ટ્રેન હરિદ્વાર સ્ટેશને ઊભી રહે છે. બ્રેક વાગતાં જ રમણ કાકા ઝબકીને જાગે છે. એમનું મોઢું લાળથી ખરડાયેલું છે.)
રમણ કાકા: (આંખો ચોળતા) એય ચિન્ટુડિયા! પિન્ટુ! મિન્ટુ! ઉઠો લ્યા, હરિદ્વાર આવી ગયું. ગંગા મૈયા કી જય! લાવ, પેલા લાલ કપડાવાળા થેલામાંથી દાદાનો લોટો કાઢ.
ચિન્ટુ: (મોબાઈલમાં રીલ્સ જોતાં જોતાં) કાકા, થેલો તો પિન્ટુ પાસે હતો. મેં એને સીટ નીચે સરકાવતા જોયો હતો.
પિન્ટુ: (ચણા-જોર-ગરમ ચાવતા) અરે ના કાકા! મેં તો થેલો મિન્ટુને આપ્યો હતો, એ ઉપરની બર્થ પર દાદાને ઓશીકું બનાવીને સૂતો હતો!
મિન્ટુ: (ઉપરથી કૂદકો મારીને) હેં? શું? દાદા? દાદા તો ક્યારનાય સ્વર્ગમાં છે, કાકા! તમેય શું સવાર સવારમાં ડરાવો છો!
રમણ કાકા: (રાડ પાડીને) અલ્યા ગધેડાઓ! દાદાના અસ્થિવાળો કળશ ક્યાં છે? પેલો લાલ થેલો ક્યાં છે?!
(ચારેય જણા સીટ નીચે, ઉપર, આજુબાજુ બધે ફાંફા મારે છે. સીટ નીચે માત્ર એક ખાલી સિંગદાણાનું પૂરિયું અને કોઈકની જૂની ચંપલ પડી છે. થેલો ગાયબ છે!)
પિન્ટુ: કાકા... લોચો વાગ્યો. પેલો પિત્તળનો લોટો જોઈને કોઈ ચોર એને તામ્રપત્ર સમજીને ઉપાડી ગયો લાગે છે! દાદાનું ટ્રેનમાંથી જ 'વિસર્જન' થઈ ગયું!
મિન્ટુ: (ગભરાઈને) હેં? કાકા, હવે ઘેર શું કહીશું? કાકીને ખબર પડશે કે આપણે દાદાને ટ્રેનમાં જ ખોઈ નાખ્યા, તો એ આપણને જીવતા સ્મશાન ભેગા કરી દેશે!
ચિન્ટુ: અને ગામવાળા પૂછશે કે દાદાની ડૂબકીનું શું થયું, તો શું કહીશું? કે દાદા રસ્તામાં જ બીજા સ્ટેશને ઉતરી ગયા?
રમણ કાકા: (માથું કૂટીને) હાય રે નખોદિયાઓ! જો ઘેર ખબર પડી ને, તો તમારી કાકી આપણને ચારેયને જીવતા આ જ ગંગાજીમાં પધરાવી દેશે. ગામમાં આબરૂના ધજાગરા થશે કે 'લોટો સાચવી શક્યા નહિ ને અસ્થિ ખોઈ આવ્યા!'
(ચારે જણા સ્ટેશનથી હરિદ્વારના ઘાટ પર પહોંચ્યા. ગંગા કિનારે ચારેય જણા લાઈનમાં માથું પકડીને બેઠા છે. ગંગાજી વહી રહ્યા છે, પણ આ ચારેયના આંસુ રોકાતા નથી.)
મિન્ટુ: કાકા, એક આઈડિયા છે. ઘાટ પરથી કોઈક સસ્તો લોટો ખરીદીએ, એમાં ગંગાની માટી ભરીએ અને ગોર મહારાજને કહીએ કે 'આ જ દાદા છે, વિધિ શરૂ કરો.'
રમણ કાકા: (મિન્ટુના કાન ખેંચીને) મૂંગો મર, નાલાયક! દાદાના બદલે માટી પધરાવીશું તો દાદા ભૂત બનીને રોજ રાત્રે તારા સપનામાં આવીને બધાની પથારી ફેરવશે તો!, કંઈક સાચો રસ્તો કાઢો.
ચિન્ટુ: કાકા, ગામમાં કાનજી કાકાને ફોન કરો. એ આવા કાંડ સેટલ કરવામાં એક્સપર્ટ છે.
(રમણ કાકા ધ્રુજતા હાથે કાનજીને સ્પીકર પર ફોન લગાવે છે.)
કાનજી: (ફોનમાં, ગામમાંથી) હા, રમણિયા! બોલ, પહોંચી ગયા હરિદ્વાર? દાદા ઠંડા થયા કે નહિ?
રમણ કાકા: (રડમસ અવાજે) કાનજી... દાદા ઠંડા થાય એ પહેલાં તો અમારા લોહી થીજી ગયા છે. ટ્રેનમાં કોઈ દાદાનો અસ્થિ નો લોટો ચોરી ગયું! હવે અમે હરિદ્વારના ઘાટ પર ભિખારી જેવા બેઠા છીએ. કંઈક આઈડિયા આપ, નહિતર અમે ચારેય અહીં જ ગંગામાં ડુબી મરશું !
કાનજી: (થોડીવાર વિચારીને, જોરથી હસે છે) અરે રમણિયા, તું સાવ પપલુ જ રહ્યો! અરે, તારા દાદાના અંતિમ સંસ્કાર પછી ગામના સ્મશાનમાં બીજા કોઈનું મોત થયું છે?
રમણ કાકા: ના, છેલ્લે દાદાની જ વિકેટ પડી હતી.
કાનજી: તો બસ! સ્મશાનમાં દાદાની ચિતા વાળી જગ્યાએ હજુ બધું એમનેમ જ પડ્યું હશે. તું ચિંતા ન કર, આજે રાત્રે જ હું ગુપ્ત મિશન પર નીકળું છું. સ્મશાનમાંથી દાદાને ભેગા કરીને સવારની ફ્લાઈટ કે ટ્રેન પકડીને હરિદ્વાર આવું છું! તું ત્યાં સુધી ઘાટ પર ભજન ગાવ!
(મધરાતના 2 વાગ્યા છે. ગામનું સ્મશાનમાં ઘનઘોર અંધારું . કાનજી હાથમાં એક મોટો કાળો થેલો લઈને અસ્થિ ભરવા પહોંચે છે.)
કાનજી: (સ્વગત) આ રમણિયાના લીધે મારે અડધી રાત્રે સ્મશાનમાં ભૂતિયા કાંડ કરવા પડે છે. પણ ભાઈબંધી ખાતર બધું મંજૂર છે. લાવ, દાદાની રાખ અને અસ્થિ ફટાફટ ભરી લઉં.
(અંધારામાં કાનજી ટોર્ચ મારીને ફટાફટ રાખ ભેગી કરે છે. પણ અંધારામાં એને ખબર ન પડી કે દાદાની ચિતાની બાજુમાં સ્મશાનના કડિયાકામની જૂની ઈંટો, બે-ચાર મોટા પથરા, અને કાળા કોલસા પડ્યા હતા. કાનજીએ ઉતાવળમાં બધું થેલામાં ભરી દીધું! થેલો આખો ૨૫ કિલોનો થઈ ગયો!)
(બીજા દિવસે સવારે, કાનજી હાંફતો હાંફતો હરિદ્વાર ઘાટ પર પહોંચે છે અને પેલો ભારેખમ કાળો થેલો કાકાના હાથમાં આપે છે.)
કાનજી: આ લ્યો રમણભાઈ! આ રહ્યા તમારા ઓરિજિનલ દાદા! આખા સ્મશાનમાંથી એકે-એક કણ વીણીને લાવ્યો છું.
રમણ કાકા: (થેલો ઊંચકવાનો પ્રયત્ન કરતા, કમર પકડી લે છે) અરે બાપ રે! કાનજી, દાદા જીવતા હતા ત્યારે સુકાઈ ગયેલા પાપડ જેવા ૫૦ કિલોના હતા, મર્યા પછી આટલા ભારે કેમ થઈ ગયા? આ થેલો તો સિમેન્ટની બોરી જેવો છે!
મિન્ટુ: કાકા, દાદાની ગંગામાં ડૂબકી મારવાની તીવ્ર ઈચ્છા હતી ને, એટલે એમનો આત્મા ભારે થઈ ગયો હશે!
(ચારેય જણા થેલો લઈને ગોર મહારાજ પાસે જાય છે. ગોર મહારાજ મંત્ર ભણવાનું શરૂ કરે છે.)
ગોર મહારાજ: ઓમ અસ્તિ પધરામહ... લાવ બેટા, અસ્થિ કાઢો અને આ વિધિની થાળીમાં મૂકો.
(રમણ કાકા જેવા થેલાનું મોઢું ખોલે છે, અંદરથી રાખની ડમરી ઉડે છે. ગોર મહારાજ ઉધરસ ખાવા માંડે છે. ચિન્ટુ અને પિન્ટુ થેલો ઊંધો વાળે છે...)
બડબડબડ... ધબ... ધબ... ધબાક!
થાળીમાં અસ્થિના બદલે બે મોટા કાળા કોલસા, સ્મશાનની માટીના મોટા ઢેફા, બે આખી કાળી ઈંટો અને એક તૂટેલું જૂનું દેશી નળિયું બહાર નીકળે છે!
ગોર મહારાજ: (આંખો ફાડીને, ચોંકી જતાં) એય ભાઈ! આ શું છે? આ અસ્થિ વિસર્જન કરવા આવ્યા છો કે ગંગા નદીના કિનારે બે માળનું મકાન ચણવા આવ્યા છો?! આ ઈંટો અને નળિયાં કોના છે?
ચિન્ટુ: (તરત જ વાત વાળતાં) અરે મહારાજ, તમને ખબર નથી, અમારા દાદા બહુ રંગીન અને મજબૂત માણસ હતા! આ ઈંટો નથી, એમના મજબૂત હાડકાં છે!
ગોર મહારાજ: અને આ બે કિલોના કોલસા અને ઈંટો? દાદા શું કડિયાકામ કરતા હતા?
કાનજી: (વચ્ચે કૂદતાં) અરે મહારાજ, દાદા બહુ પાકા માણસ હતા. જમીન સાથે જોડાયેલા હતા, એટલે એમના અસ્થિ માટી બની ગયા! તમે બહુ પંચાત વગર મંત્ર ભણો ને, દક્ષિણા ડબલ આપીશું!
ગોર મહારાજ: (ડબલ દક્ષિણા સાંભળીને) સારું, જેવી દાદાની ઈચ્છા! ઓમ શાંતિ... પધરાવો ગંગાજીમાં!
(રમણ કાકા અને ત્રણેય ભત્રીજાઓ ભેગા થઈને પેલો ભારેખમ કાળો થેલો ગંગાજીના વહેણમાં ફેંકે છે.)
“છબબબબબ... ધબાકાકાકા!!”
થેલો એટલો ભારે હતો કે પાણીમાં પડતાં જ સીધો તળિયે બેસી ગયો અને આજુબાજુ ન્હાતા બે-ચાર યાત્રાળુઓ પર પાણીના મોટા ફુવારા ઉડ્યા.
એક યાત્રાળુ: એય ભાઈ! અસ્થિ પધરાવો છો કે ગંગાજીમાં પથ્થરમારો કરો છો?
રમણ કાકા: (હાથ જોડીને ધીમેથી) ભાઈ, દાદાની અંતિમ ઈચ્છા 'ગંગામાં ડૂબકી' મારવાની હતી, એટલે એવા ડૂબ્યા છે કે હવે છેક પાતાળમાં જઈને જ નીકળશે!
ઘરમાં કોઈને ખબર સુદ્ધાં ન પડી કે દાદા ટ્રેનમાંથી ચોરાઈ ગયા હતા. બધા પરત ફર્યા ત્યારે ઘરમાં બારમા દિવસની વિધિની તૈયારીઓ ચાલતી હતી. રમણ કાકા સોફા પર બેસીને ગામવાળા આગળ મોટી-મોટી વાતો કરતા હતા: "ભાઈ, ગંગાજીમાં દાદાને એવી ડૂબકી મરાવી છે ને કે એમનો આત્મા સીધો મોક્ષે પહોંચી ગયો!"
ત્યાં જ અચાનક અંદરના રૂમમાંથી દાદાની બહેન—એટલે કે ચારેયની કડક મિજાજવાળી 'મંગળા ફઈ' હાથમાં લાલ કપડામાં લપેટેલો પિત્તળનો અસલી લોટો લઈને બહાર આવ્યા!
મંગળા ફઈ: "એલા રમણિયા! આ દાદાનો અસ્થિ કળશ પૂજાના રૂમમાં કબાટની પાછળ પડ્યો હતો! આ તારા દાદાના અસલી અસ્થિ તો અ.હીં જ છે! તો તમે હરિદ્વારમાં કોનું નખોદ વાળીને આવ્યા?!"
રમણ કાકાની તો બોલતી જ બંધ થઈ ગઈ! ચિન્ટુ, પિન્ટુ અને મિન્ટુના ટાંટિયા ધ્રુજવા માંડ્યા. ટ્રેનમાં જે થેલો ચોરાયો હતો, એ તો ભત્રીજાઓનો ખાવાપીવાનો સામાન અને રમણ કાકાની પાણી પીવાનો લોટો હતો! ઉતાવળમાં ચારેય જણા અસલી અસ્થિ નો લોટો ઘરે જ ભૂલી ગયા હતા!
આ વાતની ખબર પડતાં જ બારમાની વિધિમાં આવેલા ગામના અને સમાજના લોકો લાલચોળ થઈ ગયા. ગામના મુખી અને સમાજના આગેવાનો ચોરામાં ભેગા થયા અને રમણ કાકાને વચ્ચે ઊભા રાખ્યા.
સમાજના પ્રમુખ: "રમણિયા! તું સાવ આવો ગેરજવાબદાર? અસલી લોટો ઘરે મૂકી ગયો, તો હરિદ્વારમાં તેં કોની વિધિ કરી? કોના અસ્થિ પધરાવ્યા?"
રમણ કાકા: (ધ્રુજતા હાથે) એ તો... એવું છે ને પ્રમુખ સાહેબ...
રમણકાકાએ ટ્રેનમાં થયેલ ચોરી, ચોરી ને છુપાવવા કરેલ કાનજીનો આઈડિયા ને કાનજી નો થેલો ભરેલ અસ્થિ વિસર્જન ની વાર્તા કરી.
મુખી: "રાખ ને માટી? અલ્યા, સ્મશાનમાં તો આખું ગામ લાકડાં બાળે છે! તમે કોઈ અજાણ્યાના અસ્થિ પધરાવી આવ્યા! દાદા તો હજુ ઘરમાં જ બેઠા છે. કોઈ આ વાત માનવા રાજી નથી, તમે જ્ઞાતિનું નામ ડબોળ્યું!"
ચારેય જણાએ બહુ આજીજી કરી, પગે પડ્યા કે "અમે થેલો ભરીને વિસર્જન તો કર્યું છે!" પણ સમાજના લોકો એકના બે ન થયા. દાદા રંગીન હતા, પણ એમના અસ્થિ આમ ઘરમાં રખડતા મૂકાય નહિ!
આખરે સમાજના પ્રમુખ અને ગામના ચાર મોટા વડીલોએ આખરી ચુકાદો આપ્યો: "આ નાલાયકો પર હવે ભરોસો કરાય નહિ. અમે પોતે સાથે આવીશું. આ વખતે કોઈ લોચો ચાલશે નહિ!"
હવે સીન એવો ક્રિએટ થયો કે ટ્રેનની ટિકિટો ફરી કપાઈ. આ વખતે સફર બહુ ગંભીર હતી.
રમણ કાકા આગળ ચાલતા હતા.
એમની છાતી સરસો અસલી અસ્થિનો લોટો (કળશ) બંને હાથે મજબૂત પકડી રાખ્યો હતો, જાણે કોઈ દેશનો મોટો ખજાનો ન હોય!
કાકાની આજુબાજુ ચોકીદારની જેમ ત્રણ નાલાયક ભત્રીજાઓ ગોઠવાયા હતા.
અને આખી ટોળકીની પાછળ સમાજના પ્રમુખ અને ગામના વડીલો બાજ નજર રાખીને ચાલતા હતા!
ટ્રેનમાં પણ કાકાએ લોટો છાતીએથી સહેજ પણ આઘો ન કર્યો. વોશરૂમ જવા માટે પણ કાકા લોટો સાથે જ લઈ જતા!
પ્રમુખ: "રમણ, લોટો બરાબર પકડજે, જો આ વખતે લોટો ગાયબ થયો ને, તો દાદાની જગ્યાએ તારું વિસર્જન કરવું પડશે!"
રમણ કાકા: (પરસેવો લૂછતા) પ્રમુખ સાહેબ, હવે તો ફેવિકોલ લગાવીને લોટો છાતીએ ચોંટાડી દીધો છે. શ્વાસ રોકાઈ જશે પણ લોટો નહિ છૂટે!
હરિદ્વારના ઘાટ પર આખો સમાજ ભેગો થયો. ગોર મહારાજ પણ એ જ જૂના ભટકાયા. કાકાને છાતીએ લોટો વળગાડેલા જોઈને ગોર મહારાજ હસી પડ્યા.
ગોર મહારાજ: "કેમ ભાઈ? આ વખતે કોઈ ઈંટો, કોલસા કે લોખંડના નટ-બોલ્ટ લાવ્યા છો કે ઓરિજિનલ માલ છે?"
રમણ કાકા: (હાશકારો અનુભવતા) મહારાજ, આ વખતે અસલી, શુદ્ધ અને ઓરિજિનલ દાદા છે! ઘણું કમઠાણ વેઠ્યું છે, હવે ફટાફટ ગંગાજીમાં પધરાવો!
આખરે, સમાજના વડીલોની હાજરીમાં, પૂરેપૂરી ધાર્મિક વિધિ સાથે દાદાના અસલી અસ્થિ ગંગાજીના પવિત્ર જળમાં પધરાવવામાં આવ્યા. દાદાની 'રંગીન આત્મા'ને આખરે શાંતિ મળી અને ચારેય નમૂનાઓનો જીવ હેઠો બેઠો! ગામમાં પાછા ફરતી વખતે ચિન્ટુએ ધીમેથી પિન્ટુને કહ્યું: "ભલે જે થયું તે, પણ દાદાના બહાને આપણને બે વાર હરિદ્વાર ફરવા મળી ગયું!"