ઉનાળાનું વેકેશન એટલે મામાનું ઘર અને મામાનું ઘર એટલે ધમાલ-મસ્તીની ગેરંટી! આ વખતે વેકેશનમાં આખા પરિવારનાં ૧૦ કઝીન ભાઈ-બહેનો (આરવ, મીરા, કબીર, દિયા, માનવ, રિયા, દેવ, ઈશા, નીલ અને રાજ) મામાના ઘરે ભેગા થયા હતા. મામાનું ગામડામાં એક મોટું આંબાવાડિયું અને ત્યાં વચ્ચે એક આધુનિક ફાર્મ હાઉસ હતું.
મોટેરાઓની રોકટોકથી કંટાળીને, એક રાતે આ દશેય જણાએ પ્લાન બનાવ્યો – "આજે રાતે ફાર્મ હાઉસ પર નાઈટ આઉટ!" મામા-મામીને જેમતેમ મનાવીને, રાતનું જમવાનું ભેગું લઈ, આખી ટોળકી ફાર્મ હાઉસ પર પહોંચી ગઈ.
રાતના બાર વાગ્યા હતા. ચારેય બાજુ ઘનઘોર અંધારું અને નકામા તમરાંનો ડરામણો અવાજ આવતો હતો. બહારના આંબાના જુના ઝાડના પડછાયા બારીમાંથી જાણે કોઈ કાળા રાક્ષસ જેવા દેખાતા હતા.
"યાર, આ કેરમ અને અંતાક્ષરી રમીને કંટાળો આવે છે, કંઈક નવું કરીએ!" ટોળકીના લીડર આરવે આઈડિયા આપ્યો.
તેણે પોતાની બેગમાંથી એક ચાર્ટ પેપર અને એક કાચની નાની વાટકી કાઢી. પેપર પર તેણે 'હા', 'ના', 'A થી Z' અને '૦ થી ૯' આંકડા લખ્યા હતા.
"આ શું છે?" દિયાએ ડરતા ડરતા પૂછ્યું.
"આ આપણું હોમમેડ 'સ્પિરિટ બોર્ડ' છે! આજે આપણે આત્માને બોલાવીશું!" આરવે રહસ્યમય અવાજે કહ્યું.
"અરે રાખ ને ભાઈ તારું સ્પિરિટ બોર્ડ! અહીંયા મચ્છરો આપણું લોહી પીવા સ્પિરિટની જેમ ભમે છે એ ઓછું છે?" કબીરે કંટાળીને કહ્યું. પણ છેવટે, બધા ગોળ કુંડાળું વળીને બેઠા. આરવ, મીરા, કબીર અને માનવે વાટકી પર પોતાની આંગળીઓ મૂકી. આરવે આંખો બંધ કરી ધ્રૂજતા અવાજે મંત્ર ભણવાનું શરૂ કર્યું: *"જો કોઈ આસપાસ આત્મા હોય, તો અમને સંકેત આપો..."
૫ મિનિટ... ૧૦ મિનિટ... કંઈ ન થયું. બધા કંટાળ્યા. કબીરે બગાસું ખાતા કહ્યું, "ભૂતભાઈ, ગામડાનું નડતર છે કે શું? ટ્રાફિકમાં ફસાયા છો? ઓનલાઈન પેમેન્ટ નથી જોતું, રૂબરૂ આવી જાવ!"
ત્યાં જ... અચાનક હોલનો પંખો કડડડ ભૂસ કરતો બંધ થઈ ગયો! આખા ફાર્મ હાઉસની લાઈટો ગુલ થઈ ગઈ. વાતાવરણમાં એકદમ બરફ જેવી, હાડકાં ગાળી નાખે તેવી ઠંડક પ્રસરી ગઈ. અને... બધાના હાથ નીચે રહેલી કાચની વાટકી આપોઆપ ધ્રૂજવા લાગી!
વાટકી ધીમે ધીમે સરકીને **'H-E-L-L-O'** પર ગઈ. બધાના શ્વાસ અધ્ધર થઈ ગયા!
"એય આરવ! તું વાટકી હલાવે છે ને? મજાક બંધ કર, તારા લીધે મારા પેટમાં ગડબડ થાય છે!" રાજ રડવા જેવો થઈ ગયો.
"ગાંડી થઈ છે? મારી પોતાની આંગળી ધ્રૂજે છે!" આરવે પરસેવો લૂછતા કહ્યું.
ભડભાદર કબીરે હિંમત કરીને પૂછ્યું, "ત..તમારું નામ શું છે?"
વાટકી સરકી: 'A-N-A-M-I-K-A' (અનામિકા)
"અરે વાહ, અનામિકાજી! સિંગલ છો કે મેરિડ? જીવતા હતા ત્યારે ઈન્સ્ટાગ્રામ આઈડી હતું તમારું?" દેવથી પોતાની આદત વશ પૂછાઈ ગયું. ઈશાએ એના બરડામાં એક ધબ્બો માર્યો, "મૂરખા, ભૂત સાથે ફ્લર્ટ કરે છે? રિલેશનશિપ સ્ટેતસ પૂછવા બેઠો છે? મરીશું બધા!"
વાટકી અચાનક જોરજોરથી ગોળ ફરવા લાગી. જાણે અનામિકા ગુસ્સે થઈ હોય! કુંડાળામાં બેઠેલા દસમાંથી પાંચ જણા તો સીધા સોફા પાછળ ઘૂસી ગયા, જ્યાં ઓલરેડી બે જણા હનુમાન ચાલીસાની જગ્યાએ ગભરાટમાં 'ગણપતિ બાપ્પા મોરિયા'ની બૂમો પાડતા હતા.
રાતના ૨ વાગ્યા હતા. વાટકી પરથી બધાએ આંગળી હટાવી લીધી હતી, પણ રમત પૂરી કરવાનો (Goodbye કહેવાનો) નિયમ તેઓ ડરમાં ભૂલી ગયા. અને અહીંથી જ અસલી ખેલ શરૂ થયો.
કિચનમાંથી વાસણો પડવાનો અવાજ આવ્યો: ખખડ... ધડામ! અને પછી... લોહી થીજાવી દે તેવો અવાજ આવ્યો... કોઈ સ્ત્રીના ધીમેથી રડવાનો અને પછી હસવાનો: "હી... હી... હી..."
"કો...કોણ છે ત્યાં?" નીલે ધ્રૂજતા હાથે ટોર્ચ ચાલુ કરી.
ટોર્ચના અજવાળામાં જે દેખાયું તે જોઈને બધાના હોશ ઊડી ગયા. ડાઈનિંગ ટેબલ પર પડેલી કાચની પ્લેટો આપોઆપ હવામાં ૨ ફૂટ અધ્ધર થઈ અને પછી સીધી જમીન પર પછડાઈને ટુકડે-ટુકડા થઈ ગઈ! દીવાલ પર લટકતી ઘડિયાળના કાંટા ઉલ્ટી દિશામાં સ્પીડમાં ફરવા લાગ્યા. એટલું જ નહીં, બારીના કાચ પર અચાનક અંદરની બાજુએથી લોહી જેવા લાલ પ્રવાહીથી લખાવા લાગ્યું: 'I AM HERE' (હું અહીં જ છું).
ફાર્મ હાઉસના ધાબા પરથી કોઈ ભારે વસ્તુ ઘસડાવાનો અવાજ આવ્યો: *ચચરરર... ઠક... ઠક...
"ઓય મામા! મને ઘેર જવું છે! મારી મમ્મી યાદ આવે છે!" રાજ ટેબલ નીચે ઘૂસીને રડવા લાગ્યો.
"ચૂપ બેસ, અહીંયા અમારા પેન્ટ ભીના થઈ ગયા છે ને તને મમ્મી યાદ આવે છે!" કબીર સોફાના ઓશીકા પાછળ મોઢું છુપાવતા બોલ્યો.
માનવે હિંમત કરી, "આપણે બધા ભેગા મળીને બહાર નીકળીએ." પણ જેવો તેઓ મુખ્ય દરવાજો ખોલવા ગયા, દરવાજો બહારથી લોખંડની જેમ જામ થઈ ગયો હતો!
ત્યાં જ હોલની લાઈટો લોહી જેવા લાલ રંગમાં ચાલુ-બંધ થવા લાગી. સીડીઓ પરથી સફેદ કપડામાં, મોઢા પર કાળો કલર લગાવેલી, આંખો લાલચોળ અને હાથમાં મોટો ચપ્પુ લઈને એક ભયાનક આકૃતિ નીચે ઉતરતી દેખાઈ.
"ભૂઉઉઉઉત! અનામિકા આવી ગઈ!" આખી ટોળકીએ રાડ પાડી. છોકરીઓ એકબીજાને વળગી પડી અને છોકરાઓ એકબીજાની પાછળ સંતાવા માટે મારામારી કરવા લાગ્યા. દેવ તો ડરના માર્યા ટેબલ નીચે રહેલા રાજના ખોળામાં જઈને બેસી ગયો!
એ ભયાનક આકૃતિ તેમની નજીક આવી, હવામાં ચપ્પુ લહેરાવ્યો... અને અચાનક બેવડી વળીને ખડખડાટ હસવા લાગી! એ અવાજ બહુ જાણીતો હતો.
"અલ્યા... આ તો રુદ્ર છે!" કબીરે ટોર્ચ એના મોઢા પર મારી.
એ બીજું કોઈ નહીં, પણ મામાનો મોટો દીકરો 'રુદ્ર' હતો, જે આખો દિવસ બહારગામ હોવાનો નાટક કરતો હતો અને રાતે વહેલો આવીને ફાર્મ હાઉસના ધાબા વાળા રૂમમાં છુપાઈ ગયો હતો! એણે ચહેરા પર બ્લેક માસ્ક લગાવ્યું હતું અને હાથમાં પ્લાસ્ટિકનો ચપ્પુ હતો.
"હાહાહા! કેવા ડરી ગયા બધા! પેલા વાસણો મેં જ કિચનમાંથી દોરી બાંધીને ધાબા પરથી ખેંચ્યા હતા! કેવો ઉલ્લુ બનાવ્યા!" રુદ્ર હસતા હસતા જમીન પર આળોટવા લાગ્યો.
બધાના જીવમાં જીવ આવ્યો. ડર ગુસ્સામાં બદલાયો. "એય રુદ્ર! તારું નામ રુદ્ર છે પણ તેં અમને બધાને ધોળા દિવસે તારા ભણી દીધા! પકડો એને!" કબીર સોફા પરથી કૂદ્યો. રાજ અને દેવ ટેબલ નીચેથી બહાર નીકળ્યા, "આજે તો આ રુદ્રનું પાણીપુરી જેવું મોઢું કરી નાખવું છે!" બધા હસવા લાગ્યા કે રુદ્રની એક્ટિંગે તેમને કેવા ડરાવી દીધા.
બધો માહોલ શાંત થઈ ગયો. રાતના ૩:૩૦ થયા હતા. રુદ્ર હોલની સોફા પર બેઠો હતો અને બાકીના બધા હાશકારો અનુભવી પાણી પીતા હતા.
મીરાએ હસતા હસતા રુદ્રને પૂછ્યું, "રુદ્ર, તારી એક્ટિંગ જોરદાર હતી. પણ તેં પેલી હવામાં પ્લેટો અધ્ધર કરી, ઘડિયાળના કાંટા ઉલ્ટા ફેરવ્યા અને બારી પર પેલું લોહીથી 'I AM HERE' લખ્યું, એ બધું તેં એકલાએ કઈ રીતે કર્યું? અને પેલી કાચની વાટકી અમે ચારેય જણાએ પકડી રાખી હતી, તું ધાબા પર હતો તો વાટકી આપોઆપ કેમ ફરતી હતી?"
રુદ્રનું હસવાનું અચાનક બંધ થઈ ગયું. તેનો ચહેરો એકદમ સફેદ પડી ગયો. તેણે નવાઈ પામતા અને ધ્રૂજતા અવાજે કહ્યું, "કઈ પ્લેટો? કયું લોહી? મેં તો માત્ર કિચનમાંથી વાસણ ખેંચ્યા હતા અને આ ચપ્પુ લઈને નીચે આવ્યો. મેં કોઈ પ્લેટો હવામાં નથી ઉડાડી, ઘડિયાળને હાથ પણ નથી લગાવ્યો અને બારી પાસે તો હું ગયો જ નથી! અને હું તો હમણાં જ ૨ વાગે નીચે આવ્યો, એ પહેલાં વાટકી કોણ હલાવતું હતું?"
મીરાં એ પુછ્યું :"આરવ આ અનામિકા નામ.... "
"અનામિકા નામ મેં પસંદ નથી કર્યું."
"તો પછી?" દિયા પૂછે.
"જ્યારે મેં સ્પિરિટ બોર્ડ બનાવ્યું ત્યારે A-N-A-M-I-K-A પહેલેથી જ લખેલું હતું..."આરવ બોલ્યો.
હોલમાં એકદમ કમકમાટી ભરી શાંતિ છવાઈ ગયો. બહાર કૂતરાઓના કાન ફાડી નાખે તેવા રડવાનો અવાજ શરૂ થયો.
બધા સ્તબ્ધ થઈ ગયા. ત્યાં જ, ખૂણામાં પડેલા 'સ્પિરિટ બોર્ડ' પરની કાચની વાટકી આપોઆપ જોરજોરથી ગોળ ફરવા લાગી અને કૂદીને ટેબલ પરથી નીચે પડીને ટુકડે-ટુકડા થઈ ગઈ!
બધા ડરના માર્યા બૂમ પાડે તે પહેલા જ... હોલની લાઈટો કાયમ માટે બંધ થઈ ગઈ.
"અલ્યા... મજાક ના કર યાર!" આરવે કહ્યું.
"હું મજાક નથી કરતો." રુદ્રનો અવાજ ખરેખર ધ્રૂજતો હતો.
દેવે ગળું સુકાતું હોય એમ પાણીની બોટલ ઉપાડી.
"મિત્રો, હું તો એક વાત કહું? જો આ બધું રુદ્રે નથી કર્યું તો... આપણે હાલમાં કોની સાથે બેઠા છીએ?"
"બસ! તારી આ ફિલોસોફી બંધ કર!" કબીરે કહ્યું, "મારા ડરના લેવલ પહેલેથી જ GST વગર 18% વધી ગયા છે."
એટલામાં...
ટેબલ પર પડેલો રાજનો મોબાઈલ આપોઆપ ચાલુ થઈ ગયો.
સ્ક્રીન પર અજાણ્યો નંબર ફ્લેશ થયો.
કોલર નામ:
**ANAMIKA**
બધાના શ્વાસ અટકી ગયા.
"ઉઠાવ નહીં!" દિયા બૂમ પાડી.
"પણ જો કોઈ ઇમર્જન્સી હોય તો?" દેવ બોલ્યો.
"ભૂતની ઇમર્જન્સી હશે! CPR આપવા જવાનો છે?" ઈશાએ ધબ્બો માર્યો.
મોબાઈલ રણકતો રહ્યો...
અને પછી પોતે જ સ્પીકર મોડ પર ચાલુ થઈ ગયો.
સામેથી કોઈ બોલ્યું નહીં.
ફક્ત ધીમો શ્વાસ...
"હ્હ્હ્હ..."
અને પછી એક સ્ત્રીનો અવાજ...
"હું એકલી નથી...
કોલ કપાઈ ગયો.
રાજ સીધો સોફા પાછળ સંતાઈ ગયો.
"મને ઘરે જવું છે!"
"બહાર જંગલ છે."
"તો જંગલમાં જ જઈશ! ઓછામાં ઓછું ત્યાં WiFi ના હોય, ભૂત કોલ તો નહીં કરે!"
એટલામાં મીરાની નજર દિવાલ પર પડી.
ઘડિયાળ હવે બંધ હતી.
પણ...
તેની સેકન્ડની સોય ધીમે ધીમે પાછળ ફરી રહી હતી.
૧૨...
૧૧...
૧૦...
૯...
જાણે સમય પાછળ જઈ રહ્યો હોય.
દિયા ધ્રૂજતા અવાજે બોલી:
"શું અનામિકા સમય પાછો ફેરવી રહી છે?"
કબીર બોલ્યો:
"જો એ સમય પાછો ફેરવી શકે તો પહેલા મારું ગણિતનું પેપર ડિલીટ કરાવે!"
અચાનક ઉપરના માળેથી દોડવાના અવાજ આવ્યા.
ધડ... ધડ... ધડ...
જાણે કોઈ નાની છોકરી દોડી રહી હોય.
રૂમમાં તો કોઈ નહોતું.
નીલે ટોર્ચ મારી.
સીડીઓના ટોચે સફેદ કપડાંમાં કોઈ ઉભું હતું.
ચહેરો દેખાતો નહોતો.
માત્ર લાંબા વાળ...
અને હાથમાં એક જૂનું ટેડી બેર.
"કોણ છે ત્યાં?" માનવ બોલ્યો.
એ આકૃતિ ધીમે ધીમે પાછળ ખસી...
અને ગાયબ થઈ ગઈ.
"બસ! હવે પૂરતું થયું!" આરવે કહ્યું.
"આપણે ઉપર જઈને જોઈ આવીએ."
"હા હા..." રાજ બોલ્યો, "અને રસ્તામાં ભૂત મળે તો તેની સાથે સેલ્ફી પણ લઈ લઈએ!"
દસેય જણા ધીમે ધીમે સીડીઓ ચડવા લાગ્યા.
ઉપરના રૂમનો દરવાજો અડધો ખુલ્લો હતો.
અંદર ધૂળથી ભરેલું સ્ટોરરૂમ હતું.
એક ખૂણામાં જૂનો ફોટો આલ્બમ પડેલો હતો.
મીરાએ ખોલ્યો.
પહેલા પેજ પર એક પરિવારનો ફોટો હતો.
અને તેમની વચ્ચે...
એ જ ચહેરો...
જે થોડા સમય પહેલા સીડીઓ પર દેખાયો હતો.
નીચે લખેલું હતું: "અનામિકા – ૨૦૦૯"
પાછળ પેન્સિલથી લખેલું હતું:
"મને ભૂલશો નહીં..."
એટલામાં...
ફોટામાં રહેલી અનામિકાની આંખોમાંથી લાલ રંગનું એક ટીપું નીચે સરક્યું.
અને આખા રૂમમાં એ જ અવાજ ગૂંજ્યો...
"રમત હજુ પૂરી નથી થઈ..."
"કારણ કે..."
"તમારા માંથી એક અહીંનો નથી..."
બધા એકબીજા સામે જોવા લાગ્યા.
અગ્યારે કઝીન હાજર હતા.
પણ પછી પ્રશ્ન ઊભો થયો...
જો બધા અહીં છે...
તો પાછળ ઉભેલી બારમી છાયા કોની હતી?
ડરના માર્યા બધા ચુપચાપ આંખો બન્ધ કરી બેસી રહ્યા. થોડાક કલાક માંજ સવાર પડી ને બધું ગાયબ થઈ ગયું.
બધા ડરતા ડરતા ચુપચાપ ફાર્મ હાઉસ છોડીને ગામ તરફ ભાગ્યા....