નિલક્રિષ્ના - ભાગ 57 કૃષ્ણપ્રિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિલક્રિષ્ના - ભાગ 57

અવનિલ ધીમે ધીમે માયાવી જંગલ તરફ આગળ વધવા લાગ્યો. દૂરથી જ એ જંગલ કોઈ જીવંત રાક્ષસની જેમ દેખાતું હતું. આકાશને અડતાં વૃક્ષો, ઘનઘોર અંધકાર અને ચારે બાજુ ફેલાયેલી અજાણી નિઃશબ્દતા એ સ્થળને વધુ ભયાનક બનાવી રહી હતી. થોડીવારમાં તે જંગલના પ્રવેશદ્વાર સમાન વિશાળ વૃક્ષો સુધી પહોંચી ગયો. એક ઊંડો શ્વાસ લઈને તેણે મક્કમ મનોબળ સાથે જંગલમાં પગ મૂક્યો. જેમ જેમ તેનો પ્રથમ પગ જંગલની ધરતી પર પડ્યો, તેમ જ આખું જંગલ જાણે જીવંત થઈ ઊઠ્યું.

વિશાળ વૃક્ષો એકસાથે હલવા લાગ્યાં. તેમની ડાળીઓ ભયાનક અવાજ સાથે એકબીજા સાથે અથડાવા લાગી. પાંદડાંમાંથી નીકળતો અવાજ જાણે હજારો આત્માઓ રડી રહ્યા હોય એવો લાગતો હતો.

અવનિલે માથું ઊંચું કર્યું.

એ જ ક્ષણે કાળા ચામાચીડિયાંનો એક વિશાળ ઝુંડ આકાશમાંથી નીચે ઉતર્યો. તેઓ તેની આસપાસ ગોળ ગોળ ચક્કર મારવા લાગ્યાં. તેમની પાંખોની ફડફડાટથી વાતાવરણમાં ડરનો એક અજાણ્યો કંપન ફેલાઈ ગયો. પરંતુ અવનિલના ચહેરા પર ભયનો એક પણ ચિહ્ન નહોતું. તેને ધૃણની ચેતવણી યાદ હતી.

"પાછળ વળીને જોવું નહીં."

એટલે તેણે પોતાની નજર સીધી આગળ જ રાખી. ત્યારે અચાનક આખા જંગલમાં એક ભયંકર અટ્ટહાસ્ય ગૂંજી ઊઠ્યું. એ હાસ્ય સાથે એક ગર્જનાભર્યો અવાજ સંભળાયો,

"અવનિલ...!"

નિલક્રિષ્ના સુધી પહોંચવાનું સ્વપ્ન તું જોઈ રહ્યો છે? પરંતુ તું આ જંગલના ભયાનક અવાજોથી જ અનેકવાર મૃત્યુ પામીશ. એ કરતાં આજે જ તું મારા હાથે મરી જા. તું ગમે તેટલો પ્રયત્ન કરી લે, પરંતુ નિલક્રિષ્ના તને ક્યાંય નહીં મળે. આ માયાવી જંગલે તેને ઘણાં સમય પહેલાં જ પોતાનું ભક્ષ્ય બનાવી લીધી છે.

તું હારી ગયો છે અવનિલ...!

અને હારેલી બાજી જીતવા માટે કોઈ આગળ વધતું નથી.

પાછો વળી જા...!"

આ અવાજ આખા જંગલમાં ગૂંજતો રહ્યો.

પરંતુ અવનિલે જાણે કંઈ સાંભળ્યું જ ન હોય એમ આગળ ચાલવાનું ચાલુ રાખ્યું. તેના વર્તનથી એવું લાગતું હતું કે જાણે માયાનો અવાજ તેના સુધી પહોંચતો જ ન હોય. માયાને આ પહેલી વાર અનુભવાયું હતું. સામાન્ય માણસો તો એના એક શબ્દથી જ ડરી જતા, પરંતુ આ યુવક પર એની કોઈ અસર થતી નહોતી. એટલે માયા વધુ બેચેન બની. તે અવનિલની નજીક આવવા લાગી.

ક્યારેક વૃક્ષોના પાંદડાંમાંથી બોલતી, ક્યારેક પવનના ઝોકામાં પોતાની વાતો વહાવતી અને ક્યારેક અજાણી છાયાઓનું રૂપ ધારણ કરીને તેને ભટકાવવાનો પ્રયત્ન કરતી. પરંતુ અવનિલ અડગ રહ્યો. આ જોઈને માયા ફરી ખડખડાટ હસવા લાગી. તેના હાસ્ય સાથે આખું જંગલ પણ હસતું હોય એવું લાગતું હતું. વૃક્ષોની ડાળીઓ વાંકાચૂકા ચહેરા જેવી દેખાવા લાગી. પાંદડાંમાંથી નીકળતા અવાજો ઉપહાસ કરતા હોય એવું લાગતું હતું. સમય પસાર થતો ગયો. ધીમે ધીમે મધરાત નજીક આવવા લાગી. આકાશમાં કાળાં વાદળો ઘેરાઈ ગયા. ચંદ્ર સંપૂર્ણપણે ઢંકાઈ ગયો.

જ્યારે ઘડિયાળના બે કાંટા એકબીજા પર આવ્યા અને બરાબર બાર વાગ્યા, ત્યારે અચાનક જમીન પર અગ્નિના તેજથી ચમકતી એક વિશાળ ચોકડી પ્રગટ થઈ, ચોકડીની આસપાસ અગ્નિમય વર્તુળ રચાયું. અવનિલ ત્યાં પહોંચ્યો. તેના આગળ પથ્થર પર કેટલાક રહસ્યમય નિયમો કોતરાયેલા હતાં. એ નિયમો વાંચ્યા વિના આગળ વધવું અસંભવ હતું. તે નિયમો સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યાં જ તેની સામે એક ભયંકર પ્રકાશ ફાટ્યો.

પ્રકાશમાંથી ચાર-પાંચ પિશાચો પ્રગટ થયા. તેઓ પણ અમર પટ્ટાની શોધમાં અહીં સુધી આવી પહોંચ્યા હતાં. પરંતુ અચાનક પ્રકાશ વધુ ભયાનક બન્યો. એટલો ભયંકર કે પિશાચો પણ ડરથી ધ્રૂજવા લાગ્યા. જેઓ સામાન્ય મનુષ્યો માટે મૃત્યુ સમાન હતા, તેઓ પણ અહીં ભય અનુભવતા હતાં. પરંતુ અવનિલ હજુ પણ નિડર હતો. તે જાણતો હતો કે જો તેનો આત્મવિશ્વાસ તૂટી જશે, તો તેની પાછળ ચાલનારા બધા જ ભટકી જશે. પોતાની કોઠાસૂઝનો ઉપયોગ કરીને તેણે આગળની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. તેને સમજાઈ ગયું કે આ ચોકડી માત્ર એક જાળ છે. તેણે પોતાની સાથે રાખેલું જાડું રબર એક લાકડી પર વીંટાળ્યું અને તેને આગળની દિશામાં લંબાવ્યું. ત્યારે જમીન પર પડેલો મગફળીના બીજ જેવો એક રહસ્યમય દાણો તેની નજરે ચડ્યો. અવનિલે સાવધાનીથી એ દાણો ખોલ્યો. તુરંત જ એ દાણાના બે ફાડા થઈ ગયા. અને એ બે ફાડા બે અલગ અલગ દિશામાં રહસ્યમય દ્વાર ખોલવા લાગ્યા.

હવે આ જોઈ એને મનમાં પ્રશ્ન થયો, કયો માર્ગ સત્ય તરફ લઈ જશે અને કયો માર્ગ વિનાશ તરફ?

થોડી ક્ષણ વિચાર્યા પછી અવનિલે ડાબી બાજુનો માર્ગ પસંદ કર્યો. ને તે આગળ વધ્યો. પણ થોડાં જ પગલાં ભર્યા હશે કે તેની સામે નિલક્રિષ્ના ઊભી દેખાઈ. એક પળ માટે તેના હૃદયમાં આનંદની લહેર દોડી ગઈ. પરંતુ તરત જ તેને સમજાઈ ગયું કે આ વાસ્તવિક નિલક્રિષ્ના નથી. આ તો માયાનો એક વધુ ખેલ હતો. એટલે તેણે તેની તરફ નજર પણ ન કરી અને આગળ વધતો રહ્યો. જેમ જેમ તે આગળ વધતો ગયો તેમ તેમ માયાના રહસ્યો વધુ ગાઢ બનતા ગયા.

અને એ જ સમયે દૂર એક ઘટાદાર વૃક્ષ પાછળથી કોઈ અજાણી પરછાંઈ ધીમે ધીમે બહાર આવવા લાગી. થોડીવાર પછી એ પરછાંઈ સ્પષ્ટ થઈ. આશરે સાત ફૂટ ઊંચો, પચાસ વર્ષનો એક નિડર પુરુષ તેની સામે ઊભો હતો. તેના ચહેરા પર ભયનો લેશમાત્ર અણસાર નહોતો. જાણે માયાએ પણ જેના મનને જીતી શકી ન હોય એવો કોઈ અસાધારણ યોદ્ધા હોય. અવનિલને જોઈને તે વૃક્ષની છાયામાંથી બહાર આવ્યો.

તેની આંખોમાં આશ્ચર્ય અને પ્રસન્નતા બંને હતાં. અને પછી તેણે ધીમા પરંતુ ગુંજતા સ્વરે કહ્યું,

"પુત્ર, આ જંગલની આ સીમા સુધી આજ સુધી કોઈ જીવતો મનુષ્ય પહોંચી શક્યો નથી."

(ક્રમશ)

- હેતલ ઘેટીયા 'કૃષ્ણપ્રિયા' ✍️