નિલક્રિષ્ના - ભાગ 53 કૃષ્ણપ્રિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિલક્રિષ્ના - ભાગ 53

આમ વિરમન્યુ અને શિવમન્યુની વાતનો અંતિમ સૂત્ર પૂર્ણ થવા આવ્યો હતો. તેમની ગાથાના રહસ્યો જાણ્યા પછી હવે સમય પાંચ હજાર વર્ષ પછી એક નવા વળાંક તરફ આગળ વધી રહ્યો હતો.

 આકાશના અનંત વિસ્તારને ચીરીને સમુદ્રક અને ધરા પવનમહેલની સીમાઓથી ઘણાં દૂર નીકળી ચૂક્યાં હતાં. પવનમહેલની પારદર્શક દિવાલો, જે બહારથી અદૃશ્ય દેખાતી હતી પરંતુ અંદર કેદ થયેલા માટે અભેદ્ય કેદખાનું બની જતી હતી, તે હવે પાછળ રહી ગઈ હતી. સમુદ્રક પોતાના દિવ્ય સામર્થ્યથી ધરાને લઈને આકાશના માર્ગે સોમનાથ તરફ નીચે ઊતરી રહ્યો હતો.

નીચે પૃથ્વીનો વિસ્તાર ધીમે ધીમે સ્પષ્ટ થતો જતો હતો.
વિશાળ સમુદ્ર, દૂર સુધી ફેલાયેલાં વનો, નદીઓની ચમકતી રેખાઓ અને ક્ષિતિજ પર ઊભેલું સોમનાથનું પવિત્ર ધામ...!

આ બધું જોઈને ધરાની આંખોમાં એક અજાણી શાંતિ ઉતરી આવી. કદાચ હજારો વર્ષોથી તેનો આત્મા આ જ ધરતીને શોધી રહ્યો હતો. સમુદ્રક પણ મૌન હતો. તેના હૃદયમાં એક સંતોષ હતો કે અંતે તે ધરાને પવનમહેલના બંધનમાંથી મુક્ત કરાવી શક્યો હતો. વૃજાના કાવતરાં, વાવ્યની શક્તિઓ અને પવનમહેલની કેદમાંથી બહાર નીકળવું સહેલું નહોતું. પરંતુ હવે તેને વિશ્વાસ હતો કે, ધરા સુરક્ષિત હતી.

વૃજા હજુ સુધી એ સત્યથી અજાણ હતી કે, "ધરા કોઈ સામાન્ય કન્યા નહી. ધરા તો સ્વયં પૃથ્વીનું જ સ્વરૂપ છે." અને જ્યાં સુધી આ રહસ્ય રહસ્ય જ રહેશે, ત્યાં સુધી ધરા પર આવનારા અનેક સંકટો ટળી જશે.

થોડા સમય પછી બંને સોમનાથના સમુદ્રકિનારે આવી પહોંચ્યાં. સૂર્ય ધીમે ધીમે પશ્ચિમ દિશામાં ઢળી રહ્યો હતો.
આકાશમાં કેસરિયા રંગો છવાઈ ગયા હતા.
સમુદ્રના મોજાં મંદ ગતિએ કિનારાને સ્પર્શી રહ્યા હતાં.
આ સમગ્ર વાતાવરણમાં એક દિવ્ય શાંતિ વ્યાપી રહી હતી.‌ ત્યાંથી થોડે દૂર બાબા આર્દ પોતાના આશ્રમ પાસે સમાધિમાં લીન બેઠા હતાં. તેમના ચહેરા પર અદભૂત તેજ ઝળહળી રહ્યું હતું. આંખો બંધ હોવા છતાં એવું લાગતું હતું કે જાણે તેઓ સમગ્ર સૃષ્ટિની ગતિને અનુભવી રહ્યા હોય. સમુદ્રક અને ધરા ધીમા પગલે તેમની નજીક પહોંચ્યાં.

ધરાએ બાબા આર્દને જોયા અને તેના મનમાં શ્રદ્ધાનો પ્રવાહ વહેવા લાગ્યો. સમાધિમાં લીન એ મહાયોગી આસપાસના જગતથી સંપૂર્ણપણે અલિપ્ત જણાતા હતાં, પરંતુ તેમનો આત્મા જાણે સર્વત્ર વિહરી રહ્યો હતો.

સમુદ્રકે તેમને નમન કર્યું. તે જાણતો હતો કે બાબા આર્દ માત્ર એક સાધુ નહોતા. સમયના અનેક રહસ્યો તેમના અંતરમાં સચવાયેલા હતાં.

થોડી ક્ષણો સુધી બંને ત્યાં મૌન ઊભાં રહ્યાં. પવનની મધુર લહેરો વહેતી હતી. સમુદ્રનો ઘુઘવાટ સંભળાતો હતો. અને આ બધાની વચ્ચે બાબા આર્દની સમાધિ એક અચળ પર્વત જેવી સ્થિર હતી. થોડા સમય પહેલાં જ હેત્શિવા અહીંથી નીકળી ગઈ હતી. તે પોતાના સંકલ્પને પૂર્ણ કરવા માટે સમુદ્રના માર્ગે આગળ વધી ચૂકી હતી.
તેના પ્રસ્થાનની સૂક્ષ્મ છાપ હજુ પણ ત્યાંના વાતાવરણમાં અનુભવાઈ રહી હતી.

ધરાએ આસપાસ નજર ફેરવી. તેના મનમાં અનેક પ્રશ્નો હતાં, પરંતુ લાંબા સમય પછી તેને સુરક્ષિત હોવાનો અનુભવ થઈ રહ્યો હતો. જાણે વર્ષો પછી કોઈ થાકેલું પક્ષી પોતાના માળામાં પાછું ફર્યું હોય.

સમુદ્રકે તેની તરફ જોયું. તેની આંખોમાં સ્નેહ અને વિશ્વાસ બંને હતાં.

"હવે ધરા સુરક્ષિત છે," તેણે મનમાં વિચાર્યું.

"મારું કાર્ય અહીં પૂરું થાય છે, પરંતુ મારે આગળનો માર્ગ હજુ ઘણો લાંબો છે. એટલે હવે અહીંથી સમયસર નીકળવું પડશે."

એમ કહી એ પોતાના બીજા કર્તવ્ય તરફ જવા આગળ વધ્યો. પાંચ હજાર વર્ષ પુરાં થવા આવ્યા હતાં. સમુદ્રની અગાધ ઊંડાઈઓમાં હજુ અનેક રહસ્યો તેની રાહ જોઈ રહ્યાં હતાં. વિરમન્યુનો ભેદ એ હજારો વર્ષોથી સમુદ્રના ગર્ભમાં છુપાયેલું સત્ય આ બધું હજુ બાકી હતું. સમુદ્રકે ધરાને સોમનાથની પવિત્ર ભૂમિ પર સુરક્ષિત રીતે મૂકી.

એક ક્ષણ માટે બંનેની નજરો મળી. એ નજરોમાં વિયોગ પણ હતો અને ફરી મળવાની આશા પણ. પછી સમુદ્રકે ધીમે સ્વરે કહ્યું,

"સમય આવશે ત્યારે હું ફરી પાછો આવીશ."

ધરાએ મૌન સ્મિત સાથે માથું હલાવ્યું.અને પછી સમુદ્રક સમુદ્ર તરફ આગળ વધ્યો. દરેક પગલાં સાથે તે પોતાના મૂળ તત્વની નજીક જઈ રહ્યો હતો. થોડી જ ક્ષણોમાં તેણે વિશાળ મોજાંઓ વચ્ચે પ્રવેશ કર્યો. સમુદ્રે જાણે પોતાના પુત્રનું સ્વાગત કર્યું. મોજાંઓ ઊંચાં ઉછળ્યાં.

પાણીના ઝાકળમાં તેનું સ્વરૂપ ધીમે ધીમે અદૃશ્ય થવા લાગ્યું. અને અંતે તે સમુદ્રની અગાધ ઊંડાઈઓમાં વિલીન થઈ ગયો. કિનારે ઊભેલી ધરા તેને જતી જોઈ રહી. તે જાણતી હતી કે આ વિદાય અંતિમ નહોતી.
કારણ કે ભાગ્યે હજુ તેમના માટે અનેક રહસ્યો અને અનેક મુલાકાતો લખી રાખી હતી.‌ સોમનાથના કિનારે સાંજ ધીમે ધીમે રાત્રિમાં પરિવર્તિત થવા લાગી. અને સમયનું ચક્ર આજ પાંચ હજાર વર્ષ પુરાં થતાં એક નવા અધ્યાય તરફ આગળ વધવા લાગ્યું.

- હેતલ ઘેટીયા 'કૃષ્ણપ્રિયા' ✍️