નિલક્રિષ્ના - ભાગ 50 કૃષ્ણપ્રિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિલક્રિષ્ના - ભાગ 50

સમુદ્રક અને ધરાની વાતો હું અને બાબા આર્દ આ પવનમહેલની અંધારી કોટડીમાં સૂક્ષ્મ સ્વરૂપે સાંભળી રહ્યાં હતાં. તેમની ચર્ચામાંથી અનેક રહસ્યોના પડદા ધીમે ધીમે ઊંચકાઈ રહ્યાં હતાં. ધરાના શબ્દોમાંથી બાબા આર્દને એક અત્યંત મહત્વનું સત્ય જાણવા મળ્યું હતું.‌ ધરા કોઈ સામાન્ય આત્મા નહોતી. એ પોતાના પૂર્વજન્મમાં સ્વયં પૃથ્વીદેવી હતી.

આ રહસ્યનો તાંતણો હાથ લાગતાં જ બાબા આર્દના ચહેરા પર ગંભીરતા છવાઈ ગઈ. થોડા સમય સુધી તેઓ મૌન રહ્યા. તેમની આંખો બંધ હતી, જાણે વર્ષોથી વિખરાયેલા વિચારોને એક સૂત્રમાં ગૂંથવાનો પ્રયત્ન કરી રહ્યા હોય.

પછી ધીમા સ્વરે તેમણે મને કહ્યું,

"હવે ઘણી બધી હકીકતો મારી સમજમાં આવવા લાગી છે. જે ગૂઢ જ્ઞાન હું વર્ષો સુધી ધ્યાનયોગ દ્વારા પ્રાપ્ત કરી શક્યો નહોતો, એ આજે આ વાતોમાંથી સ્પષ્ટ થઈ રહ્યું છે. આ સમગ્ર તોફાન પાછળનું મૂળ કારણ માત્ર સત્તા કે બદલો નથી. આ બધું સ્યામંતક મણિને કેન્દ્રમાં રાખીને રચાયેલું ષડ્યંત્ર છે."

હું આશ્ચર્યથી તેમની સામે જોઈ રહી.

"સ્યામંતક મણિ? તમે એ વિશે કેવી રીતે જાણો છો?"

બાબા આર્દે ઊંડો શ્વાસ લીધો.

"સ્યામંતક મણિ કોઈ સામાન્ય રત્ન નથી. યુગોથી તેની કથાઓ ગુપ્ત પરંપરાઓમાં જીવંત રહી છે. કહેવાય છે કે એ મણિ જે વસ્તુને સ્પર્શે તેને સુવર્ણમય બનાવી દેવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ એ માત્ર સમૃદ્ધિનું પ્રતીક નથી. સમય જતાં તેના પર અનેક શ્રાપો અને રહસ્યમય શક્તિઓનો પ્રભાવ પડ્યો છે. તેથી એ મણિ આશીર્વાદ અને વિનાશ બંનેનું કારણ બની શકે છે."

તેમનો અવાજ વધુ ગંભીર બન્યો.

"સદીઓથી અનેક રાજાઓ, આક્રમણકારો અને તાંત્રિક શક્તિઓ આ મણિની શોધમાં ભટકતી રહી છે. ઘણાને માત્ર તેનું વૈભવ દેખાયું, પરંતુ તેની પાછળ છુપાયેલું વિનાશક રહસ્ય કોઈ સમજી શક્યું નહીં."

હું મંત્રમુગ્ધ થઈ તેમની વાત સાંભળી રહી હતી.

બાબા આર્દ આગળ બોલ્યા,

"ઇતિહાસમાં અનેક આક્રમણો માત્ર સંપત્તિ માટે થયા હોવાનું કહેવાય છે, પરંતુ દરેક ઘટનાની પાછળ દેખાતું કારણ જ સાચું હોય એવું જરૂરી નથી. કેટલાક લોકો માનતા હતા કે ભારતભૂમિના પ્રાચીન મંદિરોમાં એવા રહસ્યો છુપાયેલા છે, જે તેમને અસીમ શક્તિ આપી શકે. સોમનાથ પણ એ જ રહસ્યોમાંથી એકનું કેન્દ્ર માનવામાં આવતું હતું."

તેમણે થોડી ક્ષણ વિરામ લીધો.

"પરંતુ એક વાત આ લોભી શક્તિઓ ક્યારેય સમજી શકી નહીં. દિવ્ય શક્તિઓને માત્ર બળ, ચતુરાઈ કે જ્ઞાનથી પ્રાપ્ત કરી શકાતી નથી. તેના માટે પવિત્રતા અને અધિકાર જોઈએ. જે શક્તિ ધર્મની રક્ષા માટે સર્જાઈ હોય, તે અધર્મના હાથમાં સંપૂર્ણ રીતે ક્યારેય જતી નથી."

તેમની આંખોમાં અજોડ તેજ ઝળહળી રહ્યું હતું.

"શૈતાની વૃત્તિઓ હંમેશા મનુષ્યના રૂપમાં જન્મ લે છે. તેઓ લોકો વચ્ચે ભેદભાવ, દ્વેષ અને અવિશ્વાસ ફેલાવે છે. તેઓ ધર્મને નહીં, પરંતુ માનવતાને તોડવાનો પ્રયત્ન કરે છે. અને જ્યારે માનવતા નબળી પડે છે, ત્યારે તેઓ પોતાના ગુપ્ત હેતુઓ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે."

કોટડીમાં ફરી મૌન છવાઈ ગયું.

બહાર ક્યાંક દૂર વીજળી ગર્જી.

મને લાગ્યું કે બાબા આર્દ જે રહસ્યનો ઉલ્લેખ કરી રહ્યા હતા, તે માત્ર સ્યામંતક મણિ પૂરતું મર્યાદિત નહોતું. તેની પાછળ યુગોથી ચાલતું કોઈ અદૃશ્ય યુદ્ધ હતું. ધર્મ અને અધર્મ વચ્ચેનું, પ્રકાશ અને અંધકાર વચ્ચેનું...! અને હવે એ યુદ્ધનો આગામી અધ્યાય શરૂ થવાનો હતો.

************

સમુદ્રક : "હું ભલે અહીં બંદી બનાવીને લાવવામાં આવ્યો હોઉં, પરંતુ અહીંથી છૂટવાની મારામાં તાકાત છે. તારા મળ્યા પછી મારા ઉપર ચડાવેલો ભ્રમનો મુખોટો ઉતરી ગયો છે. હું વૃજા પાસે સુલેહનો સંદેશ લઈને જવા માંગું છું. હવે આપણી પુત્રી પણ આપણી તાકાત બની ગઈ છે. પરંતુ આ યુદ્ધમાં બંને પક્ષનું નુકસાન ઘણું થશે. એટલે જ હું શાંતિનો માર્ગ અજમાવવા આવ્યો છું."

પૃથ્વી : "વૃજા સુલેહ ક્યારેય ઇચ્છશે નહીં. તેના હૃદયમાં વર્ષોથી સળગતી આગ હવે દ્વેષનું સ્વરૂપ લઈ ચૂકી છે."

સમુદ્રક : "હું જાણું છું. છતાં પ્રયત્ન કરવો જરૂરી છે. યુદ્ધ શરૂ કરતાં પહેલાં શાંતિનો દરવાજો ખખડાવવો એ પણ ધર્મ છે. પછી જે થશે એ સમય નક્કી કરશે."

પૃથ્વી થોડો સમય મૌન રહી. તેની આંખોમાં માતાનું હૃદય ઝળકી રહ્યું હતું.

પૃથ્વી : "મને મારી પુત્રીની ચિંતા થાય છે. આટલી નાની ઉંમરમાં તેણે કેટલું બધું જોઈ લીધું. જન્મથી જ સંઘર્ષ, વિયોગ, ભય અને રહસ્યોની વચ્ચે જીવતી આવી છે. હવે બસ...! હું નથી ઇચ્છતી કે તેનું આખું જીવન પણ યુદ્ધમાં જ પસાર થઈ જાય."

સમુદ્રકે ધીમેથી પૃથ્વીનો હાથ પોતાના હાથમાં લીધો.

સમુદ્રક : "મને શું લાગે છે કે તું અહીં કેદ છે એ જોઈને મને સારું લાગે છે? તારી દરેક પીડા મારી પીડા છે. તારા વગર વિતાવેલો દરેક ક્ષણ મારા માટે સદી જેવો રહ્યો છે. હું નથી ઇચ્છતો કે તું આ અંધકારમાં વધુ સમય રહે."

પૃથ્વી તેના ચહેરા તરફ જોઈને સહેજ સ્મિત કરી બોલી,

"તું આ રાક્ષસી વૃજાની ચિંતા વધારે કરે છે કે મારી?"

સમુદ્રક હળવેથી હસી પડ્યો.

"ના પૃથ્વી, હું વૃજાની ચિંતા નથી કરતો. હું તો એ અંધકારની ચિંતા કરું છું જે તેની અંદર ઘર કરી ગયો છે. એક સમય હતો જ્યારે તેની અંદર પણ પ્રેમ હતો, લાગણી હતી, સપનાઓ હતાં. પરંતુ સત્તા અને વેરની આગે તેને રાક્ષસી બનાવી દીધી."

પૃથ્વી : "જે વ્યક્તિ પોતાના દુઃખને દુનિયાના દુઃખ કરતાં મોટું માને, તેનું અંતે આવું જ થાય છે. વૃજાએ પોતાના ઘાવને ક્યારેય ભરવા દીધા જ નહીં."

સમુદ્રકે ગંભીર સ્વરે કહ્યું,

"કદાચ હજુ મોડું થયું નથી. જો તેની અંદર માનવતાનો એક કણ પણ જીવતો હશે તો હું તેને જાગૃત કરવાનો પ્રયત્ન કરીશ. જો તે સફળ થશે તો હજારો જીવોનું રક્ત વહેતું અટકી જશે."

પૃથ્વી : "અને જો તે નિષ્ફળ જશે તો?"

સમુદ્રકે દૂર આકાશ તરફ નજર કરી.

વાદળોની પાછળ વીજળી ઝબકી.

તેના ચહેરા પર અડગ વિશ્વાસ દેખાતો હતો.

"તો પછી યુદ્ધ થશે. પરંતુ એ યુદ્ધ સત્તા માટે નહીં, પ્રતિશોધ માટે નહીં... ધર્મ, સત્ય અને આવનારી પેઢીઓના ભવિષ્ય માટે હશે. અને એ યુદ્ધમાં હું છેલ્લો શ્વાસ બાકી રહેશે ત્યાં સુધી લડીશ."

પૃથ્વીની આંખોમાં આંસુ આવી ગયાં.

પરંતુ એ આંસુ ભયનાં નહોતાં.

એમાં વિશ્વાસ હતો.

કારણ કે વર્ષો પછી પ્રથમ વખત તેને લાગ્યું હતું કે અંધકાર ભલે ગાઢ હોય, પરંતુ પ્રકાશનો જન્મ થઈ ચૂક્યો છે.

સમુદ્રક બોલ્યો,

"યાદ રાખ, દુશ્મન ગમે તેટલો નાનો હોય, એનાથી સતર્ક તો રહેવું જરૂરી છે, પરંતુ એનાથી ડરવું જરૂરી નથી. આપણે આપણી તાકાતથી લડીશું અને આ બાજી જરૂર જીતીશું. નિલક્રિષ્ના પણ હવે પોતાના જીવનનું સત્ય જાણી ચૂકી છે. મહાદેવે આપેલું વરદાન પણ તેને પ્રાપ્ત થઈ જશે. પોતાના મહાસંકલ્પને પૂર્ણ કરવા માટે એ નીકળી ગઈ છે."

પૃથ્વી શ્રાપિત થઈ ગઈ હોવાથી તેની દિવ્ય શક્તિઓ નષ્ટ થઈ ગઈ હતી. હવે માત્ર તેનું લીલુંછમ હૃદય જ ધરાના ગર્ભમાં ધબકતું હતું.

સમુદ્રકે પોતાની બધી હિંમત અને શક્તિ એકઠી કરી કેદખાનાની દિવાલ તોડી પવનમહેલમાં પ્રવેશ કર્યો. સૌથી પહેલાં તેણે ત્યાંથી સુરક્ષિત રીતે બહાર નીકળવાનો માર્ગ શોધવાનું શરૂ કર્યું. લાંબી તપાસ બાદ તેને સમુદ્ર તરફ જતો એક ગુપ્ત રસ્તો મળી ગયો. હવે બહાર નીકળવાનો માર્ગ નિશ્ચિત થઈ ગયો હતો.

ત્યારબાદ તે પવનમહેલમાં કેદ પક્ષીઓ પાસે પહોંચ્યો. ઘણા પક્ષીઓ વર્ષો સુધીના કેદ અને કૃત્રિમ જીવનને કારણે પોતાનું મૂળ સ્વરૂપ ગુમાવી બેઠા હતા. તેમને સમજાવવાનો કોઈ અર્થ નહોતો. પરંતુ બીજા વિભાગમાં હજુ એવા પક્ષીઓ હતાં, જેમની અંદર સ્વતંત્રતાની ચિનગારી જીવંત હતી.

સમુદ્રકે તેમને સંબોધતાં કહ્યું,

"ડરશો નહીં. હું તમને આ પવનમહેલમાંથી મુક્ત કરવા આવ્યો છું. તમે જે જીવન જીવો છો તે કૃત્રિમ છે, પરંતુ તમને તેની જાણ પણ નથી. કળિયુગની ઝેરી હવાએ તમારા વિચારોને બાંધી રાખ્યા છે. તમને જે ભોજન આપવામાં આવે છે તે મગરમચ્છોના માંસમાંથી બનાવવામાં આવે છે. તમે એ ભોજનનો ત્યાગ કરશો તો સત્યનો અનુભવ કરી શકશો. મારા પર વિશ્વાસ રાખો. આપણે સૌ એકજૂથ થઈને આ દલદલમાંથી બહાર નીકળી જઈશું."

ત્યાં રહેલા પક્ષીઓમાંથી પોણા ભાગનાં પક્ષીઓએ તેની વાતનો વિશ્વાસ ન કર્યો. કારણ કે પવનમહેલના પડદાંની બહાર એક ડગલું પણ ભરનારનું મૃત્યુ નિશ્ચિત માનવામાં આવતું હતું. મહેલની ચારે બાજુ સફેદ વાળવાળી, કાળા શરીરવાળી અને લીલા શિંગડાવાળી ભયંકર રાક્ષસીઓનો પહેરો રહેતો હતો.

સમુદ્રક બહાર નીકળવાનો પ્રયાસ કરે કે તરત જ એ રાક્ષસીઓ પોતાના શિંગડામાંથી ઝેરી વાયુ ફેલાવી વાતાવરણને વિષમય બનાવી દેતી. ઝેર એટલું ભયંકર હતું કે કોઈની આંખો કલાકો સુધી ખુલી શકતી નહોતી.

આ સંકટમાંથી મુક્તિ મેળવવા ધરાએ સર્પદેવતાનું આહ્વાન કર્યું. કહેવાય છે કે ઝેરને ઝેર જ મારે. ક્ષણમાત્રમાં એક અદૃશ્ય મહાસર્પ પ્રગટ થયો. તેણે પવનમહેલની આસપાસ ઝેરી જાળ બિછાવી આખા વિસ્તારને વિષમય બનાવી દીધો. ઝેરની અસરથી રાક્ષસીઓના કાળા વાન લીલાશ ધારણ કરવા લાગ્યા. આ જોઈ તેઓ એકસાથે અદૃશ્ય સર્પ પર તૂટી પડ્યાં. ભયંકર યુદ્ધ બાદ તેમણે તેનું કાળજું કાઢી ભક્ષણ કરી લીધું.

પરંતુ મરતાં પહેલાં સર્પ પોતાનું કાર્ય પૂર્ણ કરી ચૂક્યો હતો. હવે રાક્ષસીઓના શિંગડાંમાંથી ઝેર ફેલાવવાની શક્તિ નષ્ટ થઈ ગઈ હતી. પોતાની નિષ્ફળતા સમજી તેઓ પાછળ હટી ગઈ.

એ જ સમયે પવનમહેલના કૃત્રિમ આકાશમાં અચાનક હલચલ મચી. ગોળાકાર વંટોળો રચાવા લાગ્યા. આખું વાતાવરણ ક્રોધ અને વિનાશની ગર્જનાથી ધ્રુજી ઊઠ્યું. વૃજા પવનમહેલમાં આવી પહોંચી હતી.

પોતાની વર્ષોની મહેનત બરબાદ થતી જોઈ તે ક્રોધથી ધગધગી ઊઠી. તેણે પોતાની જેવી અસંખ્ય રાક્ષસીઓ પ્રગટ કરી દીધી. પરંતુ સમુદ્રક અને ધરા પાસે દેવશક્તિઓ હતી. પક્ષીઓની હિંમતે તેમને માર્ગ બતાવ્યો. બંનેએ રાક્ષસીઓના ઝૂંડની આસપાસ અગ્નિમય સાંકળોનું જાળ રચી દીધું. તેમના હાથ જ તેમના હથિયાર બની ગયા. ધગધગતી જ્વાળાઓએ ક્ષણોમાં રાક્ષસીઓના ટોળાને ભસ્મ કરી નાખ્યું. પક્ષીઓ માટે એ બંને દેવસ્વરૂપ બની ગયા.

વૃજાએ ક્રોધમાં આવીને ભાગી રહેલા પક્ષીઓ પર પ્રચંડ પવનપ્રહાર કર્યો. એક ક્ષણ માટે બધું વિનાશ તરફ જઈ રહ્યું હોય એવું લાગ્યું. મારું હૃદય પણ ભયથી ધબકી ઊઠ્યું. પરંતુ અચાનક સ્થિતિ બદલાઈ ગઈ. પક્ષીઓના ઝૂંડ વાદળોની પેલે પાર ઉડ્યું. એ દૃશ્ય એટલું મનોહર હતું કે મારો ભય ક્ષણમાં ઓગળી ગયો.

મારા મનમાં એક જ વિચાર આવ્યો,

"સમુદ્રકરૂપી પર્વતને કોઈ વૃજા જેવા પથ્થર તોડી શકે નહીં."

આકાશમાં ઘનઘોર વાદળો છવાઈ ગયા હતા. વરસતો વરસાદ પણ જાણે અત્યાચારોથી વ્યથિત થઈ રક્તની ધારાઓ વરસાવી રહ્યો હતો. આ લાલચોળ વરસાદ વચ્ચે સમુદ્રક પક્ષીઓના વિશાળ ઝૂંડને લઈને આગળ વધતો રહ્યો. પાછળ પવનમહેલ જ્વાળાઓમાં ધધકી રહ્યો હતો અને આગળ અજાણ ભવિષ્ય રાહ જોઈ રહ્યું હતું. વર્ષો સુધી કેદમાં રહેલા પક્ષીઓ માટે આ સ્વતંત્રતાની પ્રથમ સવાર હતી.

આખરે તેઓ સમુદ્રકિનારે પહોંચ્યા. પરંતુ ત્યાંનું દૃશ્ય જોઈ સૌનાં હૃદય કંપી ઊઠ્યાં. જે સમુદ્ર ક્યારેક નિર્મળ નીલવર્ણ જળથી છલકાતો હતો, તે આજે રક્તથી લાલ થઈ ગયો હતો. દરિયાની દરેક લહેરમાં મૃત્યુની ગંધ ભળી ગઈ હતી. વૃજાના દૈત્યોએ વર્ષો સુધી દરિયાઈ જીવોનો નાશ કર્યો હતો. અસંખ્ય માછલીઓ, કાચબાઓ, ડોલ્ફિન અને જળચરોને નિર્દયતાથી મારી નાખવામાં આવ્યા હતા. મગરમચ્છોના મૃતદેહોને ચીરી તેમનું માંસ કેદ પક્ષીઓને ખવડાવવામાં આવતું હતું, જેથી તેમની ચેતના નષ્ટ થઈ જાય અને તેઓ સત્ય-અસત્યનો ભેદ ભૂલી જાય. આ પાપનો ભાર હવે સમગ્ર સમુદ્ર પર દેખાઈ રહ્યો હતો. દરેક મોજું જાણે ફરિયાદ કરી રહ્યું હતું. દરેક લહેર ન્યાયની માંગણી કરતી હતી. સમુદ્રકે સમુદ્ર તરફ નજર કરી. તેની આંખોમાં અગ્નિ પ્રગટી ઊઠ્યો.

"આ માત્ર જળ નથી," તે ગર્જના સમાન સ્વરે બોલ્યો, "આ નિર્દોષ જીવોનાં રક્તથી લખાયેલો ઇતિહાસ છે. આ દરેક ટીપું વૃજાનાં પાપની સાક્ષી છે."

જે તોતિંગ પક્ષીઓ એની સાથે આવ્યા એ પક્ષીઓ મૌન થઈ ગયા. પ્રથમવાર તેમને સમજાયું કે વર્ષોથી તેઓ જે ભોજન લેતા હતા, તે કેટલાં નિર્દોષ જીવોનાં બલિદાનનું પરિણામ હતું. જે પણ પક્ષીઓ વૃજાની કેદમાં છે એ હજુ પણ વૃજાની ભાષા જ બોલશે."

ત્યારે સમુદ્રકે દૃઢ સ્વરે કહ્યું,

"ભૂતકાળ બદલી શકાતો નથી, પરંતુ ભવિષ્ય જરૂર બદલી શકાય છે. હવે આપણે આ પાપનો ભાગ નહીં બનીએ. આપણે આ સમુદ્રને ફરી જીવન આપીશું. જે જીવોનાં રક્તથી આ પાણી લાલ બન્યું છે, તેમના બલિદાનને વ્યર્થ નહીં જવા દઈએ."

સમુદ્રકના શબ્દોએ નિરાશ પક્ષીઓના હૃદયોમાં ફરી આશાની જ્યોત પ્રગટાવી. એ જ ક્ષણે સમુદ્રના મધ્યભાગમાં એક વિશાળ મોજું ઊછળ્યું. લાલ જળમાંથી પ્રકાશની એક આછેરી રેખા પ્રગટ થઈ. જાણે સમુદ્ર પોતે સમુદ્રકની પ્રતિજ્ઞા સાંભળી રહ્યો હોય. જાણે હજારો મૃત જળચરોની આત્માઓ તેને આશીર્વાદ આપી રહી હોય. અને જાણે પ્રકૃતિ પોતે હવે વૃજાના અંતની ઘડીઓ ગણવા લાગી હોય એમ એક આશાનું કિરણ જાગ્યું.

- હેતલ ઘેટીયા 'કૃષ્ણપ્રિયા'✍️