ચાંદ મેરા દિલ
-રાકેશ ઠક્કર
‘ચાંદ મેરા દિલ’ (2026) ની સરખામણી કોઈ રીતે ‘સૈયારા’ સાથે થઈ શકે એમ નથી. કમાણીની રીતે તો પ્રશ્ન જ નથી પણ બંને ફિલ્મોની વાર્તામાં કોઈ સામ્યતા નથી. ફિલ્મનું સંગીત કદાચ 'સૈયારા'ના સંગીતની યાદ અપાવે તેવું હોઈ શકે છે. ફિલ્મના ગીતોના શબ્દોમાં ગહનતા અને અર્થપૂર્ણતા છે. સચિન -જિગરના એક-બે ગીતો એવા છે જે ખૂબ જ કર્ણપ્રિય છે અને લોકો તેને વારંવાર સાંભળવાનું પસંદ કરી રહ્યા છે. ‘સૈયારા’ એક સંપૂર્ણપણે અલગ લવ સ્ટોરી હતી. જ્યારે ‘ચાંદ મેરા દિલ’ તેના કરતા સાવ અલગ વિષય પર આધારિત છે. ફિલ્મનો વિષય જ બદલાઈ જાય છે. ‘સૈયારા’માં જ્યાં માત્ર પ્રેમ હતો ત્યાં આ ફિલ્મમાં જીવનની જવાબદારીઓ, પરિવાર અને વાસ્તવિક દુનિયાદારી મુખ્ય મુદ્દાઓ છે.
વાર્તાનો અભિગમ ‘સૈયારા’ જેવો નથી. તે એક પરિપકવ રોમેન્ટિક ડ્રામા તરફ વળે છે. જે અમુક લોકોને ગમશે પણ અમુકને કદાચ જોડાણ ન થાય તેવું લાગી શકે. વિવેક સોનીનું સ્ટાઈલિશ નિર્દેશન અને લક્ષ્ય-અનન્યાની જોડીએ ફિલ્મમાં એક નવી ઉર્જા ભરી છે. ફિલ્મની સફળતા તેના આધુનિક અભિગમને આભારી છે. જે પરંપરાગત રોમેન્ટિક ફિલ્મોથી તેને અલગ પાડે છે.
ફિલ્મ યુવા પેઢીના સંબંધોને રજૂ કરે છે. જેના કારણે કોલેજ અને યુવા વર્ગમાં ફિલ્મનો ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ‘કિલ’ માં લક્ષ્યની ‘એક્શન અને હિંસા’ વાળી છબી એટલી મજબૂત હતી કે કોઈને પણ એ કલ્પના કરવી મુશ્કેલ હતી કે તે આટલી જલદી એક સંવેદનશીલ લવર બોય તરીકે યોગ્ય સાબિત થશે. આરવના પાત્રમાં તેણે જે કોમળતા અને ભાવનાત્મક ઊંડાણ દર્શાવ્યું છે તે તેની અભિનય ક્ષમતાનો વ્યાપ બતાવે છે.
લક્ષ્યે આરવનું પાત્ર માત્ર ભજવ્યું નથી પણ તેને જીવ્યું છે. જ્યારે કોઈ અભિનેતા હિંસામાંથી સીધો પ્રેમની વાર્તાઓમાં પ્રવેશે ત્યારે અવારનવાર જૂની છબીનું દબાણ તેના પર રહેતું હોય છે. આરવના રૂપમાં તેણે પોતાની જાતને સંપૂર્ણપણે બદલી નાખી છે. તેની આંખોમાં દેખાતું દર્દ અને તેણે ભજવેલા ભાવનાત્મક ઉતાર-ચઢાવવાળા દ્રશ્યોમાં જે અસર છે તે તેની મહેનતનું પરિણામ છે. ‘બેડ્સ ઓફ બોલિવૂડ’ સિરીઝમાં તેના આકર્ષક અંદાજે પ્રેક્ષકોનું ધ્યાન ખેંચ્યું હતું પરંતુ ‘ચાંદ મેરા દિલ’ માં તેમણે સાબિત કરી દીધું છે કે તે માત્ર 'લુક્સ' વાળો અભિનેતા નથી. સ્ક્રીન પર પોતાની લાગણીઓથી પ્રેક્ષકોને રડાવવાની અને તેમને જકડી રાખવાની તાકાત ધરાવે છે. તેણે સાબિત કરી દીધું છે કે માત્ર એક્શન માટે જ નહીં પણ એક પરિપક્વ અભિનેતા તરીકે લાંબી રેસનો ઘોડો છે. તેને ઉભરતો સિતારો કહેવામાં કશું ખોટું નથી.
લક્ષ્ય તેના ઇમોશનલ સીન્સમાં ખૂબ જ મજબૂત છે, જ્યારે અનન્યા તેના પાત્ર સાથે ક્યાંક ક્યાંક સંઘર્ષ કરતી જણાય છે. જોકે, એના અભિનયમાં સુધારો છે એ સમીક્ષકો સ્વીકારી રહ્યા છે. ફિલ્મ દેખાવમાં સુંદર છે પણ ‘ધર્મા પ્રોડક્શન્સ’ ની દુનિયામાં સેટ હોવાથી ઘણી બધી વસ્તુઓ બનાવટી લાગે છે. હોસ્ટેલ, કોલેજ અને ઘર જેવી સેટિંગ્સ એટલી પરફેક્ટ છે કે તે વાસ્તવિક જીવન જેવી લાગતી નથી. ટ્રેલર પરથી વાર્તાનો અંદાજ આવ્યો ન હતો. યુવાન – યુવતીનો ઝઘડો હતો એમાં લક્ષ્ય માફી કેમ માંગી રહ્યો હતો એ બતાવ્યું ન હતું. એનું કારણ જાણવા ફિલ્મ જોવી પડે એમ છે. સારી વાત એ છે કે આ કોઈ સામાન્ય બોલિવૂડ પ્રેમકથા નથી.
વિવેક સોની ‘મીનાક્ષી સુંદરેશ્વર’ અને ‘આપ જૈસા કોઈ’ માટે જાણીતા છે. તેમની ફિલ્મોમાં હંમેશા એક અનોખો રોમેન્ટિક ટચ હોય છે. ‘ચાંદ મેરા દિલ’માં પણ તેમણે એ જ પ્રયાસ કર્યો છે. પરંતુ ઘણીવાર પાત્રોનું વર્તન કાલ્પનિક લાગે છે. તર્કનો અભાવ છે. ચાંદની એકમાત્ર વિદ્યાર્થીની છે જે એક ચોક્કસ માર્ગનો ઉપયોગ કેમ કરે છે. પણ અન્ય કેમ નથી કરતા તે સમજવું મુશ્કેલ છે. કોચિંગ ક્લાસમાં એક વિદ્યાર્થી લક્ષ્ય વિશે ટિપ્પણી કરે છે એ દ્રશ્ય પ્લોટમાં બળજબરીથી ઘૂસાડવામાં આવ્યું હોય તેવું લાગે છે. અને જૂના જમાનાની ફિલ્મનું દ્રશ્ય લાગે છે. ઇન્ટરવલ પછી વાર્તામાં સુસંગતતા રહેતી નથી. પટકથા નબળી પડી જાય છે. નાટકનો પ્રભાવ ધીમે ધીમે બને છે પણ ક્લાઇમેક્સ આવે ત્યાં સુધીમાં ઓછો થઈ જાય છે.
બીજા ભાગમાં ફિલ્મની ગતિ એટલી ધીમી થઈ જાય છે કે દર્શકોને વાર્તાના અંતની રાહ જોવી પડે છે. આ એક ચોક્કસ નિશાની છે કે લેખન કે એડિટિંગના સ્તરે ક્યાંક ભૂલ થઈ છે. ક્લાઇમેક્સ અનુમાનિત લાગે છે. જે ફિલ્મ શરૂઆતમાં દર્શકોને જીતી લે છે તે જ ફિલ્મ જો અંતમાં કંટાળાજનક બની જાય તો તે તેની ફરી જોવાની ઈચ્છા ઘટાડી દે છે.