સમુદ્રક બોલ્યો:
“પૃથ્વીની ઈચ્છા હું સારી રીતે જાણું છું. એની અંતરની પુકાર જ મને અહીં સુધી ખેંચીને લાવી છે. હવે આ સંબંધ અડધે રસ્તે છોડીને પાછો ફરી જાઉં તો કાયર ગણાઈશ. પૃથ્વી પણ મને હૃદયથી સ્વીકારી ચૂકી છે, એટલે હવે કોઈ દેવતા કે કોઈ શક્તિ અમારા મિલનમાં વિઘ્ન બની શકશે નહીં. અને જો કોઈ મારા વરઘોડાની આડે આવશે, તો એની સામે લડવાની તાકાત પણ મારી પાસે છે. હવે જોઉં કે, કોણ અમારો એક વાળ પણ વાકો કરી શકે!”
આમ, નારદજી રોજ એને સમજાવવા આવતા. તેઓ સમુદ્રકને સમજાવતાં કે આ માર્ગ સહેલો નથી. પરંતુ પ્રેમનું જાદુ એવું હતું કે, સમુદ્રક દિવસે દિવસે પૃથ્વીના પ્રેમમાં વધુ ને વધુ ડૂબતો જતો હતો.
એક દિવસ પૃથ્વી મિલનની આશા અને ઉમંગથી સજ્જ થઈ પાતાળમાંથી બહાર નીકળી. જ્યારે તે આગળ વધી રહી હતી, ત્યારે રસ્તામાં ઊછળતા સાગરના મોજાં જાણે એના કાનમાં મધુર ગીતો ગાઈ રહ્યાં હોય એવી એ લહેરોમાં ખેંચાવા લાગી.
સમુદ્રકને પણ અનુભવ થયો કે કોઈ એની લહેરોને અતિ પ્રેમથી નિહાળી રહ્યું છે. એ પોતાની અગાધ ગહેરાઈમાંથી ઉપર ઉઠ્યો અને પૃથ્વીના પ્રેમસ્વરમાં પોતાનો સ્વર મિલાવવા આગળ વધ્યો.
પૃથ્વી નજીક આવતાં જ સમુદ્રક એની સુંદરતામાં મોહિત થઈ ગયો. આજે પૃથ્વીની પ્રકૃતિ સોળે કળાએ ખીલી રહી હતી. લીલી ચુંદડી ઓઢેલી ધરતી જાણે સમુદ્રક સાથે સગાઈના બંધનમાં બંધાઈ રહી હોય એવું લાગતું હતું. એની આંખો પૃથ્વીના રૂપ પર જ સ્થિર થઈ ગઈ. પ્રેમના ઉન્માદમાં સમુદ્રક પોતાની લહેરોના ઈશારાથી પૃથ્વીના પાલવને હળવેથી સ્પર્શવા લાગ્યો.
સમુદ્રક દિન પ્રતિદિન પૃથ્વી ઉપર વધુ મોહિત થતો જતો હતો. એના અંતરમાં મિલનની તરસ હવે એટલી વધી ગઈ હતી કે દૂર રહેવું અસહ્ય બની ગયું હતું. અને પૃથ્વીને જ્યારે સમુદ્રની ઠંડી લહેરો અડી, ત્યારે એની રોમેરોમમાં શીતળતા પ્રસરી ગઈ. હવે એને પણ ચેન ન પડતો હતો. આજે સુકી ધરતી પર જ્યારે દરિયાની ભીની વાંછટ વરસી રહી હતી, ત્યારે પૃથ્વીના અંતરમાં મિલનની તીવ્ર તલપ વધુ જાગી રહી હતી. એ ધીમે ધીમે સમુદ્રક તરફ આગળ વધી રહી હતી.
પૃથ્વી ધીમા સ્વરે બોલી:
“હું આજે તારી અંદર ભળી એકરૂપ થવા માગું છું.
હું ખૂબ થાકી ગઈ છું.બધું સંભાળતાં સંભાળતાં હવે હારી ગઈ છું. મનુષ્યોને મારી કોઈ કિંમત રહી નથી. હું કેટલા સમય સુધી એમને માફ કરતી રહીશ? વારંવાર માફ કરવાથી હવે એમને પોતાના ગુનાઓની સમજ જ નથી પડતી. જો એ સાચા અર્થમાં મારા સંતાનો હોત, તો મારી પૂજા કરે , મને સાચવે, મારે એક પણ રગનુ પોતાના સ્વાર્થ માટે વિનાશ ન કરે. મને હવે એવું લાગે છે કે હું ધીમે ધીમે અપાહિજ બની રહી છું. મનુષ્યો માત્ર નામના જ મારા સંતાનો છે. તેઓ મારી પીડા સમજવા સક્ષમ નથી. હવે હું નિઃસ્વાર્થ બની જીવતી રહી શકતી નથી. મને પણ હવે કોઈ ‘મારું પોતાનું’ જોઈએ છે. હું આપણા મિલનથી એવો પુત્ર ઈચ્છું છું. જે તેજસ્વી, બુદ્ધિમાન, ચારિત્ર્યવાન અને સંસ્કારી હોય. જે જગતમાં મારું નામ રોશન કરે. જેની શક્તિ અનન્ય હોય. અને જે દરેક સમસ્યાનો ઉકેલ શોધી શકે.”
આ સાંભળી સમુદ્રક થોડો મૌન થઈ ગયો.
કારણ કે, એ પહેલેથી જ દૈત્યોને વચન આપી ચૂક્યો હતો કે એનું સંતાન એમને પ્રાપ્ત થશે. અને હવે પૃથ્વીએ પણ એક પુત્રની માંગણી કરી હતી.
સમુદ્રક મલકાતાં બોલ્યો:
“તમારી ઈચ્છા હવે મારી ઈચ્છા છે.
મને પણ એ જ જોઈએ છે, જે તમારે જોઈએ છે.”
પૃથ્વીએ સમૃદ્રકની આંખોમાં ઊંડે સુધી જોતાં એ જ નજરે પૂછ્યું:
“તમે મને અધવચ્ચે છોડી દેશો નહીં ને? મિલન પછી જો તમારી વૃત્તિ બદલાઈ જાય તો? એ પહેલાં તમારે મને એક વચન આપવું પડશે. હું પરતંત્ર બની જીવવા માગતી નથી. મારે આ મિલન પછી સ્વતંત્ર રહેવું છે. મારા પુત્ર સાથે. એટલે જ હું આ મિલનથી એક એવું સંતાન ઈચ્છું છું, જે મારી રક્ષા માટે જન્મે...
હવે ખોટી લાગણીઓ ઢોળતાં ઢોળતાં હું થાકી ગઈ છું.
મારો નિઃસ્વાર્થ પ્રેમ મનુષ્યને સમજાતો નથી. આમ હું દુનિયાને સમજાવવા માગું છું કે, પ્રેમ શું છે? અને વિનાશ શું છે? પણ એ માટે આપણું મિલન જરૂરી છે.”
સમુદ્રકે ગહન પ્રેમથી પોતાની વાત રાખતા પૃથ્વી નેકહ્યું:
“હું તને વચન આપું છું. પરંતુ દરેક યુગના અંતે હું ફરી તને મળવા આવીશ. આ વિરહ હું સદાકાળ સુધી સહન કરી શકીશ નહીં.”
પૃથ્વી હળવી સ્મિત સાથે બોલી:
“હું પણ યુગે યુગે તમારી જ રહીશ. પરંતુ દરેક મિલન પછી ફરી સ્વતંત્ર બની મારી યાત્રા પૂર્ણ કરીશ. અને જ્યારે યુગ પરિવર્તનનો સમય આવશે, ત્યારે હું ફરી તમને મળવા આવીશ.”
સવાર થતાં જ સમુદ્રક ભવ્ય વરઘોડો લઈને પૃથ્વી તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં નારદજી મળ્યા.
“નારાયણ… નારાયણ…”
આ વખતે નારદજી બધું જાણતા હોવા છતાં મૌન હતા.
તેઓ પોતાના સ્વભાવથી આ અનોખી દૈવી લીલાનો આનંદ માણવા માગતા હતા. નહીં તો, નારદજી અને મૌન એ તો અશક્ય વાત હતી.
સમુદ્રક સાથે દરિયાની સમગ્ર જળચર સૃષ્ટિ જોડાઈ ગઈ હતી. દરિયાઈ જીવો અને અન્ય પ્રાણીઓ આ સુકી અને નિરશ પૃથ્વી ને આજ મોતી સમી ચળકતી જોઈ બધાં આનંદમાં તરબોળ થઇ રહ્યાં હતાં.
પૃથ્વી પર દૈત્યો સમુદ્રકના સ્વાગત માટે ઊભા હતાં.
ચારેય તરફ જયઘોષ ગુંજી રહ્યો હતો. ઘણા દેવતાઓ પણ છુપાઈને આ દૃશ્ય નિહાળી રહ્યા હતાં. કારણ કે, દેવલોકમાં પ્રેમવિવાહની મનાઈ હતી. પરંતુ આજે સમુદ્ર અને પૃથ્વી દેવોના બધા નિયમો તોડી પ્રેમના પવિત્ર બંધનમાં બંધાઈ રહ્યા હતાં.
સમુદ્રકના અંતરમાં અદભૂત આનંદ હતો કે, “સમુદ્ર હવે કુંવારો નહીં રહે!” આ વિચારથી જ એની લહેરો ઉછળી રહી હતી. આ કોઈ સામાન્ય માનવવિવાહ નહોતું. આ તો પ્રકૃતિ અને તત્ત્વોના મિલનનું દૈવી મહોત્સવ હતું.
અખાત્રીજનો પવિત્ર દિવસ હતો. સમુદ્રકનો ભવ્ય વરઘોડો ધરતી પર પહોંચતાં જ માનવ મહેરામણ ઉમટી પડ્યું. વાજતે ગાજતે એની આવકારવિધિ થવા લાગી.
નારદજી મધ્યમાં રહી બધું જોઈ સંભાળી રહ્યા હતાં.
કારણ કે, પૃથ્વીને ખબર નહોતી કે અહીં ઉપસ્થિત જાનૈયાઓમાં મોટા ભાગે દૈત્યો જ હતાં. દેવતાઓમાંથી કોઈ ખુલ્લેઆમ આવ્યું નહોતું. માત્ર નારદજી જ આ પ્રેમના સાક્ષી બની ઉપસ્થિત રહ્યાં હતાં. અંતે નારદજીએ વિધિ શરૂ કરવાની આજ્ઞા આપી. આ તરફથી પૃથ્વી સાજ શૃંગાર કરીને આવી રહી હતી. બધાની નજર એના અલૌકિક રૂપ પર આવીને અટકી!
( ક્રમશઃ )
- હેતલ ઘેટીયા 'કૃષ્ણપ્રિયા'✍️