ભૂત બંગલા Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જયપુર

    *જયપુર* રાજસ્થાનની રાજધાની જયપુરની ઓળખાણ એવો હવામહલ પહેલાં જ...

  • તારા વિનાના શહેરમાં

    સાંજ નમવા આવી હતી અને સાબરમતી રિવરફ્રન્ટ પર ઠંડો પવન ફૂંકાઈ...

  • બ્રહ્માંડ ભ્રમ

                  પ્રકરણ ૧: શાંત સવારનું તોફાનઆકાશ હજી પૂરેપૂરું...

  • લવમાં લોચો

    અમદાવાદની ભાગોળે આવેલા એ ફાર્મહાઉસમાં શનિવારની રાત ફૂલ ઓન હા...

  • દેવદત્તથી વીરભદ્ર

    દેવદત્તથી વીરભદ્રમાત્ર નામ બદલાવાથી નસીબ નથી બદલાતું, પણ જ્ય...

શ્રેણી
શેયર કરો

ભૂત બંગલા

ભૂત બંગલા
-રાકેશ ઠક્કર
 
        અક્ષયકુમારની ‘ભૂત બંગલા’ એ સાબિત કર્યું છે કે મનોરંજન સાચું હોય તો પ્રેક્ષકો ચોક્કસપણે થિયેટર સુધી ખેંચાઈ આવે છે! અક્ષયકુમારનો અભિનય એવો છે કે જાણે તેનામાં એક સ્વીચ છે. લીલી દબાવો તો કોમેડી અને લાલ દબાવો તો હોરર. તે એકલો જ બે કલાકારોનું કામ કરી રહ્યો હોય એવું લાગે છે.

    ‘ભૂત બંગલા’ની વાર્તા હજારો વર્ષ જૂની દંતકથા ‘વધૂસુર’ પર આધારિત છે. જે નવી પરણેલી દુલ્હનોને ઉઠાવી જાય છે. ફિલ્મની શરૂઆત એવી ભયાનક શહેરી દંતકથાથી થાય છે કે જો આ ગામમાં કોઈ લગ્ન કરશે તો વધૂસુર તેને લઈ જશે. જોકે, માનવીય લોભ આ ડર પર હાવી થઈ જાય છે જ્યારે એક પરિવાર આલીશાન હવેલી પર કબજો કરવા માટે આ વાર્તાને ખોટી સાબિત કરવા મથે છે.
પહેલો ભાગ પ્રેક્ષકોને 10-15 વર્ષ પાછળ લઈ જાય છે, જ્યાં ડબલ મિનિંગ જોક્સ વગરની શુદ્ધ કોમેડી જોવા મળે છે. સમીક્ષાઓ મિશ્ર છે પણ પારિવારિક દર્શકો કોમેડી અને હોરરના મિશ્રણને પસંદ કરી રહ્યા છે. અક્ષય અને પ્રિયદર્શનની જોડી 16 વર્ષ પછી પરત ફરી હોવાથી પ્રેક્ષકોમાં નોસ્ટાલ્જીયા ફેક્ટર કામ કરી રહ્યું છે. પ્રથમ ભાગ ઘણો મનોરંજક છે. તેમાં જે હાસ્યના દ્રશ્યો બનાવવામાં આવ્યા છે તે પ્રેક્ષકોને જકડી રાખે છે અને પૈસા વસૂલ હોવાનો અહેસાસ કરાવે છે.

       અક્ષયકુમારની કોમિક ટાઇમિંગ ઘણી સારી છે. વર્ષો પછી તેને પ્રિયદર્શનની શૈલીમાં જોવો એ એક સારો અનુભવ છે. પરેશ રાવલ અને રાજપાલ યાદવે કોમેડીમાં પૂરેપૂરો સાથ આપ્યો છે. નાના બજેટની ફિલ્મ હોવા છતાં ક્લાઈમેક્સમાં વધૂસૂરના અને જંગલના દ્રશ્યો સારા બનાવવામાં આવ્યા છે. અંતની છેલ્લી 2 મિનિટમાં એક મોટું સરપ્રાઈઝ છે. જે પ્રેક્ષકોને ચોંકાવી દેશે.

        થિયેટરની બહાર આવ્યા પછી એમ પણ થશે કે ફિલ્મનો બીજો ભાગ પ્રભાવશાળી ન હતો કે વાર્તા થોડી ધીમી અને નબળી હતી. ઉપરાંત ફિલ્મ અઢી કલાકથી વધારે લાંબી હોવાથી 15-20 મિનિટ ટૂંકી કરી શકાઈ હોત. અને તબ્બુ જેવી સક્ષમ અભિનેત્રીના પોટેન્શિયલનો યોગ્ય રીતે ઉપયોગ થયો નથી. તબ્બુનો પ્રવેશ બીજા ભાગમાં થાય છે. તેનું પાત્ર મંજુલિકા જેવું મજબૂત લખાણ ધરાવતું નથી. જોકે, ઘણાને એવું લાગતું હતું કે તબ્બુનો ડબલ રોલ હશે પણ અહીં એક મોટું સરપ્રાઈઝ આપવામાં આવ્યું છે.

       ખાસ તો ‘રામજી ભલા કરે’ સિવાય એક પણ એવું ગીત નથી જે બહાર નીકળ્યા પછી યાદ રહી જાય. ‘ભૂલ ભુલૈયા’ જેવો જાદુ ગીતોમાં જોવા મળતો નથી. ફિલ્મમાં સાઈડ કેરેક્ટર્સ અને ડબિંગમાં થોડી ખામીઓ વર્તાય છે. જે પ્રિયદર્શનની અગાઉની ફિલ્મોમાં જોવા મળતી નથી. અહીં હોરર ફક્ત કોમેડીને ટેકો આપવા માટે કામ કરે છે. તેના પર સંપૂર્ણપણે હાવી થવા માટે નહીં. વાર્તામાં વધૂસુરની બેકસ્ટોરીને જે રીતે લોજિક સાથે સમજાવવામાં આવી છે તે પ્રશંસનીય છે. ભલે તે ‘ભૂલ ભુલૈયા’ જેવી અસર ન છોડી શકે પણ અક્ષયના ચાહકો માટે આ ફિલ્મ સોશિયલ મીડિયા પર સમય બગાડવા કરતા થિયેટરમાં જઈને જોવા જેવી છે.

        પ્રિયદર્શન ડરાવવા માટે ફક્ત ભયાનક દ્રશ્યો પર આધાર રાખવાને બદલે કેમેરા એંગલ અને પાત્રોની ચિંતા દ્વારા ભય પેદા કરે છે. તેમનું નિર્દેશન એ વાત પર ભાર મૂકે છે કે કોમેડી ફક્ત સંવાદોમાંથી જ નહીં પરંતુ પરિસ્થિતિઓમાંથી પણ ઉદભવવી જોઈએ. ‘ભૂત બંગલા’ એ ખૂબ જ નિષ્ઠાવાન પ્રયાસ છે. જેમાં પ્રિયદર્શનની ટ્રેડમાર્ક શૈલી ફિલ્મના ઓછામાં ઓછા અડધા ભાગમાં સ્પષ્ટ દેખાય છે. પ્રિયદર્શને ફરી એકવાર સાબિત કર્યું છે કે સાચો સ્વાદ જૂના ચોખામાં રહેલો છે. અક્ષયકુમારનો ‘વન મેન શો’ પ્રેક્ષકોને નિરાશ થવા દેતો નથી. જે દર્શકો લોજિક કરતા મનોરંજનને વધુ મહત્વ આપતા હોય એમણે આ ફિલ્મ એકવાર જોવા જેવી છે.

        ‘ભૂત બંગલા’ જોયા પછી એમ થશે કે પ્રિયદર્શનની ફિલ્મમાં લોજિક શોધવું એટલે ભૂત પાસે આધાર કાર્ડ માંગવા જેવું છે! બસ, મગજ ઘરે મૂકીને જાવ અને પેટ પકડીને હસીને આવો!