મારા અનુભવો - ભાગ 26 Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા અનુભવો - ભાગ 26

ધારાવાહિક:- મારા અનુભવો

ભાગ:- 26

શિર્ષક:- ધર્મપ્રચાર

લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ

રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની



🤷 મારા અનુભવો…

🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી

📚 પ્રકરણઃ…26. "ધર્મપ્રચાર"



સતત ઉત્સાહ રહે તો સારું પણ કોઈ ઉત્સાહ ભંગ થવાય અને તેમાંથી વિષાદ જન્મે તોપણ તેમાંથી કોઈ ગીતાનું પ્રાગટ્ય થઈ શકે. કાર્યની અક્ષમતાથી આવનારી નિષ્ફળતા કરતાં વૈચારિક વિસંવાદથી થનારી વિષાદવૃત્તિનાં પરિણામ જુદાં હોય છે. વૈચારિક વિસંવાદિતામાં ચિંતનની જાગૃતિ હોય છે. જાગ્રત ચિંતન પ્રાચીન માન્યતાઓનું પુનિરીક્ષણ કર્યા કરતું હોય છે. આ પુનર્નિરીક્ષણ નવીન પ્રકાશ માટેની ભૂમિકા સર્જતું હોય છે. ધર્માંધ કે મતાંધ માણસો આવી ભૂમિકાથી વંચિત રહી જતા હોય છે. ચારે તરફ હજારો સૂર્યો પ્રકાશિત થઈ રહ્યા હોય પણ તેમના અંદર બખ્તરબંધ મસ્તિષ્કમાં એક પણ પ્રકાશકિરણ પેસી શકતું નથી હોતું. મસ્તિષ્કનું બંધિયારપણું સૌથી ખરાબ હોય છે.




જે આશાએ મેં ગૃહત્યાગ કર્યો હતો તે આશા ઓગળવા માંડી હતી. સાધુસમાજનું કલ્પનાતીત નવું રૂપ સામે આવતું જતું હતું. મને લાગતું હતું કે આ મશીનનો સ્ક્રૂ મારાથી થઈ શકાશે નહિ. એટલે હું એકલો અત્યંત વિષાદ તથા અનિશ્ચિતભાવથી આમતેમ આથડ્યા કરતો હતો. કોઈ કોઈ વાર પ્રસિદ્ધ અને મોટા ગણાતા પુરુષો પાસે પણ જતો – મળતો પણ મારું સમાધાન ન થયું. સમાધાન ન થવામાં મારો પણ દોષ હતો.




વૈચારિક અશાન્તિ ચિંતનની ભૂમિકા છે. તે જેટલા પ્રમાણમાં તીવ્ર તેટલા જ પ્રમાણમાં ચિંતન પણ તીવ્ર થઈ શકે. જેને વૈચારિક અશાંતિ થઈ જ નથી તે ચિંતક થઈ શકતો નથી હોતો. તે સમયમાં મારી અશાંતિની જડ હતીઃ’મારું જીવન વ્યર્થ છે. હું ભારરૂપ છું. મારે સાધુપણું છોડી દેવું જોઈએ.' વગેરે.અસંખ્ય સંપ્રદાયો, અસંખ્ય રીતરિવાજો, અસંખ્ય પ્રકારના સાધુઓ – આ બધાનો જેમ જેમ અનુભવ વધતો ગયો તેમ તેમ સાધુપણા પ્રત્યેનું આકર્ષણ ઘટતું ગયું. પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ તે સમયે દેશના સાઠ લાખ સાધુઓની ખૂબ આલોચના કરતા. તેમની આલોચનાથી સાધુસમાજ ઉગ્ર થઈ ઊઠતો. પણ મને લાગતું કે તે સાચું કહી રહ્યા છે. હું મને પોતાને પણ એ જ સાઠ લાખમાંનો એક ગણતો હતો. લાંબા સમયની ગડમથલ પછી અંતે મને એક માર્ગ સૂઝ્યો, મહાત્મા ગાંધી તથા આચાર્ય વિનોબા ભાવેનો પ્રભાવ ત્યારે પ્રજા પર ફરી વળ્યો હતો. 'જે કામ કર્યા વિના ખાય છે તે ચોર છે.' તેવું સૂત્ર વારંવાર મારા મનમાં ઘોળાયા કરતું. મને થતું કે હું કાંઈક કામ કરું. કાંઈક ઉપયોગી થાઉં. પણ પછી પ્રશ્ન થતો, શું કરીશ ? આ દેશમાં સાધુ પાસે લોકો કામ કરાવવાનું પસંદ કરતા નથી. અંતે એક દિવસ મેં નિર્ણય કર્યો – મારે ધર્મપ્રચાર કરવો. લોકોને સાચા ધર્મની સમજણ આપવી તથા અંધશ્રદ્ધાથી મુક્તિ આપવી. પણ ધર્મપ્રચાર માટે પણ વિદ્વત્તા જોઈએ. તે તો મારી પાસે હતી નહિ. તો કરવું શું ? હું એકલોઅટૂલો મારા પોતાના જ પ્રશ્નો સાથે ઝઝૂમી રહ્યો હતો. જો હું કોઈ મહંત-મંડલેશ્વરનો શિષ્ય થઈને કોઈ મઠ-મંદિર સંભાળવા બેસી ગયો હોત તો આવા કોઈ પ્રશ્નો થવાના હતા જ નહિ. પણ ઈશ્વરની કાંઈક જુદી જ ઇચ્છા હશે. મને એ તરફ કદી રસ થયો જ નહિ.




ધર્મપ્રચારની શરૂઆત મેં ચાંદણકી નામના ગામથી કરી. બહુચરાજીથી પગે ચાલીને હું આ ગામ પહોંચ્યો અને ગામના આગેવાનોને કહ્યું કે પાંચ દિવસ મારે ધર્મપ્રચાર કરવો છે. લોકો તૈયાર થઈ ગયા. સાંજે સભા થઈ. મૈં રામાયણ ઉપર કાંઈક કહ્યું અને સૌ વીખરાયા. મને યાદ છે ત્યાં સુધી મોહનભાઈ નામના કોઈ અત્યંત ભલા માણસે મને પ્રવચનમાં શું-શું સુધારો કરવાની જરૂર છે તે એકાંતમાં સમજાવ્યું. તેમની સલાહથી મને ફાયદો થયો. સૌ પ્રસન્ન હતા. બીજા દિવસે વધુ સારું પ્રવચન થઈ શક્યું. પાંચ દિવસ રહીને હું વિદાય થયો. સૌ પ્રસન્ન હતા. ચાંદણકીથી જાલીસાણા, ત્યાંથી સોલગામ અને ત્યાંથી હું રીબડી પહોંચ્યો. આ બધાં ગામોમાં મને સારો ભાવ, મળ્યો, તથા પ્રત્યેક દિવસના અનુભવ પછી પ્રવચન પણ સુધરતાં ગયાં. આવી રીતે ફરતાં ફરતાં હું પાટડી પહોંચ્યો.




આભાર

સ્નેહલ જાની