મારા અનુભવો - ભાગ 25 Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા અનુભવો - ભાગ 25

ધારાવાહિક:- મારા અનુભવો

ભાગ:- 25

શિર્ષક:- હતાશા

લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ

રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની




🤷 મારા અનુભવો…

🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી

📚 પ્રકરણઃ…25. "હતાશા"




કુંભમેળો જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે સ્વામીજી સાથેની આ કુંભમેળાની ઘટના વાંચી હશે. હવે આગળ વાંચીએ.





બહુ જ ગમગીનીમાં કુંભમેળો પૂરો થયો. સૌ વીખરાવા લાગ્યાં. અમે પણ ટ્રેન દ્વારા સ્વામીજીના આશ્રમે પાછા ફરી રહ્યા હતા. સાથે એક-બે ગૃહસ્થકુટુંબ પણ હતાં. માર્ગમાં રતલામ સ્ટેશને અમારો અતિ વધુ પડતો સામાન જોઈને ચેકરે વજન કરવા માગ્યું. તેમાં ઝઘડો થયો. સ્વામીજીની ઉગ્રતા ફરી પારો વટાવી ગઈ. પોતાની શિષ્યાને એક ચપ્પુ આપવા જણાવી તે ચેકરઉપર હુમલો કરવા તૈયાર થઈ ગયા. શિષ્યાએ ચપ્પુ ન આપ્યું એટલે સારું થયું. અંતે ચાર-પાંચ ચેકરો ભેગા થઈ ગયા. અને બધા સામાનનું વજન કરી પૂરા પૈસા વસૂલ કર્યા. આ ઘટનાએ ફરી પાછો મારા મનને ધક્કો માર્યો. ધર્માનંદજી તો પ્રથમ ઘટનાના દિવસે, અરે, દીક્ષાના દિવસે જ ચાલ્યા ગયા હતા. પણ હું ધીરજ રાખીને વધુ અનુભવ કરવા માગતો હતો. મને થયું, આ વ્યક્તિથી મારું કલ્યાણ થવાનું નથી. તોપણ હજી હું થોડી વધુ ધીરજ રાખવા માગતો હતો, અમે તેઓના ‘ઘર-ટાઇપ' આશ્રમે પહોંચ્યા. ઘર-ટાઇપ એટલા માટે કે તે ખરેખર ઘર જ હતું. કોઈની પાસેથી વેચાતું લીધેલું, તેના ઉપર આશ્રમ નામ ચડાવી દીધેલું. અહીં પંદર-વીસ દિવસ હું રહ્યો. પણ ફરી એક ઘટનાએ મને કાયમી રીતે સંબંધ છોડાવી દીધો.



બન્યું એવું કે પેલાં શિષ્યાબહેન, તેમના વૃદ્ધ પતિ તથા બાળકો પણ ત્યાં રોકાયાં હતાં. એક દિવસ બહુ જ નાની બાબતમાં અહીં-ત્રણ વર્ષના બાળકને એટલું માર્યું કે તેનાથી પેશાબ થઈ ગયો. પેલી બહેન તો કાંઈ ન બોલી પણ તેના પતિથી સહેવાયું નહિ. તેણે પોતાના બાળકને ન મારવા જણાવ્યું. બસ પછી તો ક્રોધ બાળકથી ખસીને પેલા વૃદ્ધ પતિ તરફ વળ્યો. બન્ને વચ્ચે તું…તું…મેં…મેં…થઈ ગઈ. પેલી શિષ્યાએ પોતાના પતિનો પક્ષ ન લેતાં સ્વામીનો પક્ષ લઈ પતિને દબડાવ્યા. આ ઘટનાએ મને ઝકઝોળી દીધો. મને થયું કે અહીં રહેવાનો કશો અર્થ નથી. તે જ દિવસે સાંજે કશું કહ્યા વિના હું ચૂપચાપ પહેરેલા કપડે જ ચાલી નીકળ્યો.



કુંભમેળામાં બહુ મોટી આશા લઈને હું ગયો હતો, પણ મારી આશા ઊલટી ફળી હતી. જોકે મને લાગે છે કે તેમાં ભૂલ મારી હતી. મારી કાચી ઉંમર તથા કેટલાક પૂર્વગ્રહોયુક્ત માપદંડ લઈને હું દુનિયાને માપવા નીકળ્યો હતો. કદાચ પરમાત્મા મને વધુ અનુભવો કરાવવા માટે પણ આવી ઠોકરો ખવડાવતો હશે.


ઘણી લાંબી મજલ કાપીને ડભોઈની રેલવે લાઇન ઉપરના કોઈ ગામમાં હું રાત રોકાયો હતો.


આ પછી કેટલોક સમય અકિંચનરૂપમાં હું ફરતો રહ્યો. મને કશી સૂઝ પડતી ન હતી કે મારે શું કરવું ? મોક્ષપ્રાપ્તિ માટે મેં ગૃહત્યાગ કર્યો હતો, પણ હવે તેની પ્રબળતા ઘટવા લાગી હતી. મેં જે સાધુસમાજને નજીકથી જોયો હતો તેમાં શ્રદ્ધા કરતાં અશ્રદ્ધા જન્માવે તેવો વર્ગ વધુ હતો.



લક્ષ્યહીન થઈને સૂઝ-સમજ વિના હું કેટલોક સમય આમતેમ ફરતો રહ્યો. આ દિવસો માનસિક અકળામણના હતા. મને થયા કરતુંઃ મારું જીવન વ્યર્થ છે તથા હું ભારરૂપ થઈને જીવી રહ્યો છું. મને રહી રહીને પ્રશ્ન થતો- લોકો પાસેથી અન્ન તથા વસ્ત્રો લેવાનો મને શો અધિકાર છે ? હું કોઈના કશા કામમાં તો આવતો નથી. લક્ષ્યહીનતાથી વ્યક્તિમાં એક પ્રકારની રિક્તતા ઉદ્ભવે છે. આ રિક્તતા માણસને ઉત્સાહહીન અને તેજહીન બનાવી દેતી હોય છે. મારી સ્થિતિ આવી થઈ ગઈ હતી. ગૃહત્યાગ વખતે જે આશા હતી અને તેના કારણે જે ઉત્સાહ હતો તે કુંભમેળો જોયા પછી તથા દીક્ષાવાળા અનુભવો પછી ઓસરવા લાગ્યો હતો.



આભાર

સ્નેહલ જાની