મારા અનુભવો - ભાગ 24 Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા અનુભવો - ભાગ 24

ધારાવાહિક:- મારા અનુભવો

ભાગ:- 24

શિર્ષક:- હાહાકાર

લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ

રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની





🤷 મારા અનુભવો…

🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી

📚 પ્રકરણઃ…24. "હાહાકાર"




ધર્મ એટલે પ્રકાશ, ઉચ્ચ જીવન માટેનું પ્રેરણાબળ, શક્તિશાળી વ્યક્તિઓ દ્વારા શક્તિહીન વ્યક્તિઓનું શોષણ રોકાવનારું નિયંત્રક બળ. જો એમાંથી કાંઈ પણ પ્રાપ્ત ન થતું હોય તો, ધર્મ માનવજીવનને ગૂંગળાવનારું અને લડાવી મારનારું અનિષ્ટ પણ થઈ જતું હોય છે. ધર્મના નામે જેટલા કલહ થયા તેટલા પૈસાના માટે નથી થયા. ધનકલહ શમાવી દેવો કઠિન નથી હોતો, પણ ધાર્મિક ઉન્માદને સમાવવો અત્યંત કઠિન હોય છે. ધર્મપ્રચારના નામે મોટા ભાગે પ્રચારકો સંકીર્ણતા તથા અમાનવતાનો પ્રચાર કરતા હોય છે. મારો વિશ્વાસ છે કે જ્યાં ધર્મપ્રચારકો પહોંચ્યા નથી હોતા ત્યાંની પ્રજામાં ધાર્મિક પ્રશ્નો નથી હોતા. સૌ સંપીને રહેતા હોય છે. ધર્મપ્રચારકો સર્વપ્રથમ તો પોતાના અનુયાયીઓને બીજાથી જુદા થવાનું શિખવાડે છે. પછી બીજા પ્રત્યે ધિક્કાર ફેલાવવા બીજાના ધર્મોને નિંદિત સિદ્ધ કરે છે. તેમને આ લોક કરતાં પરલોકની વધુ ચિંતા હોય છે. એટલે પરલોકના નામે પણ ઝઘડા કરાવે છે. બેશક, કેટલાક ઉચ્ચ ભાવનાવાળા સાચા માનવતાવાદી પ્રચારકો પણ હોય છે. પણ તેમના કરતાં પેલા વાડાબંધી કરનાર વધુ સફળતા મેળવતા હોય છે. ઘણી વાર તો સારા પ્રચારકોને પેલા બજરઘંટો દ્વારા સહન પણ કરવું પડતું હોય છે.





કુંભમેળાનું મુખ્ય લક્ષ્ય સ્નાન અને સ્નાનનું મુખ્ય આકર્ષણ પેલી ‘શાહી’ અને શાહીનું આકર્ષણ સ્નાન કરવા જતા તદ્દન દિગંબર થઈ ગયેલા સાધુઓ. દિગંબર થઈ ગયેલા એટલા માટે કે બાકીના સમયમાં એ વસ્ત્રો પહેરતા હોય છે. માત્ર સ્નાન કરવા જતી વખતે જ આવું રૂપ ધારણ કરતા હોય છે. એવું લાગે છે કે ભારતમાં ઘણા પ્રાચીન સમયમાં કોઈ નગ્નતાવાદી પંથ હશે. જૈનોમાં તો દિગંબર પંથ છે જ, પણ તેમના સાધુઓ હંમેશાં જ દિગંબર રહે છે. સૂતરનો તાંતણો પણ રાખતા નથી.





મોક્ષ માટે સર્વત્યાગ કરવો જરૂરી છે એવી માન્યતા હતી અને આજે પણ ઘણી જગ્યાએ છે. સર્વસ્વમાં વસ્ત્રો પણ આવી ગયાં. જોકે લક્ષ્મીનો ત્યાગ તો ઘણા કરતા હોય છે. પણ વસ્ત્રોનો ત્યાગ કરવા અને ન-કરવા પક્ષે પોતપોતાની દલીલો છે. આજે મને એમ લાગે છે કે પૈસાને ન પકડનાર પણ પૈસાદારને તો પકડતા જ હોય છે. પૈસો એ જીવનની અનેક વાસ્તવિકતાઓમાંની એક વાસ્તવિકતા છે. સ્થૂલ ત્યાગ કરીને પણ માણસ ખરેખરો ત્યાગ નથી કરી શકતો. તેની જરૂર પણ નથી. જો ખરો ત્યાગ જ જોવો હોય તો વાંદરા વગેરે પશુઓમાં જોઈ શકાય છે. તે નથી પૈસાને પકડતાં કે નથી પૈસાદારને પકડતાં. પેટ સિવાય તેમને કશી જ આવશ્યકતા નથી હોતી. પણ આપણે રાગનો બીજો છેડો ત્યાગ પસંદ કર્યો, તેને કઠોર બનાવાયો, પછી તેમાં પાછા અપવાદ મુકાયા. આ બધા દ્વારા સહજ જીવનને વિકૃત કરી નંખાયું.





મારા પોતાના અનુભવથી કહી શકું કે જેટલો નિઃસ્પૃહતાથી લક્ષ્મીનો ઉપયોગ કરનાર સુખી થાય છે તથા સુખ આપે છે તેટલો લક્ષ્મીના અસ્પર્શમાં મોહ રાખનાર નથી થતો. હા, આવી સ્થૂળતાથી લોકો પ્રભાવિત થાય છે. લોકોને પ્રભાવિત કરવા જે જીવનપદ્ધતિ અપનાવાતી હોય છે તેથી આંતિરક વિકાસની સાધના નથી થઈ શકતી હોતી. આ જ કારણસર આપણા સ્થૂલ ત્યાગીઓ નથી ત્યાગનું સુખ ભોગવી શકતા કે નથી જનતાને સાચું માર્ગદર્શન આપી શકતા. કેટલીક વાર તો એ જ લોકો પોતાની ઇચ્છાઓ પૂરી કરવા પૈસાદાર માણસોને પૈસો ખર્ચવા દબાણ પણ કરતા હોય છે. તેથી એમ નક્કી થયું કહેવાય કે સારા કામ માટે પૈસાની જરૂર છે જ. તેવું કામ કરવામાં પૈસાને વાપરવો કે વપરાવવો તે ખોટું નથી. ધર્મને રૂઢ આચારોમાંથી વિવેકપૂર્વક યથાયોગ્ય નિયમોમાં વાપરવામાં ન આવે તો ધર્મ દ્વારા પ્રજા જડતાનો શિકાર થઈ જતી હોય છે.





તે દિવસે કુંભમેળામાં એક એવી ઘટના ઘટી કે હાહાકાર મચી ગયો. બન્યું એવું કે પ્રયાગરાજની આજુબાજુથી મોટા પ્રમાણમાં ગ્રામીણ વસ્તી સ્નાન કરવા ઊતરી પડી. આ ગરીબ માણસો પોતપોતાનાં પોટકાં લઈને ત્રિવેણીસંગમ જતા રસ્તાની આજુબાજુ જ્યાં જ્યાં જગ્યા મળી ત્યાં ત્યાં બેસી ગયા. આખી રાત હેમાળી ઠંડીમાં કોઈ ભજન ગાતાં હતાં તો કોઈ ઊંઘની ઝપકી લગાવતાં હતાં. તેમની જેટલી વિશાળ ગરીબી હતી તેટલી જ વિશાળ તેમની ભાવના પણ હતી. સ્નાન કરવાનો ઉમળકો સૌને હતો.





સવારમાં નિયમ પ્રમાણે પ્રથમ અખાડો વાજતેગાજતે ત્રિવેણીસંગમ તરફ વિદાય થયો. મેળાના પ્રબંધકે એવો પ્રબંધ કરેલો કે એક અખાડો સ્નાન કરીને પાછો વળે અને બીજા માર્ગેથી આગળ નીકળી જાય એટલે તેના પછીનો અખાડો સ્નાન કરવા પહોંચે તે પછી તેવી જ રીતે ત્રીજો, ચોથી, પાંચમો એમ વારાફરતી આવે ને બીજા માર્ગે પાછા જાય. પ્રબંધ સારો હતો. પણ ત્રણ કારણોએ હાહાકાર મચાવી દીધોઃ ૧. સાંકડા માર્ગો, ૨. નિર્ધારિત સમયની મર્યાદાનો ભંગ, ૩. પોલીસની ન્યૂનતા.





બન્યું એવું કે જે અખાડો સ્નાન કરવા ત્રિવેણીસંગમમાં પહોંચ્યો, તેણે થોડી વધુ વાર લગાડી દીધી. તેની પાછળ આવતા અખાડાને પોતાનો સમય વીતી જતો જોઈને ઉગ્રતા થાય તે સ્વાભાવિક જ છે. જે પાછા વળવાનો જુદો માર્ગ યનો તે ઠેઠ ત્રિવેણીસંગમથી જ નહિ પણ આવેલા માર્ગે જ પાછા આવીને પછી ફંટાતો હતો. એટલે જ્યાં માર્ગ ફંટાવાનું જંકશન હતું ત્યાં પોલીસે બીજા નંબરના અખાડાને અટકાવી રાખ્યો. બરાબર એ જ દિવસ અને એ જ સમયે જવાહરલાલ  નેહરુ આવ્યા હતા. તેમની વ્યવસ્થામાં પોલીસનો કેટલોક ભાગ ગયો હતો. એટલે અહીં આવશ્યકતા કરતાં ઓછી પોલીસ હતી. આવી ઘટના ઘટી જરો તેવી તો કોઈને કલ્પના પણ ન હતી. ઘટના ઘટ્યા પછી સલાહસૂચનો આપવાં સરળ હોય છે, પણ ઘટનાની આગાહી કરવી સરળ નથી હોતી.




અફાટ માનવમેદની જમા થઈ ગઈ હતી અને પ્રતિક્ષણ આકુળતા વધી રહી હતી. પાછો વળી રહેલો અખાડો આગળ વધી શકતો ન હતો કારણ કે માનવમેદનીનો પ્રાચંડ ભરાવો હતો. બીજી તરફ સ્નાન કરવા આગળ વધવા ઇચ્છતો બીજો અખાડો પણ અટકીને ઊભો હતો. તેની પાછળ પણ માનવમેદની સમુદ્રનાં મોજાંની માફક ઉછાળા લઈ રહી હતી. ઘોડેસ્વાર પોલીસના માણસો પણ લાચાર બનીને ફસાઈ ગયા હતા. જે મંડલેશ્વરો મોટરગાડીમાં બેસીને સ્નાન કરવા આવ્યા હતા તેમની ગાડીઓ એક તસુ પણ આગળ વધતી ન હતી. કેટલાક તો મોટર ઉપર પણ ચડી ગયા હતા. બાળકોવાળી સ્ત્રીઓની દશા તો બહુ જ ખરાબ હતી. માણસો વલોવાઈ રહ્યાં  હતાં. વૃદ્ધો, રોગીઓ, ભિખારીઓ વગેરે સૌકોઈ એવાં ફસાયાં હતાં કે પોતાની ઇચ્છાથી પાંચ ફૂટ પણ આગળપાછળ જઈ શકાતું ન હતું. અધૂરામાં પૂરું સ્નાન કરીને નીતરતા વસ્ત્ર લોકો બહાર નીકળતાં એટલે દૂર દૂર સુધી જમીન કાદવ જેવી ચીકણી થઈ ગઈ હતી. લોકોના પગ લપસી રહ્યા હતા.




આવી કપરી સ્થિતિમાં કોઈ કારમી ઘડીએ અફવા ફેલાઈ. ભાગો ભાગો…નાગાબાવાઓ લાઠીઓ મારે છે. ખરેખર આવું કશું થયેલું નહિ એકાદ કોઈને થયેલું કે લાવ, લાઠીને ચક્કર ચક્કર ફેરવું જેથી જગા થાય પણ અફવા જોરથી ફેલાઈ ગઈ અને વલોવાતી પ્રજામાં ભારે નાસભાગ મચી ગઈ. જે પડ્યો એ ઊભો ન થઈ શક્યો. એક ક્ષણમાં તો કેટલાય માણસો આઘાંપાછાં થઈ ગયાં. મુશ્કેલી એ હતી કે ભાગવા માટે ન તો આગળ જગ્યા હતી કે ન પાછળ જગ્યા હતી. લોકો સમજ્યા વિના કોઈ આગળ તો કોઈ પાછળ ભાગવા ધક્કામુક્કી કરી રહ્યાં હતાં. ક્યાં શું થઈ રહ્યું છે તેની પણ પૂરતી ખબર ન હતી. માણસોના ઉપર માણસોનો રોલર ચાલી રહ્યો હતો. ભયંકર ચીસો, બૂમો, કરુણાભર્યું આનંદ અને હોહા મચી ગઈ હતી. પતિથી પત્ની પાંચ જ ફૂટ દૂર હોય પણ તેનો હાથ ન પકડી શકે. દેખતાં દેખતાં તે ગબડી પડે અને ધમરોળાઈ જાય. બાળક નીચે પડી જાય. અરે, એક જ વસ્ત્ર પહેરીને સ્નાન કરવા આવેલી સ્ત્રીનું વસ્ત્ર ખસી જાય પણ તેને સરખું ગોઠવી ન શકાય. ક્ષણો એટલી ભયંકર તથા ત્રાસદાયી હતી કે તેનું વર્ણન કરવું કઠિન છે. સરકારી આંકડા પ્રમાણે માત્ર અડધા કલાકમાં એ સ્થળમાં પાંચસો માણસો કચડાઈ મર્યાં. તેમનાં વિકૃત તથા ચૂંથાઈ ગયેલાં મડદાં જોનારને કમકમાં આવી જાય. બિનસરકારી અંદાજ પ્રમાણે કચડાઈ મરનારનો આંકડો ઘણો મોટો હતો. આખા મેળામાં કરુણા છવાઈ ગઈ. જેમ સર્વત્ર બને છે તેમ થોડા દિવસ એકબીજા ઉપર દોષારોપણનું કામ થતું રહ્યું અને અંતે ભુલાઈ ગયું.





આ જ સમયે અમારા કૅમ્પમાં જે થયું તેની નોંધ પણ લેવા જેવી છે. ગુજરાતી યાત્રાળુઓને લઈને મારે સ્નાન કરાવવા જવાનું હતું, સૌનો આગ્રહ ત્રિવેણીસંગમ આગળ સ્નાન કરવાનો હતો, પણ મારી ઇચ્છા સામેના કિનારે સ્નાન કરાવવાની હતી. કોઈ અંતઃપ્રેરણા જ સમજો કે હું લોકોને ખૂબ સમજાવીને જ્યાં લોકોનો કચ્ચરઘાણ નીકળ્યો ત્યાં નહિ પણ તેના સામા કિનારે જ્યાં ખાસ ભીડ ન હતી ત્યાં નાવ દ્વારા લઈ ગયો. ઘણા લોકોને આ ગમ્યું નહિ. તેમને તો ખરા ત્રિવેણીસંગમમાં જ સ્નાન કરવું હતું. મેં તેમને સમજાવ્યા કે જળ જુઓ. અહીં પણ એ જ સંગમ છે, જે સામા કિનારે છે. થોડા અસંતોષ સાથે સૌ નાહ્યાં પણ જ્યારે ખ્યાલ આવ્યો કે સામા કિનારે તો કચ્ચરઘાણ નીકળી ગયો છે, ત્યારે મારો આભાર માન્યો. ખૂબ રાજી થયા.





કચરાઈ મ૨ના૨ માટે ન કચરાયેલાં માનતાં હતાં કે તેમનો મોક્ષ થઈ ગયો. ખબર નહિ કેટલી સદીઓથી અવારનવાર આવો મોક્ષ અપાતો આવતો હશે! આવી ઘટનાઓમાંથી સ્થાયીરૂપમાં આપણે કશો જ બોધપાઠ લેતા નથી.




નોંઘઃ-

(૧) ઈ. ૧૩૮૯માં બાદશાહ તૈમૂર લંગે મેળાને લૂંટેલો તથા કત્લેઆમ ચલાવેલી, જેમાં અસંખ્ય માણો માર્યાં ગર્યાં હતાં.

(૨) ઈ. ૧૭૬૦ના કુંભમેળામાં નાગા અને વૈરાગી સાધુઓના સંઘર્ષમાં બાર હજાર માણસો મરાયાં હતાં. ઇતિહાસવેત્તા સ૨ જદુનાથ સરકારના મત પ્રમાણે લગભગ અઢાર હજાર માણસો માર્યાં ગયેલાં.

(૩) ઈ. ૧૭૮૩માં કુંભમેળામાં કૉલેરાની મહામારીથી બે હજારથી વધુ માણસો મરી ગયેલાં.

(૪) ઈ. ૧૭૯૬માં અંગ્રેજ કૅપ્ટન હાર્ડવિકની હાજરીમાં હરિદ્વારમાં આવું જ યુદ્ધ થયેલું, જેમાં પણ અસંખ્ય માણસો માર્યા ગયેલાં.

(૫) ઈ. ૧૭૯૮માં શીખ ઘોડેસવાર સેના તથા સાધુઓ વચ્ચે થયેલા સંઘર્ષમાં બંને પક્ષે ઘણાં માણસો માર્યાં ગયેલાં તથા ઘાયલ થયેલાં.

(૬) ઈ. ૧૮૧૯માં હરની પૈડીમાં નાસભાગમાં ૪૩૦ માણસો માર્યાં ગયેલાં.

(૭) ઈ. ૧૯૨૭માં પણ સેંકડો માણસો માર્યાં ગયાં. આ મેળામાં મહાત્મા ગાંધી પણ આવેલા.

(૮) ઈ. ૧૯૩૮માં આગ લાગવાથી તથા કૉલેરાથી ઘણાં માણસો માર્યાં ગયાં.

(૯) ઈ. ૧૯૫૦ – આ મેળામાં પણ પ૦૦થી વધુ માણસો માર્યા ગયાં.

(૧૦) ઈ. ૧૯૫૪ – આ મેળામાં સરકારી આંકડા પ્રમાણે પાંચસો માણસો ભીડમાં દબાઈ માર્યાં ગયાં. લેખક આ મેળામાં હાજર હતાં. મરનારનો આંકડો, સામાન્ય રીતે ચૌદસોનો બોલતો હતો.




આભાર

સ્નેહલ જાની