૬
મોડાસાનો દુર્ગપતિ
‘મહારાજ! મને આ સ્વપ્નમાં, આ રેત સમંદરમાં, સંધ્યાટાણે એક સવાર આવતો દેખાયો.
‘એકલદોકલ, થાકેલો, હારેલો, ચીંથરેહાલ, પોતાના એવા જ થાકેલા, હાંફેલા, મરવાના વાંકે જીવતાં, કેવળ હાડકાના હોય એવા, એક મુડદાલ ઘોડા ઉપર એ સવારી કરીને આવી રહ્યો હતો! આવું ભયાનક સ્થળ હતું, નમતી સંધ્યા હતી. અને એ એકલો આવી રહ્યો હતો. એ સવારી કરીને આવી રહ્યો હતો એમ પણ શું કહેવું? એ પોતાની છાતી ઉપર માથું ઢાળીને, ઘોડાની લગામને છોડી દઈને, રેસ્ટ સમંદરના એ ભયંકર રણમાં, અનેક સુક્કાં ઠૂંઠાંઓની વચ્ચે નિર્જીવ શુષ્ક રેત-ખડકોની વચ્ચે. જાણે કોઈ સ્થળે – ગમે તે સ્થળે, અટકી જવા માટે, ઢળી જવા માટે, ધરતીમાતાને ખોળે, મહારાજ! લેટી જવા માટે, પોતાના ઘોડાને જેમ જાય તેમ જવા દેતો હોય એમ જણાતું હતું! સવારમાં ઘોડાને રોકવાની તાકાત ન હતી. ઘોડામાં ચાલવાની શક્તિ ન હતી. ચારે તરફથી સંધ્યા નમતી આવતી હતી. આછાં અંધારાં દોડતાં આવી રહ્યાં હતાં. જીવનસંધ્યાની છેલ્લી પળો જેવી એ પળો લાગતી હતી. એ ઘોડેસવાર ધીમે ધીમે આવતો, એક ઠેકાણે આવીને થોભી ગયો. અને ત્યાં એનું છાતી ઉપર માથું, વધારે ને વધારે નીચું ઢળતું ગયું. અને પછી મહારાજ! એ ત્યાં ઢળી પડ્યો! એનો ઘોડો પણ ત્યાં જ ઢળી પડ્યો.’
‘સ્વપ્ન પૂરું થયું, રાણીજી! કોણ હતો એ? કોણ હતો એ? કોના જેવો લાગતો હતો?’
રાણીએ શાંત મક્કમ અવાજે જવાબ આપ્યો:
‘મહારાજ! પાટણની ગાદીના રાજાધિરાજને કોણ ન ઓળખે? બીજું કોઈ ત્યાં ન હતું, મહારાજ! સ્વયં મહારાજને મેં આ પ્રમાણે રેતરણમાં ઢળી પડતા જોયા! અને હું એ જોઇને...’
રાણી આટલું બોલતાં ક્ષુબ્ધ થઇ ગઈ, તે આગળ બોલી શકી નહિ.
કરણરાય ખરેખર ચમકી ગયો, પણ એક જ પળમાં એ પાછો સ્વસ્થ થઇ ગયેલો જણાયો. પોતે જોયેલ સ્વપ્નના પ્રમાણમાં આ કાંઈ જ ન હતું.
એટલી વારમાં કૌલાદેવી ધીમેથી સ્વસ્થતા મેળવી રહી હતી; તે શાંતિથી બોલી: ‘પણ મહારાજ! મેં જોયું તે આટલું જ ન હતું. મહારાજને સ્વયં ત્યાં ઢળતા જોઇને, જ્યાં હું મોટેથી બૂમ પાડવા જાઉં છું, ત્યાં તો એ રેતસમંદરમાં એકએક હરિયાળી ભોં પ્રગટી. એક જ ક્ષણમાં ત્યાં ભાતભાતના ફૂલછોડ આવ્યા. સ્વર્ગલોકની અપ્સરાઓને હંફાવે એવી સ્ત્રીઓ દેખાણી. અને ત્યાં પાટણના રાયના અજબ જેવા રાસડા શરુ થયા! એના, ગિરીકંદરામાથી આવતા પદછંદાએ દિશાઓ ગાજી ઊઠી. જે રાય અણનમ રહ્યા હતા, જેણે અલાદીયા ખૂની જેવાના હજારોના સેનની સામે એકલે હાથે પણ મચક આપી ન હતી, જેણે અણનમ રહીને ભયંકર નિર્માણની સામે પણ, રજપૂતીને ઉજ્જવલ કરી બતાવી હતી, પાટણના એવા રાયના નામના ત્યાં રાસડાઓ ઊપડતા હતા! હું એ સાંભળી જ રહી મહારાજ!
‘અને એટલામાં મારી નિંદ્રા ઊડી ગઈ.
‘મારે તમને મહારાજ! આજે આ કહેવાનું હતું. એટલે હું એ કહેવા આવી હતી. મહારાજ આંહીં જે નિર્ણય લે, તેમાં અમને કાંઈ જ ન ગણે. શૂરવીરમાં શૂરવીર ડગે છે, એની સ્ત્રી માટે, એનાં બાળક માટે. ન કરે નારાયણ ને તુરુષ્કને કુમતિ સૂઝે, આંહીં આવે, જુદ્ધમાં વખતે નિર્માણ આવે તો અમને મા-દીકરીને હણીને પણ રજપૂતીનો રંગ જેવો છે તેવો મહારાજ રાખે! મારે એ કહેવાનું હતું, મહારાજ! અને મેં કહી દીધું. આ બધી વાત ખોટી ઇન્દ્રજાલ હોય તો ભલે. સાચી હોય તોપણ ભલે!’
કૌલાદેવીની વીરવાણીને સાંભળતાં જ કરણરાયને એક રોમાંચકારી હર્ષાનુભવ થયો. પોતે રાણીને વાત કહી શક્યો ન હતો, પણ રાણીએ તો એ કહી દીધી હતી. રાજપૂતી ગમેતેવા કપરા સંજોગોમાં પણ ન ડગે માટે જ એણે આ કહી દીધું હતું. રાણીની તેજસ્વિતા એ નિહાળી રહ્યો.
મહારાણી કૌલાદેવીનો હાથ હાથમાં લેવા માટે એ આગળ વધ્યો. એટલામાં સોઢલજીને બે હાથ જોડીને આવતો એણે જોયો.
‘મહારાજ! બત્તડજી આવ્યા છે,’ સોઢલજી આવતાંવેંત બોલ્યો.
‘બત્તડજી? એ તો મોડાસેથી કેમ આવ્યા છે? કાંઈ ખબર?’ કરણરાયે ઉતાવળે જ પૂછ્યું.
‘દુર્ગપતિ કાંઈ બોલ્યા નથી, પણ મહારાજને ઉતાવળે મળી લેવા માગે છે.’
‘અત્યારે? તો-તો જલ્દી બોલાવ, કંઈક વાત હોવી જોઈએ. અમસ્તા અત્યારે આવે નહિ.’
સોઢલ નમીને ગયો ને થોડી વારમાં પાછો ફર્યો. તેની સાથે એક ઊંચો, કદાવર, પાંચ હાથ પૂરા થાય તેવો, ઉગ્ર, કોઈ મોટા ડુંગરના ભીષણ ઊંચા ખડક જેવો, માણસ ત્યાં આવી રહ્યો હતો. એના ચહેરા ઉપર કડકાઈભરેલી હઠીલી રેખાઓનો કોઈ સુમાર ન હતો. એના જાડા, ટૂંકા વાળ એણે પાઘડીમાં ઢાંક્યા હતા. કેડે એક જાદુ લૂગડું વીંટ્યું હતું. તેના કમરબંધમાથી છેક પગ સુધી એક ભયંકર લાંબી કૃપાણ લટકતી હતી. એના હાથમાં મોટો વાંસડા જેવો ભાલો હતો. તે ત્યાં આવીને ઊભો. અને બધી જ વસ્તુઓ જાણે નાની થઇ ગઈ!
મહારાણી બત્તડજીને જોઈ જ રહી. એણે એની વીરતા વિષે ઘણું સાંભળ્યું હતું. પણ આજે એણે એને પ્રત્યક્ષ જોયો. કોઈ જગ્યાએ લેશ પણ મુલાયમતા આ માણસમાં દેખાતી ન હતી. એની ચામડી જાડી હતી, વાળ ટૂંકા ને રુક્ષ હતા. હોઠ જાડા હતા. હાથપગ જાણે પથરા સાથે ઘસી ઘસીને બનાવ્યા હોય તેવા કઠણ લોઢા જેવા હતા. એના બાવડાની તાકાત વિષે એનો જબ્બર ભાલો પણ ઘણું કહી દેતો હતો. તેણે મહારાજ કરણરાયને બે હાથ જોડીને નમસ્કાર કર્યા. અને પછી એટલાથી પોતાને સંતોષ ન થયો હોય તેમ, એ મહારાજના પગ પાસે નીચે નમવા આગળ વધ્યો.
એના ભાલાની અણીથી બચવા મહારાણી કૌલાદેવી બે ડગલાં પાછળ હઠી.
રાજાના પગ પાસેથી ઊભો થતો બત્તડ બોલ્યો: ‘એમ નો લાગે મહારાણીબા! આ બધા પાળેલ છે. જે વખતે જે કામ કહો તે વખતે તે કામ આપે. બીજું ન આપે.’ એની વાણીને સાંભળીને કૌલાદેવી હસી પડી. ‘એમ? હથીયાર પણ પાળેલાં છે?’
‘કેમ બત્તડદેવજી, શું છે?’ કરણરાયે પૂછ્યું.
‘મહારાજે જ અમને બોલાવ્યા હતા!’ બત્તડદેવની વાણી પણ જાડી હતી.
‘ઓત્ તારીની.’ કરણરાય બત્તડદેવની જાડી સમજણ ઉપર મનમાં હસી પડ્યો. સવારે સવારીમાં ભળી જવાને બદલે, આ માણસ અત્યારે આંહીં આવ્યો હતો. બીજું કાંઈ ન હતું. એને શાંતિ થઇ.
એણે બત્તડદેવમાં સ્થળ ઉપર મરી ખૂટવાની અણનમ દુર્ગકથા જોઈ હતી. તેણે પ્રેમથી તેના ખભા ઉપર હાથ મૂક્યો: ‘બત્તડજી! સોઢલજી સાથે જાઓ. તમને ઉતારો બતાવશે. બીજું કાંઈ કહેવાનું નથી નાં?’
‘કહેવાનું તો મા’રાજ! અમારા જેવા જાડા માણસને શું હોય? પણ મેવાડના લખણ છે કે’ છે બહુસ સારાં દેખાતાં નથી.’
‘કોણ એમ કહેતું’તું? તમે કેમ જાણ્યું?’
‘આંખ્યું હોય એટલે જોવાય તો ખરું નાં? ને કાને સંભળાય. એ છે મા’રાજ. જાણે જૈન...’
કરણરાય બત્તડની સામે જોઈ રહ્યો. એના બહાદુર દુર્ગપતિને પણ કોણ જાણે હવા સ્પર્શી ગઈ હતી.
બધે જ આ હવા હતી.
‘જૈન છે તેથી શું થયું બત્તડજી? એ પણ રાજપૂતનો દીકરો છે. મેદપાટ સમા રાજનો ધણી છે.’
‘એ બધું સાચું. પણ ત્યાં એની મા, જૈનોને બહુ માને છે.’
‘પણ એમાં શું, બત્તડજી!’
‘એમાં તો ઘણુંબધું છે, મહારાજ! એ દિલ્હીવાળાને મારગ કાઢી દેવાનો.’
‘કેમ જાણ્યું?’
‘વાગડ આખામાં એ વાત થાય છે, મા’રાજ! એ મારગ આપશે. સુરત્રાણનાં માણસ કે’છે એક બે વખત આવી પણ ગયાં.’
‘એમ?’
‘એમ વાત ચાલે છે, મા’રાજ! સાચું-ખોટું ઉપરવાળો જાણે. આપણને બીજી ખટપટમાં ગતાગમ ન પડે. આપણી પાસે તો આ છે...’ બત્તડજીએ પોતાનો લાંબો ભાલો આગળ કર્યો. ‘ભલે જે ગગો આવતો હોય તે આવે. કાં બત્તડજી નહિ, ને કાં એ ગગો નહિ!’
‘બત્તડજી! આપણે સવારે સવારીમાં સાથે હોઈશું. સોઢલજી! બત્તડજીને બેસવા-ઊઠવાનો બંદોબસ્ત આંહીં જ કરાવજો.’
સોઢલ સાથે બત્તડ ચાલ્યો, કરણરાય એને જતો જોઈ રહ્યો.
‘હવા – હવા બદલાઈ ગઈ છે, રાણીજી! કોઈને કોઈનો વિશ્વાસ રહ્યો નથી.’ એના અવાજમાં ભારે ખિન્નતા હતી.