રાય કરણ ઘેલો - ભાગ 10 Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાય કરણ ઘેલો - ભાગ 10

૧૦

મહારાણીની પ્રેરણા

 

કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણરાય વિચારમાં પડી ગયો. નડૂલના ચૌહાણ પાટણ સાથે વર્ષોથી મૈત્રી સંબંધ જાળવતા આવ્યા હતા. ઝાલોરગઢનો સોનગરો ચૌહાણ કાન્હડદે એનો જ ભાયાત હતો. એનું વીરત્વ જાણીતું હતું. દિલ્હીને એ રસ્તેથી એ આ બાજુ નહિ ઢળવા દે, એ લગભગ ચોક્કસ હતું. હઠીલા જુદ્ધ સિવાય એ રસ્તો તુરુષ્ક માટે બંધ થઇ ગયો હતો.

પણ મેવાડ ને નડૂલ, સારંગદેવ મહારાજના સમયમાં એક વાત માટે લડ્યાં હતાં. ચંદ્રાવતી માટે. આરસની એ સ્વપ્નનગરીનો બંનેને મોહ હતો. અર્બુદગિરિમંડળનું બંનેને આકર્ષણ હતું. જ્યાં એક વખત અર્બુદમંડળમાં પરમાર ધારવર્ષદેવ જેવા ગુજરાતના સમર્થ દ્વારપાલ થઇ ગયા, ત્યાં આજે કોઈ ધણીધોરી ન હતું! પરમારનો કોઈ વંશજ ક્યાંય રડ્યાંખડ્યાં થોડાંક ગામડાં સાચવતો પડ્યો હોય તો ભલે, બાકી લોકવાયકા પ્રમાણે તો રાજા હૂણ – વિક્રમદેવ, એની સતી રાણી પિંગલાના મૃત્યુથી ઉન્માદ અવસ્થામાં આવી જઈને, અર્બુદનાં જંગલોમાં અત્યારે રખડતો હતો! એ ગમે તે હોય, અર્બુદ પર્વતમાળાના ડુંગરાઓમાંથી ઘણી વખત, રાતે અધરાતે, વહેલી સવારે શિકારીઓએ પડધા ઊઠતા સાંભળ્યા હતા – પિંગલા! પિંગલા! પિંગલા!’

પણ પાટણના મહાસમર્થ દ્વારપાલ તરીકે પરમાર વંશનું ખાસ વિશિષ્ટ સ્થાન હવે ત્યાં રહ્યું ન હતું. સમયનો રંગ આટલો બધો પલટાઈ ગયો હતો. 

વળી ‘માલવભૂમિ-ધૂમકેતુ’ સારંગદેવ મહારાજે, જબરજસ્ત પરાક્રમ કરી નડૂલને, મેવાડને, માલવાના ગોગને ત્રણેને અર્બુદમંડલમાંથી હંમેશને માટે અત્યારે તો કાઢ્યા હતા. મહારાજે મૂકેલો ચંદ્રાવતીનો મંડલેશ્વર વિશલદેવ અત્યારે ત્યાં બેઠો હતો. તે પાટણને અધીન હતો. ત્યાંથી ધસ્યા આવતા તુરુષ્કને ભલે એ ખાળી ન શકે, પણ મહારાણી નાયિકાદેવીએ જ્યાં જુદ્ધ આપ્યું હતું, ત્યાંના મેદાનમાં એને રોકી તો રાખી શકે જ. અત્યારે અર્બુદમંડલમાં પાટણનું એક સેન પડ્યું હતું. મંડલેશ્વર વિશલદેવ ત્યાં હતો. ને બીજું સેન ત્યાં જવાનું હતું.

પણ મેવાડનું જો ખરું માપ ન નીકળે તો આ ગોઠવણ એક કોડીની થઇ જાય. મહારાજ કરણરાયના મનમાં પણ અત્યારે એ જ વાત ઘોળાઈ રહી હતી. કહેવા ગયે મેવાડ ન માને. મેવાડ સાથે જુદ્ધ લેવું અત્યારે પોસાય તેમ ન હતું. જુદ્ધ વિના નમતું જોખવાનું મેવાડમાં કોઈને કહી શકાય તેમ ન હતું; સારંગદેવ મહારાજે આબુને વશ કર્યું, ને વશ રાખ્યું, એ વાત મેવાડને ભારે પડી ગઈ હતી. એ વાત ત્યાં હજી કોઈ ભૂલ્યું ન હતું. મોંમાં આવેલો કોળિયો મહારાજ સારંગદેવે પાછો કઢાવ્યો હતો. 

એટલે એ દિશામાંથી એક ભયંકર ઝંઝાવાત અવે તો નવાઈ નહિ. મહારાજ કરણરાય વિચાર કરી રહ્યા: ‘મેવાડના સમરસિંહને શી રીતે વશ કરી શકાય?’ સમરસિંહને બે પુત્ર હતા: રત્નસિંહ અને કુંભકર્ણ.* એ બંને પુત્રની વાત ન્યારી હતી. એમના રોમરોમમાં તુરુષ્કો પ્રતિ અંગાર ભર્યો હતો.

(*રત્નસિંહ એટલે રતનસિંહ જેમના લગ્ન રાણી પદ્માવતી સાથે થયા હતા. કુંભકર્ણ એવું કહેવાય છે કે નેપાળ જતો રહ્યો હતો અને ત્યાં તેનો વંશવેલો આગળ ચાલેલો.)

 એ બંને રાજકુમારો આ વતનમાં માનતા નહિ હોય, - મારગ આપવાની વાતમાં. એમને સાધ્યા હોય તો?

કરણરાયને આ અચાનક સૂઝી આવ્યું. જરાક આરામ લેવા એણે આળસ મરડીને પોતાના બંને હાથ માથાની પાછળ ઢાળ્યા.

પણ જેવા એ બે હાથ પાછળ ઢળ્યા, કે તરત જ કોઈએ એના બંને હાથ પ્રેમથી પકડી લીધા! રાજા ડોકું પાછું ફેરવે છે ત્યાં, રાણી કૌલાદેવી ત્યાં હસતી હસતી ઊભી હતી.

રાજા તેની સામે જોઈ રહ્યો. રાણીના પ્રેમને એ જાણતો હતો. હવેની દરેક પળે કાંઈ ને કાંઈ આફત ખડી ઊભી જ છે, એમ માનીને રાણી એનું સાંનિધ્ય જ છોડવા માગતી ન હતી. રાણીનો આ વિચાર કલી જતાં રાજાની અનાખ પ્રેમભીની થઇ ગઈ. તેણે ધીમેથી પૂછ્યું:

‘ક્યારનાં આવ્યાં છો?’

‘મહારાજ! હું તો ક્યારની આંહીં ચોરી કરવા માટે ઊભી છ્હુ. મહારાજને કાંધલ દેવડાએ જે વાત કહી, એ બધી મેં સાંભળી છે. ઝાલોરગઢ તો ઝાલોરગઢ છે મહારાજ!’

‘ઝાલોરગઢ નમતું નહિ આપે. પણા આપણે તો વિચાર મેવાડનો કરવાનો છે. આપણી પડખે એ આવ્યું. એ રસ્તો આપે તો? જોકે અપાઈ તો નહિ.’

‘મેં એક વિચાર કર્યો છે મહારાજ!’

‘હા હા, કહો ને! તમે નહિ કહો તો કોણ કહેશે?’

રાય કરણરાયના મનમાં વીજળીવેગે એક વિચાર આવીને ચાલી ગયો. પાટણના સિંહાસનને, ખરે ટાણે કોઈ ને કોઈ રાજવંશી નારી આવીને બચાવતી રહી હતી. વાચિનીદેવી ચામુંડરાજ વખતે, ચૌલાદેવી ભીમદેવ વખતે, માતા મીનલદેવી જયસિંહ મહારાજ વખતે, નાયિકાદેવી મહારાજ લઘુમૂળરાજ વખતે, જયતલ્લદેવી મહારાજ વીરધવલ વખતે અને આજ... પણ એની વિચારમાલા અટકી પડી. કૌલારાણી બોલી રહી હતી: ‘મહારાજ! મેવાડપતિનાં રાજમાતા જયતલ્લદેવીને આપણે સાધીએ તો?’

‘અરે! તમને પણ એ નામ જ બરાબર ક્યાંથી હોઠે આવી ગયું?’ રાય કરણ તો પોતાના મનમાં આવી ગયેલ રાણી વીરધવલની રાણી જયતલ્લદેવીને સાંભરી રહ્યો હતો. એણે ગુજરાતની પ્રતિષ્ઠા માટે, પોતાના જ સગાભાઈને હણી નાખવા સારુ, વીરધવલ રાણાજીને પ્રેર્યા ન હતા? પણ તરત તેને સાંભર્યું. કૌલાદેવી તો બીજી જ વાત કરી રહી હતી.

‘રાજમાતાને સાધવાં? શું કહ્યું તમે?’

‘હા મહારાજ! રાજમાતાને સાધવાં. મેવાડમાં રાજમાતાનો બોલેબોલ અત્યારે રાવળજી કરે છે, એમ સાંભળ્યું છે. ને એ સાચું લાગે છે.’

‘હા...’ કરણરાયને નવો પ્રકાશ મળતો લાગ્યો. પોતે રાજકુમારોને સાધવા વિષે વિચાર કરી રહ્યો હતો. રાણીની વાત તદ્દન નવી હતી. તે ધ્યાન દઈને સાંભરી રહ્યો: ‘મહારાજ! મંડલેશ્વર વિશળદેવનો શો સંદેશો આવ્યો હતો? સંભારો! રાવળજીએ ત્યાં અચલેશ્વરનો સમૃદ્ધાર કરવાની આજ્ઞા આપી છે. એક સુવર્ણ દંડ ધજા માટે તૈયાર થાય છે. પોતાના રાજ્યમાં રાવળજીએ જીવહિંસા બંધ કરાવી છે. આ બધી વાતનો મેળ મેળવો ને! એ ક્યાંથી આવી? રાવળજીની માતૃભક્તિમાથી. રાજમાતા જયતલ્લદેવી, જિનશાસનમાં માને છે. અમિતસિંહસૂરીને પૂછીને પાણી પીએ છે. એક શ્યામ પાર્શ્વનાથનું મંદિર રાજમાતાજી બનાવી રહ્યાં છે. મહારાજ! આંહીં જો પાટણમાં અત્યારે રાજકારણમાં કોઈ મુખ્ય સ્થાને જૈનમંત્રી હોય તો મેવાડની વાત ચલાવવામાં મદદરૂપ થઇ પડે... પછી તો મહારાજ જે ધારતા હોય તે...’

‘હાં, તમે વાત તો બરાબર પકડી છે. પણ ત્યાંના બંને રાજકુમારો – રત્નસિંહ ને કુંભકર્ણ – એમને સાધીએ તો? એ બંને સિંહના બચ્ચાં છે. તુરુષ્કને નમતું આપવા કરતાં રાખોડી થઇ જઈને હવામાં ઊડી જવાનું એમને હજાર દરજ્જે સારું લાગે, એવા એ છે. રણથંભોરનો હમીર અને કાન્હડદે આ બંને, બધા જાણે એક જ વજ્જરમાથી ઘડાયા છે. એમની રાજપૂતીને જગવી હોય તો કામ ન થાય?’

‘મહારાજ! કદાચ તો તો મેવાડમાં બખેડો ન જાગે? અને તુરુષ્કને એટલું જ જોઈએ... બાપદીકરાના મત નોખા પડે!’

રાય કરણરાય રાણીની તાત્કાલિક મતિની તેજસ્વિતા જોઈ રહ્યો. પાટણ તરફનો રાવળજીનો ભાવ જોતાં એમ થવું તદ્દન સંભવિત હતું. 

‘રાણીજી!’ એણે પ્રેમભર્યા અવાજે કહ્યું, ‘મને મહાઅમાત્ય તો બુદ્ધિશાળી મળી છે.’

‘માધવ મહેતાની વાત...’ પણ તરફ રાણી કરણરાયનો પ્રેમવિનોદ સમજી ગઈ. ‘ના રે મહારાજ! મારે તો કાંઈ તમારા મહાઅમાત્ય થવું નથી. રાજાનો ને જોગીનો શું ભરોસો?’ તે બોલીને હસી પડી. 

વાતાવરણમાં બે ઘડી પ્રેમભરેલા વિનોદની હવા ફેલાઈ ગઈ.

પણ એટલામાં કરણરાયને સાંભર્યું, પોતાને આજે ઘણો જ અગત્યનો નિર્ણય લેવાનો હતો. એને રાણીની એક વાત હૈયે બેસી ગઈ. મેવાડને અર્બુદમંડલમાં ધર્મરસ જાગ્યો હતો. અર્બુદમાળામાં એને સગવડતા આપવામાં આવે, ને રાજમાતા જયતલ્લદેવીને વિશ્વાસમાં લેવામાં આવે – તો સંભવિત છે કે મેવાડ, દિલ્હીને રસ્તો આપવાની ના પાડે!

અને એ ના પાડે તો ઘણું કામ થઇ જાય. પછી તુરુષ્કે અર્બુદમંડળને માર્ગે જ આવવું પડે. એને ત્યાં રોકવામાં કુદરત મદદરૂપ થઇ હતી. પોતે પણ તૈયાર થઇ જાય. તરત જ જાણે એ વાતનો નિર્ણય થઇ જવો જોઈએ. તેણે એક તાળી પાડી. તરત સોઢલજી હાથ જોડીને ત્યાં આવીને ઊભો રહ્યો.

‘મહારાજ!...’

‘સોઢલજી! પાટણમાં જેટલા હાજર હોય, અર્બુદમંડલના, સોરઠના, કચ્છપંથકના, લાટના ઈલદુર્ગના એ તમામ દુર્ગપતિઓ, સરદારો, મંડલેશ્વરો, સેનાપતિઓને તમે જાતે આમંત્રણ આપી આવો. ત્રીજે દિવસે મધરાતે એ બધા ત્યાં મળે. પછી જ નોખા પડે. કોઈ બીજાને વાતની જાણ થવા દેવાની નથી. મુખ્ય શ્રેષ્ઠીઓને બોલાવવા છે. બીજાથી વાત જાળવવાનું બરાબર ધ્યાન રાખજો.’

‘પણ આવે ક્યાં મહારાજ?’

‘મહારાણી ઉદેમતીના વાવના કોઠામાં.’ રાણીએ જ નામ સૂચવ્યું. ‘મહારાજ! ત્યાં પડખેની બેઠકમાં કોઈને ખબર પણ નહિ પડે અને કોણ આવ્યું, ગયું તેનો પણ પત્તો નહિ લાગે. કોઈ દેખશે પણ નહિ. અને ત્યાંથી જ પછી સૌ સૌને રસ્તે.’

‘સોઢલજી!... એ ઠીક છે. રાણી વાવને કોઠે. પણ જુઓ, હજી તો કેટલાક પાટણમાં જ હશે, એટલે એમને વહેલી ખબર આપી દો. બીજે કચ્છપંથક, વાગડ, લાટ જ્યાં પહોંચાય તેમ હોય ત્યાં ઉતાવળા ખેપિયા હમણાં જ  મોકલો. ત્રીજે દિવસે બધા આંહીં આવી જાય.’

સોઢલજી નમન કરીને બધાને સંદેશો આપવા ઊપડતો હતો, ત્યાં મહારાજે કહ્યું: ‘સોઢલજી! એ તો ઠીક, પેલો  ભટ્ટ... એને ક્યાંય જોયો?’

‘કોણ સિંહભટ્ટ?’

‘હા, એ.’

‘એને તો મહારાજે યાદવરાજની નગરી તરફ મોકલ્યા છે ને?’

‘ત્યાંથી આજકાલમાં આવી જવાનો ઠરાવ હતો... આવ્યો કે નહિ? તપાસ તો કરજે.’ એટલામાં બહારથી એક તંદુરસ્તીભર્યો અવાજ આવ્યો: ‘સોઢલજી! હું આંહીં ઊભો છું હો ભૈ!’

‘આ એનો જ અવાજ! આવી પહોંચ્યો લાગે છે. એને મોકલતો જા...’