રાય કરણ ઘેલો - ભાગ 7 Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાય કરણ ઘેલો - ભાગ 7

થોડો પૂર્વ ઈતિહાસ

 

આ વ્યાપક અવિશ્વાસનું કારણ સમજવા માટે થોડાં વર્ષો પાછળ જવું પડે તેમ છે. 

માત્ર પચાસ જ વર્ષ પહેલાં એક એવો જમાનો હતો, જ્યારે પાટણમાં રાણા વીરધવલ અને લવણપ્રસાદ જેવા સિંહાસન-ભક્તો બેઠા હતા. એમણે ધાર્યું હોત તો એ ગમે ત્યારે પાટણપતિ થઇ શક્ય હોત. પણ ધવલક્કના આ સ્વામિભક્ત રાણાઓ રાણાઓ જ રહ્યા. સામંતપદમાં જ સંતોષ માણી રહ્યા. એ વખતે પાટણની ગાતી ઉપર અપ્તરંગી ભોળા ભીમદેવનું શાસન હતું એ બહાદુર રણયોદ્ધાએ પૃથ્વીરાજ ચૌહાણ જેવા સાથે યુદ્ધ કર્યું હતું. અજમેરના સોમેશ્વર જેવા સાથે યુદ્ધ કર્યું હતું. ઘોરી જેવાને હાર આપી હતી. ગુલામવંશી કુતબુદ્દીન જેવાને યુદ્ધ આપ્યું હતું. એણે જીવનભર યુદ્ધો જ કર્યા હતા. આબુનો ધારાવર્ષદેવ એનો જમણો હાથ હતો. ભીમદેવ પછી નબળો પડ્યો. થાકી ગયો. રાણાઓ પાસે સર્વ સત્તા હતી, ‘સર્વેશ્વર’ હતા. છતાં પાટણપતિના ગૌરવને છેક સુધી એમણે માન આપ્યા જ કર્યું! ધવલક્કના એ રાણા રાજભક્તિમાં મેરુ સમાન ગણાય. 

પાટણપતિની ગાદી ઉપર એમણે નજર પણ કરી. એ રાણા જ રહ્યા. રાજાધિરાજ તો મહારાજ ભીમદેવને જ રાખ્યા. પોતે યુદ્ધ કરતા રહ્યા. પાટણનું ગૌરવ જાળવતા રહ્યા. મહામંત્રી વસ્તુપાલ તેજપાલ જેવાને રાખીને વિજયયાત્રા ચલાવતા રહ્યા. એ જમાનો હતો, જ્યારે રાણા વીરધવલના અવસાન વખતે, એની મૃત્યુશૈય્યામાં એક પછી એક વીસ માણસો હ્રદયના ભારે શોકથી ચિતામાં કૂદી પડ્યાં હતાં, બળી મરવા માટે! રાણો વીરધવલ ગયો. હવે શું જીવવું?

બીજા વધુને કૂદી પડતા અટકાવવા માટે, ખુદ સેનાપતિ તેજપાલ જેવાને પોતાને સૈન્ય સાથે ત્યાં સ્મશાનમાં ચિતા આડે ચોકી કરવી પડી હતી! એ વખતે એ હવા હતી.  

એ જમાનો હતો, જ્યારે વસ્તુપાલ જેવા મહામંત્રીએ કાવ્યપંક્તિ રચી કે રાણા વીરધવલના મૃત્યુથી બે ઋતુઓ અકાલે એક સાથે પ્રગટ થતી જોઈ છે. હ્રદયમાં ગ્રીષ્મનો તાપ પ્રગટ્યો છે. આંખમાં વર્ષાના આંસુ આવ્યા છે!

એ વખતે ગુજરાત આખું મહાકાવ્ય જીવી રહ્યું હતું.

એ વખતે પાટણની જાહોજલાલીની ટોચ આવી હતી. અભિનવ સિદ્ધરાજનું સ્વપ્ન જાણે સાચું પડ્યું હતું. તે વખતે કાવ્ય અને કવિઓથી પાટણની રાજસભા સરસ્વતીસદન સમી શોભતી હતી. એની રણહાકે સૌને વશ રાખ્યા હતા. વસ્તુપાલે-તેજપાલે કરેલાં આબુનાં મંદિરોએ છેક જાવામાં કીર્તિધ્વજ ઊભો કર્યો હતો. ત્યાંથી આ મંદિરો જોવા માટે માણસો મુસાફરી ખેડતા!

એ વખતે ગુજરાતમાં જીવવું, એ ઇન્દ્રભવનના આંગણે જીવવા જેવું હતું.

કોઈને ખબર ન હતી, કોઈને ખ્યાલ પણ ન હતો, કોઈને કલ્પના પણ ન હતી; આ બધો હવાઈ રંગ એક અદ્ભુત નારીના વ્યક્તિત્વને આભારી હતો!

એ સાચી ગુજરાતણ હતી. કોડીલી, શાની, રસભરી, રંગભીની પણ તેજસ્વી, અદ્રશ્ય પ્રેરણામૂર્તિ જેવી હતી એ નારી. તે અનુપમાદેવી; સેનાપતિ તેજપાલની પત્ની.

વસ્તુપાલ તેજપાલનાં પરાક્રમો, આ નેહભરી નારીનાં નેણના હાસ્યમાંથી જન્મતાં હતાં. એમનાં નિર્ણયો ‘અનુપમા શું કહેશે?’ એવી છાયામાં લેવાતા હતા. એમની વિજયયાત્રાઓ આ નારીને આંગણેથી ઊભી થતી હતી. એ છજા-ઝરૂખામાં દેખાતી, અને વિજયયાત્રાઓનો રંગ ફરી જતો. 

એણે અદ્રશ્ય રીતે એક એવી સમાધાનકારી હવા ઊભી કરી હતી કે પાટણ એક હોય તેમ એ વખતે જણાતું હતું. ક્યાંય મતભેદ ન હતો. કોઈ વાતનો દુરાગ્રહ ન હતો. સંપ્રદાયનું ઝેર ન હતું. પરાક્રમ કરવાની તમન્નામાં બધા મતભેદો ગળી ગયા હતા. એના મૃત્યુ સાથે પાટણમાંથી જાણે કે લક્ષ્મીનું ગૌરવ અને ભવ્યતા ગયાં એ ગયાં.

પછી જ્યારે વિશલદેવ મહારાજ ગાદીએ આવ્યા, ત્યારે રંગ તદ્દન બદલાઈ ગયો.

ત્યારથી મતભેદ શરુ થયા. નાગર, વણિક, રજપૂત, જૈન, શૈવ એવી ગાંઠો ઊભી થઇ.

એમાં એક પ્રસંગ એવો બન્યો કે ગાંઠો પછી ગાંઠો તરીકે પ્રજાલોહીમાં જ બેસી ગઈ.

વીરધવલના પુત્ર વિશલદેવે પાટણમાં પ્રવેશ કર્યો. તે તેજસ્વી હતો. એણે મહારાજાધિરાજ પદ ધારણ કર્યું. તેનો મહાઅમાત્ય મંત્રી નાગડ બન્યો. તે નાગર હતો. જૈનોના શાસનનો જાણે હવે અંત આવ્યો એવી હવા ત્યારે ઊભી થઇ. 

એ વખતે મહામંત્રી વસ્તુપાલ નિવૃત્ત જીવન ગાળતા હતા. એક વખત એવું બન્યું કે રાજાનો મામો સિંહદેવ ઘોડે ચડીને બજારે નીકળેલો. ને બેધ્યાનપણે કોઈની ભૂલથી એના ઉપર, ઉપરથી કચરોપૂંજો પડ્યો!

સિંહદેવે તરત જ એ આસપાસના સાધુને બરાબર મેથીપાક આપ્યો!

મહામંત્રી વસ્તુપાલ પાસે આ વાત આવી. એ વખતે એ જમવા બેઠેલ. કોળિયો હાથમાં જ રહી ગયો. ભવિષ્યના મહાપતનના ભણકારા એમને વાગ્યા. એમણે તરત જ, પોતાના માણસોને મોકલીને સિંહનો જે હાથ મારવા પ્રેરાયો હતો, તે હાથ જ તોડાવી નાખ્યો.

વાત વધી ગઈ. રાજાના મામા જેવાને આમ માર પડે, તો તો થઇ રહ્યું. સિંહના સગાંસંબંધી સૈનિકો ભેગા થયા. વસ્તુપાલને ત્યાં ગયા. આંતરવિગ્રહ ઊભો થયો. પટોપટ બજારો બંધ થઇ ગઈ. કોઈ દિવસ નહિ, એવી અંદરઅંદરની લડાઈ ઊભી થઇ ગઈ. વસ્તુપાલ પણ તૈયાર થઈને પોતાની હવેલીએ ઊભો રહ્યો હતો. એક નાનકડું સૈન્ય ત્યાં જમા થયું હતું.

આ ઉગ્ર હવાની રાજ્યને જાણ થઇ. રાજગુરુ સોમેશ્વરને મંત્રી પાસે મોકલવામાં આવ્યા.

એ દિવસે પાટણની હવા જ જાણે ફરી ગઈ હતી. મરણનો નિશ્ચય કરીને મંત્રી ઊભો હતો. મરવાનો નિશ્ચય કરીને રજપૂતો આવી રહ્યા હતા. ધોળે દિવસે ધાડપાડુઓની સેના જેવી સેના તે દિવસે પાટણમાં પહેલવહેલી દેખાણી.

પછી તો મહારાજ વિશલદેવે પોતે વચ્ચે પડીને, વાત વાળી લીધી. પણ તે દિવસે જે હવા ઊભી થઇ ગઈ, ‘જૈનો જ પાટણને પહેલેથી જાળવતા આવ્યા છે, હવે પાટણ જળવાઈ રહ્યું!’ એ હવા અવારનવાર ભભૂકતી રહી. દબાઈને વારંવાર પ્રગટતી રહી. 

વિશળદેવ મહારાજ પછી અર્જુનદેવ, સારંગદેવ, બે આવ્યા. ત્રણ દાયકા ગયા. પણ એ હવા રહી ગઈ તે રહી ગઈ. ત્યાર પછી કોઈ એવો મહામંત્રી ન આવ્યો, જેણે આ મતભેદો દફનાવી દેવા પ્રયત્ન કર્યો હોય. તેમજ ત્યાર પછી કોઈ જૈન મંત્રી અગ્રસ્થાને આવ્યો નહીં. વૈશ્યો આવ્યા. રજપૂતો આવ્યા. નાગર મંત્રીઓ આવ્યા. વારંવાર એ અસંતોષ ને હવા – ‘જૈનો વિના રાજ ચાલે જ નહિ!’ એ વાણીમાં પ્રગટતાં રહ્યાં. પ્રજા-લોહીમાં જ જાણે એ બેસી ગયા. વાણિયા વિના રાજ ટકે નહિ. એ લોકોક્તિ બની ગઈ.

અને એના પ્રત્યાઘાત પણ એવા જ જન્મ્યા. ‘શું વાણિયાની માએ સવાશેર સૂંઠ ખાધી છે? વેવલી વાણિયણો!’ 

આઘાત પ્રત્યાઘાતના ત્યારથી જ મતભેદો ઊભા થયા, તે કી દિવસ પૂરેપૂરા ગયા નહિ. ગુજરાતમાં એ સ્થાયી થઇ ગયા. 

દેવગિરિ લૂંટાયું. એની વાતો પાટણમાં આવી. વસ્તુપાલ જેવા મહામંત્રીએ દિલ્હીના સુરત્રાણને વશ કર્યો હતો એ વાત સૌને સાંભરી આવી. એવો મંત્રી કોઈ નથી. હવે પાટણ ટકી શકશે નહિ એવી શંકા ઊભી થઇ. ખુલ્લી ટીકાઓ થવા માંડી. ટીકા અને શંકા વધી પડ્યાં. પક્ષભેદ વધી પડ્યા. મતભેદ તીવ્ર થયા.

ખિલજી અલાઉદ્દીન જ્યારે દિલ્હીમાં રાજગાદી હાથ કરી રહ્યો હતો, ત્યારે પાટણના કરણરાયને ત્યાં આ હવા હતી. 

દેવગિરિએ દઈ દીધું, નમી પડ્યું, ને બચી ગયું!

બીજા પણ જે નમી જશે, એ બચી જશે. આ હવામાં રાય કરણરાય એકલો મરણીયો સંકલ્પ પ્રગટાવવા માટે મથી રહ્યો હતો.