રાય કરણ ઘેલો - ભાગ 9 Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાય કરણ ઘેલો - ભાગ 9

કાંધલ દેવડો

 

કદાવર પહાડ સમો આ આદમી કોણ છે ને ક્યાંથી આવ્યો છે, એ જાણવા માટે સૌ આતુર થઇ ગયા. ત્યાં તો મહારાજના સાંનિધ્યમાં આવતાં બે હાથ જોડીને એ પોતે જ બોલ્યો: ‘મહારાજ! હું ઝાલોરગઢથી આવું છું. મારે અગત્યનો સંદેશો આપવાનો છે!’

ઝાલોરગઢનું નામ સાંભળતાં સૌ ચમકી ગયા. ઝાલોરગઢથી આવનાર માણસ કાંઈક ઘણા અગત્યના સમાચાર લાવતો હોવો જોઈએ. કાં ઝાલોર નડૂલને પડખે મેવાડ સામે યુદ્ધે ચડ્યું હોય કાં કોઈકનો ભય આવ્યો હોય. રાય કરણરાયને એની વાત અગત્યની લાગી. તરત એને પૂછ્યું: 

‘તમને કોણે મોકલ્યા છે? શું તમારું નામ?’

‘ઝાલોરપતિ કાન્હડદેવ મહારાજનો હું સંદેશવાહક છું મહારાજ! મારું નામ કાંધલ દેવડો! મારે મારો સંદેશો મહારાજને પોતાને જ આપવાનો છે. ઝાલોરપતિની એવી ખાસ આજ્ઞા છે.’

ભરપટ ઊંચાઈના કોઈ જબરજસ્ત ખખડધજ વૃક્ષ સમાં કાંધલ દેવડાને સૌ જોઈ રહ્યા. સૌને થઇ ગયું, આવો માણસ? એટલામાં કરણરાયે એક સંજ્ઞા કરી. ચારે તરફથી સૌ આઘાપાછા થઇ ગયા. સવારી પણ ત્યાં થંભી ગઈ.

સંદેશવાહકની પાસે વાત ઘણી અગત્યની હોવી જોઈએ. તે બે હાથ જોડીને મહારાજને નમ્યો: ‘મહારાજ! હું પછી મળું તો? અથવા મહારાજ મને બોલાવે. પણ મારો સંદેશો ઘણો અગત્યનો છે!’

કરણરાય સમજી ગયો. સંદેશો એવા પ્રકારનો હોવો જોઈએ કે જે હમણાં બહાર પ્રગટ ન કરાય. 

તે પોતે તરત આગળ ગયો. સૈન્ય સામે આવીને ઊભો રહ્યો. તેણે ચારે તરફ ઊભેલા અસંખ્ય સૈનિકોને પ્રેમથી નિહાળ્યા. રાવ,રાણા,સામંત,મંડલેશ્વરો ઉપર એક દ્રષ્ટિ કરી. પછી તેણે પોતે જ બે હાથ જોડીને એમની જાણે વિદાય લેતો હોય તેમ માથું નમાવ્યું. પોતાના માટે આવે સમયે જીવન તજવા તૈયાર થનારાઓને એ પ્રેમભરી આંખે નિહાળી રહ્યો.

હજારો કંઠમાથી તરત પ્રેમભર્યો મહારાજના નામનો જયઘોષ ઊઠ્યો. મહારાજ કરણરાયે વિદાય લેતાં સોઢલજી તરફ ફરીને કહ્યું: ‘સોઢલજી! આમને સાથે લેતા આવો.’

મહારાજ કરણરાય રાજમહાલય તરફ ગયા. અને તરત સવારી ઊપડવાનો શંખનાદ થયો. ત્યાંથી પોતપોતાને સ્થાને જવા માટે સૌ આગળ વધ્યા. 

સોઢલજીની પાછળ પેલો ઉત્તુંગ પુરુષ રાજમહાલય તરફ જઈ રહ્યો હતો. 

એની છન્નુ તસુની ભરપટ ઊંચાઈને હજી સૌ નિહાળી રહ્યા હતા. જબરદસ્ત પહાડ સમો એનો દેહ આકર્ષક લાગતો હતો. ઘડીભર માણસ એને જોતાં જ શેહ પામી જાય એવો એ બળવાન હતો. 

એના બાહુમાં ગમે તેવા વિરોધીને એક ઉલાળે ફેંકી દેવાનું બળ જણાતું હતું. પ્રશ્નો આવી ગયા. ‘હવામાં શું હશે?’ની કુતુહલતા પ્રગટી.

એક તો ઝાલોરગઢની નામના ગુજરાતભરમાં હતી. રણથંભોરના અણનમ દુર્ગ સાથે એની સરખામણી થતી. 

અને બીજી બાજુ કાન્હડદેવ, અટંકી ને વીરપુરુષ તરીકે પ્રખ્યાત હતો. એનો સંદેશો લઈને આવો જોદ્ધો આવ્યો હતો અને સંદેશો પાછો મહારાજને એકને માટે હતો. એટલે કાંઈક પણ નવાજૂની હોવીજોઈએ. નડૂલ ને ઝાલોર સંબધી હતા. નડૂલ ઉપર મેદપાટની દાઢ હતી. એ વિષે પણ કાંઈક વાત હોય. સૌ પોતપોતાની રીતે અનુમાન કરતા સવારીમાં આગળ ગયા. મહારાજની પાછળ રાજમહાલયમાં કોઈ મંત્રીશ્વર કે મંડલેશ્વર પણ ગયા હોય તેમ જણાતું ન હતું. એ સૌ પણ સવારીમાં આગળ વધ્ય હતા. વિખરાઈ જવા માટે સવારી ધીમે ધીમે બહારના મેદાન તરફ જઈ રહી હતી. 

એટલે શું સંદેશો આવ્યો છે એ જાણવાની લોક જીજ્ઞાસા વધતી ગઈ. 

થોડી વાર પછી તો રાજમહાલય પાસે થોડા નવરા લોકોનું ટોળું જામી ગયું.

દરમિયાન સોઢલજી તો કાંધલ દેવડાને લઈને રાજમહાલયમાં પહોંચી ગયો હતો!

મહારાજ કરણરાય ત્યાં મંત્રણાખંડમાં દેવડાની રાહ જોતા બેઠા. થોડી વારમાં જ તે ત્યાં આવીને ઊભો રહ્યો. તેણે બે હાથ જોડીને મહારાજને પ્રણામ કર્યા. કરણરાય એની કોઈ જબરજસ્ત ભીષણ ખડક સમી ઊંચી કદાવર દેહને આશ્ચર્યથી નીરખી રહ્યા.

સોઢલજી ત્યાં દ્વાર ઉપર ઊભો નજર નાખી રહ્યો હતો.

દેવડો ત્યાં ઊભો રહ્યો. અને મહાલયની બધી વસ્તુઓ જાણે એની હાજરીમાં નીચી બની જતી જણાઈ.

‘આંહીં પાસે આવો, દેવડાજી!’ મહારાજ કરણરાયને પણ એની અક્કડ ઊંચાઈ ખૂંચતી લાગી: ‘આંહીં પાસે, આ આસન પર બેસો.’

દેવડો આગળ વધ્યો. મહારાજને ચરણે નમ્યો. ત્યાં નજીક શાંત બેસી ગયો.

‘બોલો શું આવ્યા છો દેવદાજી? શું કહેવરાવ્યું છે કાન્હડદેવજીએ?’

દેવડો બોલતાં ચારે તરફ એક દ્રષ્ટિ કરી રહ્યો.

‘આંહીં બીજું કોઈ નથી દેવડાજી! તમતમારે મન મૂકીને વાત કરો. અત્યારે ક્યાંથી – ઝાલોરગઢથી આવ્યા છો?’

‘જી મહારાજ! ઝાલોરગઢથી. મને મહારાજ કાન્હડદેવજીએ એક સંદેશો આપવા મોકલ્યો છે. સંદેશો અગત્યનો છે. બીજા કોઈને અપાય તેવો ન હતો. રાત-દી જોયા વિના હું આવ્યો છું. એમ તો ‘રણશીંગી’ હોય નહિ ને આટલી ઝડપે અવાય નહિ. ખરે ટાણે કામ આપે એવી એ છે!’ 

જેના ઉપર દેવડો આવ્યો તે સાંઢણીનું નામ રણશીંગી હોવું જોઈએ, એમ મહારાજે અનુમાન કર્યું. મહારાજને પણ સાંઢણી આંખમાં બેસી ગઈ હતી. મહારાજે મૌનથી દેવડાને આગળ વધવા ઉત્તેજન આપ્યું.

‘રાત-દી મેં જોયા નથી મહારાજ! એનું કારણ છે. અમારે ત્યાં સુરત્રાણનાં માણસો આવ્યા કરે છે. બે વખત આવી ગયા. ત્રીજી વખત તો વજીર નસરતખાનનો પોતાનો અંગત સંદેશો લઈને એનો એક ખાસ માણસ આવી ગયો!’

કરણરાય સાંભળી રહ્યો. એણે ધાર્યું હતું તેમ જ થઇ રહ્યું હતું. દિલ્હીનો ખિલજી આવ્યા વિના રહે, એ હવે ચોક્કસ જણાતું હતું. એણે ઉતાવળે જ પૂછ્યું:

‘શો સંદેશો આવ્યો હતો, કાંધલજી?’

‘એની પાસે બીજો શો સંદેશો હોય, મહારાજ! તમે અમારા સેનને મારગ આપો. મારગ આપીએ એટલે એને ક્યાં જવાનું હોય? ગુજરાત તરફ! બદલામાં અમે તમને કોઈ દિવસ નહિ બોલાવીએ. કોઈ દિવસ તમારું નામ નહિ લઈએ. એનું સેન અપરંપાર છે, પ્રભુ!’

‘ચૌહાણરાજે પછી જવાબ શો વાળ્યો દેવડાજી?’

‘એ કહેવા માટે તો હું આવ્યો છું મહારાજ! ચૌહાણરાજની પાસે બીજો શો જવાબ હોય? મોટો ગડગડિયો પથરો હોય તેવી ના, ચૌહાણરાજે સંભળાવી. સુરત્રાણના માણસને કહ્યું, એ નહિ બને. મહારાજ કાન્હડદેવે આ ના સંભળાવી છે અત્યારે તો આડો ઘા ઝીલ્યો છે! મહારાજને આ વાત ઉતાવળે પહોંચાડવાનો હેતુ છે. મહારાજ તૈયારીમાં રહે પણ ઝાલોરે તો ના કીધી છે.’

‘કાંધલજી! ચૌહાણરાજ પાસેથી એવો જ જવાબ નીકળે. બીજો ન નીકળે.’

‘અમારે ને તમારે કોઈ એવી સંધિ નથી, મહારાજ! વળી અમારા જ ભાયાત નડૂલવાળાને તો તમારું પાટણ પહેલેથી જ પજવતું આવ્યું છે. આજ પણ એના રડ્યાખડ્યા વંશજને મેદપાટની મહેરબાની ઉપર જીવવું પડે છે ને પાટણ ઊભું ઊભું એ જુએ છે. એ બધું ખરું, છતાં મહારાજ! ભગવાન સોમનાથ એ ભારતભરના દેવ છે. જેવા તમારા છે, તેવા જ અમારા છે. મ્લેચ્છ ગુજરાત પર આવે ને ભગવાન સોમનાથ પર જાય, ને અમે એને આવવાનો રસ્તો આપ્યો હોય, તો અમારી એકોતેર પેઢી રૌરવ નરકમાં પડે! અમારે ત્યાંથી તો મહારાજ! એક સેન પણ તૈયાર થાય છે. એ સોમનાથ માટે તૈયાર રહેવાનું છે. વખત છે ને તુરક્ક આવે. જોકે હવે હમણાં આવી રહ્યો, ઝાલોરગઢ જીત્યા વિના એ તરફ પગલું નહિ માંડે, પણ વખત છે ને આવે, તો સોમનાથમાં દેહ પાડનારાઓની એક સેના ત્યાંથી ઊપડશે! અમે તો સુરત્રાણને આહ્વાન પણ આપી દીધું છે!’

‘શેનું?’

‘એ તો એવું છે મહારાજ! અલાઉદ્દીન સુરત્રાણને કેટલાક વિજય સોંઘા મળી ગયા છે. દેવગિરિના  યાદવની લૂંટે રાજ અપાવ્યું. એને હવે એંકાર થયો છે કે એ ભારતભરને રોળી નાખશે. એક વખત એવાં એંકાર એણે કાઢ્યાં, ત્યારે જોગાનુજોગ મહારાજ કાન્હડદેવજી ત્યાં હતા. કાન્હડદેવજી મહારાજ એને કહેતાં આવ્યા કે આખું ભારત ભલે નમે – ચૌહાણોનો ઝાલોરગઢ નહિ નમે તે નહિ જ નમે.’

‘કાંધલજી!’ કરણરાય અનેરા ઉત્સાહમાં આવી ગયો: ‘અને તમે આમાં એકલા નહિ રહો! આ નગરી પાટણ, તમારી પડખે ઊભી રહેશે. એ ખંડેર થઇ જાશે. બાકી એ નમે, મારા જીવતાં નમે, એ ન ભૂતો ન ભવિષ્યતિની વાત જાણજો. ઠીક બોલો, બીજું તમારે શું કહેવાનું છે? ત્યારે તુરુષ્કને ઝાલોર રસ્તો નહિ આપે કાં?’

‘ના, નહિ આપે. કોઈ હિસાબે નહિ આપે. ઝાલોરગઢ ખંડેર થઇ જાશે પણ રસ્તો નહિ આપે. એ વાત મહારાજ હૈયે ધરપત રાખે!’

‘ઝાલોરગઢે અમારે માટે થઈને આ જે કર્યું છે, કાંધલજી!  એ અમારે હૈયે બેસી ગયું છે.’ કરણરાય બોલ્યો: ‘અમારો ને તમારો આવો સંબંધ આજકાલનો નથી. આંહીં મહામંત્રી વસ્તુપાલ હતા. રાજાજી વીરધવલ હતા, અને તમારે ત્યાં  ઉદેસિંહ ચૌહાણ હતા, એ જમાનો સંભારો ને!’

‘એ જમાનો સંભાર્યે શું મહારાજ! એ જમાનો ગયો. એ વાતો ગઈ. એ રાજભક્તિ ગઈ. એ વિશ્વાસ ગયો. એ પરંપરા પણ ગઈ. ઉદેસિંહ મહારાજને વસ્તુપાલજી મહામંત્રીએ કહેવરાવ્યું હતું કે આંહીંથી રાણાજી વીરધવલના મોટા કુંવર વીરમદેવ, તમારે ત્યાં આવ્યા છે. તમારા એ જમાઈ છે. પણ એ પાટણમાં કુટુંબકલહ ઊભો કરીને પાટણના ગૌરવને રોળીટોળી નાખે તેમ છે. એ વખતે શું બન્યું સંભારો મહારાજ! આજ એ બનશે?’

કરણરાયને ગત દિવસોની ભવ્યતા યાદ આવી ગઈ. કાંધલજી ઉત્સાહથી આગળ બોલ્યો: ‘ એ વખતે પાટણ પ્રત્યેની રાજભક્તિથી પ્રેરાઈ, મહારાજ ઉદેસિંહે પોતાના સગા જમાઈ વીરમદેવને જનોઈવઢ કરી નાખ્યા! આજ એ રાજભક્તિ ક્યાંય દેખાશે ખરી મહારાજ! ઉદેસિંહ મહારાજે એ કામ કર્યું, તો વિશલદેવજી જે યોગ્ય હતા, તે ગાદીએ આવ્યા. કુટુંબકલહ ગયો. એકતા રહી. સો વરસ થયાં પાટણ એને પ્રતાપે આજે ઊભું છે. અને ઉદેસિંહના યુવરાજ ચામુંડરાય! ત્યાં લડવા ગયા હતા. અમારી આ પરંપરા છે. અમે આજે એ સજીવન કરી બતાવી છે. કાન્હડદેવજી મહારાજે બે વધુ શબ્દો મહારાજને કહેવરાવ્યા છે. હું એ કહી દઉં એટલે મારું કામ પૂરું થાય. પછી મારે વિદાય લેવાની છે. આટલે આવ્યો છું ત્યારે સોમનાથ જાતો આવું. આંહીંથી સોમનાથના દર્શન કરીને પછી ઝાલોર જઈશ.’

કરણરાય ધ્યાનથી સાંભળી રહ્યો. 

‘મહારાજ કાન્હડદેવે કહેવરાવ્યું છે પ્રભો! પાટણને અનેક સરહદો સંભાળવાની છે. એટલે અમે અમારી વાત કહેવરાવી દીધી છે. બાકી આ સુરત્રાણ, એ કોઈ બાદશાહ નથી. કાકાને મારીને ગાદી ઉપર આવ્યો છે. વિશ્વાસઘાત એના લોહીમાં છે. એની પાસે બાદશાહની કોઈ રીતરસમ નથી. આ તો ખૂની છે. લૂંટારું સેનને દોરનારો છે. એનો ધંધો લૂંટવાનો છે. પણે ની લૂંટની ખૂબી છે. એને નમતું જોખનારો ઊલટાનું બધું જ લૂંટાવી દેવાનો છે. એના કાકા જલાલુદ્દીનના વંશનું જ ભાવિ નિહાળો ને? એના શાહજાદા શરણે ગયા, તો ઉલટાના આંધળા થઈને મર્યા! એ ક્યારે આવશે, ક્યાંથી આવશે ને કેવી રીતે આવશે – એ વાત હવા જેવી છે. એટલે કોઈ એ જ વાતનો ભરોસો કરતા નહિ. એ ગમે ત્યાંથી આવે. બાકી ઝાલોરગઢની રાખ થઈને ઊડી જાશે, પણ એ એક નહિ નમે તે નહિ જ મેં. અને મારગ, અમારે ત્યાંથી એ મેળવી રહ્યો. બાકી બીજાનું અમે કાંઈ જાણતા નથી. હવે મહારાજને ઠીક પડે તેમ વિચાર કરે. બસ, હું હવે રજા લઉં, મહારાજ!’

કરણરાય કાંધલજી સામે જોઈ રહ્યો. એના મનમાં એક વાત સ્પષ્ટ થઇ ગઈ. આ જે હવા ફેલાણી છે તેને જો કોઈ ફેલાતી અટકાવી શકે તેમ હોય તો અણનમ રાજપૂતી. કાન્હડદેવની આ વાત સાચી હતી. 

એનું હ્રદય કાન્હડદેવની વીરતાને નમી રહ્યું.

તેણે કાંધલજીના ખભા ઉપર હાથ મૂક્યો: ‘દેવડાજી! મહારાજ ઝાલોરપતિને કહેજો. આ તમારું સત્કાર્ય અમે કદાપિ ભૂલવાના નથી. તમારો સંદેશો આવ્યો તો તમારી દિશા તરફની અમને નિરાંત થઇ ગઈ. હવે અમારે મેદપાટ તરફ નજર કરવી રહી. અર્બુદમંડળ સંભાળવું રહ્યું. તમે જે જોયું તે મહારાજને કહેજો. આંહીં તૈયારી ચાલે જ છે. પણ અમને થોડા વખતની જરૂર છે. તુરુષ્ક એ જાણતો હશે. એટલે હવે એ ચોક્કસ વખત નહિ રહેવા દે. પણ ગમે તે થાય કાન્હડદેવજીની જેમ જ, આંહીં પણ રાખ ઊડતી હશે! બાકી પાટણનું સિંહાસન નમશે તો નહિ જ!’ 

કાંધલ દેવડો મહારાજની વીરવાણી સાંભળી રહ્યો. તે બેઠો થયો. ‘તુરુષ્કની જાસૂસી જબરી છે, પ્રભુ! હંમેશ ચાલીસ સાંઢણીસવાર દિલ્હીમાં દેશભરના સમાચાર એને ઠાલવે છે. હંમેશના હંમેશ! હું પણ કાંઈ લેખ લીધા વિના મોંના સમાચાર લાવ્યો, તે એટલા માટે જ. વખત છે, અંતરાય થયો. એટલા માટે આડેઅવળે માર્ગે ઘણુંખરું રાતે જ એકલો દોડતો આવ્યો. નહિતર આપણી વાત એને કાને ત્રીજે દી પહોંચી જાય! જાસૂસી એની જબરી છે પ્રભુ!...’

દેવડાએ નમીને રજા લીધી. રાજા કરણરાય ત્યાં એકલો રહ્યો.