રાય કરણ ઘેલો - ભાગ 3 Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાય કરણ ઘેલો - ભાગ 3

રાજા પ્રતાપચંદ્ર

એટલી વારમાં રાજા પ્રતાપચંદ્રને અનેક વિચાર આવી ગયા હતા. દુર્ગમ અને અણનમ રહેવા સરજાયેલી પોતાની દુર્ગમાળાના ભીષણ ખડકોમાં, વીર જોદ્ધા સમો એ એકલો અને અટંકી ઊભો હતો. પણ દેવગિરિના યાદવરાજ રામચંદ્ર જેવા નમી ગયા, પછી એની એ અણનમ ધજા કેટલી વાર ટકવાની?

એ આંહીં પાટણમાં આવ્યો હતો એટલા માટે. પણ આંહીંની હવા જોઇને એનું મન ઉદાસ થઇ ગયું. આંહીં પણ અંદરોઅંદર ઝેરવેર હતાં. તુરુષ્ક દિલ્હીથી હવે જ્યારે નીકળશે ત્યારે સૌને રોળીટોળી નાખશે. આંહીં પાટણમાં અને રંગ હતા. કોઈ એક જમાનામાં ગુજરાતના મહામંત્રીઓ વસ્તુપાલ તેજપાલ* – દિલ્હીને વશ કરવામાં, સમાધાન મેળવવામાં ફાવી ગયા હતા, એ સિદ્ધિનું આકર્ષણ અત્યારના મહામંત્રી માધવને પણ લાગ્યું હતું. એવી તકની એ પણ રાહ જોતો હતો! એના વિરોધીઓ વાતો કરતા હતા, કે બ્રાહ્મણો એ કરી રહ્યા! એ કામ વાણિયાનાં. વાણિયા વિના રાજ ટકી રહ્યાં! 

(*દિલ્હીના સુલતાન મોઇજુદ્દીનના મા યાત્રા કરવા નીકળી, તેને લૂંટાવીને લૂંટ પાછી આપી સુલતાન પાસેથી અભય મેળવ્યું હતું)

પ્રતાપચંદ્ર આ હવા જોઇને નિરાશ થઇ ગયો. ત્યાં દેવગિરિમાં પણ એ જ હવા હતી. એને લાગ્યું કે બીજું કાંઈ નથી, દેશની હવા જ જાણે બદલાઈ ગઈ છે. પણ રાજસભામાં કરણરાયને દીઠો અને એને એક રોમાંચકારી અનુભવ થયો. આ એક માણસ હતો – જે ખડક સમ અડગ રહેવામાં જ સાર્થકતા સમજતો હતો. મહાન રાજ્યોની મહાન સેનાઓ એના ઉપર અફળાઈ મરે, પણ એની એક કાંકરી ન ખરે! રાય કરણની આસપાસમાંથી પણ આ વજ્જર હવા ઊભી થતી હતી.

પણ એ મરી ખૂટવાની વાતો હતી. પ્રતાપચંદ્રને બીજી જ વાતો જોઈતી હતી. તુરુષ્કને નમતું આપવા કરતાં, નષ્ટ થઇ જવાની શક્તિ કરણરાયમાં હતી એ ખરું. પણ ચૌલુક્ય અને યાદવ ભેગા થઈને સામનો કરે, તો જ ટકી રહેવાય. અને આંહીં તો કલ્પનામાં પણ એ વાત ન હતી!

પાટણને મહાન બનાવવાની, પોતાનું પૂર્વસ્થાન પ્રાપ્ત કરવાની ધૂનમાં રાજા કરણ હતો! અને જુક્તિથી છે તે જાળવી રાખવાની વાત બીજા રાજપુરુષોની હતી. પણ શ્વાસ ખાવા જેટલો વખત એમને માટે હવે નહિ રહે. એ વાત હજી કોઈને સમજાતી ન હતી! પ્રતાપચંદ્રે વાવંટોળ સમી ધસતી આવેલી તુરુષ્કસેના જોઈ હતી. એને એ ભયંકર અનુભવ થયો હતો. 

પ્રતાપચંદ્રે અત્યારે રાજગઢીની બહાર સાંઢણીને થોભાવી.

એટલી વારમાં સોઢલજી પણ આવી પહોંચ્યો.

આટલા થોડા સહવાસમાં પણ, સોઢલજી વિશે રાજા પ્રતાપચંદ્ર એક વાત જાણી ગયો હતો. રાજા કરણની સાથે જીવનારો મરનારો એ સાચો જોદ્ધો હતો. એને રાજાની વાતની કાંઈક જાણ હોવી જોઈએ, એમ ધારીને પ્રતાપચંદ્રે દાણો દાબ્યો: ‘સોઢલજી! તમારાથી અજાણ્યું તો નહીં હોય – મહારાજે મને ફરીને કેમ યાદ કર્યો? અને તે પણ અત્યારે? કાંઈ નવા સમાચાર આવ્યા છે? કે શું છે?’

‘કોઈ આવ્યું તો જાણ્યું નથી દુર્ગપતિજી! પણ પોતે સૂતા હતા. અચાનક જાગ્યા, અને મને કહ્યું કે તું જઈને રાજા પ્રતાપચંદ્રજીને બોલાવી લાવ. હું તમને બોલાવવા આવ્યો. આટલી જ વાત છે!’

પ્રતાપચંદ્રને એમાં કાંઈ સમજ પડી નહિ. તે મૂંગો મૂંગો આગળ વધ્યો. 

તે રાજાના શયનગૃહમાં આવ્યો. અત્યારે ત્યાં ઝળાંઝળાં  થતી દીપીકાઓ પ્રકાશી રહી હતી. રાજે એક ઠેકાણે ગાદીતકિયાને અઢેલીને બેઠો હતો. તેણે શરીરે શાલ ઓઢી હતી. તેનું માથું ઉઘાડું હતું. તેના પગ પાસે લાંબી સમશેર પડી હતી. અત્યારે એ પૂરી જાગ્રત અવસ્થામાં હતો. પ્રતાપચંદ્ર ત્યાં આવ્યો. એની એક સહજ દ્રષ્ટિ રાજા ઉપર ગઈ. અને રાજાના મોં ઉપર એણે જે વાંચ્યું, તે વાંચીને એક ક્ષણભર એના પગ ધરતી સાથે જડાઈ ગયા! ત્યાં બેઠેલો રાજા કરણ જાણે જુદી જ સૃષ્ટિનો માણસ જણાતો હતો.

‘હણાઈ જવું છે, ને હણી નાખવાના છે, જે થવાનું હોય તે ભલે થાય –’

એવી કોઈ ભયંકર મરણિયાની નિશ્ચળતા, એણે રાજાના ચહેરામાં જોઈ. જે ઝડપથી દિલ્હીનું સેન દેવગિરિમાં આવી પહોંચ્યું હતું, એવી કોઈ ઝડપી સવારીના સમાચાર અત્યારે રાજાને મળ્યા છે કે શું તે પ્રતાપચંદ્ર કળી શક્યો નહિ. કોઈ આવ્યું નથી એમ તો સોઢલજીએ કહ્યું હતું.

પણ કરણરાયને જોતાં એણે જે મનમાં વિશ્વાસ હતો તે ત્રણગણો વધી ગયો.

એ એક વાત સમજી ગયો. આ માણસનું પાટણ ખેદાનમેદાન થશે. એ ખેદાનમેદાન થશે, ગુજરાત રોળાઈ જશે પણ એ નમશે નહિ. આખું ત્રિભુવન સામે આવે તોપણ આ માણસ તો નહિ નમે તે નહિ જ નમે, નમવું આના સ્વભાવમાં જ નથી. જીવનને ખરે ટાણે ફેંકી દેવાની અદ્ભુત તાકાત એ જ આનો શ્વાસોચ્છવાસ છે!

વ્યવસ્થિત સામનો કરવાની પોતાની વાતને જો કોઈ કાન ન દે, તો તો છેવટે આવી કોઈ અણનમ ખડક સમી અડગતા રાજા પ્રતાપચંદ્રને જોઈતી હતી. આંહીં એણે એ જોઈ.

તે હાથ જોડીને રાજાને અંત:કરણની ખરેખરી ભક્તિથી નમી પડ્યો.

‘મહારાજ! મને કેમ યાદ કર્યો?’ તે રાજા તરફ ગયો.

‘પ્રતાપચંદ્રજી! આંહીં આવો આંહીં. મારી પાસે. મારે તમારો ખપ છે!’ કરણરાયે એને પાસે બોલાવ્યો.

‘મહારાજ! મારો ખપ? હું તો આપની આજ્ઞા લઈને, જવા માટે તૈયાર થઈને આવ્યો છું!’

‘એ વાત પણ આપણે કરીશું. એ વાત પણ આપણે ફરી ઉખેળશું. પણ અત્યારે તો મેં તમને મારે કામે બોલાવ્યા છે. તમે અહીં મારી પાસે આવો. સોઢલજી! દ્વાર ઉપર જરા રહેજો. કોઈ આવે તો તરત ખબર કરજો!’

સોઢલજીને પણ લાગ્યું કે કાંઈક થયું છે. શું થયું છે એ તો એ જાણી શક્યો નહિ. રાજા એને દ્વાર ઉપર જતો જોઈ રહ્યો. એ ત્યાં ઊભો, એટલે રાજાએ પ્રતાપચંદ્રને સંજ્ઞા કરી. પ્રતાપચંદ્ર છેક તેની પાસે ગયો. દીપિકાના પ્રકાશમાં એનું મોં બરાબર જોવામાં આવતાં રાજા પ્રતાપચંદ્ર વધુ ચોંકી ઊઠ્યો! સાતપુડાની પર્વતમાળાનું કોઈ ભયંકર ભીષણ ખડક સજીવન થયું હોય તેવો રાજા દેખાતો હતો! અને છતાં ત્યાં પાર વિનાની વેદના પથરાયેલી હતી!

ગઈ કાલે રાજદરબારમાં એણે જે રાજા જોયો હતો, તે મહત્વાકાંક્ષી, ગણતરીબાજ, કાંઈક કુશળ સેનાપતિ લાગતો હતો. પાટણના ગૌરવને સજીવન કરીને, સૌને વશ કરીને, સૌનો મોવડી થવામાં રચનારો જણાયો હતો. એવી મોટી તૈયારીમાં એ વળ્યો હતો. પણ આંહીં અત્યારે બેઠેલો રાજા, જુદો જ હતો. બધું બાળીને તીરથ કરવા નીકળેલો, કેસરિયા વાઘા સજેલો, કોઈ એકાકી, અજાણ બહારવટિયા જેવો એ લાગતો હતો. એના પગ પાસે પડેલી ભીષણ તલવાર એની બધી વાત કહી રહી હતી. પ્રતાપચંદ્રને આ ફેરફારની નવાઈ લાગી! રાજાની આંખમાં જુદાં જ પ્રકારની ડંખેલી તેજસ્વિતા બેઠી હતી. એના મોં ઉપર જાણે કે  હલાહલ વિષનો પ્યાલો પીધાનો કોઈ ભયંકર નિર્ધાર આવી ગયો હતો. એનાં નેત્ર એવાં લાલ ભયંકર જણાતાં હતાં. ઊંડી વેદનાનો એક આછો પડછાયો ત્યાં હતો. એક જ રાતમાં થઇ ગયેલા આ ફેરફારનું કારણ રાજા પ્રતાપચંદ્રને એકદમ સમજાયું નહિ. હજી તો ગઈ કાલે સાંજે જ, એણે રાજાની વિદાય માંગી હતી ને એને એ મળી હતી. તે રાજાના બોલવાની રાહ જોતો શાંત બેઠો રહ્યો. ત્યાં કરણરાયે કહ્યું: ‘રાજાજી! તમારે ત્યાં ભાસ્કરાચાર્યનો પૌત્ર છે, એ જીવે છે?’

‘કોણ? પંડિત ચંગદેવ?’

‘હા પંડિત ચંગદેવ. હું માન ભૂલી ગયો હતો. એના વિષે મેં ઘણું સાંભળ્યું છે. એના જેવો જ્યોતિષનો જાણનારો બીજો કોઈ નથી. ત્યારે ત્યાં યાદવરાજ સિંધણને એ મુહૂર્ત આપતો હતો એમ કહેવાય છે સાચું? અત્યારે તો ઘણી વૃદ્ધાવસ્થા હશે?’

‘હા મહારાજ! નેવું ઉપર પંડિતજી પહોંચ્યા છે. પણ હજી  બુદ્ધિશક્તિ એની એ છે.

‘એમ કે? તો તમે એક કામ ન કરો? હું તમારે ત્યાં સોઢલજીને મોકલું છું. તમે એને એનો ભેટો કરાવી દેજો. મારે એક વાત એમને આંગણે મૂકવાની છે. કોઈની વિરુદ્ધ નથી, એની ખાતરી રાખજો.’

પ્રતાપચંદ્રે બે હાથ જોડ્યા: ‘મહારાજ! અમારી વિરુદ્ધની હોય તોપણ શું? પંડિતજી તો સર્વતંત્ર સ્વતંત્ર છે. પણ મહારાજ! મને સમજાતું નથી. વાંધો ન હોય તો કહો કે થયું છે શું? તુરુષ્ક આવવાના સમાચાર કોઈ લાવ્યું છે? એ સમાચાર આવ્યા હોય તો એ ખોટા. તુરુષ્ક તમારે ત્યાં હમણાં નહિ આવે. આવે તો એ યાદવરાજને ત્યાં જ આવે. એને દેવગિરિને આંગણેથી, એટલાં માણેક મોતી મળ્યાં છે કે એ હવે બીજે ક્યાંય જાય તેમ નથી. એ દિલ્હીની ગાદી ઉપર આવ્યો જ છે, એ માણેક મોતીનાં પ્રતાપે ફરીને એ ત્યાં જ આવવાનો છે. છસ્સો મણ મોતી* - યાદવરાજ મહારાજ રામચંદ્રનું દિલ કેમ ચાલ્યું હશે – એ ભગવાન જાણે! પણ છસ્સો મણ મોતી લઇ જનારો ફરીને દેવગિરિ જ આવવાનો. એટલા માટે તો મહારાજ! હું તમને કહેવા આવ્યો હતો. પણ શું વાત કહેવાની છે પંડિત ચંગદેવને?’

(*આ પણ કદાચ અઠાવીશ શેરનો હશે. અલાઉદ્દીને દેવગિરિમાંથી ૬૦૦ મણ મોતી, બે મણ રત્નો, ૧૦૦૦ મણ રૂપું લીધેલાં.)

‘પ્રતાપચંદ્રજી! એ વાત હું તમને કહેતો નથી. આંહીં બેઠી છે.’ રાજાએ પોતાની છાતી પર હાથ મૂક્યો. ‘તમને હું એવા પારકા માનતો નથી કે તમને વાત ન કરું. પણ આટલી વાત મારી પાસે જ રહેવા દ્યો. એમાં વાતની પણ શોભા છે, મારી પણ શોભા છે. સોઢલજીને તમે પંડિત ચંગદેવનો ભેટો કરાવી દેજો. આટલી જ માગણી છે. આમાં કોઈ પ્રકારની રાજરમત નથી એ ચોક્કસ. પંડિતજીને પણ હું લખીશ કે, આટલી મારી વાત છાની રાખજો.’

રાજા બોલીને, આકાશમાં જાણે કાંઈ નિહાળી રહ્યો હોય તેમ એક પળભર અનિમેષ નેણે જોઈ રહ્યો. પોતે જોયેલ સ્વપ્નવસ્તુની એટલી તાદ્શ્ય છબી હજી એ હવામાં જોઈ રહ્યો હતો કે રાજા પ્રતાપચંદ્રને પણ મનમાં શંકા થઇ ગઈ. રાજાએ કાંઈ અદ્ભુત જોયું છે કે શું? એના મનમાં સવાલ ઊભો થઇ ગ યો.

પણ એણે વાત ફેરવી નાખી. બે હાથ જોડીને તે બોલ્યો: ‘ભલે મહારાજ! સોઢલજી ભલે આવતા! મહારાજની ઈચ્છા પ્રમાણે જ થશે. હવે હું રજા લઉં?’

‘રહો. હવે આપણી બીજી વાત. તમે કેમ આવ્યા હતા એ વાત તમે કરી છે. હવે મને ફરીને એ કહો!’

‘મહારાજ! દેવગિરિની વાત તો તમે સાંભળી છે.’

‘હા. એ તો સાંભળી છે. ને એની વધુ માહિતી મેળવવા મેં આંહીંથી એક ભટ્ટરાજ પણ ત્યાં મોકલ્યો છે. થોડા દિવસમાં એ પણ આવવો જોઈએ. 

‘ત્યારે હું આટલું કહેવા આવ્યો હતો. ત્યાં જે બન્યું છે તે આવતી કાલે બધે બનશે. પાટણ ને દેવગિરિ વચ્ચે જૂની સાંધ છે. આ રહ્યો એ ‘યમલલેખ’ મહારાજ! જુઓ...’

પ્રતાપચંદ્રે પોતાની ભેટમાંથી એક નાની સોનેરી ભૂંગળી કાઢી. તેને ખોલી નાકાહી. અંદર સાચવીને વીંટાળીને મૂકેલો એક વસ્ત્રલેખ હતો. તેણે તે રાજાની સામે મૂક્યો અને હાથ જોડીને બોલ્યો: ‘જુઓ મહારાજ! વિક્રમ સંવત બારસો અઠ્યાશીની સાલમાં વૈશાખ સુદિ પૂનમ ને સોમવારે, આ ‘યમલપત્ર’ તૈયાર થયો હતો. સિંહણદેવ મહારાજ અમે મહામંડલેશ્વર લાવણ્યપ્રસાદે એકબીજા ઉપર આક્રમણ કરવાનું નથી. પોતપોતાને સ્થાને રહેવાનું છે. કોઈના  ઉપર શત્રુ ચડી આવે તો એકબીજાને સહાય કરવાની છે. બંને સેનાએ ભેગાં થઈને જવું ત્યાં સુધીની વાત છે મહારાજ! એમણે કેટલી દીર્ઘદ્રષ્ટિ બતાવી છે? અને આજે આપણી આ અવસ્થા છે.’

કરણરાજા વિચારમાં પડી ગયો. પણ તેના મન ઉપર હજી પેલા સ્વપ્નના વિચાર આવી રહ્યા હતા. એને લાગતું હતું. એણે નિર્માણ જોયું છે તે એકી નજરે ધરતીને નિહાળી રહ્યો. કોઈ દિવસ નહિ એવો ધરતીનો મહિમા આજે એને સમજાતો હતો. એને ધરતી વહાલી લાગતી હતી. એને થતું હતું કે એ ધરતીને એમ ને એમ નહિ છોડે.

એણે શાંત, દ્રઢ, ધીમા પણ મક્કમ અવાજે કહ્યું, ‘પ્રતાપચંદ્રજી! તમે દેવગિરિને સમજો છો. દેવગિરિનો મહિમા તમે જાણો છો. પણ કાકાએ યાદવરાજને પરાજય તેને બહુ વર્ષો વીત્યાં નથી. સંધિ તો યાદવે જ એ રીતે ફોક કરી હતી. અને હવે આજે એ સંધિ છે, એમ કહેવા તમે આવ્યા છો?’

‘મહારાજ! હું એમ કહેવા આવ્યો નથી. હું તો એમ કહેવા આવ્યો છું કે શું તમે શું અમે – આ તુરકની સામે માત્ર બે રીતે જ ટકી શકીએ તેમ છીએ. તુરુકને મેં જોયા છે.’

‘કઈ બે રીતે?’

‘કાં ભેગા થઈને, કાં ફના થઇને!’

પ્રતાપચંદ્રના છેલ્લા શબ્દે, કરણરાયના મોં ઉપર અનોખી ઝલક આવી ગઈ લાગી.

પ્રતાપચંદ્રને આશ્ચર્ય થયું. એણે કરણરાયના ખરા વ્યક્તિત્વને હવે જાણ્યું. એ પણ બહાદુર હતો. અટંકી નર હતો. અણનમ ધજાને ઊડતી રાખવાનો આગ્રહી હતો. રાજાની અણનમ શક્તિને તેણે મનમાં અભિવાદન આપ્યાં.

ત્યાં કરણરાય બોલ્યો: ‘પ્રતાપચંદ્રજી! પાટણ માત્ર આહીં જ બેઠું છે એમ નથી. પાટણ તો ત્યાં બધે બેઠું છે. અર્બુદમાં તમે જોજો. પાટણ બેઠું હશે. મેદપાટમાં બેઠું હશે. લાટમાં હશે. ઉત્તર કોંકણમાં હશે. નવસારિકામાં હશે. યાદવરાજ ઉપર હવે તુરુષ્ક આવશે – તો જાઓ, અમારો કોલ છે કે, આ બધા જ પાટણ બની રહેશે. એ બધે ઠેકાણેથી પાટણ ઊભું થાશે!’

પ્રતાપચંદ્ર રાજાની ગૌરવવાણી સાંભળી રહ્યો. પણ એણે એક વાતનો ભય સ્પષ્ટ જોઈ લીધો હતો. અત્યારે જો તુરુષ્ક પાટણ ઉપર આવે તો પાટણના હાલ દેવગિરિથી પણ ભૂંડા થાય.

તેને બે હાથ જોડ્યા: ‘મહારાજ! પાટણની સત્તા અમાપ હશે. અનેક રીતે એ ઊભી થાશે એ બધું ખરું. પણ તુરુકની દગાખોરી અમાપ છે. અત્યારે આ નગરમાં પણ એના ગુપ્તચરો બેઠા હશે. તમારો આંહીંનો જૈન-બ્રાહ્મણનો જરા જેટલો કજિયો પણ એના ધ્યાન બહાર નહિ હોય! ચાલીશ ઘડિયા જોજન સાંઢણીઓ હંમેશના હંમેશ દિલ્હી સમાચાર પહોંચાડે છે!’

‘તે હશે. પણ દિલ્હીથી એનો કાકો ઝાલોરગઢ* આવ્યો હતો. લાવલશ્કર પાર વિનાનું હતું. પરિણામ શું આવ્યું હતું ખબર છે?’

(* વિ. સં. ૧૨૯૮ માઘ સુદ ૫, જલાલુદ્દીન ખિલજી ઝાલોર ઉપર ગયેલો પણ હાર ખાઈને પાછો ફર્યો હતો.)

‘સુંદર સુર અસુર દલે, જલ પીઓ બવણેહ:’ ‘ઉદૈ નરપત કાઢીઓ, તસવારી નયણે હ!’

‘અમારી આડે મરુભૂમિ – ઝાલોરગઢ પડ્યું છે.મેદપાટ પડ્યું છે. અર્બુદમંડલ પડ્યું છે. એમને વીંધીને એ આવશે, તો અમે આહીં બેઠા છીએ. કોઈ રસ્તો આપે એ વાતમાં કાંઈ માલ નથી. એમની પાસે તો હજી ક્ષત્રિયવટ છે ને અર્બુદમંડલ – ત્યાં જૂના પરમાર નથી એ ખરું. પણ ઘોરી ભાગ્યો’તો ત્યાંથી, દંડનાયક વિશળદેવને રાખ્યો છે જ એટલા માટે. 

‘એટલે અમારે છાણે ચડાવીને વીંછી ઘરમાં લાવવો નથી. દેવગિરિ સાથે સેન ભેગું કરવાની વાત વહેતી મૂકીને, એને કારણ નહિ આપીએ. રણની પાર દિલ્હીમાં. ભલે એ મજા કરતો. આંહીં અમે અમારું સંભાળીએ છીએ. આંહીં આવશે તો એના દાંત ખાટા થઇ જાશે. ત્યાં આવશે, તો હવે દસ પાટણ તમારી મદદે દોડશે! આટલો અમારો કૉલ છે. બાકી ગઈ કાલ સુધી જે પાટણને અધીન હતા તે આજે આ સુરત્રાણની વાત સાંભળીને, અમને દબાવવા આવે એ બનવાનું નથી. તેમ દોસ્ત થઈને અમારું માથું ઘા ઝીલી લેવા આગળ ધરે, એ પણ બનવાનું નથી. અમે એકલા છીએ, ને બધાની પડખે છીએ.’

ઘડીભર સ્વપ્નાની વાત વીસરીને, રાજા પોતાના મૂળ તેજસ્વી સ્વભાવ ઉપર આવી ગયો હતો. પ્રતાપ ચંદ્રે જોયું કે આંહીંથી કોઈ કોઈમાં ભળે તેમ નથી.

‘તો ભલે પ્રભુ! હું રાજા લઉં. જોઈએ, સમય શું બતાવે છે. સોઢલજી ભલે આવતા. બાગલાણ દુર્ગ પણ એમને જોવાની મજા પડશે!’

રાજાને તરત પોતાનું સ્વપ્ન સાંભરી આવ્યું. તેને કંઈક મંદ અવાજે કહ્યું:

‘સોઢલજી બે દિવસ પછી નીકળશે. પણ મેં કહ્યું તેટલું મારું કામ જરૂર કરવાનું છે, પ્રતાપચંદ્રજી!’

પ્રતાપચંદ્ર સમજી ગયો. રાજા હમણાં કોઈ નવી સંધિ નહિ કરે. તેણે બે હાથ જોડીને રજા લીધી: ‘મહારાજ! ત્યારે હું જાઉં?’

રાજા કરણ પ્રેમથી પોતે તેને વળાવવા ઊઠ્યો. તે દ્વાર સુધી આવ્યો. રાજા પ્રતાપચંદ્ર એની સામે જોઈ રહ્યો. કરણરાયના હ્રદયમાં કોઈ મહામંથન ચાલી રહ્યું હતું. પ્રતાપચંદ્રના ખભા પર તેણે પ્રેમથી હાથ મૂક્યો: ‘પ્રતાપચંદ્રજી લડાઈઓ તો આવે છે, જાય છે. રાજાઓ જીતે, રાજાઓ હારે. પણ ભારતવર્ષનો રજપૂત પણ મરી રહ્યો છે. લાગી એ આવે છે. રાજાને કોઈ લૂંટી જાય એ વાત ક્યાંય બની છે ખરી? તમારે ત્યાં એ થઇ છે!  આ તો નવી નવાઈની વાત બની. તમે જે કહ્યું તે બરાબર છે. ફના થયા વિના તુરુષ્કને કોઈ જીતી રહ્યો. આંહીં તો બનતાં સુધી એ નહિ આવે. પંથ લાંબો છે. આડે ઘણા પડ્યા છે. પણ આવશે તો પ્રતાપચંદ્રજી! લડાઈના ખેલ છે શું થાય તે કોઈ જાણતું નથી. અમે  હજી તૈયાર ન હોઈએ, ને એ આવી પડે. અમારી પાસે દેવગિરિ જેવી અભેદ દુર્ગાવલિ નથી... છતાં આટલું નોંધી રાખજો... દેવગિરિ જેવું આંહીં નહિ થાય. આંહીંનું જે સિંહાસન...’ કરણરાયનો અવાજ એકદમ તેજસ્વી ગૌરવભર્યો ગંભીર બની ગયો. તેણે કાંઈક મોટા અવાજે કહ્યું. 

‘પ્રતાપચંદ્રજી! આહીંનું પાટણનું સિંહાસન, જેના ઉપર મહારાજ સિદ્ધરાજ જેવા થઇ ગયા છે, કુમારપાલ, કર્ણદેવ ને ભીમદેવ મહારાજ રાજ કરી ગયા છે, મહારાજ વિશળદેવ ને કાકા સારંગદેવે જ્યાં બેઠક લીધી છે. પાટણના એ સિંહાસનનો વારસ, તુરુકને નમે, એ ન ભૂતો ન ભવિષ્યતિની વાત છે. બીજું જે થાવું હોય તે ભલે થાય. આટલું નહિ થાય. હું તમને આટલું કહું છું, પ્રતાપચંદ્રજી! કે આહીંથી કોઈ નહિ નમે, ત્યાંથી જો કોઈ નહિ નમે, બીજેથી પણ જો કોઈ નહિ નમે, તો તુરુષ્કજ હશે. મરે છે ભલે વિજય મેળવ્યા કરે, છેવટનો વિજય અણનમ રજપૂતોનો જ હશે. મરે છે તે જ નમે છે. આહીંથી કોઈ નમે તેમ નથી. દિલ્હીથી આખું દળ લઈને ભલે તુરુષ્ક આવતો. આંહીં ખંડેરો હશે. પણ નમવાનું નહિ હોય! હું તમને આ રજપૂતી કૉલ આપું છું. મને રોનારું કોઈ સ્વજન પાસે નહિ હોય! કોઈ કહેતાં કોઈ ઓળખીતો પણ પાસે નહિ હોય, અરે! ગુજરાતનાં ઝાડ ને પંખી પણ મારી પાસે નહિ હોય...’

રાજા જાણે પોતાના સ્વપ્નને ફરીને જોઈ રહ્યો હોય તેમ કાંઈક આવેશભરેલી રીતે બોલી રહ્યો હતો:

‘એ બધું થશે, ગુજરાતનાં પંખી, ખેતર, ઝાડવાં, માણસ કોઈ કહેતાં કોઈ મારી પાસે નહિ હોય. એ બધું થવું હશે તે થશે, ફક્ત એક જ વસ્તુ મારી હાથની છે, તે હું તમને કહી દઉં. ગુજરાતનો રાજા કોઈને નમે, અને એમાં તુરુષ્કને નમે, એ કોઈ દી બનવાનું નથી. એના કરતાં તો એ હલાહલ ઝેર પીએ, સમુદ્રમાં પડે, રણવગડે રખડી રખડીને મરે. અરે! કોઈ કુતરુંય ન રુએ એવે ઠેકાણે ઢળી પડે. એ બધું થશે, પણ પાટણનું સિંહાસન, એ કદાપિ નહિ નમે, કે નહિ જ નમે. હું મારી આટલી વાત માત્ર જાણું છું. બીજી કોઈ વાત હું જાણતો નથી. બીજી વાત ભગવાન સોમનાથ બતાવે તે.’

રાજાની ગંભીર, અડગ દ્રઢ વાણી સાંભળીને પ્રતાપચંદ્ર પણ ડોલી ગયો. એને થઇ ગયું કે દેવગિરિમાં માત્ર આવો એક જ માણસ હોત!

તેણે અત્યંત માનપૂર્વક, પ્રેમપૂર્વક, ભક્તિપૂર્વક રાજાને માથું નમાવ્યું. તેણે ધીમેથી કહ્યું: ‘મહારાજ! ત્યારે અમારો પગ ત્યાં એ જ નિશ્ચય છે. બાગલાણ દુર્ગ રેતી રેતી થઇ જશે, બાકી આ પ્રતાપચંદ્ર જીવતાં એ કોઈને હાથે જઈ રહ્યો! હું તમારો છું, ને તમારો રહીશ. બાગલાણ દુર્ગ તમારો રહેશે! મહારાજ મને એવે વખતે યાદ કરે, એટલું જ માંગું છું. હું એને મારું પરમભાગ્ય ગણીશ! પ્રભુ!’

રાજા પ્રતાપચંદ્ર સાચા ઉમળકાથી રાજા કરણને ફરીને ચરણમાં પડીને નમી પડ્યો અને પછી તે ધીમે શોકઘેરે પગલે ત્યાંથી ચાલી નીકળ્યો!