રાય કરણ ઘેલો - ભાગ 8 Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાય કરણ ઘેલો - ભાગ 8

છેલ્લી સવારી

 

કેટલીક વખત માણસને, નગરને કે દેશને સ્વપ્ને પણ ખ્યાલ હોતો નથી કે જે ભવ્ય મહોત્સવ એ જોઈ રહેલ છે, તે એને માટે છેલ્લો મહોત્સવ છે, છેલ્લો! ત્યાર પછી એવો પ્રસંગ એને ત્યાં કોઈ દિવસ આવવાનો નથી. 

પાટણ નગરીને પણ ખ્યાલ ન હતો. પ્રભાતમાં જ્યારે પાટણનું ચતુરંગી વિજયકટક સહસ્ત્રલિંગ સરોવરના મેદાનમાં ખડું ઊભું રહ્યું, સેંકડોની હાથીસેના ત્યાં આવી, હજારો ઘોડેસવારની હેવળથી ધરતી ગાજી ઊઠી. રણશિંગા ફૂંકાયા, શંખનાદ ઊપડ્યા, તૂરી, ભેરી, નોબત, ઢોલ, ત્રાંસા, શરણાઈઓ જાગી જ્યારે ચારણ ભાટ, બંદીજનોએ મહારાણી નાયિકાદેવીની રણકથા ઉપાડી. મહમ્મદને ઊભી પૂંછડીએ આબુની પહાડમાળામાંથી કાઢી મૂક્યો હતો એની રણગીતાવલિ  હવામાં બેઠી થઇ, ત્યારે નગરી આખી એક પગે ને એક નજરે એ દ્રશ્ય જોવા માટે તળેઉપર થઇ ગઈ. એ દ્રશ્ય અદ્ભુત હતું, વિરલ હતું.

પણ એ છેલ્લું હતું. કેવળ ભગવાન મહાકાલની નોંધમાં એ પડ્યું હતું!

છજાં, માળિયાં, ગોખ, ઝરૂખા, ચંદ્રશાલા, કોટકિનારા – ઠેર ઠેર માનવમહેરામણ ઊભરાયો. આખી નગરી એક પ્રકારના મહોત્સવમાં પડી ગઈ. બધે રણક્ષેત્રની વાતો થવા લાગી. સામસામે સેનાઓમાંથી હોંકારા, પડકારા ને રણનાદી વાક્યો આવવા માંડ્યા. અને નગરીનો દેખાવ પણ બે પળમાં તો જાણે કોઈ મહાન સેનાની છાવણી આવી પડી હોય તેવો થઇ ગયો. 

ટૂંકી મુદતની તૈયારી હતી. છતાં કચ્છમંડળના દેશળજી જાડેજાના સંબંધીઓ ત્યાં દેખાયા. જૂનાગઢથી પાલ્હણદેવ આવ્યો હતો. એ ત્યાં દંડનાયક હતો. છેક આમરણથી (જામનગર) ચાવડો રાણોજી આવ્યો હતો. અર્બુદમંડલ ચંદ્રાવતીમાથી વિશલદેવજી આવ્યો હતો. એણે હજી ત્યાં પાટણની અણનમ સત્તાનો ધ્વજ રણથંભોરના હમ્મીર જેવાની સામે પણ ડગુડગુ ટકાવી રાખ્યો હતો. એને મહારાજ કરણરાય પ્રત્યે ભક્તિ હતી. એ રાતોરાત આવી પહોંચ્યો હતો. ઉદયન મંત્રીનો જર્જરિત બનેલો સામંતસિંહ પોતાની અદ્ભુત ઘોડી ઉપર હાજર હતો. પાટણની ભવ્યતાના છેલ્લા રહેલા ઘણાખરા વીર પુરુષો ત્યાં હતા. જે આવ્યા ન હતા, તે પણ ટૂંકી મુદતી તૈયારીને અભાવે જ આવી શક્યા ન હતા.

વિજયકટક નગરની ચારે તરફ પ્રસ્થાન કરતું ફરવા નીકળ્યું.

સૌથી મોખરે એક મહાન ઉત્તુંગ હાથી ઉપર રાજા કરણરાય પોતે દેખાયો. એની મુખમુદ્રા ઉપર જરાક શોકઘેરી છાયા ફરી વળી હતી. પણ એની સીનો, એનો દેખાવ, એનો પ્રભાવ ચૌલુક્યોના ગૌરવને અનુરૂપ, ભલભલાને આંજી દે તેવો હતો. એની પાસેના રાજપૂતી રંગમાં એને કોઈ પહોંચે તેવું ન હતું. ક્યાંય નમવાની વાત ન હતી. નમતું જોખવાની કોઈ કલ્પના ન હતી. એના માથા ઉપર ચૌલુક્યોનું સોનેરી છત્ર આવી રહ્યું હતું. એની આંખમાં અનોખું તેજ હતું. એની સામે જોનારને લાગે છે કે એણે એક ભવ્ય અણનમ અડગ રજપૂતીના અસલ ખમીરનો વીરવર જોયો છે!

સેંકડો ને હજારો સ્ત્રીઓના ઓવારણાં, મહારાજ કરણરાયને જોતાં જ, મધુર અવાજ કરતાં સંભળાયાં, ઠેરઠેરથી મહારાજ કરણરાયના નામનો યશધ્વનિ ઊઠ્યો!

સવારી આગળ ચાલી, મહામંત્રી માધવ દેખાયો. ઠાકોર બત્તડજી, અર્બુદમંડલનો વિશલદેવજી, ચંદ્રાવતીથી બીજડ ચૌહાણ, પાલ્હણદેવજી એક પછી એક સૌ આવતા ગયા. લોકોએ દરેકને ઉત્સુકતાથી નિહાળ્યા. અને પોતે પોતાની અંદર એમની સાચી કે ખોટી વીરકથાઓ કહેવામાં તલ્લીન થતા ગયા. 

સવારી નગરના દૂરદૂરના સીમા પ્રાંત સુધી ફરીને પાછી નગરમાં આવી. મહારાજ કરણરાયને એક જ કામ કરવાનું હતું. જે ભય આવી રહ્યો હતો તેની સામે બધા એક હોય તેમ તૈયાર થાય ને નામોશીભરી રીતે નગર નમી ન પડે તો બસ! 

નગરમાં જ્યારે સૈન્યનું પ્રસ્થાન થયું, ત્યારે તો નગરજનોના ઉત્સાહનો પાર ન રહ્યો. કુંકુમ, ગુલાલ, સુગંધી જલ, ફૂલ ને સાચાં મોતીઓનો વરસાદ વરસ્યો. હવેલીએ  હવેલીમાથી સોનારૂપાનાં ફૂલવધામણાં થયાં. સ્ત્રીઓએ રણરંગી જયમંગલ ગીતો ઉપાડ્ય. મહારાજ કરણરાયના રાજભવનની પાસે આવીને સવારી થોભી. સપ્તભૂમિ પ્રાસાદના ઝરૂખાઓમાં ઉભેલી રાજરાણીઓએ મંગલ વધામણાં કર્યા. આજે જાણે, આવી પડનારા યુદ્ધના શ્રીગણેશ મંડાતા હોય તેમ, મહારાણી કૌલાદેવીના મહાલયમાથી રણરંગી ખાંડાનાં ગીતો ઊપડ્યાં! ત્યાં આખા રાજમેદાનમાં ઊભેલી માનવમેદનીએ મહારાજનો જયઘોષ કર્યો!

કુદરતમાં ક્યારેક, કેવી અજબની મેળ મેળવનારી ઈશ્વરીય સંકેતરેખા પડેલી હોય છે!   

મહારાજ કરણરાયે પાટણની હવાને સચેત કરી હતી. સૌને તૈયાર થવાની  જાણે કે, આ સંજ્ઞા આપી હતી. આજની લશ્કરી તૈયારીના એ ગણેશ મંડાયા હતા. પણ મહારાજ કરણરાય પોતાના રાજમંગલ હાથી ઉપરથી ઊતરીને, જ્યાં ભોં પર પગ મૂકે છે, ત્યાં એની દ્રષ્ટિ, એમની સામે જ લાંબી મુસાફરી કરીને આવતી એક ઝડપથી ઝોકરાતી સાંઢણી ઉપર પડી. એ સાંઢણી ઉપરથી એક ઊંચો કદાવર મોટો પહાડ ઊભો હોય તેવો એક આદમી તરત નીચે ઊતર્યો.

સૌ એને જોઈ જ રહ્યા.

એને જોતાં જ પહેલાં તો સૌના મનમાં અનેક વાતો આવી ગઈ. આવો આ આદમી કોણ હશે? ક્યાંનો હશે? આવો ફળ જેવો આદમી કોઈ વખત જોયાનું યાદ ન હતું. એ નખશિખ શસ્ત્રથી સજ્જ હતો. એના હાથમાં તલવાર ઉપાડે ત્યારે આસપાસથી દસદસ હાથની ભોંમાં કોઈ આદમી ઊભો પણ ન રહી શકે એવી એના બાવળામાં તાકાત દેખાતી હતી. 

એની પડખે લટકતી તલવાર છેક પગની પાનીએ અડીને જાણે ભોંની સાથે પણ લડવા માંડતી હતી!

એ કોઈક આ જન્મ લડવૈયો જ દેખાતો હતો. એની ચાલ, એની દ્રષ્ટિ, એની મુદ્રા, બધામાં લડાઈ બેઠી હતી. કાં લડાઈ દે કાં લડાઈ ઉપાડી લે – એવી વાણી ઈશ્વરને પણ સંભળાવી દે, એટલો બધો એનો જુદ્ધપ્રેમ એની દરેક હિલચાલમાં દેખાતો હતો. 

એ સાંઢણી ઉપરથી ઊતર્યો, ને જેવો મહારાજ તરફ નજર માંડીને ચાલ્યો કે એની દ્રષ્ટિ, એના ઉપર સ્થિર થઇ ગઈ હતી, તે સાવધ થઇ ગઈ, મહારાજની પડખે અનેક શસ્ત્રધારીઓ આવીને ઊભા રહ્યા. 

એ કાંઈ જોતો ન હોય તેમ, પેલો માણસ તો સીધેસીધો મહારાજ તરફ પહોંચવાનો રસ્તો પકડી રહ્યો હતો. 

મહારાજે એક સંજ્ઞા આપી, ને પેલા માણસને આગળ આવવા દેવા માટે જીવતાં માણસોની એક દીવાલ બની ગઈ. 

બે દીવાલો વચ્ચે ચાલી રહ્યો હોય તેમ એ માણસ મોટાં મોટાં પગલાં ભરતો ચાલી રહ્યો!

એ ત્યાં દેખાયો અને તમામ સૈનિકો કેવળ છોકરા જેવા લાગવા માંડ્યા!

કેવળ એક જ માણસ એની સાથે સરખાવાય તેવો દેખાતો હતો. મહારાજની સાંનિધ્યમાં ઊભેલો મોડાસાનો દુર્ગપતિ બત્તડ. પોતાની ઊંચાઈથી એ આવનારને આવકારી રહ્યો.

થોડી વારમાં જ પેલો નવો આવનાર જોદ્ધો મહારાજની છેક પાસે આવ્યો.