પુષ્પા: ધ રૂલ
- રાકેશ ઠક્કર
અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા: ધ રૂલ’ દરેક પ્રકારના દર્શકો માટે છે. એક્શન, ડાયલોગબાજી, ડાન્સ, કોમેડી, ડ્રામા, મહિલા સશક્તિકરણ, ઇમોશન વગેરે જે જોઈએ તે એમાં મળી જાય છે. ફિલ્મનો હેતુ ભરપૂર મનોરંજન આપવાનો છે એમાં સફળ રહે છે. ફિલ્મ જોતી વખતે મગજનો ઉપયોગ કરવાનો નથી. કોઈ લૉજિકની અપેક્ષા પણ રાખવાની નથી. સિનેમાને જીવંત રાખવા માટે પણ આવી માસ મસાલા સાથેની મનોરંજક ફિલ્મો જરૂરી ગણાય છે. અલ્લુએ ‘પુષ્પા 2’ થી માસ હીરોનું કદ ઊંચું કરી દીધું છે.
ફિલ્મમાં પ્લસ અને માઇનસ બંને પોઈન્ટ છે. પહેલાં કેટલાક નકારાત્મક મુદ્દા જોઈએ તો ઘણા દ્રશ્યોનું વાર્તા સાથે જોડાણ નથી. શરૂઆતમાં પુષ્પા જાપાનમાં લોકો સાથે લડતો દેખાય છે અને ગોળી વાગ્યા પછી પાણીમાં પડી જાય છે. એ દ્રશ્યનું પછી ક્યાંય જોડાણ દેખાતું નથી. માત્ર એના એન્ટ્રી સીન માટે તૈયાર કરવામાં આવ્યું હતું. ‘પુષ્પા 1’ માં ભંવરસિંહના પાત્રને જે રીતે સાયકો અને હિંસક રીતે રજૂ કર્યું હતું એવું બીજા ભાગમાં ન હોવાથી મજબૂત લાગતું નથી. આ અવખતે એને વિલન કરતાં કોમેડી પૂરી પાડવા રાખ્યું હોય એમ એની સાથે કોમેડી થતી દેખાય છે. એટલું જ નહીં અંત એવો આપ્યો કે એનું પાત્ર અચાનક ગાયબ કરી દીધું છે.
કેટલાક એક્શન દ્રશ્યો માની ના શકાય એવા છે. જેમકે પુષ્પાના હાથ-પગ બાંધી દેવામાં આવ્યા હોવા છતાં તે ઉછળી-કૂદીને લડી રહ્યો છે. પરંતુ માસ મસાલા ફિલ્મોના ચાહકોને આ બધી બાબતોથી ફરક પડતો નથી.
પોઝીટીવ પોઈન્ટ જોઈએ તો અલ્લુ અર્જુનને કારણે જ ફિલ્મ દર્શકોને સૌથી વધુ પસંદ આવી રહી છે. તે દરેક ફ્રેમમાં છવાય જાય છે. એનો સ્વેગ કમાલનો છે. એની એનર્જી થિયેટરમાં બેઠેલા દર્શકને સ્પર્શી જાય છે. સ્ટાર સાથે એક્ટર બનીને બતાવવાનું મુશ્કેલ કામ એણે કર્યું છે. દર્શકોના પૈસા વસૂલ થાય એનું પૂરતું ધ્યાન રાખ્યું છે. ‘પુષ્પા 1’ પછી અલ્લુનો ભારે ક્રેઝ ઊભો થયો હતો. સ્ટાઈલ અને ‘ઝૂકેગા નહીં’ વગેરે ખાસિયતોને કારણે બીજો ભાગ જોવાની ઉત્સુકતા વધી ગઈ હતી. પુષ્પાનું પોલીસને ખરીદવાનું દ્રશ્ય, ઇન્ટરવલ વખતનું પુષ્પાનું ભંવરસિંહને સોરી કહેવાનું દ્રશ્ય, પુષ્પાનો કાલીમાના અવતારમાં ડાન્સ વગેરે તાળીઓ અને સીટીઓ મેળવી જાય છે.
ઇન્ટરવલ પછીના પારિવારિક ડ્રામામાં ઇમોશન સારું હતું. દેવીશ્રી પ્રસાદના સંગીતમાં ભવ્ય ગીતો એટલા મજાનાં ભલે નથી પણ વાર્તા સાથે એનું જોડાણ સારું હતું. એનું બેકગ્રાઉન્ડ સંગીત દમદાર હોવાથી દ્રશ્ય વધારે મજા આપે છે. ‘પુષ્પા: ધ રાઇઝ’ ને જો માસ ફિલ્મ ગણવામાં આવી હોય તો ‘પુષ્પા: ધ રૂલ’ ને સુપર માસ ફિલ્મ કહેવી પડે એમ છે.
આજના જમાનામાં લોકો 30 સેકન્ડની રીલ જોતાં હોય છે ત્યારે 3 કલાકથી વધુની ફિલ્મ જોશે કે કેમ? એવી શંકા હતી. પણ નિર્દેશક સુકુમારે એવી ફિલ્મ બનાવી છે કે એક મિનિટ માટે પણ કંટાળો આવશે નહીં. ‘પુષ્પા 1’ કરતાં ‘પુષ્પા 2’ 20 મિનિટ લાંબી છે પણ એટલી મિનિટ બોનસ જેવી લાગે છે. ફિલ્મ અંત સુધી જોવી ગમે એવી છે. અંતમાં ત્રીજા ભાગ માટે એક નવા પાત્રનો પરિચય આપવામાં આવ્યો છે.
ફિલ્મથી દર્શકો બહુ ખુશ છે પણ એના અંતમાં નામોની ક્રેડિટ બહુ જલદી પૂરી કરી દેવામાં આવી હોવાથી એના માટે વર્ષોથી મહેનત કરનારા અસંખ્ય લોકો નાખુશ હોય શકે છે. ‘પુષ્પા 1’ અને ‘પુષ્પા 2’ વચ્ચે ઘણું અંતર છે. બીજા ભાગના બજેટમાં ઘણો વધારો થયો છે. વાર્તાને મોટી બતાવવામાં આવી છે. એક્શન દ્રશ્યોની લંબાઈ જ નહીં સ્તર પણ ઊંચું કર્યું છે. ફિલ્મમાં હિંસા એટલી વધારે હતી કે હાથ-પગ કાપવાના કેટલાક દ્રશ્યો સેન્સર બોર્ડે હટાવી દીધા હતા.
રશ્મિકા મંદાનાની ભૂમિકા મુખ્ય નથી પણ એના વગર વાર્તા અધૂરી છે. પહેલા ભાગમાં એની અવગણના થઈ હતી. આ વખતે એનો અભિનય યાદગાર રહેશે. ફહાદ ફાસિલને સારી તક મળી એનો એણે કોમેડી સાથે પૂરો ઉપયોગ કર્યો છે. એના પાત્રનું લેખન નબળું લાગશે અભિનય નહીં. ‘પુષ્પા: ધ રૂલ’ માં પુષ્પા રાષ્ટ્રીયમાંથી આંતરરાષ્ટ્રીય ખેલાડી બની ગયો હોવાની વાત કહેતો હતો એ બીજી રીતે પણ સાચી પડી છે. ફિલ્મે વિદેશોમાં સારી કમાણી કરી છે! અને વિશ્વમાં સૌથી ઝડપી રૂ.500 કરોડ કમાનારી ભારતીય ફિલ્મ બની છે!