ભગવાન બિરસા મુંડા
માત્ર 25 વર્ષના આયુષ્યમાં એટલુ સુંદર કાર્ય કર્યું કે જેઓ ભગવાન કહેવાયા.આ વર્ષે જેમની 150મી જન્મજયંતી ઉજવાઇ રહી છે,એવા બિરસા મુંડા આદિવાસી સમુદાયના નેતા હતા.વડાપ્રધાન નરેંદ્ર મોદીજી એ આ વર્ષે 15 નવેમ્બરે બિહારના જમઇમાં બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજ્વણી કાર્યક્રમમાં એમના સન્માનમાં એક સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું. સાથે આદિવાસી સમુદાયના ઉત્થાન માટે અનેક વિકાસકામોનું લોકાર્પણ કર્યું.
બ્રિટિશ શાસનના વિરોધમાં આદિવાસી સમુદાયને એકત્રિત કરી પાદરીઓ અને જમીનદારોએ લાદેલી આર્થિક અને સામાજિક શોષણ પ્રણાલીઓને પડકાર આપનાર બિરસા તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને આંદોલનના કારણે લોકપ્રિય રીતે "ભગવાન બિરસા" કહેવાતા હતા. બિરસા મુંડા માત્ર સ્વાતંત્ર્ય સેનાની જ નહોતા પરંતુ તેમણે આદિવાસી સમાજમાં પ્રવર્તતી બુરાઈઓ જેવી કે અંધશ્રદ્ધા, જાતિ ભેદભાવ, માદક દ્રવ્યોનું વ્યસન, જાતિ સંઘર્ષ અને અન્ય સામાજિક દુષણો સામે પણ જાગૃતિ ફેલાવી હતી. તેમજ શિક્ષણ અને એકતામાં રહેવાનો સંદેશ પણ આપ્યો.
દર વર્ષે 15 નવેમ્બરે ભારતના સાંસ્કૃતિક વારસાને જાળવવા અને રાષ્ટ્રીય ગૌરવ, બહાદુરી અને ભારતીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે આદિવાસીઓના પ્રયત્નોને માન્યતા આપવા માટે ઉજવવામાં આવે છે.જનજાતિ ગૌરવ દિવસ સમગ્ર દેશમાં, 15 નવેમ્બર ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને સમર્પિત છે, તેને “આદિવાસી ગૌરવ” દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસ આદિવાસીઓમાં સૌથી પ્રખ્યાત દેવતા બિરસા મુંડાને સમર્પિત છે.બિરસા મુંડા જયંતિ દર વર્ષે 15 નવેમ્બરે ભારતના સાંસ્કૃતિક વારસાને જાળવવા અને રાષ્ટ્રીય ગૌરવ, બહાદુરી અને ભારતીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે આદિવાસીઓના પ્રયત્નોને માન્યતા આપવા માટે ઉજવવામાં આવે છે. તેમજ આદિવાસી સમુદાયના લોકો ભગવાન બિરસા મુંડાને સમર્પિત આ દિવસે મોટા કાર્યક્રમોનું આયોજન કરે છે.
દર વર્ષે 15 નવેમ્બર આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેની શરૂઆત 3 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2021થી થઈ હોવાનું માનવામાં આવે છે, જેને કેન્દ્રની મોદી સરકારે મંજૂરી આપી હતી. આ વર્ષ 2021 થી અત્યાર સુધી, આ તારીખને આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળનો હેતુ ભગવાન બિરસા મુંડા અને અન્ય આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓના યોગદાનને સન્માન આપવાનો છે.ખાસ કરીને આદિવાસી સમાજના સાંસ્કૃતિક વારસા, તેમની પરંપરાઓ અને તેમના ભવ્ય ઇતિહાસને સમજવા અને સન્માન કરવા માટે આ દિવસની ઉજવણી કરવાની પરંપરા છે. આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે આદિવાસી સમાજના લોકો દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસ આદિવાસી સમાજના સંઘર્ષ અને યોગદાનને યાદ કરવાનો છે.
બિરસા મુંડાનો જન્મ નવેમ્બર ૧૫, ૧૮૭૫ના દિને ઝારખંડ રાજ્યમાં આવેલા રાંચી શહેર નજીકના ઉલીહાતૂ ગામમાં સુગના મૂંડા અને કરમી હાતૂને ત્યાં થયો હતો. સાલ્ગા ગામમાં પ્રાથમિક શિક્ષણ પુરું કર્યા પછી તેઓ ચાઇબાસા ઇંગ્લીશ મિડલ સ્કૂલમાં અભ્યાસ માટે આવ્યા. એમનું મન હમેશાં પોતાના સમાજની બ્રિટિશ શાસકો દ્વારા કરવામાં આવેલી બુરી દશા માટે વિચારતું રહેતું હતું. એમણે મુંડા લોકોને અંગ્રેજોથી મુક્તિ મળે તે માટે જાતે નેતૃત્વ પ્રદાન કર્યું. ૧૮૯૪ના વર્ષમાં નિષ્ફળ ચોમાસાના કારણે છોટાનાગપુરમાં ભયંકર દુકાળ અને રોગચાળો ફેલાયો હતો. બિરસાએ મન લગાવી પોતાના સમાજના લોકોની સેવા કરી.
બિરસા મુંડાએ "ઉલગુલાન" નામથી જાણીતા આંદોલનનું નેતૃત્વ કર્યું, જે આદિવાસી જીવનશૈલી અને સંસ્કૃતિની રક્ષા માટે બ્રિટિશ સામ્રાજ્યવાદ વિરુદ્ધ એક સશસ્ત્ર વિદ્રોહ હતું. તેમણે આદિવાસી સમાજમાં એકતા લાવી અને આધુનિક શિક્ષણ તથા સ્વચ્છતાના મહત્વ પર ભાર મૂક્યો. મુંડાના આંદોલનના પરિણામે બ્રિટિશોએ છોટા નાગપુર ટેનન્સી એક્ટ રજૂ કરવો પડ્યો, જે જમીનધારણ સંબંધિત આદિવાસી હક્કોને સુરક્ષિત કરતો હતો.
ઓક્ટોબર ૧, ૧૮૯૪ના દિને નવયુવાન નેતાના રુપમાં બધા મુંડાઓને એકત્ર કરી એમણે અંગ્રેજો સામે લગાન માફ કરાવવા માટે આંદોલન કર્યું. ૧૮૯૫ના વર્ષમાં એમને ગિરફતાર કરી, હજારીબાગ નગરના કેન્દ્રીય કારાગારમાં બે સાલની કેદની સજા ભોગવવા રાખ્યા. પરંતુ બિરસા અને એમના શિષ્યોએ દુષ્કાળપીડિત જનતાની સહાય કરવાનું પૂરા મનથી નક્કી કરી લીધું હતું અને આ કાર્ય કરીને તેમણે પોતાના જીવનકાળ દરમિયાન જ એક મહાપુરુષનો દરજ્જો મેળવ્યો. બિરસાને તેમના વિસ્તારના લોકો "ધરતી બાબા" નામથી સંબોધન કરતા તેમ જ પૂજતા પણ હતા. એમના પ્રભાવની વૃધ્ધિ થતાં આખા વિસ્તારના મુંડા આદિવાસીઓમાં સંગઠિત થવાની ચેતના જાગી.
૧૮૯૭ના વર્ષથી ૧૯૦૦ના વર્ષ દરમિયાન મુંડા અને અંગ્રેજ સિપાઇઓ વચ્ચે લડાઇ થતી રહી, અને બિરસા તથા એમના શિષ્યોએ અંગ્રેજોના નાકમાં દમ કરી રાખ્યો હતો. ઓગસ્ટ ૧૮૯૭ના સમયમાં બિરસા અને એના ચારસો સાથીઓએ તીર કામઠાં વડે સજ્જ થઇ ખૂંટી થાણા પર હુમલો કર્યો. ૧૮૯૮ના વર્ષમાં તાંગા નદીના કિનારે મુંડાઓની લડાઇ અંગ્રેજ સેના સાથે થઇ, જેમાં પહેલાં તો અંગ્રેજ સેના હારી ગઇ પરંતુ ત્યારબાદ એના બદલે એમના વિસ્તારના ઘણા આદિવાસી નેતાઓની ધરપકડ થઇ. જાન્યુઆરી ૧૯૦૦ ડોમવાડી ના ડુંગરોમાં એક વધુ સંઘર્ષ થયો, જેમાં મોટી સંખ્યામાં સ્ત્રીઓ અને બાળકો માર્યા ગયા. એ વખતે આ જગ્યા પર બિરસા પોતાના લોકોની સભાને સંબોધન કરી રહ્યા હતા. ત્યારબાદ બિરસાના કેટલાક શિષ્યોની ધરપકડ પણ થઇ હતી. અંતે બિરસાએ જાતે ફેબ્રુઆરી ૩, ૧૯૦૦ના દિને ચક્રધરપુરમાં જાતે ધરપકડ વહોરી લીધી.બિરસા મુંડાએ જૂન ૯ ૧૯૦૦ના દિવસે રહસ્યમય રીતે રાંચી ખાતે કારાગારમાં અંતિમ શ્વાસ લીધા. તેમનું મૃત્યું રહસ્યમય ગણાય છે અને એવું કહેવાય છે કે તેઓને ઝેરી ખોરાક અપાયું હતું.
આજે પણ બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના આદિવાસી વિસ્તારોમાં બિરસા મુંડાને ભગવાનની જેમ જ પૂજવામાં આવે છે. આ ઉપરાંત ભારત દેશના લશ્કરની એક પાંખ ભુમિદળની એક મહત્વની રેજિમેન્ટ બિહાર રેજિમેન્ટના સૈનિકોના નારા(war cry) તરીકે પ્રથમ જય બજરંગબલી અને ત્યારપછી બિરસા મુંડા કી જય એમ નાદ કરવામાં આવે છે. બિરસા મુંડાની સ્મૃતિમાં ભારતના ટપાલ ખાતા તરફથી નવેમ્બર ૧૫, ૧૯૮૮ના દિને ૬૦ પૈસા મૂલ્ય ધરાવતી, ૩.૫૫ સે.મી. લંબાઇ તેમ જ ૨.૫ સે.મી. પહોળાઇ ધરાવતી ટપાલટિકિટ બહાર પાડવામાં આવી હતી. આદિવાસીઓના ભગવાન કહેવાતા બિરસા મુંડાએ આપેલા યોગદાનને કારણે જ તેમની તસવીરને ભારતીય સંસદના સંગ્રહાલયમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ સન્માન આદિવાસી સમુદાયમાં માત્ર બિરસા મુંડાને જ મળ્યું છે.
બિરસા મુંડાના પરિવારે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો.બિરસા મુંડાના મોટા કાકા કાનુ પોલૂસ ખ્રિસ્તી ધર્મ અંગિકાર કરી ચૂક્યા હતા. તેમના પિતા સુગના અને તેમના નાનાભાઈએ પણ એવું કર્યું હતું.બિરસા મુંડાના પિતા તો ખ્રિસ્તી ધર્મના પ્રચારક સુધ્ધાં બન્યા હતા. ધર્મપરિવર્તન બાદ બિરસાનું નામ દાઉદ મુંડા અને તેમના પિતાનું નામ મસીહદાસ રાખવામાં આવ્યું હતું.બિરસા મુંડાનાં માસી જોની તેમને બહુ પ્રેમ કરતાં હતાં.જોની તેમનાં લગ્ન પછી બિરસાને તેમની સાથે તેમના સાસરી ખટંગા ગામે લઈ ગયા હતાં. ત્યાં તેમનો સંપર્ક એક ખ્રિસ્તી ધર્મપ્રચારક સાથે થયો હતો. એ પ્રચારક તેમના પ્રવચનમાં મુંડા સમુદાયની જૂની વ્યવસ્થાની ટીકા કરતા હતા. એ બિરસા મુંડાને જરાય ગમતું ન હતું.એ જ કારણસર બિરસા મુંડાએ મિશનરી સ્કૂલમાં અભ્યાસ કર્યા પછી પોતાના આદિવાસી રીતરિવાજ ભણી પાછા ફર્યા હતા.જોકે, 1894માં આદિવાસીઓની જમીન તથા વનસંબંધી અધિકારોના માગ વિશેના સરદાર આંદોલનમાં સામેલ થયા બાદ બિરસા મુંડાના જીવનમાં નોંધપાત્ર વળાંક આવ્યો હતો.એ સમયે તેમને સમજાયું હતું કે આદિવાસી કે ખ્રિસ્તી ધર્મ એ બેમાંથી કોઈ આ આદિવાસી આંદોલનને પ્રાધાન્ય આપતું નથી.એ પછી બિરસા મુંડાએ અલગ ધાર્મિક પદ્ધતિની વ્યાખ્યા કરી હતી.એ ધાર્મિક પદ્ધતિનું અનુસરણ આજે પણ ઘણા લોકો કરે છે અને એમને 'બિરસાઈત' કહેવામાં આવે છે.
ગુજરાતમાં બિરસા મુંડાની જન્મજયંતી વિશેષ રીતે ઉજવાય છે, કારણ કે રાજ્યમાં આદિવાસી જનજાતિનો ઉલ્લેખનીય વટ છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ અને નર્મદા જેવા વિસ્તારોમાં આદિવાસી સમાજ બિરસા મુંડાને પોતાના આદર્શ ગણે છે. જેથી આ ક્ષેત્રમાં તેમની જન્મ જયંતી ઉજવાય છે.ગુજરાત સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાય છે: ગુજરાત સરકાર દ્વારા બિરસા મુંડા જયંતિ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે, જેમ કે આદિવાસી સંસ્કૃતિના પ્રદર્શન, લોકનૃત્ય, કાવ્યગાન અને તેમના જીવન પરથી પ્રેરિત નાટકો. આ કાર્યક્રમોનો હેતુ છે જનજાતિ હક્કો વિશે જાગૃતિ લાવવી અને તેમના વારસાનું સન્માન કરવું જેવા કાર્યક્રમો યોજાય છે.આ ઉજવણી માત્ર આદિવાસી સમાજ માટે જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તે બિરસા મુંડાના જીવનમૂલ્યો અને આદર્શોને ફેલાવવાની તક આપે છે. તે લોકોમાં સમાનતા, ન્યાય અને સામાજિક શોષણ વિરુદ્ધ જાગૃતિ લાવવાનું કામ કરે છે.
બિરસા મુંડાનું જીવન તે સંઘર્ષ અને આશાની વાર્તા છે, જે આજે પણ લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે. તેમનું જીવન આદિવાસી સમુદાય માટે ગૌરવ અને આદરનું પ્રતિક છે. ગુજરાતમાં તેમની જયંતી મનાવવાનું મુખ્ય કારણ તે છે કે આદિવાસી સમાજના હકો માટે લડવાની તેમની જ્વલંત વારસાને પોતીકી રીતે પ્રતિબિંબિત કરવામાં આવે. જેથી આજે પણ આદિવાસી સમાજ તેમના બલિદાનને યાદ રાખીને તેમને ભગવાન બિરાસા મુંડા તરીકે ગણાવે છે.
(પૃથ્વીના પિતા) ધરતી આબા એવા ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતિએ શત શત વંદન.