આઈ વોન્ટ ટુ ટોક Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આઈ વોન્ટ ટુ ટોક

આઈ વોન્ટ ટુ ટોક

- રાકેશ ઠક્કર


અભિષેક બચ્ચન પિતા અમિતાભનો અભિનય વારસો સાચવશે કે નહીં એની જેને ચિંતા હતી એ લોકો ફિલ્મ ‘આઈ વોન્ટ ટુ ટોક’ જોઈને રાહત અનુભવી શકે છે. બાકી માસ-મસાલાના જમાનમાં બોક્સ ઓફિસ પર હવે આવી ક્લાસ ફિલ્મ ચાલી શકે નહીં. જો અભિષેક પોતાને અભિનેતા તરીકે સાબિત કરવા જ ‘ઘૂમર’ કે ‘આઈ વોન્ટ ટુ ટોક’ જેવી ફિલ્મો કરતો રહેશે તો એને ‘ધૂમ’ કે ‘બંટી ઔર બબલી’ જેવી ફિલ્મો મળવાની નથી. અભિષેકને ખબર પડી ગઈ છે કે એને સોલો હીરો તરીકે કોઈ મસાલા ફિલ્મમાં લેવાનું નથી. અભિષેક બચ્ચને હવે અમિતાભ સાથે વાત કરીને એ નક્કી કરવાનું છે કે એણે બોલિવૂડમાં કયા માર્ગે આગળ વધવું છે. કેમકે સમીક્ષકોએ ‘આઈ વોન્ટ ટુ ટોક’ ને ‘માસ્ટરપીસ’ તરીકે ઓળખાવી છે પણ બીજા નિર્માતાઓ અભિષેક માટે આવું જોખમ લેવાના નથી.

 
ફિલ્મ ભલે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે પણ એના માટે અભિષેક બચ્ચનને કોઈ રીતે જવાબદાર ગણી શકાય એમ નથી. નિર્દેશકે બહુ યોગ્ય રીતે એની પસંદગી કરી હતી અને એ પોતાની ભૂમિકામાં એકસો ટકા ખરો ઉતાર્યો છે. આરોગ્યની તકલીફથી શરીર પર જે અસર થાય છે એને બહુ સહજ રીતે બતાવ્યું છે. એટલું જ નહીં એ પોતાની સંવાદ અદાયગીમાં પણ ફેરફાર કરે છે. એની એક એવા કેન્સર સર્વાઈવરની ભૂમિકા હતી જે ગમે ત્યારે મૃત્યુ પામી શકે એમ હોય છે. એને મોતનો ડર નથી જિંદગીનો ઉત્સવ મનાવવો છે.
 

ભલે ફિલ્મમાં અભિષેકની કારકિર્દીનો શ્રેષ્ઠ અભિનય ના હોય પણ એમાંની આ એક ભૂમિકા ગણી શકાય એમ છે. એને આ ભૂમિકા શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળી શકે છે. શુજિત સરકાર નિર્દેશિત ‘આઈ વોન્ટ ટુ ટોક’ એક ખાસ વર્ગ માટે જ બનાવવામાં આવી છે. એટલે એમાં કમર્શિયલ ફિલ્મોની વસ્તુઓ શોધવાની કોશિશ કરવાની નહીં. આ એક મસાલા ફિલ્મોથી એકદમ વિરુધ્ધની છે. મુશ્કેલી એ છે કે એમાં ઘણી ખામીઓ રહી ગઈ છે. જે ક્લાસ દર્શકોને પણ નિરાશ કરી શકે છે.


નામ ભલે અંગ્રેજીમાં છે પરંતુ હિન્દી ફિલ્મ હોવા છતાં અડધાથી વધુ સંવાદો અંગ્રેજીમાં જ છે. સંવાદ લાંબા અને બેકગ્રાઉન્ડ સંગીત વગર હોવાથી ભારે લાગે છે. છેલ્લે એમ લાગશે કે આ ફિલ્મની કોઈ ચોક્કસ વાર્તા જ નથી. કેટલાક દ્રશ્યોનું શુટિંગ કરીને એને ભેગા કર્યા અને ફિલ્મ તરીકે રજૂ કરી દીધા છે. સમયના કેટલા મહિના વીત્યા એનો કોઈ ઉલ્લેખ થતો નથી.
 

વાર્તા એવી છે કે અર્જુન સેન (અભિષેક) અમેરીકામાં એક માર્કેટિંગ જીનીયસ હોય છે. તે પત્ની ઇન્દ્રાણીથી અલગ થઈ ગયો હોય છે. એની એક પુત્રી રેયા હોય છે જે સપ્તાહમાં 3 દિવસ મળવા આવે છે. એક દિવસ અર્જુન અચાનક બીમાર પડે છે. તે હોસ્પિટલમાં દાખલ થાય છે અને એને ખબર પડે છે કે ગળાના સ્વરયંત્રનું કેન્સર છે. એ ઘર ગુમાવે છે અને નોકરી પણ જતી રહે છે. અર્જુનનો મિત્ર સુબોધ એને સમજાવે છે કે સર્જરીથી આયુષ્ય વધી શકે છે. એ સર્જરી કરાવે છે પછી એની પુત્રી સાથેના સંબંધ વધુ વણસી જાય છે. એ પછી શું થાય છે એ જાણવા ફિલ્મ જોવી જોઈએ.


પહેલા ભાગમાં અભિષેકનો પરિવાર દેખાતો જ નથી. એ વાતનો ખ્યાલ આવતો નથી કે કોઈ સ્થિર નોકરી નથી અને કેન્સરગ્રસ્ત હોવા છતાં એણે જીવનનિર્વાહ વગેરે માટે પૈસાનો પ્રબંધ કેવી રીતે કર્યો છે. નિર્દેશકે આ ગંભીર વિષય પરની ફિલ્મમાં થોડા હળવા દ્રશ્યો રાખવાનું સારું કામ કર્યું છે. આ એક ફિલગુડ ફિલ્મ તરીકેનો અનુભવ આપી શકે છે.


જો ફિલ્મને OTT પર રજૂ કરવામાં આવી હોત તો વધુ દર્શકો મળી શક્યા હોત. એક નિષ્ફળ ફિલ્મનો થપ્પો લાગવામાંથી બચી ગઈ હોત. ફિલ્મનું ગીત- સંગીત ઉલ્લેખ કરવા જેવું નથી. ફિલ્મ અર્જુન સેન પરના પુસ્તક ‘રેજિંગ એ ફાધર’ પરથી બની છે. અને વાસ્તવિક જીવન પર આધારિત આવી ફિલ્મો ઓછી આવતી હોવા છતાં એને થિયેટરના દર્શકો મળે એવું એમાં કશું જ ન હતું. આજના દર્શકો મોટા ફિલ્મ સ્ટાર્સની કમર્શિયલ ફિલ્મો માટે વધારે ખર્ચ કરવાનું પસંદ કરે છે. ફિલ્મમાં અભિષેક સિવાય કોઈ જાણીતા કલાકાર ન હોવાથી માત્ર એના અભિનય માટે જ જોઈ શકાય એમ છે.