ભીતરમન - 58 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભીતરમન - 58

અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો. હું તેજો અને મુક્તાર હીચકા ઉપર ઝૂલતા થોડીવાર વાતો કરવા માટે એકાંત શોધી બેઠા હતા. માના દેહાંત સમયે અમે ત્રણેય મિત્રો ભેગા થયા હતા, એ પછી આજે અમારી ત્રિપુટી ભેગી થઈ હતી.

મુક્તાર બોલ્યો," વિવેક તે ધંધામાં પીછે હટ કરી એ પછી મારું મન પણ ધંધામાંથી સાવ ઉતરી જ ગયું હતું. તારી સાથે રહીને જે ધંધો કરવાની મજા હતી એ મજા લુપ્ત થઈ ગઈ હતી. બેઇમાની ધંધામાં પણ તારા જેટલી ઈમાનદારી કોઈ દાખવી શકતો ન હતું. આથી તારી સાથે કામ કર્યા બાદ કોઈની સાથે કામ કરવાની પણ મજા ન જ આવે! તેમ છતાં જે લોકોને મારી સાથે કામ કરવું ગમતું હતું એ લોકોના આગ્રહના લીધે હું કામ કરતો પણ હતો. પણ મનમાં કામ કર્યાનો સંતોષ રહેતો નહોતો. આથી ધીરે ધીરે મેં મારું બધું જ  કામ મારા દીકરાઓને સોંપી દીધું હતું, અને તેઓને આ કામ ફાવી પણ ગયું હતું. ધારણા કરતા વધુ સફળતા એ લોકો પામવા લાગ્યા હતા. હંમેશા પ્રવૃત્તિમય જીવન જીવનાર મારા મનને નિવૃત્તિ પસંદ નહોતી. અને તારા વગર કામમાં મજા આવતી ન હતી. આથી મેં એક વચ્ચેનો રસ્તો અપનાવ્યો હતો. મેં નક્કી કર્યું કે આખી જિંદગી જે બે નંબરનો ધંધો મેં કર્યો છે એ ધંધાની અઢળક મિલકતનો અમુક ભાગ મારે જરૂરિયાત મંદ લોકોની સેવામાં જ વાપરવો છે. આથી એ બહાને મારી પ્રવૃત્તિ પણ ચાલુ રહે અને જે આખું જીવન સાચા ખોટા ધંધા કરીને કમાણી કમાય છે એને હવે સારી પ્રવૃત્તિમાં વાપરીને નેક કામમાં આગળ વધવું છે. આથી અલ્લાના દરબારમાં પહોંચીએ ત્યારે શરમિંદગી મહેસૂસ ન થાય." 

"તારો આ વિચાર ખરેખર ખૂબ જ યોગ્ય છે. તે એકદમ સરસ કાર્યને આગળ વધાર્યું છે. હું પણ તારા આ વિચાર સાથે સહમત છું અને મારે પણ તારી સાથે આ જ રીતે કામ કરવું છે. ખૂબ પૈસા ભેગા કર્યા છે અને અઢળક લક્ષ્મીજી પણ મહેરબાન છે, તો જેમને ખરેખર મદદની જરૂર છે એને આપણે મદદ કરવી જોઈએ." મેં મુક્તારની વાતને સહમતિ આપી હતી.

તેજો પણ બોલ્યો, "તમારા બંનેનો વિચાર ખુબ જ સરસ છે. મેં તો આખું જીવન ખૂબ સારી રીતે જ પસાર કર્યું છે પણ તેમ છતાં એવું થોડી જરૂરી છે કે બે નંબરનું કામ કર્યું હોય તો જ સમાજ સેવા કરી શકાય! હું પણ તમારી સાથે આ કામમાં અવશ્ય જોડાઈશ. મારે બાપ દાદાની જમીન છે જે બિન ખેતીલાયક છે એના પર કન્સ્ટ્રકશનનું કામ ચાલુ કર્યું હતું જમીન તો પડી જ હતી ફક્ત કન્સ્ટ્રક્શનનો જ ખર્ચો કર્યો અને એ બધા જ ફ્લેટ એકદમ લક્ઝરીયસ બનાવ્યા હતા. એક બે ફ્લેટને બાદ કરતાં બધા જ ફ્લેટ વેચાઈ ગયા છે. એની મારે ઘણી આવક થઈ છે, આથી એ આવકમાંથી અમુક આવક આપી હું પણ તમારી સાથે આ કામમાં જોડાવા ઈચ્છું છું. અને હું ખરેખર મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી સમજુ છું કે મારા બંને મિત્રો આજના સ્વાર્થી સમયમાં પણ કોઈ સ્વાર્થ વગર સમાજ માટે ઉચિત પ્રવૃત્તિ કરવા કાર્યરત છે."

અમારા ત્રણેના મત એક થઈ ચૂક્યા હતા. મેં મનોમન વિચાર્યું કે, કે મારે જ્યારે જરૂર હતી ત્યારે મને મુક્તાર ખૂબ ઉપયોગી બન્યો હતો. અને જ્યારથી મેં કમાવાનું શરૂ કર્યું ત્યારથી હું એની સાથે જ અંત સુધી જોડાયેલો હતો. અમારા બંનેનો સાથ જ્યારથી છૂટો થયો ત્યાં૨થી જ હું પણ ખૂબ જ દુઃખી રહેતો હતો. આજના ટાઈમમાં પણ મને એનો સાથ ખૂબ ઉપયોગી નીવડવાનો છે એ હું અનુભવવા લાગ્યો હતો. જોને આજે જ જેવો એ મારા જીવનમાં ફરી આવ્યો કે મારું જીવન ફરી એકદમ બદલાઈ ગયું. મેં મારા મનમાં જ વિચાર કર્યો તો છેલ્લા અડધી કલાકથી મેં તુલસી નો વિચાર કર્યો નથી. મારા તુલસી પ્રત્યેના વિચારના લીધે તુલસીની આત્માને પણ હું ખૂબ જ પરેશાન કરતો હોઈશ! શું ખબર આ બધું તુલસીની ઈચ્છા મુજબ જ થઈ રહ્યું હોય! કારણ જે પણ હોય પણ હું ખુશ છું અને મને એવું થાય છે કે, મારે ખરેખર મારા જીવનને આમ જ વેડફવા સિવાય જરૂર એનો ઉપયોગ કરવો જોઈએ.

તેજાએ કહ્યું, "પ્રવૃત્તિ તો આપણે કરશું જ પણ આપણે લોકો ફરી સાથે જોડાયા છીએ એ વાતનો જેટલો આનંદ મને થાય છે એ શબ્દો દ્વારા જતાવવો મારા માટે મુશ્કેલ છે. હું ખૂબ જ એકલો પડી ગયો હતો. એવું ન હતું કે, પરિવારમાં હું ખુશ ન હતો પણ જે મજા મિત્ર સાથે થતી હતી એ ધીરે ધીરે સાવ છૂટી ગઈ હતી. સમયની સાથે બધા જ ગામની બહાર નીકળી શહેરમાં વસવાટ માટે જતા રહ્યા હતા. આથી મારે કોઈ જ મિત્રો રહ્યા ન હતા. ઘણી વખત ઘરમાં પણ અમુક સમયે મતભેદ થતા રહેતા હોય છે આથી મન અમુક સમયે ખૂબ બેચેન થઈ જતું હોય છે એ સમયે મિત્રોનો સાથ હોય તો એ પરિસ્થિતિમાંથી ઝડપથી બહાર નીકળી શકાય છે પરંતુ મારે તો કોઈ મિત્રો જ રહ્યા ન હતા આથી હું ખૂબ જ નાસીપાસ થઈ ગયો હતો. પણ રવિનો જ્યારે ફોન મારા પર આવ્યો ત્યારે મને એનો વિચાર જાણીને ખૂબ જ ખુશી થઈ હતી. મને એમ જ થયું કે, કુદરતે મને ફરી મારું જુનુ જીવન આપી દીધું છે. મારા પરિવારને તો શહેરમાં વસવાટ કરવાની ખૂબ જ ઈચ્છા હતી, પણ મારો જ ગામડાનો મોહ છૂટતો ન હતો. પણ કુદરતે અચાનક એવી પરિસ્થિતિ ઘડી દીધી કે મારું મન પણ રાજી થઈ ગયું અને પરિવારની ઈચ્છા પણ પૂરી થઈ. ખરેખર કુદરતની લીલા કોઈ જાણતું નથી."

"હા ખરી વાત છે આજ સવારની જ વાત કરું તો હું એવું વિચારતો હતો કે હું ક્યારેય આ દુનિયામાંથી હવે મુક્ત થઈશ? પણ જીવનમાં એક ઉદ્દેશ્ય મળ્યો તો જિંદગી જીવવાની હવે ઈચ્છા જાગી ઉઠી છે. હંમેશા ઊંધા રસ્તે જ ચાલનાર વ્યક્તિનુ મન અચાનક આટલું બધું પરિવર્તનશીલ થઈ જાય કે, એ સાવ નિસ્વાર્થ સેવા કામમાં જોડાઈ જાય એનાથી વિશેષ બીજો પ્રભુનો ચમત્કાર શું હોઈ શકે?" મે તેજાની વાતમાં સૂર પૂરતા કહ્યું હતું.

"હા વિવેક તું એકદમ સાચી વાત કહે છે મને પણ કલ્પના ન હતી કે મારો સ્વભાવ આટલો બધો બદલાઈ જશે. હું ક્યારે એટલો બધો લાગણીશીલ થઈ ગયો એ મને ખુદને પણ ખ્યાલ નથી. એક જ સેકન્ડ લાગતી જો કોઈના મર્ડરની સુપારી મને આપવામાં આવતી હતી, હા મેં મારા હાથે કોઈનું ખૂન કર્યું નથી પણ મેં મારા હસ્તક આ કામ કરાવ્યા છે. વિવેક તું તો જાણતો જ હતો કે, હું એ કામ પણ કરતો જ હતો. હા તું ક્યારેય એ કામની સાથે મારી જોડે જોડાયો ન હતો પણ માહિતી તને પણ બધી રહેતી હતી, તને યાદ છે ને એ બધી જ વાતો? મને બરાબર યાદ છે એક વખત તો તે મને સલાહ પણ આપી હતી કે, આપણા બધા વિચાર સરખા છે સિવાય કે આ મર્ડરની સુપારી લેવાના! તું આ કામની ના કેમ પાડી દેતો નથી? તારા આ શબ્દનો મેં ત્યારે તો તને કંઈ જવાબ આપ્યો ન હતો પણ આ શબ્દ મને ઘડી ઘડી ખૂબ જ યાદ આવ્યા કરતા હતા. તારી એ વાત પછી મેં એક પણ મર્ડરની સુપારી લીધી નહોતી. તારા સંપર્કમાં રહેવાનો મારા જીવનનો આ સૌથી મોટો બદલાવ હતો." મૂકતારે જૂની વાત યાદ કરીને એના મનમાં આવેલ વિચાર વિશે આજે કહ્યું હતું.

ત્રણેય મિત્રોની પ્રવૃત્તિઓ કેવી રહેશે? એમનું કામ સરળતાથી થશે કે કોઈ અડચણ ઊભી થયા કરશે?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏