ભીતરમન - 56 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભીતરમન - 56

હું કોઈ બહુ જ મોટા પ્રસંગની મજા લેતો હોઉ એવો મારો આજનો જન્મદિવસ મારા પરિવારે ઉજવ્યો હતો. હું મનમાં જ વિચારી રહ્યો મારા વિચાર કેટલા ઉણા છે, હું સવારથી બધા જ માટે કેટલો નકારાત્મક વિચાર કરી રહ્યો હતો. આ લોકો બધા જ મારા જન્મદિવસની અઠવાડિયાથી તૈયારી કરી રહ્યા હતા અને મને સરપ્રાઈઝ આપવા માટે આ વાત મારાથી છુપાવી રાખી હતી. ખરેખર મારો પરિવાર મને ખૂબ જ પ્રેમ કરે છે. પણ હું જ ક્યારેક વધુ અપેક્ષાઓ એમના માટે રાખી બેસુ છું.

બધા જ લોકોએ ડિનર કરી લીધું હતું અને એમ જ શાંતિથી બેઠા વાતો કરી રહ્યા હતા. હવે મેં ફરીથી મારા મનના પ્રશ્નોનો જવાબ પૂજા પાસેથી માંગ્યો, "બેટા આપણી વાત અધૂરી રહી ગઈ હતી. તું તેજાને કેવી રીતે અને ક્યાં મળી હતી?" મે ફરી મારા મનના પ્રશ્નોને શાંત કરવા માટે પૂજાને પૂછ્યું હતું.

"ચાલો પપ્પા હું ફક્ત તમને જ નહીં પરંતુ અહીં ઉપસ્થિત બધા લોકોને આ માહિતીથી જાણકાર કરું છું." એમ કહી પૂજાએ બધી જ વાત વિગતવાર શરૂ કરી હતી

મારી ઓફિસમાં નવી ભરતી માટે એક ઇન્ટરવ્યૂ એરેન્જ કરેલો હતો. આ ઇન્ટરવ્યૂમાં દેશ-વિદેશથી બધા જ લોકોના રીઝયુમ આવ્યા હતા.  જે લોકોના રીઝયુમ અમારી પોસ્ટને અનુરૂપ લાગુ પડે એમના ઇન્ટરવ્યૂ ગોઠવ્યા હતા. આ ઇન્ટરવ્યૂ બધાના મારે જ લેવાના હતા. હું એક પછી એક બધા જ ના ઇન્ટરવ્યૂ લઈ રહી હતી. એ દરમિયાન મોહનનું રિઝ્યુમ મારા હાથમાં આવ્યું હતું. મેં એનું ઇન્ટરવ્યૂ લીધું હતું. મોહન ખરેખર ખૂબ જ સરસ રીતે ઇન્ટરવ્યૂમાં બધા જ પ્રશ્નોનાં જવાબ આપી રહ્યો હતો. આથી મેં એનું રીઝયુમ ધ્યાનથી જોયું હતું. રિઝ્યુમની અંદર એનું આખું નામ વાંચી મને પહેલા તો એ અંદાજ ન આવ્યો કે આ તેજાકાકા નો દીકરો છે, પણ જ્યારે રહેણાંક સ્થળ ખંભાળિયા વાંચ્યું એટલે મને સહેજ આપણું ગામડું યાદ આવી ગયું.

મેં ચાલુ ઇન્ટરવ્યૂમાં જ મોહનને પૂછ્યું, "તમારું મૂળ વતન ખંભાળિયા જ છે કે તમે ત્યાંની એસ.આર.કંપનીમાં નોકરી કરો છો આથી ત્યાં રહો છો?"

"મારુ મૂળ વતન ખંભાળિયા જ છે. મારા બાપુ ખેતીકામ કરે છે. પણ બાપુએ અમને ખુબ સરસ શિક્ષણ આપ્યું તો અમે ખેતીવાડીનુ કામ મજૂરો પર છોડી અને અમે બહાર બીજાને ત્યાં મજૂરી કરીએ છીએ" સહેજ હસતા કટાક્ષ ભર્યા સ્વરે એણે પ્રતિઉત્તર આપ્યો હતો.

" હા, એ વાત તો સાચી." મેં પણ હસીને એની વાતને મારી સહમતી આપી હતી.

મેં એને જણાવતા કહ્યું, "મારા સસરાનું મૂળ વતન ખંભાળિયા જ છે. તમે ક્યારેય વિવેક શેઠ નું નામ સાંભળ્યું છે?"

"વીણા માના દીકરા વિવેક ની વાત કરી રહ્યા છો તમે?"

"હા હું એ જ વિવેકની વાત કરી રહી છું. એ મારા સસરા નું નામ છે."

"ઓહો તો આપણે હવે ખૂબ જાણીતા નીકળ્યા. તમે ક્યારેય તેજાભાઈનું નામ સાંભળ્યું છે? એ મારા પિતાજીનું નામ છે. મારા પિતાજી અને વિવેકકાકા બંને ખાસ મિત્રો."

"હા અમે ઘણી વાર સાંભળ્યું છે પપ્પાજી ઘણી વખત તેજાકાકાની વાત કરતા હોય છે."

મેં એના ઇન્ટરવ્યૂમાં એની અંગત વાતને પણ હવે જાણી લીધી હતી. હું ક્યારે કોઈપણ વ્યક્તિનો ઇન્ટરવ્યૂ લેતી ત્યારે અંગત માહિતીની ચર્ચા ક્યારેય પણ કરતી ન હતી. આ પહેલી વખત ગામડાના નામનો ઉલ્લેખ આવ્યો આથી મેં આ ચર્ચા ઉચ્ચારી હતી. મેં ચોખવટ કરતા કહ્યું હતું.

મેં મોહનની ઓળખાણના હિસાબે મારી કંપનીમાં લીધો ન હતો પણ એની કાબિલીયત જ એટલી બધી વિશેષ હતી, આથી એ ધ્યાનમાં રાખીને મેં એની નિમણૂક મારી કંપનીમાં કરી હતી.

મેં આ બધી જ વાત ઘરે આવીને રવિને કહી હતી. રવિ એ મને પૂછ્યું, "તે એના પરિવારની બીજી એની વિશેષ કોઈ માહિતી લીધી છે ખરી?"

"મેં તો બીજી કોઈ વિશેષ માહિતી લીધી નહોતી, પણ હા મોહનનો ફોન નંબર રિઝ્યુમમાં હતો."

"તો મને એ આપને. આપણે પપ્પાને એક સરપ્રાઈઝ આપીએ અને એ સરપ્રાઈઝ એટલી સરસ હોય કે એમને જીવનભર યાદ રહી જાય."

મેં રવિને મોહનનો ફોન નંબર આપ્યો હતો અને પછી જ બધી જ વ્યવસ્થા રવિએ કહ્યું એ મુજબ મેં કરી છે. રવિએ મોહનનો નંબર લઈને એના પરિવાર વિશે બધી જ માહિતી લીધી હતી. રવિની ફેક્ટરીમાં રવિએ અભિષેકને પણ જોબ આપી હતી. આથી અહીં બંને ભાઈનું જોબનું સેટિંગ અમે બંને એ કરી આપ્યું હતું. પછી વિચાર્યું કે જો આ બંને અહીંયા રહે છે તો પછી એમના પરિવારને જ અહીંયા આપણે ગોઠવી આપીએ તો.. અને તેજાકાકા પણ જો અહીં આવી જાય તો પપ્પાને પણ એમની કંપની મળતી રહે અને તેઓ જે એકલવાયું જીવન જીવે છે એમાં એમને તેજાકાકાનો સાથ મળી રહે! અમે બંને આ ચર્ચા કરી રહ્યા હતા બસ એ જ સમયે આદિત્ય ભાઈનો પણ ફોન આવ્યો હતો. રવિએ બધી જ માહિતી એમને આપી હતી.

આદિત્ય ભાઈ અમારી વાત સાંભળીને તરત જ બોલ્યા કે, આપણી હવેલીની સામે જે પ્લોટ ખાલી છે એ પ્લોટને ખરીદી આપણી હવેલી જેવી જ એક ત્યાં હવેલી બનાવવાનું કહો. મારે એ હવેલી તેજાકાકાને ભેટમાં આપવી છે. અને મારે એમને વિનંતી કરવી છે કે તેઓ હવે પછીનું જીવન અહીં આ હવેલીમાં પપ્પાની સામે જ રહીને વિતાવે!"

ઘડીભરમાં અમે કેટલી બધી આયોજનની ચર્ચા કરી લીધી હતી. અમે જ્યારે આ ચર્ચા કરી રહ્યા હતા ત્યારે જ અમે એટલા આનંદમાં હતા કે પપ્પાજી જ્યારે આ વાત જાણશે ત્યારે એમને કેટલી ખુશી થશે, બસ એ કલ્પના માત્રથી જ અમે બધા ખૂબ જ ખુશ હતા. અને ખરેખર આજે અમને જે કલ્પના હતી એનાથી વિશેષ પપ્પાજીના ચહેરા પર અમે ખુશી જોઈ રહ્યા છીએ.

આદિત્યએ જ્યારે તેજાકાકાને ફોન કર્યો હતો ત્યારે તેજાકાકાએ આ હવેલીને ગિફ્ટરૂપે લેવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. તેણે તરત જ કહ્યું, " હું તારી લાગણી તારા પપ્પા માટે જે છે એ સમજી શકુ છું. પણ હું આટલી મોટી ગિફ્ટ એમ તારી પાસેથી ન લઈ શકું. એ મારા સ્વભાવની વિરુદ્ધની વાત છે."

"અરે કાકા તમે કેમ એવું વિચારી રહ્યા છો? તમે શું પપ્પાને તમારા ભાઈ તુલ્ય નથી સમજતા? અને જો સમજો છો તો મને મારા ભત્રીજાનો હક કેમ આપતા નથી? શુ ભત્રીજો પોતાના કાકાને કોઈ ભેટ આપી ન શકે? ભગવાનની મહેરબાનીથી લક્ષ્મીજી અમારા પર ખૂબ જ મહેરબાન છે, તો કદાચ હું તમને મારા પપ્પાની ખુશી માટે થઈ તમને અહીં બોલાવવાની ઈચ્છા ધરાવું તો હું તમને એ ભાવનાથી કોઈ ભેટ આપી ન શકું?"

"બેટા તારી બધી જ વાત સાચી છે પણ આટલી મોટી કીમતી ભેટ હું ન જ સ્વીકારી શકું."

અનેક ચર્ચાઓના અંતે એ વાત ઉપર અમે બંને સહમત થયા કે, પ્લોટ કાકા જ ખરીદશે અને હવેલીના ચણતર દરમ્યાનની બધી જ દેખરેખની વ્યવસ્થા હું કરી આપીશ. આમ આ રીતે અમે બંનેએ એકબીજાની લાગણીને માન આપ્યું હતું. અને આ હવેલીનુ ચણતર શરૂ કર્યું હતું.

આ હવેલી તેજાની જ છે એ જાણીને શું હશે વિવેકના હાવભાવ?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏