ભીતરમન - 55 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભીતરમન - 55

હું દીપ્તિને મળ્યાં બાદ અમારા જમાઈ આશિષને પણ મળ્યો હતો. એકદમ પ્રેમાળ સ્વભાવના આશિષ મારી દીકરીની બધી જ ઈચ્છાઓ પૂરી કરતા હતા. આજે અહીં આવીને એમણે મારુ મન જીતી લીધું હતું. મેં એમનો ખરા દિલથી આભાર માન્યો હતો.

હવે હું આદિત્યને મળ્યો હતો. આદિત્યને જ્યારે મળ્યો ત્યારે આદિત્ય મને તરત જ પગે લાગ્યો અને મને મારા 75 માં જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા આપી. શુભેચ્છા સાથે એણે મને એક સોનાનો ચેન આકર્ષિત લોકેટ સાથે આપ્યો હતો. એ લોકેટમાં મારો અને તુલસીનો એક ખુબ જ સુંદર ફોટો હતો. આદિત્ય મારા માટે ક્યારેય કોઈ જ વસ્તુ લાવતો ન હતો. મારા જીવનની આ પહેલી ગિફ્ટ એના તરફથી મને મળી રહી હતી. અદિતી પણ મને જન્મદિવસની શુભકામના આપતા પગે લાગી હતી. મને એક પછી એક ખૂબ જ સરસ રોમાંચક અનુભવ આજે થઈ રહ્યા હતા. જે ખરેખર મારી જિંદગીના અનોખા જ અનુભવ હતા. જેમ જેમ મારો દિવસ આજનો પસાર થતો ગયો તેમ તેમ હું વધારે ને વધારે જીવનભર યાદ રહી જાય એવી પળો માણી રહ્યો હતો.

હવે હું બાવલીને મળ્યો હતો. જેવા અમે બંને એકબીજાને મળ્યા કે, એની આંખમાં પણ સહેજ ભીનાશ છવાઈ ગઈ હતી. એ પણ કદાચ તુલસીને જ આ ક્ષણે યાદ કરી રહી હતી. બાવલી પણ ખૂબ લાગણીશીલ હતી. મેં ફરી આજે એનો આભાર માન્યો હતો, એણે જે તુલસીને સાથ આપ્યો હતો એ અતીતની યાદ આજે ફરી એને મેં કરાવી હતી. હું એને બોલ્યો, "તુલસી તને ઘણી વખત ખૂબ જ યાદ કરતી હતી. એને તને મળવાની પણ ખૂબ ઈચ્છા થઈ જતી હતી. પણ અંતર એટલું બધું હતું કે હું મારી વ્યસ્તતા માં એને ક્યારેય બહાર ફરવા લઈ જઈ શક્યો જ નહીં. એની મનની ઈચ્છા મનમાં જ રહી ગઈ હતી. એવી કલ્પના પણ નહોતી કે અચાનક જ એ મને છોડીને જતી રહેશે." હું આગળ કંઈ જ બોલી શક્યો નહીં મનનાં શબ્દો મનમાં જ રહી ગયા હતા."

"તમે મનમાં ભાર રાખો નહી. કદાચ તુલસીની જગ્યાએ હું હોત તો તુલસી પણ મને એટલો જ સાથ આપત ને! તમારે અને તેજા વચ્ચે મિત્રતા છે એ વાત સાચી પણ તમે બંને ભાઈથી પણ વિશેષ રહો છો. એ રીતે જોવા જઈએ તો મારી ફરજ જ હતી ને! હવે વધુ કંઈ વિચારી મને શરમાવશો નહીં. મને જન્મદિવસની શુભેચ્છા આપી અને એક સુંદર તાજા ફુલનો બુકે મને આપ્યો હતો."

મેં એનો દિલથી આભાર માન્યો હતો. તેજાએ એના બંને દીકરા મોહન અને અખિલેશ સાથે મારી ઓળખાણ કરાવી હતી. અનુક્રમે એમની પત્નીઓ દિવ્યા અને સંગીતાની પણ ઓળખાણ કરાવી હતી. એ બંનેના બાળકો જાનવી, ધ્રુમિલ, આસ્થા અને યાચના ની ઓળખાણ કરાવી હતી. એના સંપૂર્ણ પરિવારને આજે હું પહેલી વખત મળી રહ્યો હતો. એ બધા જ મને જોઈને ખૂબ જ ખુશ થયા હતા.

પૂજાએ ટેબલ પર કેકની સજાવટ કરી લીધી હતી. એણે તરત જ મને ત્યાં ટેબલ પાસે બોલાવ્યો હતો. મારી સાથે બધા જ ત્યાં ટેબલ પાસે મારી આસપાસમાં ગોઠવાઈ ગયા હતા. આદિત્યનો પુત્ર શુભમ મારા જન્મદિવસનું આયોજન લાઇવ ઇન્ટરનેટ પર મૂકી રહ્યો હતો. બધા જ બાળકોમાં શુભમ સૌથી જ મોટો હતો. મેં કેક કટીંગ કરી લીધા બાદ પૂજા એ મને એક સુશોભિત સોફા પર બેસાડ્યો હતો. મારી સામે બધા જ બાળકોએ એક પછી એક સરસ ડાન્સનો પ્રોગ્રામ કર્યો હતો. કેટલું સરસ એ લોકો પરફોર્મ કરી રહ્યા હતા. હું એમની છટા જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો હતો. મારી કલ્પના બહારનું આ લોકોનું આયોજન મારા મનમાં હરખને વધારતુ જતું હતું.

બધા બાળકોના પર્ફોમન્સ પૂરા થઈ ગયા બાદ સુંદર ગરબાનું આયોજન બહાર ચોગાનમાં ગોઠવ્યું હતું. અમે લોકો બહાર નીકળ્યા ત્યારે ચોગાનમાં ડીજે સિસ્ટમ ફીટ થઈ ગઈ હતી. ગુજરાતી ગરબાઓની રમઝટ શરૂ કરવામાં આવી હતી. જેવો ગરબાનો તાલ શરૂ થયો કે બધા જ ગરબા રમવાના મૂડમાં આવી ગયા હતા. "તારા વિના શ્યામ એકલડુ લાગે.." જેવા એ ગરબાના સૂર સાંભળ્યા કે હું તરત જ તુલસીની યાદમાં ખેંચાઈ ગયો હતો.

**********************************

તુલસીને ગરબાનો ખુબ જ શોખ હતો. પણ ક્યારેય અમારી વચ્ચે એ વાત થઈ જ નહોતી. અમે જ્યારે અમદાવાદ રહેવા આવી ગયા હતા, ત્યારે ફ્લેટના પટાંગણમાં નવરાત્રીમાં ગરબીનું આયોજન કરવામાં આવ્યું હતું. એ ખુબ સરસ તૈયાર થઈને મારી સાથે એ આયોજનમાં આવી હતી. મને ગરબા નો જરાય શોખ ન હતો. આથી મને એવો ક્યારેય વિચાર પણ આવ્યો ન હતો કે, તુલસીને ગરબા રમવાનો શોખ હશે. જેવો આ ગરબો શરૂ થયો "તારા વિના શ્યામ એકલડું લાગે.." એ ખૂબ જ મૂડમાં આવી ગઇ હતી. એના ચહેરાનો હરખ જોઈને ફ્લેટની અન્ય સ્ત્રીઓ એને ધરારથી રમવા માટે લઈ ગઈ હતી. મેં એને પ્રથમ વાર ગરબા રમતા જોઈ હતી. હું એને ગરબા રમતા જોઈને બસ જોતો જ રહી ગયો. ખુબ સરસ એ ગરબા ગાઈ રહી હતી. એ મન મૂકીને આજે ઝૂમી હતી. એનો ગરબા રમવાનો થનગનાટ જોઈને હું પણ ખૂબ જ આનંદમા આવી ગયો હતો. ત્યારે મને થયું હતું કે, તુલસી મારી દરેક ઝીણી બાબતોને જાણે છે પણ હું તુલસી વિશે ખરેખર કંઈ જ જાણતો નથી.

**********************************

"દાદુ તમે પણ રમવા ચાલો ને!" અપૂર્વના પ્રેમપૂર્વક આગ્રહના લીધે હું ફરી વાસ્તવિકતામાં આવ્યો હતો.

"અરે બેટા મને રમતા આવડતું જ નથી હું ક્યારેય ગરબા રમ્યો જ નથી."

"ના ના દાદા પ્લીઝ તમે ચાલો ને!"  હઠ કરી મને ધરારથી અપુર્વ ખેંચી ગયો હતો.

મેં એના માન ખાતર એક બે તાળી પાડી દીધી હતી. કે જેથી એને એમ થાય કે દાદૂ રમવા માટે આવ્યા. હું મનોમન ખૂબ જ હસી રહ્યો હતો. કારણ કે હું જાણતો હતો કે હું બે તાળી પણ સરખી લયમાં પાડી શકું એટલું પણ મને રમતા આવડતું ન હતું. તેમ છતાં સહેજ સંકોચ સાથે મેં અપૂર્વની ઈચ્છા પૂરી કરી હતી.

એક કલાક બધાએ ખૂબ સરસ ગરબા રમ્યા હતા. હવે ગરબાના આયોજનને વિરામ દેવામાં આવ્યો હતો. ત્યારબાદ સ્વાદિષ્ટ ડિનરની લિજ્જત બધા માણવા આતુર હતા.

ડિનર ની બધી તૈયારીઓ બાજુના કોર્નર પર થઈ ચૂકી હતી. અમે બધા હજુ ડિનર કરવા જઈએ ત્યાં જ મુકતાર પણ એના પરિવાર સાથે આવી ચૂક્યો હતો. હું એમને પણ મળીને ખૂબ જ ખુશ થઈ ગયો હતો. હું અને મુક્તાર લગભગ બે વર્ષ બાદ આજે મળી રહ્યા હતા. એને પણ મને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. એ તરત જ બોલ્યો, "મેં તારો ફોન સવારના એટલે જ ઉપાડ્યો ન હતો. ખોટું હું તારી સામે બોલી શકત નહીં અને સાચું મારે તને જણાવવાનું નહોતું."મને આ આયોજનનો ફોન આઠ દિવસ પહેલા જ આવી ગયો હતો. તારા જન્મદિવસની આ પાર્ટી અમને પણ કાયમ યાદ રહી જશે. કારણકે આજે તો અહીં આવવાનુ જ હતું તો હું મારા પરિવાર સાથે બે દિવસ પહેલા જ અહીં આવી ગયો હતો. અમે અહીંના રિવરફ્રન્ટની મજા માણવા જ ખાસ બે દિવસ પહેલા આવ્યા હતા. અને હા તારી આ સરપ્રાઈઝ પાર્ટી રાખેલી હોવાથી હું ગામમાં આવ્યો છતાં તારો કોન્ટેક મેં કર્યો નહતો. તેથી માફ કરજે. પણ તું જ્યારે જામનગર આવે ત્યારે મને અચૂક જાણ કરજે હો!" હસતા સ્વરે મુક્તારે મારી મસ્તી કરી હતી.

" હા અવશ્ય તને જાણ કરીશ. હું તારા જેવું બિલકુલ નહીં કરું" મેં પણ મજાક કરતા એને જવાબ આપ્યો હતો.

વિવેકના જીવનમાં હજુ કેટલા ફેરફાર થશે? આ હવેલી કોની છે એ રહસ્ય શું હશે?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏