કંગુવા
- રાકેશ ઠક્કર
એમ કહેવાતું હતું કે ‘કંગુવા’ થી બોલિવૂડમાં તમિલ ફિલ્મોનું વર્ચસ્વ વધશે. પરંતુ મૂળ તમિલ ‘સિંઘમ’ કરનાર સૂર્યાની ‘કંગુવા’ એ ટ્રેલરથી બોલિવૂડમાં જે અપેક્ષા જગાવી હતી એ ફિલ્મમાં પૂરી કરી ન હોવાથી સમીક્ષકોએ ખાસ વખાણી નહીં અને દર્શકોએ પણ રસ બતાવ્યો નહીં.
દક્ષિણની અન્ય ભાષાઓની સરખામણીમાં તમિલ ફિલ્મો હિન્દીમાં પાછળ રહી છે. રજનીકાંત, કમલ હસન, ધનુષ વગેરેનું વર્ચસ્વ રહ્યું છે પણ પેન ઈન્ડિયા ફિલ્મની વાત થાય ત્યારે તમિલ ફિલ્મ મોટો કમાલ કરી શકી નથી. એ વાતનો એના પરથી અંદાજ આવશે કે 2024 માં પણ હિન્દીમાં સૌથી વધુ કમાણી કરનારી દક્ષિણની ટોપ 10 ફિલ્મોમાં તમિલની એકમાત્ર રજનીકાંતની ‘2.0’ રહી છે. ‘બાહુબલી’ ને પહેલા સ્થાન પરથી દક્ષિણની કોઈ ફિલ્મ હટાવી શકી નથી.
‘કંગુવા’ નું બજેટ મોટું હોવાથી એવી આશા રાખવામાં આવી હતી કે કોઈ કમાલ કરશે પણ નિરાશ જ કર્યા છે. તમિલ સિનેમાને હિન્દીમાં એક મોટી હિટ ફિલ્મ મળવાનું સપનું હાલ તો રોળાઇ ગયું છે. ફિલ્મના કન્નડ અને મલયાલમ વર્સનને તો ક્યાંય આવકાર મળ્યો નથી. ‘કંગુવા’ ના હિન્દી વર્સનનું ડબિંગ જ નહીં ગીત-સંગીત પણ નિરાશાજનક છે. તમિલ સંવાદનો માત્ર અનુવાદ થયો છે. જ્યારે ગીતોમાં ગમે તે હિન્દી શબ્દો મૂકી દેવામાં આવ્યા છે. એનો અર્થ એ થયો કે ફિલ્મને ઉત્તર ભારતમાં ચલાવવા બાબતે નિર્માતાએ કોઈ ધ્યાન આપ્યું નથી.
નિર્દેશક શિવાની ‘કંગુવા’માં મનોરંજન ટુકડામાં છે. સૂર્યાની એન્ટ્રી હોય, એનો પરિચય હોય કે બે મગર સાથેનું દ્રશ્ય હોય દરેકમાં એ પ્રભાવિત કરે છે. બે ભૂમિકાને એણે ન્યાય આપ્યો છે. એક તરફ તે કંગુવાના રાઉડી રૂપમાં છે અને બીજી તરફ ફ્રાંસિસ તરીકે અલગ વ્યક્તિત્વનો પરિચય આપે છે. આધુનિક કરતાં પ્રાચીન સમયના યોધ્ધા તરીકે વધુ છાપ છોડી જાય છે. સૂર્યા દરેક ફિલ્મમાં અલગ ભૂમિકા ભજવીને દર્શકોનું દિલ જીતી લે છે. ડબ ફિલ્મોથી સૂર્યાના ચાહકો અને ચમક હતા એમાં ‘કંગુવા’ કોઈ વધારો કરી શકી નથી.
હિન્દી દર્શકોને આકર્ષવા બોલિવૂડના બોબી દેઓલને લેવામાં આવ્યો છે. તે ખૂંખાર વિલન તરીકે ઊભરી આવ્યો નથી. તેના ભયાનક લુકનો ઉપયોગ થયો નથી. ‘એનિમલ’ કરતાં ભૂમિકા મોટી છે. છતાં સૂર્યા સાથેના દ્રશ્યોમાં એના પાત્રની અસર વાર્તા પર થતી ન હતી.
ફિલ્મની હીરોઈન તો ઠીક મહેમાન પણ ગણી ના શકાય એટલા ઓછા દ્રશ્યો દિશા પટનીના છે. તે એની ઇમેજ પ્રમાણે ગ્લેમર પૂરું પાડવાનું કામ કરે છે. દિશા માત્ર ગ્લેમરના દમ પર હિન્દીમાં તો ઠીક દક્ષિણમાં હજુ કેટલી ફિલ્મ સુધી કારકિર્દી ખેંચી શકશે એ પ્રશ્ન છે.
જો નબળી વાર્તાની અડચણ ના હોત તો આ કમાલની ફિલ્મ બની શકી હોત. કંગુવા અને ઉધિરનની લડાઈ બતાવવાની હતી એમાં રોમન સમ્રાટનો એંગલ બિનજરૂરી બની જાય છે. જંગલમાં પાંચસો સૈનિકો સામે કંગુવા એકલો લડે છે એ હજમ થાય એવું નથી. શરૂઆતથી જ ફિલ્મ પ્રેડિક્ટેબલ બની જાય એ લેખક અને નિર્દેશક શિવાની મોટી નબળાઈ બતાવે છે. તમે ખરાબ લેખનને કેટલું પચાવી શકવા સક્ષમ છો એને ધ્યાનમાં રાખીને ફિલ્મ જોઈ શકાય એમ છે.
ઇન્ટરવલ સુધી ફિલ્મને સહન કરવાનું સરળ હોતું નથી. એમાં વળી જબરદસ્તી કોમેડી ઊભી કરવામાં આવી છે. એ પછી વાર્તા થોડી ગતિ પકડે છે. જોકે, અન્ય પેન ઈન્ડિયા ફિલ્મની જેમ અંતમાં કોઈ આંચકો આપી શક્યા નથી. હા, છેલ્લે દક્ષિણના એક સ્ટારનો કેમિયો સરપ્રાઈઝ આપે છે. એમ થશે કે નિર્દેશક અઢી કલાકની ફિલ્મને હજુ અડધો કલાક ટૂંકી કરી શક્યા હોત. એક્શન દ્રશ્યો ત્યાં સુધી સારા લાગે છે જ્યાં સુધી એને લાંબા ખેંચવામાં ના આવે.
ફિલ્મની સીકવલ બનાવવાની હોવાથી પહેલા ભાગમાં ઘણા દ્રશ્યો ખેંચવામાં આવ્યા છે. હવે એમ લાગે છે કે બીજા ભાગની જરૂરત જણાતી નથી. જ્યાં જરૂર છે ત્યાં ઈમોશન અનુભવાતા નથી. જેના પર આખી ફિલ્મનો આધાર છે એ એક બાળક સાથેનું હીરોનું જોડાણ અપીલ કરતું નથી. નવાઈની વાત એ છે કે એ બાળ કલાકારનું ક્યાંય નામ અપાયું નથી.
ફિલ્મ ‘કંગુવા’ નો સૌથી મોટો માઇનસ પોઈન્ટ જો કોઈ હોય તો એ વધુ પડતી લાઉડ છે. મુખ્ય જ નહીં સાઈડ પાત્રો પણ કોઈ કારણ વગર મોટેથી અને ચિલ્લાઈને બોલે છે. અને આવું નેવું ટકા ભાગમાં છે. એક તબક્કે તો માથું દુ:ખવા લાગે છે. એમાં હથોડાછાપ બેકગ્રાઉન્ડ સંગીત એટલું વધારે છે કે કાનમાં ધાક પડી જાય છે. ગીતોમાંથી એકપણ યાદ રહે એવું નથી. ફિલ્મ ‘કંગુવા’ એક વખત જોવા માટેના કારણમાં સૂર્યાનો અભિનય અને જંગલના એક્શન દ્રશ્યો છે.