મારા અનુભવો - ભાગ 19 Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા અનુભવો - ભાગ 19

ધારાવાહિક:- મારા અનુભવો

ભાગ:- 19

શિર્ષક:- ભદ્રેશ્વર

લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ

રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની



🤷 મારા અનુભવો…

🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી

પ્રકરણઃ…19 . "ભદ્રેશ્વર."



બીજા દિવસે સવારે સ્નાન-સંધ્યા વગેરે થયું અને પેલા મહાત્મા આવી ગયા. તેઓ વારંવાર ડમરુ વગાડતા હતા, જેથી સૌ કોઈને તેમના આગમનની ખબર પડી જાય. મને કહે કે, ચાલો જમી લઈએ.' તેમની વિધવા શિષ્યાને ત્યાં જમીને અમે બન્ને દશ વાગ્યે એકસાથે ભદ્રેશ્વર જવા ચાલી નીકળ્યા.




ફરી પાછો એ જ જી.ટી રોડ પકડ્યો. પેલા ડમરુવાળા સાધુ માર્ગમાં આવતી દુકાનો, ઘરો તથા ચાલીઓમાં પૈસો-પૈસો ઉઘરાવે. ડમરુ વગાડે, જોરજોરથી કોઈ વાર બંગાળીમાં કોઈ વાર હિન્દીમાં કાંઈક બોલે અને પૈસા લઈને ચાલે. તેમની આ પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી હું દૂર કોઈ સ્થળે ઊભો રહું. લોકો અમારી બંનેની ઉંમરના કારણે એમ સમજે કે તે ગુરુ છે અને હું તેમનો શિષ્ય છું. મને આ વાત ગમતી નહિ. છતાં બપોરના બાર વાગ્યા સુધી આવું ને આવું ચાલતું રહ્યું. અંતે મેં નિર્ણય કર્યો કે મારે આ સાધુનો સાથ છોડી દેવો જોઈએ, કારણ કે અમારા વિચારો તથા આચારોમાં કશો જ મેળ ન હતો. તે દોરાધાગા તથા ભૂતપ્રેત પણ કાઢતા.




તેઓ જ્યૂટ મિલની કોઈ ચાલીમાં પૈસા માગવા ગયા કે હું એકલો ચાલી નીકળ્યો. પગના ફોલ્લા દુઃખ દેતા હતા, પણ હવે આંટણ પડવાનાં હતાં. એટલે સહન થઈ શકતું હતું.




સાંજના ત્રણ વાગ્યે હું ભદ્રેશ્વર પહોંચ્યો. અહીંનું દૃશ્ય નિરાળું હતું. રેલવેની હદમાં એક મહાત્માએ રાતોરાત મંદિર ચણી નાખ્યું હતું. તેની પ્રતિષ્ઠા હતી. રેલવેના ઑફિસરો કશું કરી શકતા ન હતા. આપણા દેશની ધાર્મિક સ્થિતિ  એવી છે કે ગમે ત્યારે ગમે ત્યાં રોડ વચ્ચે કે રેલવેની નજીકમાં વગર પરવાનગીએ કોઈ ધર્મસ્થાન ઊભું કરી દો. કોઈ હનુમાન, શિવ, દેવી, પીર, ઓલિયા કે કોઈની કબર, બસ, પછી તેને હટાવનાર કોઈ નહિ, કારણ કે લોકોની ધાર્મિક લાગણી દુભાશે તેવો હાઉ એવો ઊભો કરી દેવાયો છે કે ધર્મના નામે તમે ગમે તે કરી શકો છો. કાયદેસરનું બાંધકામ કરવું હોય તો પરવાનગી લેતાં મહિનાઓ, અરે, કેટલીક વાર તો વર્ષો લાગી જાય. પણ ગેરકાયદે બાંધકામ કરવું હોય તો તરત જ કરી શકાય અને તે પણ રોડ કે રેલની બાજુમાં જ, પાછળથી આ જ બાંધકામ ચલાવી લેવાય. કાયદેસરની જમીનમાં જો તમે માત્ર એક-બે ફૂટનો ઓટલો કે બે ફૂટનું છઠ્ઠું બહાર કાઢો તો તોડી નંખાય. પણ વગરહકની જમીનમાં પહેલાં ઝૂંપડું અને પછી મકાન બાંધી કાઢો તોય કોઈ ના તોડે. મહાત્મા ગાંધીજીએ અન્યાયી કાયદા તોડવાનું આપણને શિખવાડયું હતું. આપણે તેનો વિસ્તાર હવે જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં કરી નાખ્યો છે. ધીરે ધીરે કાયદાના રાજ્ય કરતાં બિનકાયદાનું રાજ્ય વધુ વિસ્તૃત થઈ રહ્યું છે.




પેલા મહાત્માએ પણ રાતોરાત ભક્તસમૂહને ભેગો કરીને હનુમાનની દેરી ચણી નાખી હતી. અને તે નિમિત્તે બધા સાધુસંતોનો ભંડારો હતો. સવારથી જ ત્રણસો-ચારસો જેટલા બાવાઓ એકત્રિત થયા હતા. કેટલાક આજુબાજુનાં ગામોમાંથી નિયંત્રણથી આવ્યા હતા. કેટલાક મારા જેવા ભંડારનું નામ સાંભળીને વગર નિયંત્રણે આવ્યા હતા. તરતની જ ચણાયેલી દેરી પાસે મંડપ બંધાયો હતો. મંડપની નીચે કેટલાક બાવાઓ ટોળે વળીને બેઠા હતા અને ગાંજાની ચલમો ફૂંકાતી હતી. વાતાવરણમાં ગાંજાની ગંધ પ્રસરી રહી હતી. વળી કોઈ બીજા કૂંડાળામાં ચીપિયા વગાડી વગાડીને ભજનો ગવાઈ રહ્યાં હતાં, તો વળી કોઈ ત્રીજા કૂંડાળામાં ધૂણી ધખાવાઈ રહી હતી. જમવામાં અહીં પૂરી અને શાકને વધુ મહત્ત્વ અપાય. આ ભોજનને પક્કા ભોજન કહેવાય એટલે તેમાં છૂતાછૂતનો પ્રશ્ન ન રહે.




હું જેવો જઈને ઊભો રહ્યો તેવા જ એક યજમાન મહાત્મા બહુ જ ભાવથી મને લેવા આવ્યા. અત્યંત ભાવથી આગ્રહ કરીને મને એક તરફ લઈ ગયા તથા સારું આસન બિછાવીને માનપૂર્વક બેસાડ્યો. મને નવાઈ લાગી. કશી જાણપિછાણ વિના આટલું બધું માન કેમ આપ્યું હશે? બધા જ સંતો કરતાં મને સારા આસને બેસાડ્યો હોવાથી સંતોની નજર પણ મારા તરફ ખેંચાઈ. થોડી જ વારમાં મારી ચારે તરફ ભક્તસમુદાય બેસવા લાગ્યો તથા વારંવાર શરબત વગેરે પીવા માટે આગ્રહ થવા લાગ્યો. કશું સમજ્યા વિના હું પણ સ્થિતિને અનુકૂળ થઈ ગયો. મને થતું કે કદાચ મારા જેવા કોઈ તેમના પરિચિત સંત આવવાના હશે, ભ્રાન્તિથી  મને જ તે સમજી આવો ભાવ બતાવતા હશે. એક-બે વાર મેં તેમને કહ્યું પણ ખરું કે જેની તમે રાહ જુઓ છો તે હું નથી. હું તો બીજો છું. પણ તેમણે માન્યું નહિ. બસ “આપ હી હૈં.” આવું બોલે. હું ચૂપ થઈ ગયો.




કલાક દોઢ ક્લાકમાં તો આખો ભક્ત સમુદાય મારા તરફ વળી ગયો. ખૂબ પ્રશ્નો અને સત્સંગ ચાલવા લાગ્યો. સૌનું લક્ષ્ય તથા ધ્યાન મારા તરફ વળી ગયું હતું. મને પણ ધર્મચર્ચા કરવામાં રસ પડતો હતો.




એવામાં પેલા ડમરુવાળા મહાત્મા આવી પહોંચ્યા. આવતાં જ તેમણે જોરથી ડમરુ વગાડવું તથા ગર્જના કરીને કાંઈક બોલ્યા. સૌનું ધ્યાન તેમના તરફ ગયું. અમારી આંખો ચાર થઈ. તેમને લેવા કોઈ ગયું નહિ. તે અહીં નજીકના જ, સૌના પિરિચત હતા, એટલે તેમનું કોઈ માન ન હતું. બે-પાંચ પરિચિત બાવાઓને મળીને તેમણે જોયું કે મારી અહીં ખૂબ જ પ્રતિષ્ઠ થઈ રહી છે, એટલે તે મારી પાસે આવ્યા. હું તેમનાથી છૂટવા માગતો હતો, પણ તે વધુ ને વધુ નજીક આવવા માગતા હતા.




સાંજ પડી, રાત્રી થઈ, આરતી થઈ અને પછી સૌ કોઈને ભંડારાની રસોઈ જમવા બેસાડ્યા. જમી રહ્યા પછી સૌની વ્યવહાર પ્રમાણે ભેટ-વિદાય થઈ. ભેટ-વિદાયમાં થોડો કલહ પણ થયો.




લોકો એમ સમજતા હોય છે કે સાધુ થયા પછી માત્ર અધ્યાત્મ તથા પરમાર્થવૃત્તિ જ રહેતી હોય છે. પણ સાધુઓની પણ સંસારી માણસો જેવી જ દુનિયા હોય છે. કાકાગુરુ, દાદાગુરુ, ચાચાગુરુ, ગુરુભાઈ, ગુરુબહેન વગેરે સંબંધો તો ખરા જ. સાથે સાથે નાનામોટા મહંતો, અસ્થાનધારીઓ (સ્થાનધારીઓ) વગેરેની કક્ષાઓ અને કક્ષાઓ પ્રમાણે લેવડદેવડના વ્યવહારી પણ ખરા. આ વ્યવહારમાં ઘણી વાર લડાઈ-ઝઘડા તથા ખટપટો પણ થાય.




‘વિદાઈ'નો એ અર્થ થાય છે કે નિશ્ચિત રકમ આપી દો, પછી પેલા સાધુએ વિદાય થવું જોઈએ. પછી તેનાથી રહેવાય નહિ, અથવા સ્વયં વિદાય થતાં વિદાય-ભેટ મેળવે.




વિદાય-દક્ષિણા પૂરી થયા પછી જે નજીકના હતા તે બધા વીખરાવા લાગ્યા, જે દૂરના હતા તે ત્યાં મંડપ નીચે જ પોતપોતાનાં આસનિયાં પાથરી સૂવાની વેતરણમાં પડ્યા. મારે તો વિદાય લેવાની ન હતી, કારણ કે હું પૈસાને સ્પર્શ કરતો નહિ. મને થયું કે હું પણ આ મંડપ નીચે જ સૌની માફક સૂઈ જઈશ. પણ તેવામાં બે-ચાર ભક્તો આવીને કહેવા લાગ્યા કે “આપ કે લિયે કમરેકી વ્યવસ્થા કી હૈ.' હનુમાનજીના મંદિરથી અડધો માઇલ દૂર જ્યૂટ મિલના મજૂરોની ચાલીઓ હતી. તેમાં એક રૂમ મારા માટે ખાલી કરાવીને તે લોકો મને લેવા માટે આવ્યા હતા. મારી આવી અકારણ પ્રતિષ્ઠા જોઈને પેલા ડમરુવાળા મહાત્માને નવાઈ લાગતી હતી. તેઓ મારી સાથે જ આવવા માગતા હતા. મને તે ઠીક લાગતું ન હતું. એટલે અંતે તેમને ત્યાં જ રહેવા દઈને હું ભક્તોની સાથે પેલા સ્થાને જવા નીકળ્યો. યજમાન સંત પણ સાથે હતા. મેં જોયું કે મારા માટે સુંદર રીતે સજાવીને રૂમ તૈયાર કરાવાયો છે. આખી ચાલીના ભક્તો મારી પ્રતીક્ષા કરી રહ્યા છે. “સદગુરુદેવ કી જય"ના જયજયકાર સાથે સૌએ મને સત્કાર્યો.



મારા સંકોચનો પાર ન હતો. એક અજાણી વ્યક્તિ માટે આ લોકો આટલું બધું કેમ કરતા હશે ? કાંઈ સમજાતું ન હતું.




સૌના વીખરાઈ ગયા પછી હું અને પેલા યજમાન સંત બે જ રહી ગયા. ત્યારે મારા પગમાં પડીને તેમણે મને ખૂબ નમસ્કાર કર્યા. મારો સંકોચ વધી ગયો. આ બધાને થયું છે શું ? હું કાંઈ કહું તો કોઈ કશું સાંભળતું નથી. અંતે પેલા મહાત્માએ કહ્યું, “મને ગઈ રાત્રે સ્વપ્ન આવ્યું હતું તેમાં મારા ગુરુદેવે મને સૂચના આપી હતી કે તારા ભંડારામાં એક સાચા સંત આવશે જે આવા... આવા…હશે. તું તેમની ખૂબ સેવા કરજે. હું સવારથી જ પેલી નિશાનીઓ પ્રમાણેના સંતને ખોળતો રહ્યો. અંતે સાંજના સમયે તમે આવ્યા ને હું ધન્ય થઈ ગયો. મેં મારા સેવકોને પણ કહી રાખ્યું હતું કે એક સંત આવવાના છે. તેમની સેવા કરીને જીવન ધન્ય બનાવી લેજો.' તેઓની વાત સાંભળીને મને નવાઈ લાગી. હજી તો મેં દીક્ષા પણ લીધી ન હતી. કશું જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું ન હતું. ત્યાં મને કોઈ દૈવી રીતે સાચા સંતમાં ગોઠવી દેવાયો એથી એક તરફ તો મને બહુ જ સંકોચ થયો, તો બીજી તરફ પરમાત્મા પ્રત્યે અનન્યભાવ થયો.




આ ગામમાંથી મને બાર-પંદર દિવસ સુધી લોકોએ નીકળવા દીધો નહિ.લક્ષ્મીનો અસ્પર્શ, સાદું ભોજન અને નિઃસ્વાર્થની વાતોથી લોકો મારા પ્રત્યે ખૂબ જ ભાવનાવાળા થતા હતા. રોજ જુદી જુદી જગ્યાએ પ્રવચનો કરવા લઈ જતા. મને જેવું આવડે તેવું કાલુંઘેલું હું બોલતો પણ લોકોને તે ગમતું. પ્રવચન પૂરું થયા પછી પણ લોકો ઊઠતા નહિ. બેસી જ રહે. સમજાવી સમજાવીને ઉઠાડવા પડે.




આ ગામથી જ્યારે હું વિદાય થયો ત્યારે દૂર સુધી અસંખ્ય માણસો વિદાય આપવા આવ્યા હતા તથા રડતા હતા.



આભાર

સ્નેહલ જાની