ધારાવાહિક:- મારા અનુભવો
ભાગ:- 18
શિર્ષક:- ફરી ફોલ્લા પડ્યાં
લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ
રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
🤷 મારા અનુભવો…
🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી
પ્રકરણઃ…18 . "ફરી ફોલ્લા પડ્યા."
પ્રત્યેક કદમ જ્યાં મુસીબતોનાં કઠણ ચડાણ ઉપર જ મૂકવાનું હોય ત્યાં સુખ-શાન્તિનો દમ કેવી રીતે લેવાય ?
ચાલતાં ચાલતાં ફરી પાછા મારા પગમાં ફોલ્લા ઊપસી આવ્યા હતા. ઉઘાડા પગ, જી.ટી. રોડ અને ધૂનમાં ને ધૂનમાં આંખો નીચી રાખીને હું ચાલ ચાલ કરું. પરિણામ આવીને ઊભું રહ્યું. બન્ને પગમાં એક જ જગ્યાએ ફરી પાછા ત્રણ અને બે ફોલ્લા ઊપસી આવ્યા. દિવસ આથમવાને દોઢ-બે કલાકની વાર હતી. હવે ચલાતું ન હતું. એક એક ડગલું સિસકારા બોલાવી જતું હતું. શું કરવું ? આવતા-જતા કોઈ માણસને પૂછ્યું, “ગામ કેટલું દૂર હશે ?” જવાબ મળ્યો: આ રોડ ઉપર ત્રણ માઈલ અને જો રોડ છોડી દો તો પેલું ગંગાકિનારે ગામ દેખાય તે માત્ર એક જ માઈલ.'
ત્રણ માઈલ ચાલવાનું શક્ય ન હતું. એટલે એક માઈલવાળા બાજુના ગામે પહોંચવાનું હિતાવહ લાગ્યું. હું જેમતેમ કરીને પેલા ગામે પહોંચ્યો. પગમાં કળતર અને બળતરાનો પાર ન હતો. હમણાં રડી પડાશે તેવું થયા કરતું હતું. ગામમાં પેસતાં જ એક આશ્રમ જોયો, ‘કાલીબારી”. હું રાજી થયો. ચાલો વિશ્રાંતિની જગ્યા મળી ગઈ. અંદર પગ મૂકતાં જ સ્વામીજીએ ઘાંટો પાડ્યો.’અહીં નહીં, અહીં નહીં... બહાર જાઓ. બહાર જાઓ.' હું કાંઈ પણ બોલ્યા વિના બહાર નીકળી ગયો. હવે ક્યાં જવું ? કોઈને પૂછ્યું તો બતાવ્યું કે ગામના પેલા છેડે ગંગાકિનારે ધર્મશાળા છે ત્યાં જાઓ. મેં એ ખાસ્સું મોટું ગામ પાર કર્યું અને પહોંચ્યો ગંગાકિનારે. ખરેખર તો ગંગાજીનો પ્રવાહ તો એક ફર્લાંગ દૂર હતો, પણ કોઈ મહારાજાએ પાકા ઘાટ બંધાવેલા તે ઘાટ ઉપર સૂર્યાસ્ત વેળાએ આવીને લોકો બેસતા. ગંગાજીનું નીર તો અહીંથી દેખાતું પણ ન હતું. હું ત્યાં ઘાટ ઉપર પહોંચ્યો ત્યારે સુર્યાસ્ત થઈ રહ્યો હતો. ઘાટ ઉપર એક જ સફેદ વસ્ત્ર પહેરીને ૨૫-૩૦ વૃદ્ધ વિધવાઓ બેઠી હતી. સહેજ જાડું મલમલ, સાબુ વિના ધોવાવાના કારણે પીળાશ પકડેલું. ચણિયા વિના માત્ર એક જ વસ્ત્ર ધારણ કરવાનો રિવાજ બંગાળમાં વિધવા સ્ત્રીઓ માટે છે. સૌના ચહેરા ફિક્કા, નિસ્તેજ અને લાચારીની છાયાથી ગ્રસ્ત લાગ્યા. વિધવાઓને ભક્તિ કરવાની હોય એટલે તે બધી ભક્તિ કરવા અહીં આવી હશે. ઘણી વાર દેખાદેખી પણ ઘણું થતું હોય છે.
બંગાળ એટલે બાબુઓનો દેશ. ઉચ્ચતા અને કુલીનતાની ખુમારીવાળા આ બાબુઓ. યુ.પી.-બિહારના ભૈયાઓને માત્ર કૂલી જ સમજે. જેમ દક્ષિણ આફ્રિકામાં પ્રત્યેક ભારતીયને (મહાત્મા ગાંધીજીને પણ) ગોરાઓ કૂલી કહીને બોલાવતા તેમ અહીંના બાબુઓ અમે જ બુદ્ધિશાળી છીએ તેવી ગુરુતાગ્રંથિથી પીડાતા હોવાથી મજૂરી કરવા આવેલા ભૈયાજીઓને કૂલી જ સમજે. અકુલીનતા કરતાં કુલીનતા ઘણા પ્રશ્નો ઊભા કરે છે. સમાજને, ખાસ કરીને સ્ત્રીઓને કુલીનતાના નામે કુરૂઢિઓના ફંદામાં જકડી લેવાતી હોય છે.
બંગાળના કુલીન સમાજે વિધવા થયેલી સ્ત્રીઓને પતિની ચિતા સાથે બાળી મૂકવાની કુલીન વિધિ વિકસાવી, જેનું દંભી નામ સતીપ્રથાનું અપાયું. આ રીતે અસંખ્ય સ્ત્રીઓને પતિની ચિતા સાથે બાંધીને બાળી મૂકવાનું જે પાપ થયું તે હિમાલયથી પણ ભારે થયું. અને તેનું ફળ આજે પણ પ્રજા ભોગવી રહી છે. રાજા રામમોહન રાયે આ પ્રથા સામે બાથ ભીડી. પોતાની સગી ભાભીને ચિતામાં બળતી જોઈ – બાળી મૂકનારા સમાજ પ્રત્યે તેમની આંખ લાલ થઈ, તે ઝઝૂમ્યા અને અંગ્રેજ વાઇસરૉય બૅન્ટિકના સહયોગથી આ પ્રથા બંધ કરાવી. કોઈ મોટા ધર્મગુરુએ આ કાર્ય ન કર્યું. સોનાનાં સિંહાસનો અને ચાંદીની ચાખડીઓએ ચડનારા ગુરુઓને ધાર્મિક કે સામાજિક દૂષણ – કુપ્રથા કે વહેમના નિરાકરણ માટે ઝઝૂમતા જોવા નહિ મળે. કદાચ એ સ્વયં આ બધાના પોષક પણ હોઈ શકે.
સ્ત્રીઓને ચિતા ઉપર તો ચડતી અટકાવી શકાઈ પણ પછી પ્રશ્ન હતો વિધવાઓની આજીવિકાનો, પુનર્લગ્નનો. એ કાર્ય ન થઈ શક્યું. આ દેશમાં ઢોરો માટે પાંજરાપોળો છે, પણ માણસો, ખાસ કરીને અનાથ વિધવાઓ માટે પાંજરાપોળો નથી કરી શકાઈ. આવી વિધવાઓની આજીવિકાની જવાબદારી નથી તો ધર્મ ઉપાડતો, નથી સમાજ ઉપાડતો કે નથી તેમનાં કુટુંબીજનો ઉપાડતાં. ધન અને જનવિહોણી આ વિધવાઓનાં ટોળેટોળાંને ભક્તિમાં જોતરવાનો પ્રયત્ન પણ કેટલાક લોકોએ કર્યો છે. પૂર્વના પાપે આ વૈધવ્ય આવ્યું છે તેવું ઠસાવનારા પુરાણીઓ તેમને દાઝ્યા ઉપર ડામ દેવાનું કામ કરી રહ્યા છે. કાશી-મથુરા-વૃંદાવન વગેરે તીર્થધામોમાં બંગાળી વિધવાઓના ટોળાં જોઈ શકાય છે.
મેં તે સૌ વિધવા બહેનોને હાથ જોડીને નમસ્કાર કર્યાં. પણ કોઈએ કાંઈ પ્રતિભાવ ન આપ્યો. કોઈ પુરુષને ધર્મશાળા વિષે પૂછ્યું તો ઘાટથી નીચે, થોડે દૂર ગંગાપ્રવાહ જવાના માર્ગ ઉપર એક ઝૂંપડા જેવી જગ્યા બતાવી. મને નવાઈ લાગીઃ આનું નામ ધર્મશાળા ! ઠેઠ નજીક ગયો ત્યારે તો ભય જ લાગ્યો. કાચી માટીની દીવાલો ઉપર ઘાસનું છાજન કરેલું. ત્રણ તરફથી બંધ અને એક તરફથી પૂરું ખુલ્લું એવું એ દશ ગુણ્યા આઠનું એ પડાળિયું હતું. મારા માથે અડી જાય તેટલી તેની ઊંચાઈ હતી. માટીની દીવાલો તથા માટીનું તળિયું ઠંડી અને પાણીની છાંટથી ઠરીને બરફ જેવાં થઈ ગયાં હતાં. બારણું ન હોવાથી પવનના સુસવાટા આવતા હતા. અધૂરામાં પૂરું આજે ઠંડી વધુ હતી અને મારી પાસે ઓઢવા-પાથરવાનું ઘણું ઓછું હતું. હું મારું જ એક પાતળું આસન પાથરીને બેઠો. રાત્રે ઠંડી વધી જરો ત્યારે અહીં શરીર થીજીને ઠીકરું થઈ જશે તેવું મને ચોક્કસ લાગવા લાગ્યું.
હું ઘણો સમય એ ધર્મશાળામાં બેઠો પણ કોઈ મારી પાસે ન આવ્યું. બહુ થોડા લોકો ગંગાજીનાં દર્શન કરવા અવરજવર કરતા હતા. કોઈ કોઈ એકાદ ઊડતી નજર મારી તરફ નાખી જતા. હું ચુપચાપ એકલો જ બેઠો હતો. બે વૃદ્ધો ગંગાજી તરફ જતા હતા તેમણે પણ મારા તરફ દૃષ્ટિ કરી અને ચાલ્યા ગયા. મને થતું હતું કે કોઈ મારી તરફ આવે અને મારી સાથે વાતચીત કરે. પણ કોઈ આવતું ન હતું. પેલી વિધવાઓ દૂર ઊંચા ઘાટ ઉપર અન્યમનસ્કભાવથી બેઠી હતી. પ્રતિક્ષણ સંધ્યા રાત્રિ તરફ જઈ રહી હતી. અને ઠંડીનું પ્રમાણ વધતું જતું હતું. કોઈ કોઈ વાર હું નેત્રો બંધ કરીને પ્રભુસ્મરણ કરવા પ્રયત્ન કરતો હતો. પગમાં ફોલ્લા ઊપસી આવ્યા હતા ત્યાં વારંવાર હાથ પહોંચી જતો. એવું લાગતું કે ત્યાં હવે આંટણ પડી જશે. જે ભાગ ઉપર વધુ ઘસારો પડતો હતો ત્યાં ફોલ્લા પડ્યા હતા. તે ભાગ ધીરે ધીરે કઠોર થઈ જશે. પછી ફોલ્લા નહિ પડે. પણ ત્યાં સુધી જીવિત રહેવાય તો ને ? આજે તો આ કારમી ઠંડી અને તદ્દન ઓછાં વસ્ત્રો મળીને કદાચ મારું ઠેકાણું પાડી દેશે.
હું આવું કંઈક વિચારતો હતો એટલામાં પેલા બે વૃદ્ધો ગંગાદર્શન કરીને પાછા ફર્યા. મારી સામું જોઈને આગળ ચાલ્યા, પણ થોડુંક ચાલીને પાછા ફર્યાં અને ઉ૫૨ આવી મારી પાસે બેઠા. બંનેને માત્ર બંગાળી જ બોલતાં આવડતું હતું. તેમાંથી એક વૃદ્ધ બહુ જ થોડું હિન્દી બોલી શકતા હતા. પ્રથમ બંગાળીમાં અને પછી ભાંગીતૂટી હિન્દીમાં વાતચીત શરૂ થઈ. તેમણે મારો હાથ જોયો. મારી નાની ઉંમર તથા ત્યાગવૃત્તિથી લોકો આકર્ષિત થઈ જતા. ખાસ કરીને વિદ્વાન ધાર્મિક વર્ગ તેથી વધુ આકર્ષિત થતો.
થોડી જ વા૨માં મેં જોયું તો પેલી પંદર-વીસ વિધવાઓ અમારી પાસે આવી અને ખોળો ધરી ધરીને, પગે લાગી લાગીને એક તરફ ચુપચાપ બેસી ગઈ. મને નવાઈ લાગી. આ બહેનોને હું પગે લાગ્યો, ત્યારે કશો પ્રતિભાવ ન આપ્યો અને હવે ખોળા પાથરી પાથરીને પગે લાગવા માંડી ! મારો હાથ જોના૨ વૃદ્ધ મહાશય તેમને બંગાળીમાં કાંઈક કહી રહ્યા હતા, જે હું સમજી શકતો ન હતો, પણ એટલું સમજાતું હતું કે આ છોકરો મહાપુરુષ થવાનો છે તેવું કાંઈક તે સૌને સમજાવી રહ્યા હતા. ધીરે ધીરે માણસો ભેગાં થઈ ગયાં. એવામાં એક વૃદ્ધ પણ સશક્ત અને ભારે શરીરના મહાત્મા પણ ત્યાં આવી પહોંચ્યા. તેમના હાથમાં ત્રિશૂળ હતું. તેમાં ડમરુ બાંધેલું હતું. ગળામાં મોટા મોટા રુદ્રાક્ષની માળાઓ હતી, મોઢું ભારે અને શરીર પણ ભારે હતું. કમ૨ ૫૨ કાણાવાળા પૈસાને પરોવીને બનાવેલો કંદોરો પહેર્યો હતો. ભગવાં વસ્ત્રો, ઘઉંવર્ણો રંગ અને બુલંદ અવાજ. આ બધું મારા માટે આકર્ષક ન હતું છતાં તેઓ પણ સૌની સાથે ઊભા હતા. વાર્તાલાપમાં અંધારું થઈ ગયું હતું. ધીરે ધીરે સૌ વીખરાવા લાગ્યા હતા.
એક ભૈયાજી પણ ઊભા હતા. તેમણે મને પૂછ્યું, ‘રાત કહાં રહેંગે" મેં કહ્યું, ‘યહીં ૫૨.’ તેણે કહ્યું, નહીં... યહાં તો જાન લેનેવાલી ઠંડી લગેગી. મેરે સાથ ચલિયે, મેરે યહાં મંદિરકી દલહાનમેં રહિયે.'
હું તેમની સાથે ચાલ્યો. અહીં પેલા કરતાં ઠીક હતું. પેલા ડમરુધારી મહાત્મા પણ સાથે હતા. તેમણે મને કહ્યું કે કાલે મારી શિષ્યાને ત્યાં જમીને અહીંથી દૂર ભદ્રેશ્વર આપણે જઈશું ત્યાં પાંચસો સાધુઓ ભેગા થવાના છે. મેં હકારમાં માથું હલાવ્યું, અને પછી કહ્યું, બંગાળમાં માછલીનો આહાર લોકો કરે છે. હું તમારી શિષ્યાને ત્યાં જમવા આવું પણ એવું કાંઈ તો તેઓ વાપરતાં નથી ને ? તેમણે કહ્યું. ના... ના. એ વિધવા છે અને બંગાળમાં વૈધવ્ય પ્રાપ્ત થયા પછી માંસાહાર બંધ કરી દેવાય છે. તેની રસોઈ – ચૂલો બધું જ જુદું થઈ જાય છે. એટલે તમે કશી ચિંતા ન કરશો.' સૌ વીખરાયાં અને હું સૂઈ ગયો. ઈશ્વરને આટલો જલદી મને ઠીકરું બનાવી દેવાની ઇચ્છા ન હતી એટલે તેણે આ વ્યવસ્થા કરી દીધી હતી. પાછળથી ખબર પડી કે પેલા હાથ જોનારા બંગાળી વૃદ્ધ ત્યાંના પ્રસિદ્ધ યોગી હતા. તેઓ પિસ્તાળીસ વર્ષથી અન્ન લેતા ન હતા. તેમનું ઘણું માન હતું, તેમના આવવાથી લોકો ભેગા થઈ ગયા હતા. (પેલી વૃદ્ધાઓ તેમના જ કારણે પગે લાગવા આવી હતી.
આભાર
સ્નેહલ જાની