સિંઘમ અગેન Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સિંઘમ અગેન

સિંઘમ અગેન

- રાકેશ ઠક્કર

       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી પર રજૂ ના થઇ હોત તો નિર્દેશક રોહિત શેટ્ટીની બોલતી બંધ થઈ ગઈ હોત. કેમકે ‘સિંઘમ અગેન’ માં પ્લસ કરતાં માઇનસ પોઈન્ટ વધુ હતા. દિવાળી પર ‘રામાયણ’ ની વાર્તાને સમાંતર ફિલ્મ બનાવવાનો વિચાર દિલચસ્પ હતો. એને રોહિતે નિભાવવાનો સારો પ્રયાસ કર્યો છે. પરંતુ હજુ વધુ મજબૂત ડ્રામા, દમદાર દ્રશ્યો અને સંવાદની જરૂર હતી. એક્શન સાથે ઇમોશનની કમી દેખાય છે. રોહિતે એમાં ભૂલો તો કરી પણ એ ભૂલોને વળી સાચી બતાવવાનો પ્રયાસ કર્યો છે. વધુ દર્શકોને આકર્ષવા જરૂર કરતાં વધુ સ્ટાર્સ લીધા છે એમને વાર્તામાં ગોઠવવા વધુ સમય લીધો છે. ફિલ્મમાં અર્જુનનું કરીનાના અપહરણનું દ્રશ્ય આવતું નથી ત્યાં સુધી કોઈ કુતૂહલ કે રોમાંચ જ નહીં વાર્તા સાથે જોડાણ પણ અનુભવાતું નથી.


        ઇન્ટરવલ પહેલાં બે સ્ટાર્સના કેમિયો છે પણ એમને જોઈને કોઈ રોમાંચ થતો નથી. એવું જ એ પછી બીજા સ્ટાર્સનું છે. ટ્રેલરમાં બધાને જોઈ લીધા હોવાથી સરપ્રાઈઝ ફેક્ટર કામ કરતું નથી. સલમાન ખાનનો કેમિયો છુપાવ્યો હતો પણ ફિલ્મ જોયા પછી એમ થશે કે એ ખરેખર છે કે નહીં! કેમકે ‘ચુલબુલ પાંડે’ ની જે પ્રમાણે હાઇપ ઊભી કરી હતી એવું કશું નથી. એને વેડફી દીધો છે અને કોઈ અસર ઊભી થતી નથી. દર્શકો સાથે કૌભાંડ થયું છે. એમને સલમાનના નામ પર આકર્ષીને છેતરવામાં આવ્યા છે. જો એ કોપ યુનિવર્સની આગામી ફિલ્મનો ભાગ બનવાનો છે તો એ પ્રમાણે દમદાર કેમિયો આપવાની જરૂર હતી.

 

        અર્જુન કપૂરના પ્રવેશ પછી એમ લાગે છે કે સિંઘમ સામે કોઈ મજબૂત પાત્ર આવ્યું છે. બીજા ભાગમાં રણવીર સિંહ કોમેડીથી બાજીને થોડી સંભાળી લે છે. ટાઈગરના એક્શને પડદા પર આગ લગાવી દીધી છે. સારું છે કે એને સંવાદ ઓછા અને એક્શન દ્રશ્યો વધુ આપ્યા છે. અક્ષયકુમારનો કેમિયો ખાસ અસર છોડી શક્યો નથી. દીપિકાનું એવું કામ ન હતું કે એની સાથે ‘લેડી સિંઘમ’ બનવી જોઈએ. કેમકે વાર્તામાં એના પાત્રની જરૂરરિયાત ખાસ લાગી નથી. થોડા દ્રશ્યોમાં પણ તે પોતાની ભૂમિકાથી પ્રભાવિત કરી શકી નથી. કરીના કપૂર અભિનયના નામ પર નાટક કરતી લાગે છે. અજય દેવગને ફ્રેન્ચાઇઝીને થોડી બચાવી લીધી છે. પરંતુ અજયની એન્ટ્રી કે અન્ય દ્રશ્યોનું એવું પ્રેઝન્ટેશન નથી કે સીટીઓ મારવાનું મન થાય અને તાળીઓ પાડી શકાય. બીજા સ્ટાર્સને ન્યાય આપવામાં રોહિત પોતાના અસલ સિંઘમના પાત્રને અન્યાય કરી બેઠા છે. કોપ યુનિવર્સ ઊભું થઈ રહ્યું છે પણ ‘સિંઘમ’ ફ્રેન્ચાઇઝી નબળી પડી રહી છે. એના માટે હવે દમદાર વિષય શોધવો પડશે.

 

        રોહિતની ‘સિંઘમ’ ની આ ત્રીજી અને એના કોપ યુનિવર્સની 5 મી ફિલ્મ છે. ‘સિંઘમ અગેન’માં અજય સામે અડધો ડઝન સ્ટાર્સને લેવા અને એમને પૂરતો સ્ક્રિન સમય આપવો જેવા પડકારો રોહિતે ઝીલ્યા હતા. ફિલ્મનો અંત કોઈ બાળક પણ બતાવી શકે એવો છે. સિંઘમની વાર્તાને બસ બોલિવૂડના માસમસાલા નાખી ‘રામાયણ’ સાથે ભેળવી દેવામાં આવી છે. એ કારણે સેન્સર બોર્ડે ઘણા બધા દ્રશ્યો પર કાતર ચલાવી દીધી હતી. સાત મિનિટના જે ફૂટેજમાં સેન્સરે ફેરફાર કર્યા એમાં અર્જુન કપૂરનો ‘તેરી કહાની કા રાવન મેં હૂં’ જેવો સંવાદ પણ હતો.

 

        મૂળ વાર્તા સાથે ‘રામાયણ’ નો ટ્રેક ચાલતો હોવાથી પ્રવાહ તૂટી જાય છે.  સસ્પેન્સ અને સરપ્રાઈઝ વગરની ‘સિંઘમ અગેન’ ના ગીતો મોટા પડદા પર જોવા ગમે એવા છે અને બેકગ્રાઉન્ડ સંગીત દમદાર છે. રોહિત શેટ્ટીનો આશય લૉજિક બાજુ પર મૂકી લોકોને માત્ર તહેવાર પર મનોરંજન આપવાનો રહ્યો છે. એક્શન ફિલ્મોના શોખીન અને સ્ટાર્સના દીવાનાઓને આ ફિલ્મ જરૂર પસંદ આવશે.

 

બાકી જે દર્શકો દિવાળીના તહેવારોમાં પરિવાર સાથે આનંદ માણવામાં ‘ભૂલ ભુલૈયા 3’ કે ‘સિંઘમ અગેન’ માંથી એકપણ ફિલ્મ જોઈ શક્યા નથી એમણે બીજાની વાત સાંભળી ‘તમે લઈ ગયા અને અમે રહી ગયા’ જેવો અફસોસ કરવાની જરૂર નથી. કેમકે બંને ફિલ્મો ‘વન ટાઈમ વોચ’ ગણાઈ છે અને એ પણ માત્ર દિવાળી પર જ!