ભૂલ ભુલૈયા 3 Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભૂલ ભુલૈયા 3

ભૂલ ભુલૈયા 3

- રાકેશ ઠક્કર

         ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’ ને જોવાની ઉત્સુકતા દરેક સિનેમા ચાહકને હતી. કેમકે એની અગાઉની બંને ફિલ્મો ગમી હતી. અને દિવાળીનો તહેવાર હોવાથી મનોરંજન મેળવવા દર્શકો આતુર હતા. કેટલીક બાબતોમાં ‘ભૂલ ભુલૈયા 3’ પૈસા વસૂલ જરૂર કરી શકી છે. એમાં બન્યું એવું કે અમુકને ફિલ્મ અપેક્ષા મુજબની લાગી તો અમુકને થોડી વધુ અપેક્ષા હતી.

         હોરર- કોમેડીના વિષયને દર્શકો પસંદ કરવા લાગ્યા છે પણ એના પર વધારે મહેનત જરૂરી હોય છે. પહેલી બખત બે મંજુલિકા લાવ્યા છે. પહેલી દ્રષ્ટિએ એમ લાગશે કે ક્લાઇમેક્સ જબરદસ્ત હતો. કેટલાકને અજીબ પણ લાગશે. કેમકે અગાઉ જે બતાવ્યું હતું એને યાદ કરવાથી ક્લાઇમેક્સ સામે અનેક સવાલ ઊભા થાય છે. હોરર હજુ ઠીક હતું પણ કોમેડી હજુ વધુ સારી આપી શકાય એમ હતી.

 

         નિર્દેશક અનીસ બઝમીની આ ફિલ્મની વાર્તાની વાત કરીએ તો પહેલા અને બીજા ભાગ સાથે ‘ભૂલ ભુલૈયા 3’ ની વાર્તાને કોઈ લેવાદેવા નથી. માત્ર પાત્રોને એ જ રાખ્યા છે. શરૂઆતમાં વાર્તા ભટકતી રહે છે. 1824 માં બંગાળના રક્તઘાટમાં મંજુલિકા નામની એક રાજકુમારી હતી. એ નૃત્યની જ નહીં શસ્ત્ર કળાની પણ જાણકાર હતી. એની નજર પિતાના સિંહાસન પર રહી હતી. પણ એની સામે એક માણસ ઊભો હતો. જેને માર્યા વગર એ સિંહાસન મેળવી શકે નહીં. અંતે તે મેળવી શકી નહીં અને મર્યા પછી પણ બદલો લેવા આવી છે.

 

         રક્તઘાટની એ ઘટનાના 200 વર્ષ પછી રૂહાન (કાર્તિક આર્યન) રૂહબાબા બનીને લોકોને બેવકૂફ બનાવી રહ્યો છે. લોકોને એમની વસ્તુઓ શાપિત કહીને પડાવી લે છે. એને ખબર નથી કે એની મુલાકાત કોઈ ભૂત સાથે થવાની છે. રૂહાનના જીવનમાં મીરા (તૃપ્તિ ડિમરી) અને એના મામા આવે છે ત્યારે એ બધું બને છે. એને પોતાની સાથે રક્તઘાટ આવવા માટે કહે છે. એ માટે એક કરોડ રૂપિયા આપવાનું કહે છે. લાલચમાં રૂહબાબા મંજુલિકાનો સામનો કરવા પહોંચી જાય છે. હવે આગળ શું થશે? એવું સતત થયા કરે છે. પણ ઇન્ટરવલ પછી હોરરના નામ પર ચીલાચાલુ દ્રશ્યો જોવા મળે છે. પડદા પર વાર્તા જેવું ખાસ રહેતું જ નથી.  

 

         જે લોકો ટ્રેલર જોઈને ફિલ્મ જોવા ગયા એમને એના સિવાય જોક્સ શોધવા પડ્યા છે. કેટલીય જગ્યાએ વાતમાં લૉજિક દેખાતું નથી. અંતમાં પણ જો વિચાર કરવામાં આવે કે મંજુલિકા જે કરી રહી હતી એ કેવી રીતે અને કેમ કરી રહી હતી એના ઘણા જવાબ મળશે નહીં. જો રહસ્યમય દરવાજાની પાછળ કેદ રહેલી આત્મા નીકળી જ નહીં તો મલ્લિકાનું નિશાન સટીક કેવી રીતે લાગી ગયું હશે? જેવા પ્રશ્નો ઊભા થાય છે.

 

         ‘ભૂલ ભુલૈયા 3’ ની પ્રશંસા એના કલાકારો માટે કરવી જ પડશે. અભિનયની વાત કરતી વખતે માધુરી દીક્ષિત અને વિદ્યા બાલન પ્રથમ આવે છે. બંનેનું ‘અમિ જે તોમાર’ ગીત દિવાળીમાં બોનસ જેવું છે. બંનેનો ડાન્સ કાબિલે તારીફ છે. ‘દેવદાસ’ ના ‘ડોલા રે ડોલા રે’ ગીતની યાદ અપાવી ગયું છે.

 

         કાર્તિક આર્યન માટે ભલે એમ કહેવાય કે એણે ઘણી જગ્યાએ અક્ષયકુમારની જેમ કામ કર્યું છે. અને એની પાસે સંવાદ અક્ષયકુમારની જેમ બોલાવવામાં આવ્યા છે. પરંતુ એ પોતાના કામને ઈમાનદાર રહ્યો છે. કાર્તિકે માધુરી અને વિદ્યાને અભિનયમાં સારો સાથ આપ્યો છે. આગળ જતાં એ અક્ષયમાંથી કાર્તિક પણ બની જાય છે. મુશ્કેલી એ છે કે રૂહબાબાના પાત્રનો ખાસ ઉપયોગ થયો નથી. ક્લાઇમેક્સમાં કાર્તિકને તક મળી છે. પરંતુ VFX એના અભિનયને ઘણી જગ્યાએ ઢાંકી દે છે.

         તૃપ્તિની ભૂમિકા એવી છે કે એના વિષે કશું કહી શકાય એમ નથી. બસ એક માહોલ બનાવવા માટે આવે છે. વિજય રાજ, રાજપાલ યાદવ, સંજય મિશ્રા વગેરે કલાકારોની યાદી લાંબી છે. પણ હાસ્ય અને હોરરમાં નબળી સ્ક્રિપ્ટમાં થાય એટલી મદદ ફિલ્મને કરે છે. બાકી પ્રિયદર્શનની પહેલી ‘ભૂલ ભુલૈયા’ ની પરંપરાને આગળ વધારવાનું ગજું અનીસમાં દેખાતું નથી. સંગીતકાર પ્રીતમના સારા ગીતો પણ વાર્તાની ગતિને ઘટાડવાનું જ કામ કરે છે. થિયેટરમાં તમને એમ થશે કે મારી પાસે રીમોટ હોત તો અમુક ગીત જોયું જ ના હોત. દિવાળી પર મનોરંજન માટે એક વખત જોઈ શકાય એવી જ ફિલ્મ બની છે.