ધારાવાહિક:- મારા અનુભવો
ભાગ:- 16
શિર્ષક:- હવે આત્મહત્યા નહીં કરું
લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ
રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
📚 ભારતનું બેસ્ટ સેલર પુસ્તક.📚
મારા અનુભવો…
🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી
પ્રકરણઃ…16 . "હવે આત્મહત્યા નહિ કરું."
જન્મવું એ મોટે ભાગે એક સુખદ ઘટના ગણાય છે, પણ મરવું એ દુઃખદ ઘટના ગણાય છે. ‘મોટા ભાગે’ શબ્દ એટલા માટે છે કે કેટલાકનું જન્મવું સુખદ નથી હોતું – તેમના પોતાના માટે, તથા કોઈ વાર બીજાના માટે પણ. એક પાંચ વર્ષની બાળા બળાત્કારનો ભોગ બનીને પ્રાણ ગુમાવે તેના જન્મને સુખદ કેમ કહેવાય ? કદાચ તે ના જન્મી હોત તો જ વધુ સારું હતું. આવી જ રીતે કેટલાંકનાં મૃત્યુ પણ કોઈ વાર પોતાને માટે તો કોઈ વાર બીજાના સૌને માટે સુખદ થઈ જનારાં હોય છે. કૅન્સર જેવા મહાવ્યાધિથી પીડાતા માણસને દીર્ઘાયુષ્યના આશીર્વાદની નહિ, શીઘ્ર અવસાનના આશીર્વાદની જરૂર હોય છે. કેટલાક હાહાકાર મચાવનારા આતતાયીઓનું અવસાન લોકો માટે પરમ સુખદાયી બની જતું હોય છે. પણ આ તો બધા અપવાદ થયા. મુખ્ય નિયમ તો જન્મવું તે સુખદ અને મરવું તે દુઃખદ ઘટનારૂપ છે.
મૃત્યુ દુઃખદ છે જ, પણ મૃત્યુના ઘણા પ્રકાર છેઃ પક્વાવસ્થા પ્રાપ્ત થયા પછી કોઈ વ્યક્તિ મરે તો તે બહુ દુઃખ ના કહેવાય. પક્વાવસ્થા પહેલાં જ કોઈ અકસ્માત વગેરેમાં મૃત્યુ પામે તો તે વધુ દુઃખદ થઈ જાય. વળી કોઈ રાષ્ટ્ર, ધર્મ કે માનવતાના હિતમાં પ્રાણ આપે તો તે ગૌરવભર્યું મૃત્યુ કહેવાય. પણ કેટલીક વાર કોઈ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી નાખે ત્યારે પ્રસંગના સંદર્ભ પ્રમાણે તથા લોકોના અભિગમ પ્રમાણે તેની પ્રતિક્રિયા થાય.
આત્મહત્યા કરનારાઓ પ્રત્યે મારા મનમાં અમાપ લાગણીઓ છે, કારણ કે મને સ્વયં તેનો અડધો અનુભવ છે. માણસ આત્મહત્યા ક્યારે કરતો હોય છે ? જ્યારે જીવન તેના માટે અત્યંત ભારરૂપ બની જતું હોય છે ત્યારે. ભૂખ કે માત્ર દરિદ્રતાના કારણે આત્મહત્યા કરનારાના બહુ જ ઓછા કિસ્સા જોવા મળશે. મોટા ભાગે ગૂંગળાયેલાં જીવન અથવા અત્યંત પ્રતિષ્ઠિત જીવન, જીવનના અતિ ભારને ઊંચકી શકવાની ક્ષમતા ખોઈ બેસતાં આવું પગલું ભરી લેતાં હોય છે.
પશુપક્ષીઓ કદી આત્મહત્યા નથી કરતાં, કારણ કે તેમનું સામાજિક તથા માનસિક જગત નહિવત્ છે. જેમનું સામાજિક તથા માનસિક જગત ઘણું વિસ્તૃત હોય છે, તેમનાં સુખ તથા દુઃખનાં કારણો પણ ઘણાં હોય છે. પ્રત્યેક સંબંધ સુખ માટે જ બંધાયો હોવા છતાં મોટા ભાગે પોતાની અનાવડતને કારણે અથવા સામાવાળાની નાદાની કે નાદારીના કારણે દુઃખો વધુ આવતાં હોય છે. માનસિક આઘાતોનાં મૂળ પ્રેમ, પ્રતિષ્ઠા અને અહંભાવમાં રહેલાં હોય છે. આ ત્રણેનો ત્યાગ જેટલો મોટો તેટલો જ આઘાતનો ધક્કો પણ મોટો. અત્યંત દીન હાલતમાં જીવતા ભિખારીઓ ભાગ્યે જ આત્મહત્યા કરતા હોય છે. હા, ઠંડીમાં થથરીને, ગરમીમાં લૂ લાગીને, વરસાદમાં તણાઈને પ્રાણ ખોનારા ઘણા હોય છે, પણ ઠંડીમાં રોજ થથર્યા કરવું તેના કરતાં આત્મહત્યા કરી લેવા દે, તેવી વૃત્તિવાળાં ભાગ્યે જ કોઈ હશે.
મને લાગે છે કે આત્મહત્યા કરી શકવા જેટલી તેમની હિંમત નથી. એટલે જ તેઓ ભિખારી થયા છે. તેમને પ્રેમ, પ્રતિષ્ઠા અને અહંભાવમાંનું કશું જ નથી હોતું તેથી માનસિક જગતનો ત્યાગ બહુ થોડો હોય છે. શારીરિક આવશ્યકતાઓ પૂરી કરવામાં જ તેમનો દિવસ વીતી જાય છે, છતાં તે પૂરી નથી થઈ હોતી એટલે તેમનું ચિંતન-મનન અધૂરી રહેલી આવશ્યકતાઓમાં રમ્યા કરે તે સ્વાભાવિક છે. પણ જેમને શારીરિક આવશ્યકતાઓ જરૂર કરતાં વધુ પ્રાપ્ત થઈ છે તેમનું મન રોજી-રોટી, મકાન કે કપડાંમાં નહિ પણ માનસિક જગતમાં રખડ્યા કરતું હોય છે. આ માનસિક જગત કેટલીક વાર પ્રેમજગત હોય, કેટલીક વાર પ્રતિષ્ઠા જગત હોય તો કેટલીક વાર અહંભાવનું જગત હોય. ઘણી વાર શારીરિક આવશ્યકતાઓના અભાવ સાથે પ્રેમતંતુ જોડાયેલોહોય ત્યારે દરિદ્રતા ડાકણનું રૂપ ધરીને પ્રેમનું કોમળ ગળું દબાવી કાઢે. પ્રેમ, પ્રેમને ભેટવા જેટલો આતુર હોય છે તેટલો જ જરૂર પડ્યો મૃત્યુને ભેટી લેવા પણ આતુર હોય છે.
કલકત્તામાં આવો જ એક અનુભવ થયો.
રાત્રિના નવેક વાગ્યા હશે. એક કલાક સૂર્ય વહેલો આથમતો હોવાથી આપણા માટે તો દશ વાગ્યા એમ સમજી જવાનું. ધીરે ધીરે લોકો વીખરાઈ ગયા હતા. ચારે તરફ નીરવતા અને શાંતિ હતી. નગરપાલિકાની લાઇટોમાંથી મંદ મંદ પ્રકાશ આવી રહ્યો હતો અને હું નગરપાલિકાના જ બાંકડા ઉપર સૂઈ જવાની તૈયારી કરતો હતો, ત્યાં એક ઊંચો, તેજસ્વી પણ ફિક્કો જુવાન મારી પાસે આવ્યો. તેની સાથે જે લાંબી વાતચીત થઈ તેનો સાર આવો હતો:
તે બિહારના કોઈ નગરથી નોકરી માટે અહીં કલકત્તા અઢાર દિવસથી આવ્યો છે. બિહારમાં ચોવીસ વર્ષની પત્ની તથા બે બાળકો છે. ઘરનું ભાડું ચડી ગયું છે, દેવાદાર થઈ ગયો છે. બેકારીએ તેને નાગચૂડમાં ભીંસી દીધો છે. ભૂખ તથા અપ્રતિષ્ઠાથી થાકીને કાંઈક નોકરી મળશે તેવી આશાએ અહીં કલકત્તા આવ્યો છે. અઢાર દિવસથી ફરે છે પણ નોકરી મળતી નથી. સૌકોઈ ઓળખાણ માંગે છે. પાસે પૈસા નથી. ઘેરથી નીકળ્યો ત્યારે ઘરમાં લોટ પણ ન હતો. કલકત્તા જઈને તરત જ પૈસા મોકલીશ તેવી હામ આપીને તે આવ્યો છે પણ તે પોતે જ કોઈ શેઠના અન્નક્ષેત્રમાં પાતળી ખીચડીથી અડધું પેટ ભરીને દિવસ કાઢે છે. હવે પત્નીને પૈસા કેવી રીતે મોકલવા ? રહી રહીને તેને પત્ની અને બાળકો યાદ આવે છે.
તેનું હ્રદય રડી ઊઠે છે... ઓ વિધાતા, તેં મને પ્રેમ આપ્યો, દામ્પત્ય આપ્યું, પણ સાથે સાથે કારમી ગરીબી પણ આપી, હું મારી વહાલી પત્ની તથા કનૈયા જેવાં બે બાળકોનાં પેટ પણ ભરી શકતો નથી. ધિક્કાર છે મને... તે જીવનથી તંગ આવી ગયો છે. તદ્દન ભાંગી પડ્યો છે, હવે તેની એક જ ઇચ્છા છે. નજીકમાં જ આવેલી રેલ નીચે કપાઈ મરવું. પત્નીને કરુણાભરી ચિઠ્ઠી તેણે લખી છે, જે હજી પોસ્ટ કરી નથી. આ માણસ કોઈ કોઈ વાર મારા સત્સંગમાં આવતો એટલે તથા તેના ઘરમાં સંત-સમાગમની પ્રથા હોવાથી તેને સંતો પ્રત્યે અનહદ માન છે, મરતાં પહેલાં મારી પાસે પોતાની વેદના ખાલી કરવા આવ્યો છે. તેની વાતો તથા વ્યવહારથી મને ખાતરી થઈ ગઈ હતી કે આ માણસ સાચે જ આત્મહત્યા કરી બેસશે.
હું ધર્મસંકટમાં મુકાઈ જાઉં છું, લક્ષ્મીનો સ્પર્શ નહિ કરવાનો નિયમ અત્યારે મને ત્રાસદાયી લાગે છે. મને થાય છે કે જો અત્યારે મારી પાસે પૈસા હોત તો બધા જ પૈસા આ ભાઈને આપી દેત. પણ મારી પાસે તો કાણો પૈસોય નથી. અંતે હું તેને એક વાતે રાજી કરી દઉં છું કે આજે નહિ, આવતી કાલે તું આત્મહત્યા કરજે. મારું વચન રાખવા માટે તે વાતને માની જાય છે. તે વિદાય થાય છે, પણ તેની અસર મારા ઉપર એટલી મોટી મૂકતો જાય છે કે આખી રાત મને ઊંઘ નથી આવતી. મને વિચારો આવે છે :
આ કાયસ્થ રૂપાળો યુવાન ! કેટલાં અરમાનોથી પરણ્યો હશે ! તેની પત્ની અને બાળકો પણ કેવાં સુંદર હશે ? એ સુંદરતામાં પાછી આદર્શની ચમક ભળી, પણ તેમાં દરિદ્રતાની લોહમેખ પણ લાગી. આ યુવાનને માતાપિતા નથી તો બીજી તરફ તેની પત્નીને પણ પિયરમાં ખાસ કોઈ નથી.
ભારતમાં કુલીન ગણાતાં કુટુંબોમાં જ્યારે મુખ્ય વ્યક્તિ મરી જાય છે, ત્યારે આખું કુટુંબ મરી જતું હોય છે. કારણ કે મુખ્ય વ્યક્તિ જ સૌની તારણહાર હોય છે. સૌ તેના અવલંબને જીવતાં પરાવલંબી હોય છે, જેમ જેમ ખાનદાનીનું શિખર ઊંચું થતું જાય, તેમ તેમ પરાવલંબિતાની તળેટી પણ ઊંડી થતી જાય તેવી સમાજવ્યવસ્થા છે. ખાનદાન સ્ત્રીઓના પગની પાની પણ કોઈ જોઈ ના શકે એટલે તે માત્ર ચાર દીવાલ વચ્ચેની મેના થઈને રહે. મુખ્ય માણસ મરતાં જ આખું ઘર નિરાધાર થઈ જાય. દીકરીને દાગીનાનો દહેજ આપવો તેના કરતાં સ્વાવલંબિતાની શક્તિ આપવી તે સાચું કલ્યાણ છે.
રહી રહીને મારું અંતર કહેતું : પ્રભુ, આ વ્યક્તિને નોકરી આપ, ધંધો આપ. જો તે મરી જશે તો તેની પાછળ બીજા ત્રણ જીવો પણ મરી જશે. તેની પત્ની દરિદ્રતાને તો સહન કરી લેશે, પણ પ્રિય પતિના આપઘાતનો ધક્કો સહન નહિ કરી શકે.'
સવાર થયું અને સાંજ થઈ, રાત પડી અને કાલની માફક ધીરે ધીરે સૌ વીખરાવા લાગ્યાં. હું એકલો રહી ગયો. મારું મન પેલા માણસની આતુરતાથી રાહ જોતું હતું. આજે તે આવશે અને કહેશે કે “હવે તમારું વચન મેં પૂરું કર્યું, હવે તો મને મરવા દો !' હવે હું તેને રોકી નહિ શકું. આ સામે રેલના પાટા, એક ક્ષણમાં તેનું સુંદર શરીર ચૂંથાઈ જશે. હું તેનો દર્શક માત્ર થઈશઃ વિચારો ચાલતા રહ્યા.
દશ વાગ્યા પણ તે ન આવ્યો. હવે મારી ધીરજ ખૂટી હતી. સૂઈ જવાનો સમય ક્યારનોય થઈ ગયો હોવા છતાં હું સૂતો ન હતો. મારી દૃષ્ટિ સામે હતી, તેની પ્રતીક્ષામાં. હું થાક્યો. મને થયું જરૂર તેણે આત્મહત્યા કરી લીધી હશે. જરૂર..... જરૂર..... ઓહ…લાચારીના ખપ્પરમાં રોજે રોજ કેટલાં મસ્તક હોમાતાં હશે ! કલકત્તા જેવી ધનાઢ્ય નગરીમાં ઊંચી આલીશાન ઇમારતોમાં રહેનારાઓને ક્યાં ખબર હશે કે તમારી એક દિવસની સિગારેટોમાં કોઈ ગરીબનું આખું જીવન બચી શકતું હોય છે. જો શ્રીમંતાઈની સાથે માનવતા જાગે તો બેડો પાર થઈ જાય.
અંતે થાકીને હું આડો પડવાની તૈયારી કરતો હતો. ત્યાં લાંબાં લાંબાં ડગ ભરતો તે આવ્યો. મને નિરાંત થઈ. આવતાં જ મારા પગમાં માથું મૂકી દીધું, ‘સ્વામીજી, આપને મુઝે નયા જીવન દિયા.' તે રડી પડ્યો. તેની પીઠ ઉપર હું હાથ ફેરવતો રહ્યો. અંતે તે બોલ્યો, “મહારાજ, નોકરી મિલ ગઈ. તેની વાતથી મને પણ સંતોષ થયો.
વાત આમ બનેલી :
આજે કોઈ મારવાડી શેઠને ત્યાં તે નોકરી માટે ગયેલો, શેઠે ઓળખાણ માગી, ઓળખાણ ન હોવાથી તેણે કહ્યું કે ભગવાન જ મારી ઓળખાણ છે. શેઠે ના કહી, પણ શેઠાણી દૈવી જીવ હતાં. તેમણે શેઠને સમજાવીને પેલાને નોકરીમાં રખાવી લીધો, એટલું જ નહિ, તેને ભરપેટ જમાડ્યો. સ્વાદિષ્ટ રસોઈ અને તે પણ ભરપેટ જમવાની તક ઘણા દિવસો પછી તેને મળી હતી. જમતાં જમતાં તેને પત્ની અને બાળકો યાદ આવ્યાં, તેનાથી રડી જવાયું. અન્નપૂર્ણાના અવતાર સમી શેઠાણી સમજી ગઈ કે આ કોઈ દુખિયો માણસ છે. બધી વાત પૂછી, બધી વાત જાણી. શેઠાણીએ તરત જ બસો રૂપિયા આપ્યા: જાઓ તમારી પત્નીને મનીઑર્ડર કરી આવો. પત્નીને મનીઑર્ડર કર્યું. આવતી કાલે તો પહોંચી જશે. હવે તેના પગમાં જોર હતું. એક મડદું જીવતું થયું. પેલી શેઠાણીએ ખરેખર શેઠાણીનું પદ દીપાવ્યું. પેલો યુવાન તો વળી મારું જ નિમિત્ત માનતો હતો. આપકે આશીર્વાદસે હી નોકરી મિલી મૈં તો મર ગયા હોતા, જો આપ મુઝે રોકતે નહીં ઔર નોકરી દિલાતે નહીં
મેં તેને પૂછ્યું, “અબ આત્મહત્યા કરની હૈ ?”તેણે ઝટ ઉત્તર આપ્યો, ‘ના સરકાર. અબ મૈં આત્મહત્યા નહીં કરૂંગા.'મેં પ્રભુનો આભાર માન્યો.યજ્ઞો, સપ્તાહો, છપ્પનભોગો અને સમૈયાઓમાં લખલૂટ ખર્ચો કરનારાઓને જાણ થવી જોઈએ કે એક માણસને રોજી આપવી, એક-બે કુટુંબોને આજીવિકાનું સાધન આપવું તે ખરો યજ્ઞ છે, તે ખરી સપ્તાહ છે, તેમાં જ છપ્પનભોગો અને સમૈયાઓ છે. ધર્મને માનવતા તરફ વાળવામાં આવે એ જ ધર્મની તેજસ્વિતા છે.
આભાર
સ્નેહલ જાની